Tuesday, July 16, 2013

બહારગામ જાવ છો ?????



તમે બહારગામ જવા માટે સામાન બાંધતા હો એ જોવા છતાં પણ .." તમે બહારગામ જાવ છો ? " એવું પૂછનારા 100% તમને પણ ભટકાયા જ હશે . તમારામાં હોશિયારી ભારોભાર ભરી હોય,  સામેવાળાને એ ખબર પણ હોય તેમ છતાય સામાન કેમ વ્ય્વશ્થીત પેક કરવો એ વિષે સલાહ સૂચનો આપનારા પણ મળ્યા જ હશે ....આવા હિતેચ્છુઓને જુદી જુદી કેટેગરી માં વહેચી શકાય :

1. ખણખોદીયા હિતેચ્છુ  :

આ પ્રકાર ના હિતેચ્છુઓને તમારા બહારગામ જવા વિષે જ નહિ પણ તમારા બહારગામના A - to - Z કાર્યક્રમોની વિગતો જાણવામાં પણ બેહદ રસ હોઈ છે ને જોવાની ખૂબી એ છે કે તમે એને જે પણ details આપો એમાં લાલા અમરનાથની જેમ expert comment ફટકારે જ ....ક્યારેક તમને તમારા બુદ્ધિ આંક વિષે સંદેહ જાગે એ હદ સુધી માનસિક ત્રાસ ગુજારે 

2. જસ્ટ - ટુ -નો ટાઈપ હિતેચ્છુ  :

આ પ્રકારના હિતેચ્છુ તમારી બહારગામની વિગતો - - તારીખો હોટેલો વગેરે વિષે શક્ય એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરે અને કહે કે ' જસ્ટ - ટુ -નો "...." જસ્ટ - ટુ -નો' .  આ જસ્ટ - ટુ -નો માં તમારો મોટાભાગનો પ્રવાસ કવર થઇ જાય ....

3. તારણહાર હિતેચ્છુ:

તમે બહારગામ ક્યાં જવાનાં છો એ જાણ્યા  પછી ફટ્ટ કરતાંક ને એ સ્થળ પર રહેતા પોતાના સગા વાહલા ની ગણતરી કરાવી દે . અને ઉમેરે .. " કઈ પણ જરૂર હોય તો બોસ્સ બિન્દાસ આમનો કોન્ટેક્ટ કરજો ....આપણું  નામ દેજો તમતમારે ...." આ તારણહાર હિતેચ્છુ મનમાં એ પણ જાણતા હોય છે કે આપણે કી ફોન બોન કરવાના નથી જ નથી . કદાચ એટલે જ કહ્યું હોય માત્ર છાકો પાડવા કે ઈમ્પ્રેસ્સ કરવા . એમ પણ બને કે જે તે સગા વહાલા સાથે એમને પણ કોઈ ખાસ સંબંધ ના હોય . હા માત્ર સંપર્ક પુરતી માહિતી હોય એમ બને ...

4. MBA - મને બધું આવડે ટાઇપ હિતેચ્છુ :

આ કેટેગરીના હિતેચ્છુઓ સૌથી વધારે ખતરનાક હોય છે . એ તમારા ટીકીટ બુકિંગ , હોટેલ બુકિંગ માં કઈ કરાવી શકતા નથી પણ તમે મહા મહેનતે પેક કરેલી બેગો ધરાર ખાલી કરાવે જ .  " અમે US ગયેલા ત્યારે બધાની બેગો મેં જ પેક કરેલી ...' કે પછી ..... " મારે તો એના પપ્પા ને વારે વારે બહારગામ જવાનું થાય અને બેગ પેક કરવાનું તો મારે માથે  જ આવે  એટલે આમાં આપણી ભયંકર માસ્ટરી આઈ ગઈ છે .પુછાઈ જોજો કોઈનેય .".. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી બધી જ મહેનત એમની માસ્ટરી આગળ પાણી ભરે ....ને બેગો ખોલાવ્યે  જ છૂટકો કરે .

5. હેલીકોપ્ટર હિતેચ્છુ :
હેલીકોપ્ટર જોયું છે ને ? ...ઉપર પંખો ફર્યા કરતો હોય ....એક્જેટલી એ જ રીતે આ પ્રકારના હિતેચ્છુઓ તમારી ઉપર જ ફર્યા કરે ..જ્યાં સુધી બેગો બહાર રીક્ષા કે કાર માં મુકાય ના જાય ત્યાં સુધી એમની રેકર્ડ ચાલે . ક્યારેક તો બેગો મુકાય જાય પછી પણ એમની ક્વેશ્ચન બેંક ખુલેલી જ હોય ..information desk પણ સતત update થયા કરે ..!! "...ટીકીટ કીધી ? ....પૈસા લીધા ?  ...સાચવજો હો એ બાજુ ચોરીનો ઉપદ્રવ જરા વધારે છે . અમારે થયેલું એવું એકવાર .... આપણા મનમાં ચોરભાઈ  માટે લીટરલી માં થઇ આવે કે આટલી ચોક્કસ ને   ને પણ લુટી  લીધી ? સામાન ફટાફટ વાહન માં મૂકી ને આપણે ડ્રાઈવર ને કહીએ કે  ..." ફટાફટ ભગાવ ભાયલા ....બહુ મોડું થઇ ગયું .."  થોડીવાર રહીને પાછળ પણ જોઈ લઈએ કે હેલીકોપ્ટર પાછળ તો નથી આવતું ને ક્વેશ્ચન બેંક લઇ ને.... 

સાર  : ગમે એવા હોશિયાર .....ચાલાક ....ચતુર હિતેચ્છુઓ તમને મળ્યા હોઈ ...પણ જરૂર પડ્યે તમને તમારી જ વિવેકબુદ્ધિ કામે લાગતી હોઈ છે . પછી વારેતહેવારે આપણે આપણો અનુભવ અન્યત્ર હિતેચ્છુ બનીને સત્યનારાયણ ના શીરાની જેમ બહુજનાય લાભાર્થે વહેચીયે છીએ . વહેચીયે છીએ ને ? ...... સાચું બોલજો .......


- શિલ્પા દેસાઈ

(काકોપનિષદમાંથી)  

Saturday, October 20, 2012

અભણ....


અભણ ..
થોડાં દિવસ પહેલાં દવાખાને જવાનું થયું. આખું ક્લિનિક ભરચક્ક..મારો વારો આવે તેની રાહ જોતી હું આજુબાજુમાં ફાંફાં મારી ને સમય પસાર કરતી હતી. અચાનક જ મારી સામે બેઠેલા બહેનના ખોળામાં સુતેલા એક ટાબરિયાથી ઉલટી થઇ ગઈ..હું દૂર હતી એટલે મારા પર છાંટા ઉડવાનો ખાસ પ્રશ્ન ન હતો ..મને સુગ તો બહુ ચઢી પણ મારી લાગણી ઓ કાબુ માં રાખી ને મેં વિજયી ની અદાથી આજુબાજુ માં જોયું કે મને આ ઘટના થી જરા પણ ફરક પડ્યો નથી..એટલામાં પેલા બાળકની બાજુ માં બેઠેલા અન્ય દર્દી બહેન ..જે સાવ  લઘરવઘર..અભણ લગતા હતા એ બોલ્યા.." હોય બુન..સોક્રું સ ને ઇમોય મોંદુ સ..થઇ જાય.."આ શબ્દોથી પેલા માંદા બાળકની માતા ને જરા ક્ષોભ ઓછો થયો ..
પણ...હું વિચારતી થઇ ગઈ...કે..ખરેખર અભણ કોણ???એ ગમાર કે લઘરવઘર લાગતી બહેનો???? કે હું???

Friday, July 2, 2010

આથી માલમ થાય કે....

આથી માલમ થાય કે..
તારો કાગળ મળ્યો કાલની ટપાલમાં..
અહીં બધું કુશળમંગળ..
ખોટી ચિંતા ના કર વ્હાલ-મા..
બીજું એમ લખવાનું કે..
વાદળ-વરસાદ પણ ખુશહાલમાં..
એક કવિતા લખી રહ્યો છું હાલમાં..
મોકલી આપીશ...
વળતી ટપાલમાં..
અરે ..અરે..એમ ગુસ્સે શું થાય છે?
કે ખાલી ખાલી વ્હાલ-માં???
ભલે..હું જ આવી જઈશ..બસ???
વળતી ટપાલમાં....
એ ય..સાંભળને..પેલું કહેવાનું તો રહી જ ગયું..
બધી બબાલમા...
અહીં એક સફેદ સસલું છે..
એને જોઉં ને..
તો તું દોડી આવે ખયાલમાં..
ચાલ,અત્યારે તો આટલું જ..
તું ,તું ને તું જ..
બીજું કશું સુઝ્તું નથી
તારા વ્હાલ-માં..
એ જ લિખિતંગ..
બીજું કોણ....
વરસે જે..
સદાયે તારા..
વ્હાલમાં

ShID © 2010

Saturday, June 26, 2010

જત લખવાનું કે..

જત લખવાનું કે..
આજે અહીં ગોરંભાયુ છે..વ્હાલ-મા..
ગમ્મે ત્યારે મુશલધાર વરસશે..વ્હાલ-મા..

આવે ત્યારે..
થોડાં વાદળાં લેતો આવજે..વ્હાલ-મા..
ને અહીં રમતાં મેલી દેજે ..વ્હાલ-મા..

પણ શરત એટલી કે..
તારે પણ ભીંજાવુ પડશે ..વ્હાલ-મા..
આજે કોઇ બહાનું નહીં ચાલે..વ્હાલ-મા..

આવે ત્યારે..
ઉજાગરા વહેંચી ને પીશું..વ્હાલ-મા..
હમણાં તો એકબીજાં ને સ્મર્યાં કરીએ..વ્હાલ-મા..

જત લખવાનું કે..
હવે એક એક ક્ષણ યુગ જેવડી લાગે..વ્હાલ-મા..
કેમ કરી ને ખુટાડવી ..મારા વ્હાલમા....

એ જ લિખિતંગ..
બીજું કોણ..
તરસે સદાયે....
જે..
તારા વ્હાલ-મા..



ShID © 2010 ·

Wednesday, June 9, 2010

ગીત....

આંખના કાજળની કીધી સિયાહી
ને લખ્યો એક પત્ર...
સિયાહીમાંથી વહ્યાં..
લાગણીભીનાં સ્પંદન માત્ર..
સ્પંદન ગૂંથીને રચ્યું એક ગીત..
છલકી ઊઠી એમાંથી..
રાધાતણી પ્રીત...
મોરપિંચ્છ્ની કીધી કલમ..
લખ્યો એક પત્ર..
કલમમાંથી વહયાં..
વાંસળીનાં સૂર માત્ર..
સૂર વીણીને રચ્યું એક ગીત..
ગૂંજી ઊઠી એમાંથી..
રાધાતણી પ્રીત..

ShID © 2010 ·..

Tuesday, June 8, 2010

મનપ્રદેશ હવે રણપ્રદેશ..

મનપ્રદેશ હવે રણપ્રદેશ..
ઝાંઝવાનાં જળ પાછળ દોડ્તું
આ મન..
હવે રણને અર્પણ..
લીમડાનાં લહેરાતા છાંયડાના
બદલે...
હવે બાવળનું ઊભું વન..
શૂળો થકી છેદાયેલું આ
મન..
હવે ..
રણને અર્પણ..
મનપ્રદેશ ..
હવે ..
રણપ્રદેશ..

ShID © 2010

Friday, May 28, 2010

ઝુરાપો....

વરસ્યા કરીને ય તરસ્યા કરીએ..
દૂર રહીને ય સ્પર્શ્યા કરીએ..

વણબોલાયેલી વાતે ય મલક્યા કરીએ..
આછેરી ઝલક માટે ય ઝુર્યા કરીએ..

આંખ વાટે નીર બનીને ય વહ્યા કરીએ..

એમ જ..

સમયની...

રેત પર..

સર્યા કરીએ..

ShID.. © 2010