Wednesday, May 6, 2015

મારાં કસરતના પ્રયોગો:


"કાકભટ્ટ, તમે સહેજ વધારે ઓવરવેઈટ છો."
"એટલે? સહેજ ઓવરવેઈટ? કે વધારે ઓવરવેઈટ?" 
ઉત્તરમાં એ મધમીઠું હસી .બસ એટલું જ . ને પછી એ મધમીઠીએ કસરતના ફાયદાની એણે ગોખેલી યાદી વર્ણવી દીધી. ને તરત જ ફોર્મ પણ ભરાવી દીધું" કાલથી જ તમે ચાલુ થઈ જજો" ખુશ થતાં થતાં અમે ત્યાંથી વિદાય લીધી.
બીજા દિવસે શાર્પ ૮ ના ટકોરે જિમમાં હાજર. ચારેકોર અરીસા.. વચ્ચે વચ્ચે સલમાન ખાન , બિપાશા બસુ અને જોન અબ્રાહમ જિમમાં ધ બેસ્ટ સાથે કસરત કરતા હોય એવા ફોટોગ્રાફ્સ પણ એન્લાર્જ કરીને લગાવેલાં હતા જે શોભામાં અભિવૃધ્ધિ કરતા હતા. તો   કસરતનાં સાધનો પણ ધ્યાન ખેંચે એવી રીતે વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. એક બાજુ ખૂણામાં બિપાશા બસુ ,જેન ફોન્ડા જેવાં દેશી વિદેશી કસરતપ્રેમીઓની કસરતની સીડી / ડીવીડી વેચાણાર્થે મુકેલી હતી. જુદી જુદી કંપનીઓના નીવડેલાં -નહીં નીવડેલાં પ્રોટીન શેક્સ પણ અમે જોયાં.રુમમાં ત્રણ જગ્યાએ" જિમમાં મોબાઈલનો ઉપયોગ માત્ર સંગીત સાંભળવા કરવો" એવી સુચના મોટાં અક્ષરે લખેલી હતી .સાત આઠ તંદુરસ્તી-વાંચ્છુઓ કસરતના જુદા જુદા દાવ અજમાવી રહ્યાં હતાં .એક ભાઈ અન્યો કરતાં વધારે ખડતલ અને વધારે પડતા ઉત્સાહી જણાતા હતા. એટલાંમાં કયાંકથી પેલી મધમીઠી પ્રગટ થઈ." એ આપણા ઈન્સ્ટ્રક્ટર છે. આખ્ખા શહેરમાં ધ બેસ્ટ . "ને એણે ધ બેસ્ટને બોલાવ્યો.સામાન્ય પરિચયવિધિ પછી અમારો હવાલો ધ બેસ્ટે સંભાળ્યો ને પુછ્યું: " અગાઉ કસરતનો અનુભવ ખરો? િજમમાં કઈ કઈ કસરતો કરવાની હોય છે એનો કોઈ આઈડિયા? " અમે હા કહી . ધ બેસ્ટ જરા પ્રભાવિત થયા હોય એમ લાગ્યું.
 " કોઈ જિમમાં જવાનું થયેલુ ? " 
 "ના ના". 
" તો?" 
"આ યુ-ટ્યુબ પર બધાં વિડીયો મુકતાં હોય છે ને.. એટલે.." 
ધ બેસ્ટનું મુખારવિંદ આશ્ચર્ય અને આઘાતથી ખુલ્લું રહી ગયું .જરાવાર રહીને એમને કળ વળી . પણ વાચા પાછી આવતા સહેજ વાર થઈ.પછી એમણે મને જિમની tour કરાવી.સૌ પહેલાં અમે ટ્રેડમીલ તરીકે ઓળખાતા મશીન નજીક ગયાં 
.અને મશીન કેવી રીતે ચાલુ કરવું,ઝડપ,ટાઈમરની સમજ આપી જેમાં અમારી ચાંચ ડુબી નહીં.અમથેઅમથું દસશેરીયું "હા" માં ધુણાવીને અમે બીજા મશીન તરફ ગયાં.ટુંકાક્ષરીમાં કંઈ લખેલું હતું " આ તમારા કામનું નથી" અચંબિત થઈને અમે એમને જોઈ રહ્યાં.
"આ પગ ફેક્ચર થયું હોય એના માટે છે ખાસ "
  "ઓહ  ઓકે" 
ત્યાંથી આગળ એક સાયકલ હતી. "આને સ્ટેિટક બાઈક કહેવાય. આ ગીયર છે, આમાં પણ ટ્રેડમીલની જેમ ટાઈમર, સ્પીડ    કંટ્રોલ કરી શકાય. આ કેલરી બર્ન થઈ એનું ડિસ્પ્લે છે .ખ્યાલ આવ્યો?" એમને કદાચ શંકા ગઈ હશે મારી સમજણશક્તિ માટે? જે હોય તે..હા કહીને અમે ખુણે મુકેલાં મશીન પાસે ગયાં.હલેસાંમાંથી કન્વર્ટ કર્યા હોય એવા મોટાં મોટાં ફુટસ્ટેપ વાળુ કોઈ  સાધન હતું . નામ લખ્યું ન હતું એટલે પેલાં ધ બેસ્ટને ય ખબર નહીં હોય કારણકે એણે નામ ન કહ્યું.હલેસાં પર ઊભાં રહીને હેન્ડલ પર હાથ મુકવાના અને હાથ-પગ બંનેની મુવમેન્ટ સાથે કરવાની એવી સાદી સમજ મેળવીને આગળ વધ્યાં .
"આ ય એક પ્રકારની સાયકલ જ છે.તમે પેલી સાયકલ પર કસરત કરો તો આની જરુર નહીં"
"ઓકે"
એક ટેબલપર ડંબેલ્સ નાના મોટાં દડાં પડેલાં જોયા ને અમે કશું કુતુહલ દર્શાવીએ એ પહેલા જ ધ બેસ્ટે ફેંસલો સુણાવી દીધો: ડંબેલ્સ કે વેઈટ લીફ્ટીંગના ચકરડાંની તમારે જરુર નથી. તમારે મેઈનલી ટ્રેડમીલ અને સાયકલીંગ જ કરવાનું છે" 
અમને જરા રાહત જેવું લાગ્યું. અમારો મુખ્ય હેતુ વજન ઉતારવાનો હતો. એ કેવી રીતે ઉતરે છે એનું મહત્વ ખાસ નહતું . 
"બસ તો.. શુઝ સારામાંના લેજો.કપડાં તમને અનુકુળ અાવે એ. આવતીકાલથી તમે ચાલુ "
અમે રાજી રાજી થતાં વિદાય લીધી. સાંજે ખાસ જિમમાં જવા માટે મોંઘા લાગ્યા તો ય ફોરેનની જાણીતી કંપનીના શુઝ અને મેચિંગ ટ્રેકસૂટ લીધાં. રકઝક કરીને ૫% ડિસ્કાઉન્ટ લીધું જે બહાર નીકળીને "કાલથી જિમ ચાલુ કરવાનું જ છે .આજે ખાઈ લઈએ મસ્ત" એમ વિચારીને બટર વડાપાંઉ અને ભેળ ખાઈને પુરૂ કર્યું.
બીજા દિવસે અત્યંત ઉત્સાહથી તૈયાર થઈને જિમ પર પહોંચ્યા. રુમમાં ત્રણ ચાર કસરતબાજ કસરત કરી રહ્યાં હતાં.એક સજ્જન સાયકલ પર પૃથ્વીની પરકમ્માએ નીકળ્યા હોય એમ એકધારી ઝડપ અને આજુબાજુ ક્યાંય જોયા વિના સાયકલીંગ કરી રહ્યાં હતાં.અમને કહેવાનું પ્રાપ્ત થવા દો કે અમે એમનાથી પ્રભાવિત થયા. એક બેઠ્ઠી દડી રગડી ન પડાય એટલે ખુરશીમાં ગોઠવાઈને હાથ આમતેમ કરતી નજરે પડી. તુચ્છકારભરેલું જોઈને અમે એમને મનમાં જ આળસુના પીર કહ્યું. બે જણાંને કાનમાં ભૂંગળા ખોસીને લયબધ્ધ હાથ-પગ ઉછાળતાં  જોઈને સરકસના જોકર યાદ આવ્યાં ને અમે જરીક મલકી લીધું .મોબાઇલનો ઉપયોગ સંગીત સાંભળવા જ કરવાનો હોવાથી અમે એનાં ભૂંગળા કાનમાં નાંખ્યા .


સદ્નસીબે ટ્રેડમીલ પર કોઈ વ્યાયામવીર ન હોવાથી અમે સીધાં ત્યાં જ પહોંચ્યા." જોજો હોં ભટ્ટજી..આજે પહેલીવાર આના પર ચાલો છો તો સાચવજો. ધીરે ધીરે સમય વધારજો. એક દિવસમાં કંઈ વજન નહીં ઉતરે .થાકી જશો એ લટકામાં. " અમે આભારભર્યું હસીને કર્યાં ટ્રેડમીલના. ને બીજી બાજુ મોબાઇલનું સંગીત પણ ચાલુ કર્યું. ઈડરિયો ગઢ જીતીને સિંહાસન પર આરુઢ થતાં હોઈએ એમ ટ્રેડમીલ પર પગ ગોઠવ્યાં .આજુબાજુ જોયું પણ કોઈને આ મહાન ઘટના વિષે જાણવાની પરવા નહતી. અમને આમ તો અભિમાન નહીં પણ આ બાબતે જરા ઈગો હર્ટ થયો. પણ ક્ષણમાત્રમાં હર્ટેલા ઈગાને ભૂલીને મશીન પર ધ્યાન આપ્યું.ધ બેસ્ટે સમજાવેલું તે માંડ માંડ યાદ આવ્યંુ  ને એમ અમે કસરતના શ્રી ગણેશ કર્યાં . ટાઈમર  ,સ્પીડ સેટ કર્યાં ને મશીન ચાલુ થયુ.ટાઈમર  વીસ મિનિટ પર સેટ કરેલુ. પણ રોકડી સાતમી મિનિટે તો અમે બાકીની તેર મિનિટ કેવી રીતે ચાલીશ? વિચારવા માંડ્યુ. અધવચ્ચે મશીન રોકવામાં પ્રેસ્ટીજ ઈશ્યુ નડે. એટલે શ્વાસ ધમણ કરતાં ય વધારે ફૂલી જવા છતાં ય વીસ વરસ જેટલી લાંબી વીસ મિનિટ પુરી કરી . ને ટ્રેડમીલ પરથી ઉતરતા તો ગિરનાર ઉતર્યા હોઈએ એમ પગ ગરબા ગાય.હવે સાયકલીંગનો વારો હતો.આમાં જરા ઓછી સ્પીડ રાખીશું તો થાક જરા ઓછો લાગશે એમ વિચારીને અમે સાયકલ પર બિરાજ્યા અને પેડલ મારતા જ હાયકારો નીકળી ગયો. બૂમ પાડીને પેલા બેસ્ટને બોલાવ્યો: " ભ'ઈ ..આમાં નિયમિત ઓઈલિંગ કરવાનું રાખો.ભયંકર હેવી લાગે છે." ધ બેસ્ટે અમને ધ વર્સ્ટ  ઉત્તર આપ્યો: "એ એવું જ હોય . વજન ઉતારવું કંઈ ખાવાના ખેલ નથી"વળી ઈગો હર્ટ થયો પણ "ક્ષમા વીરસ્ય ભૂષણમ "એ યાદ રાખીને માંડ માંડ પંદર મિનિટ પૂરી કરી .પાંત્રીસ મિનિટમાં તો વજન ઉતારવાના મકકમ સંકલ્પની ઈમારતના પાયા હચમચવા લાગ્યા . સાયકલ પતાવીને હલેસાં ભણી પ્રયાણ કર્યું પણ અમારા ચરણોએ રીતસરનો બળવો પોકાર્યો.એટલે જાણે કોઈ ફોન આવ્યો હોય એવી એક્ટિંગ કરીને " હા હા..ઓહો એમ? હા પહોંચુ જ છું.." જેવા સિંગલ સાઈડેડ કાલ્પનિક ડાયલોગો ઉચ્ચાર્યાં અને "ઘરે પહોંચવુ પડશે અરજન્ટ " એમ કહીને મધમીઠી અને ધ બેસ્ટનો આભાર માનીને બહાર ચાલવા માંડ્યું. હજી તો બહાર પહોંચીએ એ પહેલાં "ભટ્ટજી ઓ ભટ્ટજી, કાલે ડાયેટીશ્યન આવવાના છે તો થોડો ટાઈમ વધારે થશે" એવું પેલી ચિબાવલી એ બુમ પાડીને કહ્યું . ડાયેટ ચાર્ટ તો લખાવીએ અમે ...પણ કસરત??? ના .. હવે નહીં.
સમાજમાં કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ તો વજન જે જાડાં હોય એનું વધારે પડે છે . એ લોકો એમના કામ કરતાં વધારે તંદુરસ્તીને લીધે વધુ પ્રખ્યાત હોચ છે. થોડાં મહિના પહેલાં યુકેમાં થયેલાં એક સર્વે અંગે છાપાંમાં સમાચાર આવેલાં : "બ્રિટીશ પોલીસ હવે ભારતીય પોલીસની માફક અદોદળાં થતાં જાય છે."અમારાં માનવા પ્રમાણે  બ્રિટીશરો ભારત પર દાયકાઓ સુધી રાજ કરી ગયેલાં તેની આ દૂરોગામી અસર છે. મેદસ્વીતા જગત આખાની ગંભીર સમસ્યા થતી જાય છે એટલે પોતાને રામ કપુર કે ટુનટુન ન થવા દેવા  સૌ પોતપોતાને અનુકુળ આવે એવાં નુસખાં ,પ્રયોગો કરતાં જ રહેવાનાં . 
क्रौंખારો- 
સ્વ. જ્યોતિન્દ્ર દવે એ પણ અખાડામાં પ્રયોગો આદરેલાં .એમનો અને અમારો હેતુ જુદો હતો એ વાત અલગ છે.અમે તો અહીં આવીને આધુનિક સાધનોની સમજ પણ મેળવી. એટલું ય કર્યું ને? કેટલા કરે છે એટલુ ય? 

3 comments:

  1. "અમે તો અહીં આવીને આધુનિક સાધનોની સમજ પણ મેળવી. એટલું ય કર્યું ને? કેટલા કરે છે એટલુ ય?"......તદ્દન સાચી વાત.. આવું કરવા માટે ફાજલ ટાઈમ હોય એ જ જહેમત ઉઠાવી શકે. ખીખીખીખી... પણ હું એમ કેહમ.. કે પેલ્લે થી જ ખાવા પર કંટ્રોલ રાઈખો હોય તો વધારે સારું કે ની? આ તો જસ્ટ પૂછપરછ.... બાકી 'મધમીઠી' વિષે હજી કંઈ ડીટેઇલમાં જણાવો!

    ReplyDelete
  2. ભાઈ જ્વલંત,
    સિલેબસ બહારની માહિતી આપવા હમો બંધાયેલ નથી.
    આભાર .

    ReplyDelete
  3. કાલ સુધી આમારો જિમ મા જવાનો વિચાર હતો ઈ હાલ પૂરતો માંડી વાળવામા આવે છે. આમેય બહાના ની શોધ ક્યારની ચાલુ હતી.

    ReplyDelete