૨૧ એપ્રિલ ,૨૦૧૧ . પપ્પાના ઓપરેશન આડે ગણતરીના દિવસો બાકી હતા. આ બાબુભાઈ રાણપરા સાંજના સમયે અમારા ઘરે આવેલા .ચારેક વાગ્યાના અરસામાં.થોડી આડીઅવળી વાતો..ખાતર બરદાશ્ત પછી બાબુભાઈ એ પપ્પા સાથેની એમની મુલાકાત વિષે જણાવ્યું . ‘ કોઈ ખાસ ઓળખતું નહોતું ત્યારે બેનબા ,તમારા બાપુજીએ મારો હાથ પકડેલો . ‘ બસ આટલી જ વાત પછી એમની આંખ અને અવાજ બંને ભરાઈ ગયેલા . થોડીવાર પછી સ્વસ્થ થયા અને પોતે હનુમાન ચાલીસા નો પાઠ કરવા ઈચ્છે છે એમ કહ્યું . પપ્પા એ હા પાડી પછી જે બુલંદ અવાજે એમણે હનુમાન ચાલીસા લલકાર્યા. અવાજની એ બુલંદી ને અક્ષરદેહ આપવા કદાચ કોઈ કલમ સમર્થ નહિ હોય . ઘરમાં વાતાવરણ એકદમ ભક્તિ સંગીતમય બની ગયું . અમારો પરિવાર મૂળે આર્યસમાજીસ્ટ એટલે ઘરમાં ક્યાય મંદિર કે દેવદેવીના ફોટા કશું મળે નહિ પણ બાબુભાઈ નો અવાજ એ કશાનો મોહતાજ ક્યાં હતો !!!! હનુમાન ચાલીસા નો પાઠ પૂરો થયો પછી લીટરલી ઘરમાં સોપો પડી ગયો . બધા જ ભાવાવેશ માં ....પાંચેક મિનીટ પછી વાતાવરણ પૂર્વવત થયું ને ફરીથી વાતો - અખૂટ વાતો શરુ થઇ . જેમાંથી એક વાત હજુયે યાદ રહી ગઈ છે . : " એક દિવસ શ્રાવણ મહિનામાં આ બધા મેડલોનો કોથળો લઈને ભોગાવો નદીમાં મારા દિકરા સાથે ઉભો રહ્યો . નદીમાં પાણી ઊંચા આવતા જતા હતા ને હું ઉભો હતો . થોડીવાર પછી હાથમાંનો મેડલો વાળો કોથળો ડૂબી ગયો . એ જ ક્ષણે મને સ્ફૂર્યું કે જે મેડલ પોતે જ નથી બચી શક્યા એ મને શું તારવાના ? .... ને બધા મેડલ વહી જવા દીધા ...હું જોતો રહ્યો ...” કેટલી નિસ્પૃહતા !!!! બાબુભાઈ રાણપુરાને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.
સ્વ. બાબુભાઈ રાણપુરાના આત્માને પરમાત્મા અસીમ શાંતિ બક્ષે એવી જ અભ્યર્થના ..
હરિ: ઓમ...