Thursday, September 22, 2016

પિતૃસભા અને વડીલોનો કકળાટ

અમારા ખાસ  સંવાદદાતા અને ફોટોગ્રાફરે  જ્યારે સિનીયર્સ ક્લબ એસોસિએશનની મુલાકાત લીધી ત્યારે   સિનિયર સિટીઝન્સ બગીચામાં બેસીને સુખદુ:ખની વાતો વહેંચી રહ્યા હતા. ચોરસ કે ગોળ ,એકેય મેજ વિનાની આ પરિષદમાં સિનીયર સીટી' જનો 'ને  બગીચાનાં ખૂણે કોઈએ કાગવાસ માટે દૂધપાક,પુરી, પાતરાં ને બટાકાની સુકી ભાજી પીરસેલી ડિસ્પોઝેબલ ડીશ પર મંડરાતા 'પિતૃઓ'ની છાની ઈર્ષા  આવી રહી હોય એમ જણાતું હતું. હારતોરા ,માઈક કે સભાસંચાલકની ગેરહાજરીવાળી આ સભામાં ગણ્યા ગાંઠ્યા ધોળા વાળ અને બાકી ચળકતી ટાલવાળા મિસ્ટર પટેલ પોતાની આપવીતી જણાવી રહ્યા હતા: "મારે તૈણ છોકરાં. તૈણે પયણ્યા ત્યોં હંુદી તો શીધા શોટા જેવા હતા.જેવી એક પશી એક વીશનખાળીઓ આઈ પશી જ ખરી મોંકાણ મંડઈ. જ્યોં હુંદી મું નોકરી કરીને પૈશા આલતો હતો  ત્યોં હુંદી તૈણે ય થોડી શીધીઓ રહી પણ મું રિટાર્ડેડ થયો પશી વોંદરીઓએ પોત પ્રકાશ્યું . હરખું કરીને ખાવા ના આલે, ગમે ઈમ બોલઅ.. છોકરાં નોકરીએથીન ઘેર આવે એટલે એક પશી એક ફરિયાદપોથી ઊઘાડે.ને મારા છોકરાં ય વહુઓની કઠપુતળી થઈ ગયેલા બોલો. તમારી કાકી તો ક્યારનાય કૈલાશધામ પોંકી ગયેલા તે આ બધું વેઠવાનું આયુ નઈ. શુખી થઈ જઈ વહેલી જઈ એમોં .એને તો બચારીને ખાવાના ય બહુ ભભડા નહોતા. એ હતી તારઅ મારા બધા ય ચસકા વેઠતી તી. મનઅ બુધ્ધિના લઠ્ઠને જ ઈની કિમત નોતી. એ જઈ પશી વઉઓએ રંગ દેખાડ્યો. હશે હેંડો..મું ય શુ રોમાયણ મોંડીન બેઠો.  "  વડીલની વાતથી વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું અને બધાં ચુપ રહ્યાં. થોડીવાર પછી મિસીસ શાહ બોલ્યા : " મારે તો સારું જ હતું. દીકરો ય રામ જેવો ને વહુ ય સાક્ષાત સીતા. બહુ સાચવી છે મને તો. પણ હવે વહુ જરા બદલાઈ ગઈ છે.રસોઈના ક્લાસ કરે છે તે નિતનવું બનાવે. જુવાનીયાવને તો પથરા ય પચે પણ આપણાને આ ઉંમરે કેવી રીતે પચે? વચ્ચે કંઈ મેક્સિકન બનાયુ તો કોઈને ય ભાવ્યું નહીં. પણ જિદ્દી બહુ છે તે એ આઈટમ સારી થઈ છે એવું બધાંએ ના કહ્યું ત્યાં સુધી સવાર સાંજ એ જ બનાઈને ખવડાઈ. મેં કીંધું કે બાપા ,આ અખતરા પડતા મુક અને આપણું દેસી જ બનાય, તો મારો રામ અચાનક જ રાવણ થઈ ગયો વહુના બચાવમાં. તે આપણે મેક્સિકન રાઇસ ભેગાં ગમ ખાઈને ચુપ રહ્યાં."ત્યાં એક  જરા કડક વકીલ જેવા  દેખાતા  મિસીસ મહેતા  ટહુક્યા: " તે ચલાઈ શેનું લેવાનું? આપણો હક્ક છે સારુ અને પચે એવું ખાવાનો. આપણે મા-બાપ મુઆ એનો અર્થ એ નહીં કે એ જે કરે છે એ બધું બરાબર છે. છણકાઈ કાઢીએ ને એ જ વખતે? હવેની પ્રજા વડીલોને તો ફર્નિચર ને ડસ્ટબીન સમજે છે. " એમનાં સમર્થનમાં સ્ત્રીસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી અને જાતજાતની ચળવળોનાં પ્રણેતા મિસ મુખરજીએ ગર્જના કરી:" આ બધાં પુરુષોનાં જ કારસ્તાન છે. એ જ આવી  બાબતોમાં  બિનજરુરી ચંચુપાત કરી સ્ત્રીઓને ઝગડાવે છે. ને પછી સાસુ-વહુ જેવા સુંદર સંબંધોને લૂણો લગાડે છે.મિત્રો, હવે સમય આવી ગયો છે આ બધાને યોગ્ય પાઠ ભણાવવાનો. પરશુરામે જેમ ધરતીને નક્ષત્રી કરેલી એ રીતે આપણે ધરતીને 'નમર્દી' તો ન કરી શકીએ પણ કમ સે કમ આ નગુણી પુરુષજાતને એટલું તો સમજાવી જ શકાય કે હમ કિસી સે કમ નહીં.પેલું કોઈ મહાત્માએ કહ્યું છે ને ' દુનિયાભરના ગુલામો, એક થાવ, તમારે તમારી સાંકળો સિવાય કંઈ ગુમાવવાનું નથી.આપણે કંઈ પુરુષનાં ગુલામ નથી,રમકડું નથી કે મનફાવે એમ નચાવી જાય.હવે નાચવાનો વારો એમનો છે..." ત્યાં જ મિસ્ટર કાવસજી ઊભા થયા અને કહ્યું: "બાનુ, તમો હુ બોલે તે હમોને જીરીક હો હમ્મજમાં નથી આવતું. આવી બધી પંચાતી કરવામાં જ  તુને કોઈ સોજ્જો પોયરો ની મઇલો ને તુ રેહી ગેઈ હારી. આપને આંય મીઠ્ઠી મીઠ્ઠી ચીટચાટ કરવા ભેગાં થયલા છે. આવી ગઢેરા જેવી બાબતમાં ટાઈમ વેસ્ટ ની કરીએ તો સારુ એવી મેં બધા વતી તમુને રિકવેસ્ત કરું છું.મેં તમુને એક મજેનો કિસ્સો સંભલાવું તે સાંભલો. મિસ્તર ત્રિવેદીનાં ઘરે મેં જમ્મા ગયલો. દુધપાક પુરી ને પાતરાં મારી બો મોટ્ટી કમજોરી છે. આ વખતે દૂધપાક બો મસ્ત બનાવેલો એને તાંના મહારાજે. આપને તો ત્રન વાટકી ભરીને પી લાયખો. ને પછી કમાલ થેઈ. એટલી તો ઊંઘ આવે મને . માંડમાંડ ઘરે આઈવો ને ઘોટાઈ મુયકુ તે ત્રન કલ્લાકે પરાને આંખ ખુલી.મિસ્તર ત્રિવેદીને ફોન કરીને પુઈછું  કે આજે તારી બૈરીએ હુ ખવડાઈવું ,જો ની કેટલી ઊંઘ આવી ગઈ ,હારા ગઢેરા.મિસ્તર ત્રિવેદી કેહ કે એ તો જાયફલ ઊતું દૂધપાકમાં. જીરીક વધારે પડી ગયલું એટલે ઊંઘ આવે .મેં કેહ્યુ હુ હારા આમ ને આમ કોઈને મારી લાખહો તમે. " મિસ્ટર પટેલનાં પુણ્યપ્રકોપથી ડઘાયેલા અને મિસ બોસના પ્રકોપથી દાઝેલા શ્રોતાઓ મિસ્ટર કાવસજીની વાતથી જરા ટાઢાં પડ્યાં. હવે બોલવાનો વારો આવ્યો ઓછાંબોલાં  મિસીસ દવેનો. આડી અવળી કોઈ જ વાત કર્યા વિના એમણે મિસીસ શાહને એમની સીતા રસોઈ શીખવા જાય છે એ ક્લાસની માહિતી માંગી." લગ્નને કેટલાં વર્ષ થયાં તો ય હજુ રસોઈમાં રોજ કેટલી હળદર ને કેટલું મીઠું નાંખુ એમ પુછે છે બોલો. પ્રેમથી ન શીખી શકે તો પારકી મા જ કાન વીંધે એ જ સૌના હિતમાં રહેશે. માણસ બે ટાઈમ ખાય તો ખરું કે નહીં સરખું? "
હજુ ય સભામાં ત્રણ જણને બોલવાનો વારો બાકી હતો. પણ જેવા અમારાં સંવાદદાતા અને ફોટોગ્રાફરને જોયાં કે દરેક  પોતપોતાનાં દેખાવ પ્રત્યે સભાન થઈ ગયાં. અને કુંડાળુ સીધી હરોળમાં તબદિલ થઈ ગયું.ફોટો પડી ગયો એટલે દરેક જણે પોતપોતાનાં વોટ્સઅપ નંબર પર અખબારમાં આવે એ ઈમેજ મોકલવા પ્રેમાગ્રહ કર્યો અને બધા ' આવજો, આવજો ,મઝા આવી' જેવા શિષ્ટાચારનાં વાક્યો બોલી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. આ તરફ પેલા કાગવાસ પર મંડરાતા 'પિતૃઓ'એ પણ '' આ માણસો તો સહેજે ઠરતા નથી. ઘોંઘાટ કરી મુક્યો એટલામાં તો . પાછાં વગોવે આપણાને 'કાગારોળ'  કરીએ છીએ એમ કહીને " જેવું કંઈક બબડીને બધાએ નીલા ગગન ભણી ઉડાન ભરી. 
ખોંખારો: શ્રાધ્ધ નિમિત્તે હવે પારંપારિક દૂધપાક-પુરી ને બદલે જમાના પ્રમાણે પંજાબી. ચાયનીઝ, મેક્સિકન, થાઈ ફુડ જેવો કાગવાસ મુકાતાં  પિતૃઓ આંદોલનના માર્ગે. - એક સમાચાર.        

Published in Mumbai Samachar, 22/09/2016, thursday , laadki ,  મરક મરક        

No comments:

Post a Comment