Thursday, September 15, 2016

ચલ ચલ ચલ મેરી રામપિયારી..


  ગણપતિજીનું વિસર્જન થાય પછી શ્રાધ્ધપક્ષ બેસે. આપણે ભારતીયો તહેવાર વહેવાર તો ઠીક છે પણ ખાણીપીણીના નિતનવા કારણ ચોક્કસ શોધી પાડીએ છીએ. શ્રાવણ, પર્યુષણમાં ઉપવાસની કઠોર તપસ્યા કરીએ ને પછી ભાદરવામાં પૂર્વજોને શ્રાધ્ધના બહાને આપણે જ દૂધપાક પુરી અને પાતરાં ખાઈએ ને વળી પાછાં નવરાત્રીમાં ઉપવાસ. નવરાત્રીમાં શક્તિ ઉપાસનાની સાથે સાથે વાહનખરીદીનું જબરું મહત્વ છે.કારણો તો ભગવાન જાણે પણ દશેરાના દિવસ પુરતા લગભગ બધાં વાહનો હારતોરાંથી શોભે છે. આ હારતોરાં બીજા દિવસે ગાય બકરી માટે જ્યાફત બને છે.કેટલો  પ્રાણીપ્રેમ!  ઘરમાં નવું વાહન  આવે એટલે 'નવું નવ દહાડા'ના ન્યાયે થોડાં દિવસ બરાબર ધ્યાન રખાય પણ પછી હરિ: ૐ.જરાક સાવધાની મોટી મોટી દુર્ઘટનાઓ ટાળી શકે છે. વાહનને જો આપણે આપણા બાળકની માફક સાચવીએ તો બાળકો તો કદાચેય આગળ જતાં ક-છોરું થાય પણ વાહન ક-વાહન થતું નથી. વાહન સાચવણી શ્રેણી અંતર્ગત અહીં કાર અને પ્લેન સાચવવાની નિવડેલી ચાવીઓ જનહિતમાં જારી કરવામાં આવેલી છે.

 કાર કેવી રીતે સાચવશો? 







૧. સૌપ્રથમ તો પરવડે એવી કાર લેવી. રંગની પસંદગી આપણા near ones dear ones ને સોંપી આપણે ચોક્કસ રંગ માટે વધારાનાં કેટલાં ફદિયાં ચુકવવા પડશે એ ફિકર કરવી . 
૨. કાર લઈ આવ્યા પછી એના પાર્કિંંગ માટે વ્યવસ્થિત જગ્યા નકકી કરો. બંગલામાં પાર્કિગની સમસ્યા ઓછી થાય છે. ફ્લેટમાં આ સમસ્યા ભયંકર વકરેલી જોવા મળે છે. 
૩. પાર્કિંંગ પતે એટલે કારને કવર કરવા વિષે વિચારવું . ઘરમાં જૂની ચાદર ચારસા કે રજાઈ કવરમાંથી સરખંુ માપ લઈ કાર કવર સીવડાવી બચતનો ઉત્તમ દાખલો બેસાડો.ખાસ નોંધ : કારને કવર કરવાથી ધૂળ તડકા વરસાદથી કારનું રક્ષણ થાય છે અને કદાચ ધૂળ લાગેલી પણ હોય તો ય આવતા-જતાં માનવબાળ કારનાં કાચ ઉપર પોતાનાં પ્રેમપ્રકરણોની મફત જાહેરખબર  કરતાં અને કપિ-બાળ કે શ્વાન-બાળ અટકચાળા કરતા અટકે છે. 
૪. કારનું કવર સીવડાવતા વધેલા ચાદર ચારસાના કટકા ચીંદરડા કાર સાફ કરવા ઉપયોગમાં લઈ શકાય. 
૫. કારની ચાવી માટે સરસ મઝાની કિચેન લાવો. દેવીદેવતાના ચિત્રોવાળી, કાર્ટુન, હાર્ટ , શુ,સ્લીપર, એકાક્ષરી ..જે ગમે એ કિચેન લો. ડુપ્લીકેટ ચાવી માટે ઓછી કિંમતની કિચેન પર પસંદગી ઉતારી  શકાય.આ ડુપ્લીકેટ ચાવી ક્યાં મુકી છે એ ઘરના બધા સભ્યોને બરાબર ખબર હોય એ ખાસ ધ્યાન રાખવું. ( ઓરિજિનલ ચાવી ખોવાય એ પહેલાં ડુપ્લીકેટ ચાવી       ખોવાઈ હોય એવો એક દાખલો ઇતિહાસે નોંધ્યો નથી પણ છે ખરો. )
૬. કાર લાંબા સમય સુધી વપરાશમાં ન લેવાની હોય તો દર બે દિવસે કારને સેલ મારો . (સેલ શબ્દને  વેચવાના અર્થમાં ન લેવા વિનંતી) રોજ રાત્રે કારમાંથી સ્ટીરીયોની ચેનલ કાઢીને ઘરમાં બીજા દિવસે મળી જાય એમ નજરવગી રાખો.
૭. કાર લીધા વિના એક દિવસ માટે બહારગામ જતા હોવ તો કારમાંથી ગવંડર કહેતા ગવર્નર કહેતા સ્ટીયરીંંગ છુટુ પાડીને ઘરમાં મુકો.કાર લીધા વિના એકથી વધુ દિવસ માટે સપરિવાર જતા હોવ તો કારના બધા પૈડાં ય છુટાં પાડીને ઘરમાં મુકો.આથી કોઈની મતિ ફરવાની શક્યતા નહીંવત્ થઈ જાય અને કારના નુકસાન કે  કાર-ચોરીનો ભય રાખ્યા વિના નચિંતપણે બહારગામ જઈ શકાય. 
૮. આટલી કાળજી રાખવાથી તમારી કાર શો-રુમમાં હોય એવી જ રહેશે . 
૯.હવે સૌથી અગત્યની વાત . ઘરમાં હાજર હોય એ બધા એ કાર છોડાવીએ કે તરત જ જુદા જુદા એંગલથી  ભૂલ્યા  વિના સેલ્ફી પાડી લેવા. 
૧૦. આટલું ધ્યાન રાખવા છતાં ય કાર વાપરવાથી આજે નહીં તો કાલે,  'રામપ્યારી' તો થવાની જ છે.જો એ પરિસ્થિતિ માન્ય ન હોય તો બધી પળોજણ મુકીને ટોયશોપમાં જઈને એક ટોયકાર ખરીદવામાં સમજદારી છે.



અહીં દર્શાવેલાં એરોપ્લેન- વિમાન સાચવણીના સુચનો  જેનો ભારતીય પાસપોર્ટ રદ થયેલો છે તે  રા.રા. શ્રી શ્રી વિજય માલ્યાને સમર્પિત છે. એમના અભૂતપુર્વ કારનામાંઓ  વિના આ સૂચનો કદી સુઝી શક્યા હોત કે કેમ એ લાખ રુપિયાનો પ્રશ્ન છે. 

#સૌ પ્રથમ એરોપ્લેનને બીયરથી બરાબર ધોઈને લુછી લો. 
#હવે એરોપ્લેનના બારી બારણાં ખુલ્લાં કરી દો. પાયલટ કેબીનમાં ફ્રન્ટ વિન્ડો પણ ખોલી નાખો. જેથી બીયર વ્હીસ્કીની વાસ આવતી બંધ થઇ જાય.
 #બની શકે તો બધી સીટ્સ પણ છૂટી કરી ને એકવાર તડકે મૂકી દો. 
 #બે દિવસ પછી બધી સીટ્સ પાછી યથાસ્થાને મૂકી બારી બારણાં બંધ કરી દેવાં. 
 #હવે એરોપ્લેનને કવર કરી દો. કવર ડેકોરેટિવ બનાવવું હોય તો પ્લેનના લાઈફ જેકેટ્સ ઉપયોગમાં લઇ લેવાય. 
#બારી બારણાં બંધ કરતાં પહેલા પ્લેનમાં સારી કંપનીનું એર ફ્રેશનર છાંટવાનું ભૂલશો નહી. 
#દર ત્રીજા દિવસે પ્લેનની બેટરીને સેલ મારવો જેથી બેટરી ન ઉતરી જાય. 
#પ્લેન સ્ટાર્ટ ન થાય તો આપણે જે દેવીદેવતામાં માનતા હોઈએ તેનું ત્રણવાર જોર થી સ્મરણ કરવું દા. ત. જય માતા દી..કે પછી હર હર મહાદેવ...વગેરે વગેરે અને પછી બજાજના સ્કૂટરને જેમ આડું પાડીને સ્ટાર્ટ કરતા એમ આડું પાડી જોવું.
#દર પંદર દિવસે એરોપ્લેન બીયરથી ધોવું જેથી પ્લેનની ચમક જળવાઈ રહે. 
   બસ,  અત્યારે તો આટલું ધ્યાન રાખશો તો ય તમારા સફેદ હાથી સચવાઈ જશે. તેમ છતાંય, જો તમને પ્લેન સાચવવા ની તકલીફ પડે તો એક એક પાર્ટ છૂટો કરીને અમારા અમદાવાદમાં ગુજરી બજારમાં વેચી મારજો. આ ગુજરીબજાર રીવર ફ્રન્ટ પાસે જ ભરાય છે. અમારા નિષ્ણાતો આ પાર્ટ્સનો ભંગાર " વિજયી આકર્ષણ " ના નામે રાઈડ તરીકે  મૂકી દેશે અને ધુમ કમાણી કરશે . 

ખોંખારો : જ્યોતિન્દ્ર દવે કહેતા એમ સલાહ આપવી સૌને ગમે છે પણ સલાહ લેવી કોઈને ગમતી નથી. કોઈ સલાહ માને કે ન માને , આપણે આપણી ફરજમાંથી પાછા ન પડવું જોઈએ. અમે પણ અમારી ફરજ પુરી કરી છે. કોઈ માનશે કે નહીં માને એની લેશમાત્ર ચિંતા કે દરકાર અમને નથી. માટે જ પડી રહેલા ને ઠાંચરા થઈ ગયેલા વિમાનો માટે ય કથીરમાંથી કંચન ટાઈપ્સ સલાહ પણ તદ્દન નિ:સ્વાર્થભાવે આપી છે.ભવિષ્યમાં કોઈને અન્ય વાહનની સાચવણી અંગે માર્ગદર્શન આપવાની આ સાથે અમે ઉત્સાહભેર ખાતરી આપીએ છીએ.


Published in MUMBAI SAMACHAR ,15/09/2016 Thursday લાડકી, "મરક મરક" 

Cartoons© Desai Shilpa 

4 comments:

  1. ઓરીજીનલ પ્હેલાં ડુપ્લીકેટ ચાવી ખોઈ નાખનારાઓની ભલે ઇતિહાસે નોંધ ન લીધી, પણ અહીં આડકતરી રીતે મારો ઉલ્લેખ થયો, એ જાણીને હું હર્ષાન્વિત થયો છું.

    ReplyDelete
  2. ઓરીજીનલ પ્હેલાં ડુપ્લીકેટ ચાવી ખોઈ નાખનારાઓની ભલે ઇતિહાસે નોંધ ન લીધી, પણ અહીં આડકતરી રીતે મારો ઉલ્લેખ થયો, એ જાણીને હું હર્ષાન્વિત થયો છું.

    ReplyDelete