Wednesday, November 23, 2016

ગીત ગાયા પથ્થરોને ...

  પથ્થરને સૌંદર્ય હોય? આ પ્રશ્નનો ઉત્તર મારા માટે 'ના' માં જ હોત જ્યાં સુધી મારો નાતો સ્વ.અિશ્વન મહેતાની ' GIFT OF SOLITUDE' સાથે બંધાયો ન હતો. પણ મારી દ્રષ્ટિ બદલવામાં આ પુસ્તકે સિંહભાગ ભજવ્યો. એટલે જ્યારે પણ તક મળે ત્યારે આવી જગ્યાએ આપણે પણ જવું એવી ગાંઠ મજબુત થતી ગઈ. આવા પથ્થરો ગુજરાતમાં ઇડર ખાતે છે. એટલે ત્યાં જવાનું બે ત્રણ વાર શક્ય બન્યું. અચાનક જ હમ્પી, કર્ણાટક ખાતે જવાનો મોકો આવી મળ્યો. નજર પહોંચે ત્યાં સુધી નાનાં, મોટાં, આડાં, ઊભાં, ત્રાંસા, સીધાં, જુદાં જુદાં આકારનાં પથરાયેલાં પથ્થરોવાળું આ ઐતિહાસિક સ્થળ હમ્પી તેરમી ચૌદમી સદીમાં રાજા કૃષ્ણદેવના સામ્રાજ્યમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું. પથ્થરયુગથી થોડીક સદીઓ જ advance થયેલી પ્રજાએ આ અદ્ભુત સ્થાપત્યો કેવી રીતે ટાંક્યા હશે એ પ્રશ્ન જરા બાજુ પર મૂકીને મને ગમી ગયેલા હમ્પીની તસવીરી ઝલક: 

ચક્રતીર્થ - તુંગભદ્રા નદી પોતાનું વહેણ ઉત્તર તરફ બદલતી હોવાથી આ સ્થળને 'ચક્રતીર્થ ' નામ મળ્યું છે. પવિત્ર ગણાતા આ સ્થળ પર નાની ટનલ પસાર કરીને  જવાય. આવકાર આપતી આ પ્રતિમા એક જ શિલામાંથી બનેલી છે. એક જ શિલામાંથી કોતરેલી આવી અનેક બેનમૂન  પ્રતિમાઓ આક્રમણખોરોનાં સમય સમય પર થયેલાં આક્રમણોમાં બચી જવા પામી છે.



ચક્રતીર્થ નજીક 'કોટિલિંગ' - 


કોટિલિંગ જવા માટે તરાપો ( સ્થાનિક ભાષામાં 'ટપ્પા') જ એકમાત્ર સાધન છે. 


વિરુપાક્ષ મંદિર :  પ્રાચીનતમ મંદિર જ્યાં આજે પણ નિયમિત પૂજા થાય છે. 





Garden of architecture : સ્થાપત્યની અદ્ભુત કારીગરી માટે જગવિખ્યાત વિઠ્ઠલ મંદિર GARDEN OF ARCHITECTURE કહેવાય  છે. 


ગરુડનો રથ : વિષ્ણુ ભગવાનનું વાહન ગણાતા ગરુડને રથમાંથી સીધી ભગવાન પર દ્રષ્ટિ પડે એ રીતે વિષ્ણુની પ્રતિમાની ઊંચાઈને અનુરૂપ સ્થાન આપવામાં આવ્યું છે.



દારોજી સ્લોથ બેર સેન્ચુરી - હમ્પીથી ત્રીસેક કિલોમીટર દુર આવેલી બાબત એકમાત્ર સ્લોથ બેર સેન્ચુરીમાં હાલમાં સો (૧૦૦) જેટલા રીંછ છે. 



અનીઉંડી ગામ પાસે લોકો તુંગભદ્રા નદીના સામે પાર જવા માટે વાહન સહિત હોડીમાં મુસાફરી કરે છે. 


હેમકુટ હિલ પર રામમંદિર..

હેમકુટ હિલ પર સૂર્યાસ્ત ..



     પથ્થર પણ જીવતા લાગે એવા વિજયનગર સામ્રાજ્યના અંગ હમ્પીના સ્થાપત્યોમાં ઐતિહાસિક અને ધાર્મિક સમન્વય બેજોડ છે. લગભગ દરેક મંદિર કે સ્થાપત્યમાં આખેઆખી રામાયણ કોતરેલી છે તો કોઈ ઠેકાણે ગુફામાં ઊંચી છત પર હર્બલ કલર્સથી ભીંતચિત્રો પણ જોવા મળી જાય. પથ્થરમાં ય આકૃતિઓ, આકારો દેખાતા હોય એમના માટે હમ્પી Must visit place છે. 


Thursday, November 17, 2016

છોડ ગઠરિયાં..



દિવાળી વેકેશન પુરાં થવા પર છે. કોઈક હરખપદુડી શાળાઓ શરુ થઈ ગઈ હશે. ગામગામથી ટ્રેઈન, બસ , વિમાન વગેરે  ભરાઈ ભરાઈને  મુસાફરો પાછાં યથાસ્થાને ઠલવાઈ રહ્યાં છે.જતી વખતે જે આનંદ ઉલ્લાસ હોય એનો સદંતર અભાવ જોવા મળે  અને વિખરાયેલા વાળ ,મોંઢા પર થાક, કંટાળો , વ્ય્વસ્થિત ગોઠવેલી બેગોના બદલે માંડ માંડ ઠુંસી ઠુંસીને બંધ કરેલી બેગો લઈને હજુ તો ઘરનું બારણું ખોલો જ અને મનમાં શંકરીયો ગામ જતો રહ્યો હશે તો શું, પાણી આવતું હશે કે નહીં, વોશિંગ મશીનમાં કપડાં અત્યારે જ થોડાં નાંખી દઉં તો સારુ પડશે એવી ગણતરીઓ ચાલતી હોય  ત્યાં તો એક કાળો ઓળો બારણે ડોકાય અને પ્રશ્નોત્તરી ચાલુ કરે . આ એ જ કાળો ઓળો ઉર્ફે હિતેચ્છુ હોય જેણે તમે બહારગામ જતા હોવ ત્યારે પ્રશ્નો પુછી પુછીને દાટ વાળી દીધો હોય . જેમ કે, તમે બહારગામ જવા માટે સામાન બાંધતા હો એ જોવા છતાં પણ .." તમે બહારગામ જાવ છો ? " એવું પુછ્યું જ હોય.  તમારામાં હોશિયારી ભારોભાર ભરી હોય,  સામેવાળાને એ ખબર પણ હોય તેમ છતાય સામાન કેમ વ્યવસ્થિત  પેક કરવો એ વિષે માંગ્યા નહીં હોય તો ય સલાહ સૂચનો આપ્યાં જ હશે. .આવા હિતેચ્છુઓને જુદી જુદી કેટેગરી માં વહેંચી શકાય.  


૧.  ખણખોદીયા હિતેચ્છુ  :
       આ પ્રકારના હિતેચ્છુઓને તમારા બહારગામ જવા વિષે જ નહિ પણ તમારા બહારગામના A to Z કાર્યક્રમોની વિગતો જાણવામાં પણ બેહદ રસ હોય છે ને જોવાની ખૂબી એ છે કે તમે એને જે પણ details આપો એમાં લાલા અમરનાથની જેમ expert comment ફટકારે જ. " આ જગાએ જાવ છો એના કરતાં બોસ , અમને પુછ્યું હોત તો મસ્ત મસ્ત ડેસ્ટિનેશન દેખાડતે ને?'' આવું આવું કહીને  તમને તમારા બુદ્ધિ આંક વિષે સંદેહ જાગે એ હદ સુધી માનસિક ત્રાસ ગુજારે. તમે પાછા આવો એટલે તલવાર તાણીને ઊભાં જ હોય. મુસાફરી કેવી રહી એ જાણવા પાછળ મુળ આશય તકલીફ કેવી પડી એ જાણવાનો હોય . 
 ૨.જસ્ટ - ટુ -નો ટાઈપ   :
      આ પ્રકારના હિતેચ્છુ તમારી બહારગામની વિગતો , તારીખો, હોટેલો વગેરે વિષે શક્ય એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરે અને કહે કે ' જસ્ટ - ટુ -નો ". ઘણાને એવી ટેવ હોય છે કે તમારા ગંતવ્ય સ્થાનના હોટલના  ફોન નંબરે ય  લઈ રાખે અને કટોકટી સમયે ફોન કરવાને બદલે દિવસમાં એકાદવાર ' કેમ છો' પુછવા જ ફોન કરે. પરદેશ ગયા હોવ તો આ તકલીફ ઓછી પડે છે. જો કે હવે તો મફતના વોટસઅપ કે વાઈબર કે બીજા એવાં કોલ્સની સુવિધાએ પ્રાયવેસીનો ભોગ લઈ લીધો છે.  જસ્ટ - ટુ -નો જ ફોન કરે કે "ત્યાં" અત્યારે કેટલા વાગ્યા છે? 
 ૩. તારણહાર હિતેચ્છુ:
      તમે બહારગામ ક્યાં જવાનાં છો એ જાણ્યા  પછી ફટ્ટ કરતાંક ને એ સ્થળ પર રહેતા પોતાના સગા વહાલાંની ગણતરી કરાવી દે અને ઉમેરે .. " કઈ પણ જરૂર હોય તો બોસ્સ બિન્દાસ આમનો કોન્ટેક્ટ કરજો ....આપણું  નામ દેજો તમતમારે ...." આ તારણહાર હિતેચ્છુ મનમાં એ પણ જાણતા હોય છે કે આપણે કંઈ કોઈને ફોન બોન કરવાના નથી જ નથી . કદાચ એટલે જ કહ્યું હોય એમ પણ બને અથવા પોતાને કેટકેટલી ઓળખાણો છે એ માત્ર  ઈમ્પ્રેસ કરવા જ કહ્યું હોય એમ પણ બને. . એમ પણ બને કે જે તે સગા વહાલા સાથે એમને પણ કોઈ ખાસ સંબંધ ના હોય ને  માત્ર સંપર્ક પુરતી જ માહિતી હોય. પાછું પોતે તમને નંબર આપ્યા છે એવી ય બડાશ હાંકે બે જગ્યાએ.  
૪. આર્થિક હિતેચ્છુ: 
     મુસાફરીમાં ક્રેડિટ / ડેબિટ કાર્ડ સારુ પડશે કે રોકડાં, કેટલાં પૈસા હાથ પર રાખવાં , કેટલાં બેગમાં મુકવાં  એ વિષે તમારા મગજની ચીપ ક્રેશ થઈ જાય એ હદ સુધી માહિતી ભર ભર કરે. તમે કાર્ડ ન વાપરતા હોવ તો એ વિષે ય સમયની અનુકુળતા જોયા વિના ભાષણ ઠપકારી દે. હમણાં ૫૦૦ ને ૧૦૦૦ ની નોટવાળી કટોકટી સર્જાઈ ત્યારે આ આર્થિક હિતેચ્છુ સૌથી વધુ તાનમાં આવી જઈને ધડાધડ બહારગામ ગયેલાંઓને ફોનાફોની કરવા માંડયા કે ' સો સો ની છે ને ? અમે કંઈ નહીં કરી શકીએ આમાં . તમારે જ મેનેજ કરવું પડસે આ તો ."  
 ૫. MBA - મને બધું આવડે ટાઇપ હિતેચ્છુ :
     આ કેટેગરીના હિતેચ્છુઓ સૌથી વધારે ખતરનાક હોય છે . એમને તમે મર્યાદા લોપીને કશું કહી શકો એવી સ્થિતિમાં હોતા નથી. ને દરેકની કુંડળીમાં અનિવાર્ય અનિષ્ટ સમા આવા એક હિતેચ્છુ તો લખેલા જ હોય . એ તમારા ટીકીટ બુકિંગ , હોટેલ બુકિંગમાં કઈ કરાવી શકતા નથી પણ તમે મહા મહેનતે પેક કરેલી બેગો ધરાર ખાલી કરાવે જ .  " અમે US ગયેલા ત્યારે બધાની બેગો મેં જ પેક કરેલી ...' કે પછી ..... " મારે તો એના પપ્પાને વારે વારે બહારગામ જવાનું થાય અને બેગ પેક કરવાનું તો મારે માથે  જ આવે  એટલે આમાં આપણી ભયંકર માસ્ટરી આઈ ગઈ છે .પુછાઈ જોજો કોઈનેય .".. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી બધી જ મહેનત એમની માસ્ટરી આગળ પાણી ભરે ....ને બેગો ખોલાવ્યે  જ છૂટકો કરે ." આ સુ લઈ જાવ છો યાર? આ તો ત્યાં ગધેડે ગવાય છે. ખોટું વજન ના વધારો બેગમાં." કહીને પોતાની સર્વોપરિતા સાબિત કરવા એ વસ્તુ બેગમાંથી બહાર કઢાવડાવે ત્યારે જ એમને હાશ થાય. 
 ૬. હેલીકોપ્ટર હિતેચ્છુ :
    હેલીકોપ્ટર જોયું છે ને ? ...ઉપર પંખો ફર્યા કરતો હોય ....એક્ઝેટલી એ જ રીતે આ પ્રકારના હિતેચ્છુઓ તમારી ઉપર જ ફર્યા કરે ..જ્યાં સુધી બેગો બહાર રીક્ષા કે કારમાં મુકાઈ ના જાય ત્યાં સુધી એમની રેકર્ડ ચાલે . ક્યારેક તો બેગો મુકાઈ જાય પછી પણ એમની ક્વેશ્ચન બેંક ખુલેલી જ હોય 'information desk'  પણ સતત update થયા કરે ! " ટીકીટ લીધી ? પૈસા લીધા ? સાચવજો હો એ બાજુ ચોરીનો ઉપદ્રવ જરા વધારે છે . અમારે થયેલું એવું એકવાર .... "આપણા મનમાં ચોરભાઈ  માટે માન થઇ આવે કે આટલી ચોક્કસ વ્યક્તિને પણ લુટી  લીધી ? સામાન ફટાફટ વાહનમાં મૂકીને આપણે ડ્રાઈવર ને કહીએ કે  " ફટાફટ ભગાવ ભઈલા, બહુ મોડું થઇ ગયું .."  થોડીવાર રહીને પાછળ પણ જોઈ લઈએ કે પેલું હેલીકોપ્ટર પાછળ તો નથી ઉડતું ને ક્વેશ્ચનબેંક લઇને? 
     આ તો માત્ર મુખ્ય કક્ષામાં આવતા હિતેચ્છુઓ છે. બાકી પેટા હિતેચ્છુ, મિશ્ર હિતેચ્છુ ,છુપા હિતેચ્છુ, ઉપરછલ્લા હિતેચ્છુ, જેવા બીજાં ય છે જે દિવાળી વિના ય તમારી વાટ લગાડી શકે . સામાન ઊતારતા જુએ તો ય ' આવી ગયા ભાઈ?" પુછનારાં પાડોશી સૌથી મોટાં હિતેચ્છુ છે. 
ખોંખારો : ગમે એવા હોશિયાર, ચાલાક, ચતુર હિતેચ્છુઓ તમને મળ્યા હોય , પણ જરૂર પડ્યે તમને તમારી જ વિવેકબુદ્ધિ કામે લાગતી હોય છે . પછી વારેતહેવારે આપણે આપણો અનુભવ હિતેચ્છુ બનીને સત્યનારાયણના શીરાની જેમ બહુજનાય લાભાર્થે અન્યત્ર વહેંચીએ છીએ . વહેંચીએ છીએ ને ? સાચું બોલજો. 
 PUBLISHED IN MUMBAI SAMACHAR,17/11/2016 THURSDAY, લાડકી, ' મરક મરક' 

Thursday, November 10, 2016

આંજણી- શુકનની સોગઠી



   રોગના પ્રકાર પાડવામાં આવે તો દાક્તરી વિદ્યામાં જે હોય એ પણ કોમન મેન માટે એમ કહી શકાય કે રોગ બે પ્રકારના હોય છે. સ્થુળ- જે દેખાય એવા હોય અને સુક્ષ્મ- જે વર્ણવવા પડે. દા.ત. કોઈને ઉધરસ થઈ હોય તો એ સ્થુળ રોગ કહેવાય. એ ઉધરસ ખાય એટલે ખબર પડે જ કે એને ઉધરસ થઈ છે. અથવા તો તાવ આવ્યો હોય તો થર્મોમીટર પર માપી શકાય પણ કોઈ એમ કહે કે એને પેટ કે માથું  દુખે છે તો દુખાવાનું ઉધરસમાં હોય એવું સોલીડ લક્ષણ નથી હોતું કે જેથી એને ખરેખર  દુખે છે એવું એના સિવાય બીજું કોઈ પણ કહી શકે. આવા દુખાવાની જાણ માત્ર અને માત્ર દર્દીને જ હોય છે.  એટલે  પેટ કે માથાનો દુખાવો સુક્ષ્મ રોગની કક્ષામાં મુકી શકાય.પેટમાં દુખતું હોય અને કોઈને ત્યાં જમવા જવાનું નિમંત્રણ હોય તો યજમાનને તમે એમ કહો કે મને પેટમાં તકલીફ છે તો હું માત્ર ખીચડી કઢી જ લઈ શકીશ તો ઉત્સાહી અને આગ્રહપ્રેમી યજમાન ખીચડી ય એટલી ખવડાવે કે પેટમાં તકલીફ વધી જાય અને આપણાને એમ થઈ જાય કે આના કરતા તો બધું થોડું થોડું ખાઇ લેવા જેવું હતું. પણ, " તમતમારે ખીચડી ખાવ. પેટ માટે બહુ સારી, પચવામાં સાવ હલકી.." પુણ્યે પાપ ઠેલાય એ ન્યાયે અને થોડાં મનના મોળા હોવાને લીધે આપણે ખીચડી વધારે ખાઈ નાંખીએ પછી જ બધી રામાયણ . આ પચવામાં સાવ હલકી ચીજ પેટની થોડી તકલીફ  ભારે તકલીફ કરવા સક્ષમ નીવડે.

એક નિર્દોષ રોગ છે "આંજણી" . આ નામમાં જો સંધિ છુટી પાડો તો આંજ્ + અણી . આંખમાં કોઈ અણીદાર વસ્તુ આંજી હોય એવી વેદના કરાવનાર વ્યાધિ એટલે આંજણી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ રોગની ખાસિયત એવી છે કે જેને થાય એને એ આર્થિક લાભ કરાવે એવી માન્યતા પરાપુર્વ કાળથી ચાલી આવે છે. આંખ પર થતી નાની અમથી ફોડકી ચમરબંધીઓને રડાવી નાંખે એવી હોય. થાય એને જ ખબર પડે કે કેવી લાહ્ય બળે ..વારે વારે ખંજવાળવાની અસહ્ય ઈચ્છા થાય પણ કેટકેટલો સંયમ રાખવો પડે. આંજણીને એટલી જ ખબર હોય છે કે એણે આંખ પર જ થવાનું છે . એ અબુધને આંખના ઉપરના પોપચાં પર થવાનું છે કે નીચેની બાજુ થવાનું છે એ વિશે સ્થળભાન હોતું નથી એટલે એ ગમે ત્યાં ફુટી નીકળે. શરુઆતમાં જરા જરા લાહ્ય બળે છે કે કંઈક ખુંચે છે એવી લાગણી થાય એટલે આંજણીમાલિક વારેવારે આંખ પર હાથ લગાડે અથવા આંખ ધોઈને રાહત મેળવવાનો પ્રયત્ન કરે. ને આંજણીએ માલિકને પરેશાન કરવાની  હઠ સાથે જ અવતાર ધર્યો હોય એટલે થઈને જ રહે. આંજણીનું આયુષ્ય માંડ બે કે વધુમાં વધુ ત્રણ દિવસનું હોય છે પણ આટલા અલ્પાયુષ્યમાં ય ધારકને તોબા પોકરાવી દે.  જેવી આંજણી થાય કે જિતને મુંહ ઉતની બાત.. જે જુએ એ આંજણી નાથવાનો અમોઘ ઉપાય બતાવે. પહેલાં તો "આંજણી બહુ લાભદાયી કહેવાય. નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો ફાયદો થવાનો લખી રાખો. " જેવા સુકુનવાળા બે ચાર વાક્યો ફેંકે. જરા સારું ય લાગે પણ વળી પેલી આંજણી થકી ટાંકણી ભોંકાયા જેવી ફીલીંગ આવે.એટલે પાછા આંખ પર સરસ સફેદ ગડી કરેલો રુમાલમાં ફૂંક મારીને આંખ પર મુકીએ.વળી કોઈ હિતેચ્છુ આંજણીમાં રાહત થાય એ માટે ઉપાય કહે." સાચ્ચા ચંદનનો સહેજ લેપ કરો. એક જ દિવસમાં આંજણી થઈ હતી એ ય યાદ નહીં રહે એવું ચકાચક થઈ જસે. ચંદન આપડે ત્યાં જ હતું ય ખરું પણ સુ છે કે દિવાળીમાં ઘણી બધી ડબલીની સર્જિકલ સ્ટ્રાઈક થઈ ગઈ તો આ ચંદનવાળી ડબલી મળવી જરા મુશ્કેલ છે. " .. હવે સાચ્ચુ ચંદન ક્યાં મળે એની માહિતી ય ચંદન લગાડો કહેનારા પાસે હોય જ. કોઈ વળી ગરમ પાણીથી શેક કરવા કહે તો કોઈ વળી આંખની ગરમી છે કહીને આંખને ઠંડક કરવાના ઉપાયો દેખાડે. નો ડાઉટ , બધાની ભાવના સારી હોય પણ આંખ બીજાની હોય ! 
ગોચર અગોચરમાં માનનારા જેમ સ્વપ્નાઓનો અર્થ કાઢી આપે એમ આંજણી કોને , કઈ આંખે , ઉપલા પોપચે કે નીચલા પોપચે થઈ એનું વિસ્તારપુર્વક ફળકથન કરી આપતા હોય છે. મોટાભાગની આંજણીઓ લાભદાયક અને શુકનિયાળ હોય છે. પણ એ લાભનો લુત્ફ ઉઠાવતા પહેલાં તકલીફમાંથી પસાર થવું પડે છે. કવિને જો આંજણી સહન કરવાની આવી હોત તો આપણાને "હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે.... "જેવી પંક્તિને બદલે " આંજણીના દર્દની તમને જરા જો કલ્પના આવે..."  ટાઈપની પંક્તિ મળી શકી હોત. રામાયણ કે મહાભારતમાં કોઈને આંજણી થઈ હોય તો ય ક્યાંય નોંધાઈ નથી. પેલી જાણીતી કથા મુજબ કદાચ દશરથરાજા જ્યારે કૈકેયી સાથે યુધ્ધમાં ગયા ત્યારે  કૈકેયીએ પોતાની આંગળીના બલિદાનના બદલામાં માંગેલા બે વચનપુર્તિ સમયે ભરતને આંજણી થઈ જ હોવી જોઈએ. પણ ભરત હજી નાના હોવાથી એમને ટીવી પર  આખો દિવસ પોકેમોન ને છોટા ભીમ જોયા કરવાની આડઅસર માનીને બધાએ નજરઅંદાજ કર્યું હોય અને આવી મહત્વની ઘટના ચુકાઈ ગઈ હોય એમ બને. વિભીષણને ય આંજણી થયા પછી જ સોનાની લંકાના રાજપાટ મળ્યા હોય તો નવાઈ નહીં. સેઈમ કેસ મહાભારતમાં ય બન્યો હશે. જ્યારે ગુરુ દ્રોણની  ધનુષવિદ્યાની પ્રેક્ટિકલ એકઝામ હતી  ત્યારે અર્જુનને  ઓલરેડી આંજણી થયેલી હોવાથી એની એક આંખ બંધ જ હતી. અને એને બધું જ કટ સાઈઝમાં દેખાતું હતું. ઈવન પેલા પક્ષીની ય  એક જ આંખ એને દેખાતી હતી એના મૂળમાં આંજણી જહતી. અને એટલે જ એ વધુ ચોક્સાઈથી નિશાન તાકી શક્યો. પણ અર્જુન બધાનો ફેવરિટ રાજકુમાર હતો અને ત્યારે કૌરવ અને પાંડવ એમ બે જ પક્ષ  હોવાથી  આંજણીવાળી વાત બહાર આવતા પહેલાં જ દબાઈ ગઈ બાકી યાદવાસ્થળીના મંડાણ ત્યારથી જ થઈ જાત. અર્જુનને આંજણી છાશવારે થતી જ રહેતી હોવી જોઈએ.  કારણકે , લાભ ખાટવા માટે એકેય પગારપંચની રાહ જોવાની એને જરુર પડી નથી. 
ખોંખારો : જ્યારે શકુનિએ જુગારમાં પાસાં ફેંક્યા ત્યારે અેકસામટી કેટલા જણને આંજણી થઈ હશે એ ક્યાંય નોંધાયુ નથી બાકી મહાભારતમાં " આંજણીપર્વ" નામનો અધ્યાય ચોક્કસ સ્થાન પામ્યો હોત. 

PUBLISHED IN MUMBAI SAMACHAR, લાડકી...૧૦/૧૧/૨૦૧૬ ગુરુવાર, 'મરક મરક' 

Thursday, November 3, 2016

કાજુકતરી એટલે કાજુકતરી..



ડોક્ટરને ત્યાં માંડ માંડ બેસાય એવા નીચા સ્ટુલ પર અમે સ્થાન ગ્રહણ કર્યું. ડોક્ટરે એક હાથમાં ટોર્ચ પકડી ને અમને " જીભ કાઢો ને આઆઆ બોલો " કહ્યું. અમે એમ કર્યું પણ ડોક્ટરની ટોર્ચ દગો દઈ ગઈ. ચાલુ જ ન થઈ. એટલે ડોક્ટરે ટોર્ચની પછવાડે ટપલાં માર્યા. ગધેડું ડફણાં ખાય પછી સીધું ચાલે એવું જ ડોક્ટરોની ટોર્ચનું ય હોય છે. મોટાભાગે ટપલાટવી જ પડે. અમે ફરીથી ' આ આ આ ' રાગ આલાપ્યો. 
"હમમમ.. શું ખાધું દિવાળીમાં? "
"અં.. ખાસ કંઈ નહીં. રુટિંગ ..મઠિયા ફાફડા ને એવું બધું ઘરે તળ્યું 'તું ને  મિઠાઈમાં તો અમો કાજુકતરી જ લઈએ છીએ. "
 આટલું સાંભળતાં જ ડોક્ટરે એમના ટેબલનાં ખાનામાંથી ધારદાર ફણાવાળી છરી કાઢી. અમે બઘવાઈ ગયા."કાજુકતરીનું નામ બી બોલશો તો આ છરી મારી દઈશ. કાજુકતરીએ જ દાટ વાળ્યો છે બધો..મારે ત્યાં ય મિસીસ અને બંને બાળકોને કાજુકતરીના લીધે જ તકલીફ થઈ છે. "
"તો...ત્યાં કોઈને ના મારી છરી?"  પ્રશ્ન કરીને અમે એમની સામે જોઈ રહ્યા. ને ખલ્લાસ.. ડોક્ટરે પિત્તો ગુમાવ્યો. સાર એ હતો કે એમને ત્યાં એમના કુતરા સિવાય એમને કોઈ ગણકારતું નથી. લાખ પ્રયત્નો કરવા છતાં એ લોકો બદલાયા નહીં એટલે છેવટે ડોક્ટરે એ જેવા છે એવા સ્વીકારી તો લીધાં પણ મનનો  આક્રોશ ગમે ત્યારે ફાટી નીકળે છે. અમે ડોક્ટરના આક્રોશને બ્રેક મારવાના હેતુથી અમારી રજુઆત મોટે મોટેથી કરવા માંડી : " સાહેબ, સાંભળો . અાપડે આપડા  ઘરે જ સુકો મેવો ફ્રીજમાં રાખીએ છીએ. નાંખી દેતાં ય સહેજે એકાદ કિલો બદામ, ૫૦૦ ગ્રામ દ્રાક્ષ, કિલોએક જેવી 'ત્યાં'ની અખરોટ, બે એક કિલો કાજુ. શું છે કે કાજુમાં મેક્સિમમ પ્રોટીન આવે. બરોબર? તો આતી ફેરી થયું કે આપડે ઘેર જ કાજુ કતરી બનાઈએ. બહારના કરતા તો તાજી અને ચોક્ખી તો ખરી. આપડે સારામાંનું જ કાજુનું ફળ, ઘી, ખાંડ વાપરીએ . શું? તો વળી બાજુવાળાનાં મહારાજે કહ્યું કે થોડોક માવો મિક્શ કરો. ટેસ આવસે. તો અમે એ ય ઉમેર્યું. ને પછી વસ્તુ થઈ પણ ખરી સરસ. તે આતીફેરી અમે આ જ ખવડઈ બધાને બેસતા વરસે જે મળવા આવે એને. " 
ડોક્ટર કાજુકતરીની રેસિપી સાંભળીને જરા ઠર્યા હોય એમ લાગતા અમે પોરસાયા. અમારી ગાડી આગળ ચાલે એ પહેલાં ડોક્ટરે પુછ્યું : " કાજુકતરી તો બીજાંએ ખાધી.. તકલીફ તમને કેવી રીતે થઈ? " 
"અમે ય દર વખતે એક એક ચક્તું ખાધેલું. એક ચક્તામાં શું થાય ,હેં? "
" ભટ્ટજી... એક જ ચક્તામાં કંઈ ન થાય પણ દીઠું ભાળ્યું ન હોય એમ એક પછી એક ચક્તા લગાવો એમાં તકલીફ થાય. આ દવાઓ લખી આપું છું એ લેજો બરાબર અને કાજુકતરીની સામે ય ન જોતા હવે. એની સામે જોશો તો ય તમને ઈન્ફેક્શન વધી જશે એમ છે. "

પ્રિસ્ક્રીપ્શન લઈને અમે નીકળ્યા અને સ્કુટરની સાથે સાથે વિચારોએ પણ ગતિ પકડી. કાજુકતરીને ઘણા વહાલથી 'કતરી' પણ કહે છે. તો  મોટાં થઈ ગયા પછી ય બાળક જ રહી જતાં કેટલાક લોકો કાજુકતરીને તોતડી ભાષામાં ' કાજુકતલી' કહે છે. ઉમાશંકર જોશીએ ભલે સોના માટે લખ્યું હોય કે " નામરુપ જુજવાં અંતે તો હેમ નું હેમ.. " કાજુકતરીનેે ય એટલું જ લાગુ પડે છે. કાજુકતરીને દિવાળીના તહેવારો દરમ્યાન રાષ્ટ્રીય મિઠાઈનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ એવો એનો દબદબો છે. ઘૂઘરા , મગસ, સુંવાળી જેવી પાક્કી ગુજરાતી મિઠાઈઓ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતી જાય છે. સમય જતાં આવી મિઠાઈઓ જે બનાવી શકે એનું નગરપાલિકાઓ સન્માન કરશે .કાજુકતરીની સૌથી મોટી મઝા એ છે કે બધા ગિફ્ટમાં આવેલી કાજુકતરી જ ખાય છે. કોઈ પોતાના માટે તો ભાગ્યે જ ખરીદતું હોય છે. કોઈવાર આમ ગિફ્ટમાં આવેલી કાજુકતરીનો પરબાર્યો જ વહીવટ પણ થઈ જતો હોય છે. મૂળ ભાવના કાજુકતરી બગડે નહીં એવી ખરી પણ એ આપી દેતાં  જીવો ય બહુ બળે. સંઘર્યો સાપ પણ કામ લાગશે એવી માનસિકતા વાળા કાજુકતરીથી ફ્રીજ ભરી રાખે ને છેવટે એ સાવ નકામી થઈ ગઈ એમ લાગે ત્યારે ફેંકી દે. એમાં ' હું તો ન ખાઉં પણ તને ય ન ખાવા દઉં 'ની માનસિકતા સિંહફાળો ભજવે છે.હવેના ઈ-યુગમાં રુબરુમાં ' સાલમુબારક 'કહેવાનું ચલણ ઘટતું જાય છે એવામાં કાજુકતરીના કલાત્મક બોક્સ 

ગિફ્ટ  મોકલીને ' અમે તમને પ્રેમથી યાદ કરીએ છીએ ' એવું સ્થાપિત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવે છે. કાજુકતરી કેટલી આવી કે મોકલી એના પરથી સંબંધની  અને આપનારની આર્થિક મજબુતી મપાય. નાનું પેકેટ હોય તો એમ કહેવાય કે" મંદી છે" ને મોટું , મોંઘુ બોક્સ હોય તો ' પાર્ટી જોરમાં છે' એમ કહેવાય. દેખાવમાં સૌમ્ય, ચરકટ આકારની ,સફેદ નિર્દોષ કાજુકતરી સંબંધનો પાયો મજબુત કરે છે. સ્લીમ ટ્રીમ દેખાતી કાજુકતરી મન મોહી ન લો તો જ નવાઈ ! વળી, કાજુકતરી પર વરખની સ્થિતિ  પરથી એ કેટલી  વાસી છે એનો અંદાજ અઠંગ કાજુકતરીવીરો સફળતાપુર્વક બાંધી શકે છે.કાજુ કતરી અને ફાફડા સ્વનામધન્ય  છે. ગમે એટલા વાસી હોય ભાવે જ ભાવે. આ બેની સરખામણી અન્ય કોઈ ખાદ્ય પદાર્થ કે   એકબીજા સાથે ય અશક્ય છે. કારણકે ફાફડા ચટણીસહિત કે ચટણીરહિત પણ ખાઈ શકાય છે. કાજુકતરી હજુ સુધી કોઈએ ચટણી સાથે ખાધી હોય એવું કોઈ શાસ્ત્રમાં કે કોઈ રેકર્ડબુકમાં નોંધાયું નથી.કાજુકતરી ખાતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ફ્રીજમાં ન મુકવી. કારણકે ફ્રીજમાં મુકીએ એટલે કાજુકતરી એકબીજા સાથે ચોંટી જાય. ને એ ઉખડે એટલી ધીરજનો ગુણ કેળવાયો ન હોય તો કાજુકતરી સ્લીમટ્રીમ ને બદલે રોલીપોલી ફોર્મમાં ખવાઈ જાય તો ગળુ ખરાબ થવાના ચાન્સીસ ઉજળા થઈ જાય છે. ને દિવાળી દરમ્યાન ડોક્ટરો લગભગ વેકેશન મુડમાં હોય છે એટલે ન મળે તો હેરાન આપણે જ થવાનું આવે છે. દેવદિવાળી સુધી જ્યાં જશો ત્યાં  બધે જ પ્લેટમાં જુદી જુદી પ્રખ્યાત મિઠાઈવાળાની કાજુકતરી જ ધરવામાં આવશે. એટલે સાચવજો. ઇનકાર કરવાની નમ્ર રીતો શીખી લેજો. ને તેમ છતાં ય, કાજુ કતરી એટલે કાજુકતરી.. બહુ ના ના કર્યા વિના ખાઈ લેવાની . લો ચલો, આ કાજુકતરી.. ના ન કહેતા. સાલમુબારક . 

ખોંખારો: ઓ કાજુ કતરી તારા નામમાં આ શી મીઠાશ ભરી...

PUBLISHED IN MUMBAI SAMACHAR  ૦૩/૧૧/૨૦૧૬, ગુરુવાર, લાડકી ' મરક મરક '