Thursday, August 25, 2016

નંદઘેર આનંદ ભયો..



રિયો ઓલિમ્પિક્સમાં ભારતના ભાગે આવેલો પહેલો કાંસ્ય ચંદ્રક સાક્ષી મલિકે જીત્યો ને એ ય 'કુસ્તી' માટે. નામ બોલવામાં ય જીભના ગોટા વળી જાય  એવી નામધારી પુસરેલા વૈંકટા સિંધુએ બેડમિંટનમાં રજત ચંદ્રક હાંસલ કર્યો ને ફુલ રેકેટ ના ભાવ પણ ઉંચકાયા. બેડમિંટનનો ઉચ્ચાર  ઘણાં આજે ય 'બેડમિંગ્ટન ' કરે છે.અટપટુ નામ બોલવા કરતા ફુલ રેકેટ એકદમ સરળ ને જીભવગું છે. કેટલાંય લોકો તો એમ જ માને છે કે  બેડમિંટન એટલે જીતેન્દ્રના  ' ઢલ ગયા દિન .(ટુક) ..હો ગઈ શામ..(ટુક) .. વાળા ગીતમાં'  ટુક ' મ્યુિઝક વખતે રમાતી રમત એ ગીત થકી જ ભારતમાં  લોન્ચ થઈ છે. આ ગીતમાં જે ઝડપથી બંને જણા ફુલ રેકેટ રમે છે એ ઝડપમાં તો ભારત કી બેટી અને સ્પેઈન કી બેટી એક સેટ રમી નાંખે. બેડમંિટનની ખરી મઝા તો શટલકોક આમથી તેમ ફંગોળાય એ જોવાની છે.આપણે ત્યાં તો માણસો ય ફંગોળાય છે.આ નવજોતસિંઘ સિધ્ધુનો જ દાખલો જ લો.ભાજપમાંથી ફંગોળાઈને મહાશય 'આપ'માં ગયા.પણ છેલ્લા રિપોર્ટ પ્રમાણે  એ હજુ હવામાં જ છે , ખબર નહીં એ કોના કોર્ટમાં જઈને પડશે.વળી, આ રમત પ્રેક્ષકની ડોકનો દુખાવો મટાડવાની થેરપી છે.ડાબેથી જમણે ને જમણેથી ડાબે ફરે. જો કે કોઈવાર અતિઝડપી શોટ્સના લીધે ડોકમાં જર્ક પણ આવી શકે છે માટે અનુભવી ડોક્ટરની સલાહાનુસાર જ સ્ટેિડયમમાં મેચ જોવી.
   પચાસથી સિત્તેરના વયજુથનાં કરોડો લોકો માટે કુસ્તી એટલે દારાસિંહ અને રંધાવા નામના બે કુસ્તીબાજોનો પર્યાય. યુ.પી.ના અનેક શહેરોમાં હજુ ય આધુનિક રમતો ખાસ પહોંચી નથી ત્યાં કુસ્તીનું એકહથ્થુ શાસન બરકરાર છે. સવારમાં પીઠ પર સરસીયાના તેલની ધાર કરીને શરીરને માટીથી નવડાવતા ' સીટી પહેલવાનો' આજે ય અખાડામાં જોવા મળે છે.એકબીજાને ધુળ ચાટતા કરીને જલેબી ને દૂધ ખાતા આ પહેલવાનોની જાણ બહાર સાક્ષી મલિક નામની, હજી પચીસીમાં ય ન પહોંચેલી દીકરીએ  બધા પહેલવાનોને ધૂળ ચાટતા કરી દીધા છે. અખાડાઓ ધીમે ધીમે 'જીમ'માં ફેરવાઈ રહ્યા છે તેવા સમયમાં સાક્ષીએ આમ મેડલ જીતીને અખાડાને 'સ્ટેચ્યુ' કહી દીધું છે. કેલ્શિયમની ખામી હોય એવાં છોકરાંઓ ધૂળ ખાય ને આધુનિક મમ્મીઓ બાળકને લઈ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે દોડે એના કરતાં અખાડામાં પહેલવાનો પાસે કુસ્તીની તાલીમ અપાવે એવી સંભાવના નકારી શકાય એવી નથી. એક પંથ દો કાજ. દરેક છોકરીઓ જો 'સાક્ષીભાવ' રાખે તો મજાલ છે કોઈ છોકરાની કે સીટી મારીને ભાગી જાય ! કહેવાય છે કે કલમની તાકાત આગળ બધા એ ઝુકવુ પડે પણ કલમની તાકાતે ય ક્યારેક ઘુંટણિયે પડવું પડે એવું ભારતની આ જાંબાઝ દીકરીઓએ કરી દેખાડ્યું. બ્લેક કોફી પીતા પીતા , સોશિયલ મીડિયા પર ચટરપટર કરતાં કરતાં આ રમતવીરોના સંઘર્ષની ' સેલ્ફી' પાડી શકે એવું કોઈ સાધન શોધાયું નથી શોભાબહેન.. 
     રિયો ઓલિમ્પિક્સમાં મળેલી સફળતાથી સરેરાશ ભારતીયને ક્રિકેટ સિવાય પણ કોઈ રમતની ચર્ચા થઈ શકે એવો ખ્યાલ આવ્યો છે . ને સ્ત્રીઓ માત્ર જીભ કે કડછી જ ચલાવી શકે એવી જુગજુની માન્યતાના કાંગરા ખર્યા છે.ફાંકડા બાવડાંવાળા ૧૧ જણાં ભેગાં થઈને ય સેમીફાઈનલ હારી જાય, વળી ત્રણ ચાર નિષ્ણાતો ચ્હા કોફીને ન્યાય આપતા આપતા એ હાર વિશે ચર્ચાઓ કરે..એના કરતા હવે આવી રમતોને અને સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવાના ફાંકડા દિવસો આવી ગયા છે. નંદઘેર આનંદ 
પાછું આ બધું બન્યું ય કૃષ્ણજન્મના મહિનામાં જ.એટલે સૌને જયશ્રીકૃષ્ણ તો કહેવું જ પડે. મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી સમયે દહીંહાંડી કે હાંડીફોડનો રિવાજ છે. બેડમિંટનની જેમ આ હાંડીફોડને પ્રચલિત કરવા  હિન્દી ફિલ્મોએ ખાસ્સુ ફુટેજ આપ્યું છે. ગોવિંદા આલા રે.. આજની તારીખમાં ય દહીંહાંડીનુ રાષ્ટ્રીય ગીત છે. પહેલાં માત્ર ગોવિંદાઓ જ મટકી ફોડતા પણ હવે ગોવિંદીઓ ય અમુક અમુક જગ્યાએ દેખાતી થઈ છે ખરી.
બાલકૃષ્ણલીલાના ભાગ એવી આ દહીંહાંડી છેલ્લાં થોડાં વરસથી રાજકારણીઓ, શ્રીમંતો દ્વારા શરુ કરાયેલાં ગંજાવર ઈનામોને  કારણે  પોતાની મૂળ દંતકથાથી જરા આડી ફંટાઈને સ્પર્ધાત્મક બની જવા પામી છે. બાકી સમગ્ર મહારાષ્ટ્રમાં જે રીતે આ મટકીફોડ કે દહીંહાંડી ઉજવાય છે એ જોતાં ભગવાન શ્રી કૃષ્ણને ય કદાચ પોતાનું જન્મસ્થાન મથુરા હોવા વિષે શંકા જતી હશે. ભારતમાં કૃષ્ણનાં દરેક સ્વરુપને આસ્થાળુઓએ લખલૂટ ચાહ્યું છે.કૃષ્ણ પોતે કોઈ દિવસ જુગાર રમ્યા ન હતા પણ જન્માષ્ટમીની સાથે સાથે જુગારનું ય તત્વ જોડાયેલું છે.સાતમ આઠમ આવે કે ધાડેધાડાં જુગાર રમવા ઉતરી પડે.ભગવાનના નામે જુગાર રમવામાં એટલા તો વ્યસ્ત ને મસ્ત હોય કે ખરેખર જો ભગવાન જન્મ લે તો એમની સામે જોવાની ય ફુરસદ ન હોય. જો ખેલાડીની તરફેણમાં પાનાં નીકળે તો રાતના ૧૨ ન વાગ્યા હોય તો પણ એમને ત્યાં પ્રિમેચ્યોર્ડ પણ સબ સલામત કૃષ્ણજન્મ  થઈ ગયો હોય એવી હરખની હેલી આવે છે. ઘણી જગ્યાએ પૈસાની લેતીદેતી વિના નિર્દોષ જુગાર બી રમાય. તો કેટલીક જગ્યાએ ભાઈઓ , બહેનો અને બાળકોનો જુદોજુદો જુગાર બી યથાશક્તિ  રમાય.જૈસી જિસકી સોચ.

         વિશ્વસ્તરે રમતગમતમાં આ વખતે  આપણે ય જરાક નોંધપાત્ર કરી  દેખાડ્યું એ જોતા સરકારે ખેલમહાકુંભ જેવા રમતમેળાઓ વિષે ગંભીરતાથી વિચારવું જોઈએ. ક્રિકેટની જેમ કબડ્ડીની ય આઈપીએલ સિઝનની શરુઆત થઈ છે એ આવકારદાયક  છે. આંદોલનો, ટાંટિયાખેંચ, ડિબેટ્સ,બેફામ વાણીવિલાસ જેવી રમતોને અધિકૃતતા આપવી જોઈએ અને એ રમતો માટે આપણા રાજકારણીઓ શ્રેષ્ઠ કોચ બની રહે એમાં બેમત નથી .એટલે સરકારે આમાં ખાસ બહારથી કોચ લાવવા નહીં પડે. સરવાળે લાભ દેશનો જ છે.  આમ પણ,  આપણી ઉત્સવપ્રિય પ્રજા ગમે ત્યાંથી આનંદ માણવા ટેવાયેલી છે એટલે એ રાજકારણમાંથી ય આનંદ મેળવી જ લે છે. પાનના ગલ્લે , ઓટલા પરિષદો, બગીચાઓમાં ભેગાં થતાં જુદાં જુદાં જુથો, વોટ્સપ ગૃપ્સ, ફેસબુક ગૃપ્સ વગેરે વગેરે સ્થળોએ થતી ઉગ્ર-સૌમ્ય ચર્ચાઓ દેશ તો ઠીક વિદેશની ય  ભલભલા કોકડાં ઉકેલીને એનો ય લુત્ફ ઉઠાવે એવી સક્ષમ છે. 

ખોંખારો :પી.વી. સિંધુના ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં રજત ચંદ્રક જીતવાથી મચ્છર મારવાના રેકેટનાં ભાવમાં ઉછાળો.( ફીલ ગુડ ફેક્ટર #રિયો_ઓલિમ્પિક્સ ) 

Published in Mumbai samachar ,25/08/2016 thursday , laadki , " મરક મરક

2 comments: