Friday, April 15, 2016

"નાનાં બાળક કરતાંય શ્વાનની સંભાળ વધુ લેવી પડે.."મુંબઈ સમાચાર,૧૭/૦૩/૨૦૧૬ ગુરુવાર,મરક મરક, લાડકી section

“રાજુ હવે અહીં નહીં રહી શકે...”
“એ અહીં જ રહેશે...”
સોસાયટીનો કમિટી રૂમ સભ્યોથી ખચાખચ ભરેલો હતો. દલીલો-પ્રતિદલીલો જોરશોરથી સંભળાઈ રહી હતી. રાજુ હવે સોસાયટીમાં રહેશે કે નહીં એની નાનાં-મોટાં સહુને ઇંતેજારી હતી પણ જેના માટે આ બધી દલીલો ઝઘડાનું રૂપ ધારણ કરી લે એવી શક્યતાઓ હતી એને એટલે કે ખુદ “રાજુ”ને જ ખબર ન હતી કે આ બધું શું ચાલી રહ્યું છે! ચૂપચાપ ખૂણામાં બધાની સામે વારાફરતી જોઈ રહેલો રાજુ આ બધા ટોળાં અવાજ ઘોંઘાટથી અલિપ્ત હતો. “જ્યારે આપણાં વડાં પ્રધાન પણ ઘેરઘેર અને ઠેરઠેર સ્વચ્છતા માટે કેસરી સાફામાં “ક્યા હમ તય કરેએએએ...” કરીને ટી.વી. રેડિયો પર જોરશોરથી મન કી બાતમાં વારંવાર સ્વચ્છતાની અપીલો કરી રહ્યાં છે એવે ટાંકણે શું રાજુનું આપણી સોસાયટીમાં રહેવું વ્યાજબી છે?” બળવંતકાકા ઉવાચ... ને પછી દે ધનાધન... “એ કાકા... તમારા ત્રીજા માળની બાલ્કનીમાંથી સવારની પહોરમાં સંતરાનાં, કેળાનાં, મોસંબીનાં છોતરાંભિષેક થાય છે એ બધાય ને ખબર છે. કોઈ બોલતું નથી એનો અર્થ એ નહીં કે તમારાં સમાજ વિરોધી કૃત્યથી બધાં અજાણ છે.” સજડબમ દલીલથી બળવંતકાકાના મ્હોં પર ટેપ લાગી ગઈ ને એ ચૂપ. જાતજાતની ભાતભાતની દાખલા દલીલો પછી બધા સભ્યો સર્વાનુમતે એવા નિર્ણય પર આવ્યાં કે રૂ. 15,000 સોસાયટીનાં ફંડમાં જમા કરાવવા પડશે પછી જ “રાજુ” અહીં રહેવાને પાત્ર ગણાશે. જો “રાજુ” કોઈનાં પર હુમલો કરશે કે કરડશે તો પીડિતની સારવારનો તમામ ખર્ચ “રાજુ”ના વાલી અર્થાત્ ભટ્ટજીએ ભરવો પડશે. “રાજુ”નાં પટ્ટામાં રેડિયમ નંખાવવું પડશે જેથી રાત્રે અંધારામાંય “રાજુ”ની હયાતીનો આંગતૂકને અણસાર રહે અને એ જાગૃત રહે. “રાજુ” ઓછામાં ઓછું ભસે એ માટે ભટ્ટજીએ ખાસ નિષ્ણાતની વ્યવસ્થા કરીને રાજુને ટ્રેઇનિંગ અપાવવી પડશે. “રાજુ”એ એની દેહધાર્મિક ક્રિયાઓ બાજુની સોસાયટીનાં પાછલાં ગેઇટ પાસે પતાવવાની રહેશે. “રાજુ” માટે આટલા “ડુ ઝ” અને “ડોન્ટસ” નિર્ધારિત થયા પછી “રાજુ” ને ઓછું ન આવે એટલા માટે ત્રણ ઠરાવ એની તરફેણમાંય કરવામાં આવ્યાં. રાજુને કોઈએ “કુકુ...કુકુ... લે... કુકુકુકુ...” જેવા હોકારા પડકારાથી બોલાવવો નહીં અને એનું માન જળવાય એ રીતે એને “રાજુ” નામથી જ બોલાવવો. આવતાં-જતાં કોઈએ એને વરંડામાં કે બહાર ઓટલાં પર બેઠો હોય તો સળીઓ કરવી નહીં કે વધેલાં હાંડવા-ઢોકળાનાં ટુકડાં, બિસ્કિટ કે રોટલી ધરવા નહીં. ને લાસ્ટ બટનોટ લિસ્ટ – “રાજુ” જ્યારે સુંઘવા આવે ત્યારે ખોટી દોડાદોડી કે ચીસાચીસ ન કરવી અને શાંતિથી એને સહકાર આપવો તેમ જ એને “હટ્ટ હટ્ટ...” જેવા માનહાનિવાચક શબ્દો વાપરવા નહીં કારણ કે આખરે “રાજુ” પરિવારનો જ સભ્ય છે. બધાંએ ઠરાવ પર હસ્તાક્ષર કર્યા અને પછી ગાંઠિયા જલેબી ખાધાં. થોડાં “રાજુ”ને પણ ધરવામાં આવ્યાં પણ “રાજુ”ને આ બધો બખેડો પોતાનાં લીધે છે એવી ગંધ આવતાં એણે પોતાના પ્રિય ગાંઠિયા સૂંઘ્યાય નહીં અને ભટ્ટજીને ઘર ભણી તાણવા લાગ્યો.
જેને ત્યાં “રાજુ”ઓ હશે એમને ખબર હશે કે કુટુંબમાં કેટલી હદે એ ભળી જાય છે. ઘણાં ઘરો તો એવાંય હશે કે સૌથી વધારે સમજુ “રાજુ” જ હોય. જેમ બાવાઓમાં તાંત્રિક, કાપાલિક, અઘોરી હોય એમ શ્વાનોમાં લાબ્રાડોર, બૉક્સર, પોમેરિયન વગેરે વગેરે હોય છે. આ બધીય જાતિ-પ્રજાતિ એક સાથે જોવી હોય તો હવે લગભગ દરેક શહેરમાં “ડૉગ-શૉ” – “શ્વાનમેળા” દર શિયાળે યોજાય જ છે. શ્વાનની લે-વેચ થી માંડીને શ્વાન-સ્પર્ધા. શ્વાન માટે જાતજાતનાં પ્રસાધનો, રમકડાં, કપડાં જોવા મળે. હવે તો ફોટોગ્રાફી બૂથની સુવિધાય જોવા મળે છે. અહીં શ્વાનની જુદી જુદી અદાઓમાં ફોટોગ્રાફી કરી આપવામાં આવે જેથી શ્વાન અને શ્વાન ધારકો માટે યાદગીરી સચવાય. મોટાભાગે તો શ્વાન જ્યારે સાવ નાનું હોય ત્યારે જ એને માલિક ખરીદી લે અથવા પોતાનાં ઘરે લઈ આવે જેથી શ્વાન જલદી સેટ થઈ જાય.
પહેલાનાં જમાનામાં રાજાઓ હાથીઘોડાં પાળતા. કારણ? જગ્યા... બૉસ.... જગ્યા. આજે 1 કે 2 BHKના ફ્લેટમાં હાથીઘોડા રાખે તોય ક્યાં રાખે? એ સંજોગોમાં શ્વાન બરાબરનાં ફાવી ગયા છે. ભટ્ટજી આવા જ એક શ્વાનમેળામાંથી અતિઉત્સાહથી એક શ્વાનબાળ કાયદેસર રીતે ઘરે લઈ આવ્યાં. ને ફોઈએ પાડ્યું “રાજુ” નામ. થોડો સમય સોસાયટીવાળાને વાંધો ન આવ્યો પણ પછી કોઈ વિઘ્નસંતોષીઓથી “રાજુ”નું સુખ જોવાયું કે જિરવાયું નહીં અને એણે સોસાયટીનાં ચૅરમૅન પાસે લેખિત ફરિયાદ કરી અને પરિણામે આ બધું ઊભું થયું. ખેર, ભટ્ટજી એ ઠરાવાનુસાર સૌ પહેલા તો ટ્રેઇનરને બોલાવ્યા. ટ્રેઇનર આવ્યો અને ભટ્ટજીનાં ઘરે બેલ વગાડી. ભટ્ટજીએ દરવાજો ખોલ્યો તો સામે દરવાજાની બહારની જાળી ફીટોફીટ બંધ રાખીને ટ્રેઇનર મહાશય ઊભેલાં.” સર, આ તમારું ડૉગ કરડે છે?” એટલે ભટ્ટજી એ જવાબ આપ્યો, “આમ તો કંઈ નથી કરતું આઈ જાવ તમતમારે. આજે ખબર પડી જશે.” પેલો વીર ટ્રેઇનિંગવાળો પરાણે હિંમત રાખીને ઘરમાં પ્રવેશ્યો અને થોડી વાર પછી એને ભરોસો બેઠો કે રાજુ નહીં જ કરડે. ભટ્ટજીએ એને એ શું શીખવાડશે એમ પૂછ્યું જેનાં ઉત્તરમાં ટ્રેઇનરે કહ્યું. હું એને ઉઠતાં બેસતાં શીખવાડીશ. બહારથી છાપું/ટપાલ લઈ આવતા શીખવાડીશ.” ભટ્ટજીને આમેય “રાજુ”ને કોઈ ફરજ પાડે એ સામે ભયંકર વાંધો હતો એટલે એમણે ટ્રેઇનરને પૂછ્યું : “રાજુને ઉઠતાં-બેસતાં તો આવડે જ છે ને મારે ત્યાં છાપાં/ટપાલ એટલા બધાં આવે કે એ બિચારો વહન કે સહન નહીં કરી શકે. હા, પણ એ ટ્વિકંલ ટ્વિકંલ ગાશે? તો તમે આવવા માંડો.” ટ્રેઇનર ડઘાઈ ગયો. ને ચા પાણી પીને ચાલતી પકડી.
તમે જોજો જ્યારે શ્વાન માલિક – શ્વાનને ચલાવવા નીકળે ત્યારે મોટાભાગના કેસમાં શ્વાન માલિકને ફેરવવા નીકળ્યો હોય એમ માલિકને ખેંચતો હશે. શ્વાનનાં ગયા ભવમાં પુણ્ય હશે તે આ ભવમાં એને બેઠાં બેઠાં ખાવા, હરવા-ફરવા મળે. જાતજાતનાં ડૉગ ફૂડથી ડૉગ બિચારું ઓચાઈ જાય એ હદ સુધી એના પર અખતરાં કરવામાં આવે. અમુક જાતિના શ્વાન અમુક જ ફૂડ ખાય અથવા એને અમુક જ ફૂડ આપી શકાય. નાનાં બાળક કરતાંય વધારે સાર-સંભાળ ઘરનાં શ્વાનની લેવી પડે. દાંત આવતા હોય ત્યારે જેમ નાનું બાળક ગમે તે વસ્તુ મોંમાં નાંખે એમ શ્વાનબાળ પણ જે નજરે પડે એ મોંમાં ઓરી દે. રાજુને દાંત આવતાં હતા ત્યારે એણે ઘરનાં સોફાનાં દરેક હાથામાં દાંત મારેલાં. ને હાથા પર ઝીણાં ઝીણાં છિદ્રોની ડિઝાઇન બનાવી દીધેલી. એકવાર મોંઘા જિન્સ પર દાંત અજમાવી જોયાં તો બીજી એક વાર લેધર બેગનો લિજ્જતથી ખાતમો બોલાવી દીધો. અંદરથી 100ની નોટ પડી તો એ ય ફટાફટ ચાવી નાંખી. ભટ્ટજીએ રાજુની આ પરાક્રમ ગાથાઓ સોસાયટીમાં કહેવા માંડી અને એમ કરીને સોસાયટીનાં બાળકોનો પ્રેમ રાજુ માટે રિઝર્વ કરાવી લીધો.
આપણી ફિલ્મોમાંય કુતરાં ઘણી વાર ખૂબ સારું પર્ફોર્મન્સ આપી ચૂક્યાં છે. “તેરી મહેરબાનીયા” નામની ફિલ્મમાં ખુદ જેકી શ્રોફ પણ કબૂલે છે. “હમ આપકે હૈ કૌન”માં જો પેલું પોમેરિયન ના હોત તો ફિલ્મનો સુખાંત આવવા વિશે જરા શંકા છે.
શ્વાન અને મનુષ્યની જોડીદાર મહાભારતકાળથી પ્રચલિત છે. યુધિષ્ઠિરે પાંડવો અને દ્રૌપદી સાથે જ્યારે હિમાલય તરફ પ્રયાણ આદરેલું ત્યારે માર્ગમાં એક પછી એક પાંડવોએ યુધિષ્ઠિરનો સાથ છોડી દીધેલો. માત્ર એક શ્વાને જ અંત સુધી સાથ નિભાવેલો. શ્વાનપ્રેમ હિન્દી ફિલ્મોમાં અભિનેતા-અભિનેત્રીઓમાંય એટલો છલકે છે અને વારે તહેવારે સોશિયલ મિડિયા પર ફોટોગ્રાફ્સ, બ્લોગ સ્વરૂપે ટપકતો રહે છે. તો સાહિત્યમાંય કહેવતોમાં શ્વાનની હાજરી નોંધનીય છે. સમાજમાં બે જણા ઝઘડતાં હોય તો ય સાંભળવાનું બિચારાં કૂતરાંને ભાગે આવે છે. “શું કૂતરાંની જેમ બાઝે છે?” આ ઉક્તિ દરેકે ક્યારેક તો કોઈ ને કોઈ રીતે સાંભળી જ હશે.
 
શેરીનાં કૂતરાં સૌથી વફાદાર હોય છે. શેરીમાં એક એક જણને ઓળખે. આવે ત્યારે ખૂબ જ હરખથી સ્વાગત કરે અને વ્યક્તિ જાય ત્યારે ય એની ઇચ્છા થાય ત્યાં સુધી વળાવવા જાય. કૂતરાંઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. એને તમે ગમે તેટલાં દૂર મૂકી આવો પણ પાછાં પોતાની અસલ જગ્યાએ આવી જ જાય. બહુ ભાગ્યે જ એવું બને કે પાળેલું કૂતરું એનાં માલિકને કરડે સિવાય કે માલિક રાજકારણી હોય! શ્વાનધારકને જો ઘર બંધ રાખવાનું આવે તો હવે તો Dog-hostels પણ શરૂ થઈ છે. અમુક ચાર્જ લઈને તમારું કૂતરું સાચવે. ઘણીવાર આવી હોસ્ટેલમાં પોતાના જીવથી વ્હાલા આ નાનકડાં અબોલ જીવને મૂકતાં જીવ પણ ન ચાલે પણ તો ય ભારે હૃદયે અને ભરેલી આંખે કન્યાવિદાય આપતાં હોય એમ શ્વાનને હોસ્ટેલમાં મૂકતાં શ્વાનપ્રેમીઓની સંખ્યા ય નાની નહીં જ હોય! વોડાફોનની કૂતરાવાળી જાહેરખબર પછી એકદમ જ ઘરમાં એવા ટોય-ડૉગ રાખવાની ફેશન થઈ પડી અને પાળતું શ્વાન જુદી જુદી જાતિઓની તો જૈસે નિકલ પડી. જો કે ખરાં શ્વાનપ્રેમી માટે તો શેરીનાં કૂતરાં પર પણ એટલું જ વહાલ વરસાવે છે. એમાં બેમત નથી.
 
ખોંખારો : મનુષ્ય જો કૂતરાં  પાસેથી “વફાદારી” ય શીખે તો જગતનાં મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય.

http://bombaysamachar.com/epaper/e17-3-2016/LADKI-THU-17-03-2016-Page-4.pdf

No comments:

Post a Comment