Wednesday, July 4, 2018

વિનોદકાકા- વિદાયનું વસમું ટાણું..

#નવનીત_સમર્પણ, જુલાઈ ૨૦૧૮



   એમ તો પહેલાં ય મળવાનું થયેલું એમને,પણ અલપઝલપ. ધૃતિ ઇ.સ. ૨૦૧૩માં  યુએસથી અહીં આવી ત્યારે એને લઇને એમને ત્યાં ગયેલી. ધૃતિને એ પહેલી વાર મળી રહ્યા હતા. વાતવાતમાં ધૃતિને એમણે મારા પપ્પા તુષાર ભટ્ટ વિષે કહ્યું : ' તું મોડી પડી. એ માણસ મળવા જેવો હતો. ' આ વાક્યથી મારી આંખો મારી જાણ બહાર વરસવા લાગી. તરત જ ઊભા થઇને મારા માથે હાથ ફેરવ્યો.' એમ રડવાનું નહીં. તારો આ વિનોદકાકો બેઠો હોય ને દીકરી રડે એ ના ચાલે..' ને પછી થોડીવારમાં એવા એવા કિસ્સાઓ સંભળાવ્યા કે હું સ્વસ્થ થઇ ગઈ ,એ ય મારી જાણ બહાર .
પછી તો ગમે ત્યારે એમના ઘરે પહોંચી જવાય એવી દોસ્તી થઈ ગઇ. જ્યારે જાઉં ત્યારે એક પુસ્તક આપો એમ કહી જોઉં. અહીં એ બિલકુલ મારા પપ્પા જેવા જ. પુસ્તક આપે જ નહીં.   બીજું જે જોઇએ એ આપવા તૈયાર, પણ પુસ્તક નહીં.
  હળવા લેખ લખવાનું શરુ કર્યું ત્યારે મને થોડી અવઢવ હતી કે એ લખાણ વાંચવું ગમે એવું છે કે નહીં. થોડાં લેખ લખ્યા પછી એમને ફોન કર્યો કે મારે માર્ગદર્શન માટે મળવું છે. તરત જ હા કહી એટલે વિવેક અને હું પહોંચી ગયા. જરાવાર આમતેમ વાતો કર્યા પછી અમને એક કિસ્સો સંભળાવ્યો: ' એક રિક્ષાચાલક ભાઈ મારી પાસે આ જ રીતે લેખો લઇને આવ્યાં.  લેખો વાંચ્યા પછી મેં એમને કહ્યું કે ભાઈ, તમે રિક્ષા વધારે સારી ચલાવી શકો એમ છો. એમણે મારી વાત માની ને અત્યારે ત્રણ ત્રણ ટેક્સી ભાડે આપવા સુધી પ્રગતિ કરી છે. ' અમે હસી પડ્યાં ને ત્રણ લેખો આપીને મેં કહ્યું કે ' આ વાંચીને કહો કે મારે તમારી પાસે દિક્ષા લેવી કે રિક્ષા લેવી ? 
' રિક્ષા મારે લઈ આપવાની છે? ' ફરી એકવાર એમનો વરંડો હાસ્યોથી છલોછલ.. 
બે દિવસ પછી એમનો ફોન આવ્યો કે રિક્ષા લેવાની જરુર નથી. પછી તો ગમે ત્યારે ફોન કરું ને પહોંચી જાઉં એમના ઘરે.  " તું યાર મને ગમે ત્યારે ફોન કર્યા વિના મળવા આવી જ શકે છે સોમ મંગળ બુધ હોય તો પણ.. ને માસ્તર, સુથારનું મન બાવળિયે ..આ છોકરીને મારો ચોપડીઓનો કબાટ ના દેખાડીશ. હું આપું એ ચોપડી એને લેવી નથી હોતી ને એને મારે ન આપવી હોય એ જ ચોપડી પર એનો હાથ મૂકે છે ને પછી હું એને ના નથી કહી શકતો... " ને માસ્તર  એટલે કે નલિનીકાકી મીઠું મીઠું મલકાયા કરે..  સોમવાર,મંગળવાર અને બુધવાર એ પોતોનાં લેખ માટે અનામત રાખતા. દૈનિકમાં અને ઓનલાઈન સાઈટ પર મારી હાસ્યકોલમ શરુ થઈ ત્યારે સૌથી વધારે આનંદ એમને થયેલો. મળવાનું થાય કે ફોન પર વાત થાય ત્યારે અચૂક કોલમ વિષે પૂછે. મને કામ લાગી શકે એવા મુદ્દા પણ કહે. હું એમને મારું પાવરહાઉસ કહું. ને એ હસી કાઢે. પછી કહે કે 'જો.. કોલમ બંધ થઈ જાય તો ય ઉદાસ નહીં થવાનું. બધું હળવાશથી લેવાનું. તું ઉદાસ થાય તો મને ના ગમે.લખતા રહેવાનું બસ. પુસ્તક કર. હવે તો એટલા થઈ જ ગયા લેખો. '  
માંદગીના છેલ્લા દિવસોમાં એકવાર અમે મળવા ગયા. પથારીવશ તો હતા જ પણ એ દિવસે આંખ પણ ખુલતી નહતી. તો ય ચિરપરિચિત લહેકામાં પુત્રવધુ વૈદેહીબહેનને કહ્યું: ' બેટા વૈદેહી.. આમને ચ્હા કે શરબત આપો.'  વિવેકે કહ્યું કે આ હમણાં જ લીંબુપાણી પીધું. એટલે બંધ આંખે જ પૂછ્યું: ' કેમ? ઘરેથી બનાવીને લાવેલા? પીવું જ પડશે. ' હવે આવા પ્રેમાગ્રહ આગળ કોઈ કેટલી ઝીંક ઝીલે?

એ કાયમ કહેતા કે કોઈને ગોડફાધર નહીં બનાવવાના. ને કોઈ લેખકને ઓળખવાની કોશિષ ન કરવી. ભ્રમ ભાંગી જ જાય.. તમારા કિસ્સામાં એ વાત સદંતર ખોટી સાબિત થઈ છે મિ. વિનોદ ભટ્ટ. એવા રે તમે કેવા ?  હવે માસ્તર પણ નથી ને વગર ફોને ગમે ત્યારે આવી જજે એવું કહેનારા વિનોદકાકા ય નથી.. જો કે , નથી એમ તો નહીં જ કહું ..
પ્રણામ વિનોદકાકા.