Thursday, November 10, 2016

આંજણી- શુકનની સોગઠી



   રોગના પ્રકાર પાડવામાં આવે તો દાક્તરી વિદ્યામાં જે હોય એ પણ કોમન મેન માટે એમ કહી શકાય કે રોગ બે પ્રકારના હોય છે. સ્થુળ- જે દેખાય એવા હોય અને સુક્ષ્મ- જે વર્ણવવા પડે. દા.ત. કોઈને ઉધરસ થઈ હોય તો એ સ્થુળ રોગ કહેવાય. એ ઉધરસ ખાય એટલે ખબર પડે જ કે એને ઉધરસ થઈ છે. અથવા તો તાવ આવ્યો હોય તો થર્મોમીટર પર માપી શકાય પણ કોઈ એમ કહે કે એને પેટ કે માથું  દુખે છે તો દુખાવાનું ઉધરસમાં હોય એવું સોલીડ લક્ષણ નથી હોતું કે જેથી એને ખરેખર  દુખે છે એવું એના સિવાય બીજું કોઈ પણ કહી શકે. આવા દુખાવાની જાણ માત્ર અને માત્ર દર્દીને જ હોય છે.  એટલે  પેટ કે માથાનો દુખાવો સુક્ષ્મ રોગની કક્ષામાં મુકી શકાય.પેટમાં દુખતું હોય અને કોઈને ત્યાં જમવા જવાનું નિમંત્રણ હોય તો યજમાનને તમે એમ કહો કે મને પેટમાં તકલીફ છે તો હું માત્ર ખીચડી કઢી જ લઈ શકીશ તો ઉત્સાહી અને આગ્રહપ્રેમી યજમાન ખીચડી ય એટલી ખવડાવે કે પેટમાં તકલીફ વધી જાય અને આપણાને એમ થઈ જાય કે આના કરતા તો બધું થોડું થોડું ખાઇ લેવા જેવું હતું. પણ, " તમતમારે ખીચડી ખાવ. પેટ માટે બહુ સારી, પચવામાં સાવ હલકી.." પુણ્યે પાપ ઠેલાય એ ન્યાયે અને થોડાં મનના મોળા હોવાને લીધે આપણે ખીચડી વધારે ખાઈ નાંખીએ પછી જ બધી રામાયણ . આ પચવામાં સાવ હલકી ચીજ પેટની થોડી તકલીફ  ભારે તકલીફ કરવા સક્ષમ નીવડે.

એક નિર્દોષ રોગ છે "આંજણી" . આ નામમાં જો સંધિ છુટી પાડો તો આંજ્ + અણી . આંખમાં કોઈ અણીદાર વસ્તુ આંજી હોય એવી વેદના કરાવનાર વ્યાધિ એટલે આંજણી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ રોગની ખાસિયત એવી છે કે જેને થાય એને એ આર્થિક લાભ કરાવે એવી માન્યતા પરાપુર્વ કાળથી ચાલી આવે છે. આંખ પર થતી નાની અમથી ફોડકી ચમરબંધીઓને રડાવી નાંખે એવી હોય. થાય એને જ ખબર પડે કે કેવી લાહ્ય બળે ..વારે વારે ખંજવાળવાની અસહ્ય ઈચ્છા થાય પણ કેટકેટલો સંયમ રાખવો પડે. આંજણીને એટલી જ ખબર હોય છે કે એણે આંખ પર જ થવાનું છે . એ અબુધને આંખના ઉપરના પોપચાં પર થવાનું છે કે નીચેની બાજુ થવાનું છે એ વિશે સ્થળભાન હોતું નથી એટલે એ ગમે ત્યાં ફુટી નીકળે. શરુઆતમાં જરા જરા લાહ્ય બળે છે કે કંઈક ખુંચે છે એવી લાગણી થાય એટલે આંજણીમાલિક વારેવારે આંખ પર હાથ લગાડે અથવા આંખ ધોઈને રાહત મેળવવાનો પ્રયત્ન કરે. ને આંજણીએ માલિકને પરેશાન કરવાની  હઠ સાથે જ અવતાર ધર્યો હોય એટલે થઈને જ રહે. આંજણીનું આયુષ્ય માંડ બે કે વધુમાં વધુ ત્રણ દિવસનું હોય છે પણ આટલા અલ્પાયુષ્યમાં ય ધારકને તોબા પોકરાવી દે.  જેવી આંજણી થાય કે જિતને મુંહ ઉતની બાત.. જે જુએ એ આંજણી નાથવાનો અમોઘ ઉપાય બતાવે. પહેલાં તો "આંજણી બહુ લાભદાયી કહેવાય. નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો ફાયદો થવાનો લખી રાખો. " જેવા સુકુનવાળા બે ચાર વાક્યો ફેંકે. જરા સારું ય લાગે પણ વળી પેલી આંજણી થકી ટાંકણી ભોંકાયા જેવી ફીલીંગ આવે.એટલે પાછા આંખ પર સરસ સફેદ ગડી કરેલો રુમાલમાં ફૂંક મારીને આંખ પર મુકીએ.વળી કોઈ હિતેચ્છુ આંજણીમાં રાહત થાય એ માટે ઉપાય કહે." સાચ્ચા ચંદનનો સહેજ લેપ કરો. એક જ દિવસમાં આંજણી થઈ હતી એ ય યાદ નહીં રહે એવું ચકાચક થઈ જસે. ચંદન આપડે ત્યાં જ હતું ય ખરું પણ સુ છે કે દિવાળીમાં ઘણી બધી ડબલીની સર્જિકલ સ્ટ્રાઈક થઈ ગઈ તો આ ચંદનવાળી ડબલી મળવી જરા મુશ્કેલ છે. " .. હવે સાચ્ચુ ચંદન ક્યાં મળે એની માહિતી ય ચંદન લગાડો કહેનારા પાસે હોય જ. કોઈ વળી ગરમ પાણીથી શેક કરવા કહે તો કોઈ વળી આંખની ગરમી છે કહીને આંખને ઠંડક કરવાના ઉપાયો દેખાડે. નો ડાઉટ , બધાની ભાવના સારી હોય પણ આંખ બીજાની હોય ! 
ગોચર અગોચરમાં માનનારા જેમ સ્વપ્નાઓનો અર્થ કાઢી આપે એમ આંજણી કોને , કઈ આંખે , ઉપલા પોપચે કે નીચલા પોપચે થઈ એનું વિસ્તારપુર્વક ફળકથન કરી આપતા હોય છે. મોટાભાગની આંજણીઓ લાભદાયક અને શુકનિયાળ હોય છે. પણ એ લાભનો લુત્ફ ઉઠાવતા પહેલાં તકલીફમાંથી પસાર થવું પડે છે. કવિને જો આંજણી સહન કરવાની આવી હોત તો આપણાને "હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે.... "જેવી પંક્તિને બદલે " આંજણીના દર્દની તમને જરા જો કલ્પના આવે..."  ટાઈપની પંક્તિ મળી શકી હોત. રામાયણ કે મહાભારતમાં કોઈને આંજણી થઈ હોય તો ય ક્યાંય નોંધાઈ નથી. પેલી જાણીતી કથા મુજબ કદાચ દશરથરાજા જ્યારે કૈકેયી સાથે યુધ્ધમાં ગયા ત્યારે  કૈકેયીએ પોતાની આંગળીના બલિદાનના બદલામાં માંગેલા બે વચનપુર્તિ સમયે ભરતને આંજણી થઈ જ હોવી જોઈએ. પણ ભરત હજી નાના હોવાથી એમને ટીવી પર  આખો દિવસ પોકેમોન ને છોટા ભીમ જોયા કરવાની આડઅસર માનીને બધાએ નજરઅંદાજ કર્યું હોય અને આવી મહત્વની ઘટના ચુકાઈ ગઈ હોય એમ બને. વિભીષણને ય આંજણી થયા પછી જ સોનાની લંકાના રાજપાટ મળ્યા હોય તો નવાઈ નહીં. સેઈમ કેસ મહાભારતમાં ય બન્યો હશે. જ્યારે ગુરુ દ્રોણની  ધનુષવિદ્યાની પ્રેક્ટિકલ એકઝામ હતી  ત્યારે અર્જુનને  ઓલરેડી આંજણી થયેલી હોવાથી એની એક આંખ બંધ જ હતી. અને એને બધું જ કટ સાઈઝમાં દેખાતું હતું. ઈવન પેલા પક્ષીની ય  એક જ આંખ એને દેખાતી હતી એના મૂળમાં આંજણી જહતી. અને એટલે જ એ વધુ ચોક્સાઈથી નિશાન તાકી શક્યો. પણ અર્જુન બધાનો ફેવરિટ રાજકુમાર હતો અને ત્યારે કૌરવ અને પાંડવ એમ બે જ પક્ષ  હોવાથી  આંજણીવાળી વાત બહાર આવતા પહેલાં જ દબાઈ ગઈ બાકી યાદવાસ્થળીના મંડાણ ત્યારથી જ થઈ જાત. અર્જુનને આંજણી છાશવારે થતી જ રહેતી હોવી જોઈએ.  કારણકે , લાભ ખાટવા માટે એકેય પગારપંચની રાહ જોવાની એને જરુર પડી નથી. 
ખોંખારો : જ્યારે શકુનિએ જુગારમાં પાસાં ફેંક્યા ત્યારે અેકસામટી કેટલા જણને આંજણી થઈ હશે એ ક્યાંય નોંધાયુ નથી બાકી મહાભારતમાં " આંજણીપર્વ" નામનો અધ્યાય ચોક્કસ સ્થાન પામ્યો હોત. 

PUBLISHED IN MUMBAI SAMACHAR, લાડકી...૧૦/૧૧/૨૦૧૬ ગુરુવાર, 'મરક મરક' 

2 comments:

  1. હહાહાહા મસ્ત લેખ
    આંજણી અને સલાહો દેનારા .. વાંચી પદ્મશ્રી ભીખુદાનભાઈ હળવી શૈલીમાં એક વાત કહે છે તે યાદ આવી ..
    એક ભાઈ ને આંજણી થઇ.. એક ભાઈ આવ્યા પૂછ્યું શું થયું આ આંખે ટેરા જેવું ? જ.-આંજણી ... એમ ? શું લગાવ્યું છે એના પર ? જ.-લીમડાનાં પાન વાટીને લગાડ્યા છે ...લીમડાના નહિ ભાઈ ખાખરાના લગાડાય ... બીજો આવ્યો શું થયું શું લગાડ્યું ... જ. - ખાખરાના પાન ... ખાખરાના પાન નહિ ભાઈ એના મુળિયા વાટીને લગાડાય ... આમ જેટલા મળ્યા એમ દવા બદલાતી ગઈ .. સરવાળે આંજણી ન ગઈ આંખ જતી રહી ....

    ReplyDelete