Saturday, February 27, 2016

પ્રેમ રતન ધન ખોયો...25/02/2016 ગુરુવાર ,લાડકી -મુંબઈ સમાચાર


સંજય લીલા ભણસાલીએ “દેવદાસ” બનાવ્યું એ ત્રીજું દેવદાસ હતું. એ પહેલાં બે દેવદાસ બની ચૂકી હતી. એના રિવ્યુમાં એક ફિલ્મ ક્રિટીકે લખેલું કે “હજી ચોથા દેવદાસની જગ્યા બાકી હોય એવું લાગે છે. ફિલ્મમાં હજુ કંઈ ખૂટતું હશે! ત્યારે એમ થાય કે “દેવદાસ”ની એ કેવી ઉદાસી અને એવો તે કેવો પ્રેમભંગ હશે કે ત્રણ-ત્રણ ફિલ્મો બન્યા પછીય એનો વિરહ હજુય સુકાયો નથી અને અડીખમ છે. કયા સ્તરનો આ પ્રેમભંગ હશે?

વેલેન્ટાઇન ડેનો તહેવા હમણાં જ રંગેચંગે સંપન્ન થયો. લાલ રંગ અને હાર્ટ શેઇપનાં ફુગ્ગાઓમાંથી હવા પૂરેપૂરી નીકળી ગઈ હશે. પ્રેમની કસમ ને ભવોભવ સાથે જીવવા મરવાના કોલ સાથે અપાયેલી સસ્તામોંઘા ભાવની ચૉકલેટ-કૅડબરીઓનાં ખાલી રેપર રસ્તા પરની કચરાપેટીમાં કચરો થઈને પડ્યાં હશે ને નાનીમોટી ભેટો ઘરનાને મનના ખૂણે ક્યાંય ધરબાઈ ગઈ હશે. વેલેન્ટાઇન તહેવારનો ઊભરો સોડા વૉટર જેવો હોય છે. જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી બેસીય જાય. વેલેન્ટાઇન ડે પૂરો થયો ને બીજા દિવસથી રૂટિન જિંદગીની વોહી રફતાર ચાલુ. નસીબ સંજોગે ચોકઠાં ગોઠવાયા હોય તો પણ એમાં શરતો ઉમેરાવા લાગે છે ને શરૂ થાય છે પ્રેમભંગ થવાની ધીમી શરૂઆત. વેલેન્ટાઇન ડે વખતે જેમ જુદા જુદા સાત દિવસ જવાય એમ પ્રેમભંગ-બ્રેકઅપ માટેય જુદા જુદા સાત દિવસ નામે — સ્લેપ-ડે, કીક-ડે, પરફ્યુમ-ડે, કલર્ટિંગ-ડે, કન્ફેસન-ડે, મિસિંગ-ડે, અને છેલ્લે બ્રેકિંગ-ડે જવાય છે. પ્રેમમાં હોય ત્યારે જેમ પ્રેમીજનો પ્રેમ વ્યક્ત કરવાની જાત જાતની રીતો અપનાવે છે એમ પ્રેમમાં ભાંગી પડે ત્યારેય જુદી જુદી રીતો અજમાવાતી હોવાના સમાચાર આવતાં જ રહે છે. અમારા એક મિત્રના વેલેન્ટાઇન-ડેના વાસંતી તહેવારો સમયે જ પ્રેમ થઈ ગયો. બહેનબાનાં ચહેરા પર પણ પ્રેમની અસરો કાયમી મુસ્કુરાહટ સ્વરૂપે દેખાય. આંખો જરા જરામાં ઢળી જાય ને હોઠ હસી ઊઠે. ટૂંકમાં બધું કાવ્યાત્મક, ગુલાબી ગુલાબી, ફોન પર વાત કરતાંય આપણને મ લાગે કે બહેન મલકું મલકું જ હશે. “એ...” આથી વાત શરૂ થાય ને આપણે કહેવું પડે કે “બસ કરો માતાજી” ત્યારે માંડ માંડ વાત પૂરી થાય. કેટલાં રોઝ મળ્યાં ને કેટલાં હાર્ટ મળ્યા. એનો હિસાબ રાખવામાં બહેન જરા વધારે પડતાં જ લાગણીશીલ થઈ ગયાં અને સામેપક્ષે ભાઈ કોઈ બીજા સાથે વેલેન્ટાઇન-ડે ઉજવવામાં વ્યસ્ત થઈ ગયા. આ બહેનને ખબર પડી તો એમણે આ દુર્ઘટનાનો વિરોધ નોંધાવવા ભાઈને ખૂબ ગમતાં લાંબા સુંવાળા વાળને કપાવીને સાવ બૉયકટ કરાવી નાખ્યા ને પોતાનો બોયકટ વાળવાળો સ્માઇલિંગ સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામ પર # Breakup # Happy # Go to hellનાં મેસેજ સાથે વાઇરલ કરી દીધો. તો બીજા એક કિસ્સામાં પ્રેમિકા છેતરપિંડીથી એટલી તો વીફરી કે એણે એના બૉયફ્રૅન્ડને મૂક્યો પડતો અને રખડી આવી એકલી આખા ભારતમાં... આગ્રામાં તાજમહેલની ચોટી પકડીને ફોટોય પડાવ્યો હસતાં મુખે. બંને કન્યાઓ પ્રેમભંગની ઘટનાને જીરવી ગઈને જીવીય ગઈ. બાકી પ્રેમભંગ થવાય તો એકબીજાને ખુવાર કરી નાંખનારાય પડ્યા છે જગતમાં.

ચાઇનામાં એક બૉયફ્રૅન્ડને એની ગર્લફ્રૅન્ડ સાથે ગંભીર પ્રકારનો ઝઘડો થઈ ગયો ને પરિણામે બ્રેકઅપ. હવે આ બ્રેકઅપથી ગુસ્સે ભરાયેલો યુવાન મંડ્યો તે સાઇકલ લઈને નીકળી પડ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ચાઇનાથી સાઇકલ ચલાવતો ચલાવતો પહોંચી ગયો સાઉથ આફ્રિકા. 6 મહિના પછી ભાઈ બેક ટુ પેવેલિયન થયા. વ્યવસાયે તલવારબાજીનું કોચિંગ આપતા આ મહાશય હવે બ્રેકઅપ થાય તો કેવી રીતે પોતાની જાતને સંભાળવી એનાય કોચિંગ ચાલુ કરશે એવા સમાચાર છે ખરાં.

પશ્ચિમ બંગાળમાં એક હાથી જંગલમાંથી રસ્તો ભૂલીને સિલિગુડી શહેરમાં આવી ચડેલો. આ હાથીએ શહેર આખુ માથે લીધેલું ને જે અડફેટે આવે એને ઘમરોળી નાખેલું. હવે આ હાથીએ આમ શા માટે કર્યું, એ શાથી આવા ઝનૂને ભરાયેલો ક્યાંક મુખ્ય કારણ પ્રેમમાં નિષ્ફળતા તો નહતું ને આવા બધા પ્રશ્નો જો કોઈ ચેનલવાળા એનો ઇન્ટરવ્યૂ લે તો ખબર પડે. રિપોર્ટર તરીકે કીડીબાઈને નિયુક્ત કરવા પડે, કારણ કે પ્રાણીજગતની ભાષા સમજવા માટે પ્રાણી જ જોઈએ. માણસ તો માણસની ભાષાય ક્યાં સમજે છે!!

ભારતમાં રાજકારણ અને ફિલ્મો એ બે એવા ક્ષેત્રો છે કે ક્યારે કોનું ક્યાં જોડાણ છે ને ક્યારે કોનું ક્યાં ભંગાણ છે એ કહેવું અઘરું થઈ પડે છે. ચૂંટણી વખતે ભલભલી વિરોધી પાર્ટીઓ જોડાણ કરે અને જેવો સ્વાર્થ પૂરો થાય એટલે ભંગાણ—બ્રેકઅપ. વળી પાછાં કંઈક સમીકરણ બદલાઈ જાય તો ફરી એકમેકના વેલેન્ટાઇન બની જતા પળવાર પણ, ન લગાડે ટલા સહિષ્ણુ તો ખરાં!

ફિલ્મલાઇનમાં હમણાં બ્રેકઅપનો વાયરો ફૂંકાયો છે જેમાં આઘાત અને આશ્ચર્ય થાય એવી પ્રણય બેલડી છૂટી પડી હોવાના સમાચારો રોજ ગાજે છે. કેટલાંક તો વળી ફિલ્મોમાં સાથે જોડીમાં હોય એટલે ફિલ્મ પૂરતા પ્રૉફેશનલ જોડી તરીકે રહે પછી હરિઓમ. રિયાલિટી શૉમાં ભાગ લેતાં લેતાં જ પ્રેમમાં પડે અને શૉ પૂરો થાય ત્યાં સુધીમાં તો પ્રેમની કલ્પના વાસ્તવિકતા એનું સ્વરૂપ દેખશે એટલે પ્રેમીપંખીડા કદી એકબીજાને ઓળખતાં હતાં એવાંય સંબંધો ન રહે. “પાવર-કપલ” નામનો ટીવી રિયાલિટી શૉ હોસ્ટ કરતાં અરબાઝખાન અને મલાઇકાખાનનો દાખલો લઈએ તો આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર કપલ તરીકે જ પ્રખ્યાત હતાં. શૉ ચાલુ થયો ત્યારે એના આયોજકોને કે મલાઇકા-અરબાઝનેય ખબર નહીં હોય કે આ પાવર કપલમાંથી પાવર નીકળી જશે અને સેપરેટેડ કપલ થઈ જાય એવા સંજોગો આવી ઊભા રહેશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બની ત્યારે કેટલાંયનાં હાયકારા લાગ્યા હશે એ અત્યારે બંનેને બરાબરનાનડ્યા છે અને એ બે વચ્ચેય બ્રેકઅપ થઈ ગયું છે. ફળસ્વરૂપે વિરાટ કોહલીએ તો બ્રેકઅપ થાય ત્યારે શું કરવું એની સાત ટિપ્સ પણ એના ફોલોઅર્સ સાથે વહેંચી છે. અને એ રીતે પોતેય પોતાને સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો છે. સામે અનુષ્કા શર્માએ શું ગતકડું કર્યું એ હજી જાણવા મળ્યું નથી.

વર્ષો પહેલાં એક હિંદી ફિલ્મ આવેલી “ખામોશી.” વહિદા રહેમાન, સંજીવકુમાર, રાજેશ ખન્ના, અશોકકુમાર અભિનિત આ ફિલ્મમાં વહિદા રહેમાન નર્સ અને અશોકકુમાર ડૉક્ટર છે. પ્રેમભંગ થયેલી વ્યક્તિઓની સારવાર માટે નર્સ વહિદા રહેમાન પ્રેમભંગ દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે જ પ્રેમભંગની દર્દી બની ને હૉસ્પિટલમાં દાખલ થાય છે એ પ્રકારની કથાનકવાળી આ ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મ હતી. આજના સુપર ઇલેક્ટ્રિક યુગમાં આવી ફિલ્મ આવીને ક્યારે જતી રહે તેય ખબર ન પડે. પ્રજામાં પ્રેમ અંગે સહિષ્ણુતા વધી હોય એ સારી બાબત છે. આજે એક પ્રેમમાં નિષ્ફળતા મળે તો એ ઘટનાને ત્યાં જ મૂકીને આગળ ચાલવા માંડે તેને પ્રૅક્ટિકલ કહેવાય છે. જ્યારે સેલિબ્રિટીઓનું બ્રેકઅપ થાય ત્યારે લોકો પોતાની વેદના પીડા ભૂલી જાય છે. કેટલીક વાર માત્ર અને માત્ર પબ્લિસિટી સ્ટંટ ખાતર કરેલો પ્રેમ ટૂંકાગાળામાં ગાળિયો બની જાય છે અને સાવ નાંખી દેવા જેવી બાબતમાંય બ્રેકઅપ થઈ જાય છે. ઉતાવળે કરેલી ભૂલો નિરાંત મળતા સમજાય ત્યારે બ્રેકઅપની શક્યતાઓ વધી જાય છે. સમાજમાં રહેતો, સમાજથી ડરીને ચાલનારો વર્ગ આપણે ત્યાં હજી મોટો છે જે બ્રેકઅપમાં શરમ-સંકોચ અનુભવે છે પણ ધીમે ધીમે એવું દેખાઈ રહ્યું છે. ભંગાણની ઘટના પ્રત્યે લોકો સહિષ્ણુ અને ઘટનાનાં કારણો પ્રત્યે અસહિષ્ણુ થતા જાય છે. પરદેશોમાં નસકોરાબોલવાં, રસોઈ બરાબર ન આવડવી, પરફ્યુમની સુગંધ ન ગમવી, સાથીદારના મિત્રો સગા પ્રત્યે અણગમો હોવો જેવા નજીવા કારણોસર બ્રેકઅપ થઈ જવાનાં અસંખ્ય દાખલાઓ મળી આવે છે.

્રેમમાં પડેલો માણસ અકારણ મલકાયા કરે, વધારે પડતી ટીપટાપ કરે, સાથીદારની પસંદ-નાપસંદનો બરાબર ખ્યાલ રાખે જ્યારે પ્રેમમાં ભાંગી ગયેલો માણસ લઘરો હોય, સમય-સ્થળ-કાળનું ખાસ ભાન ન હોય બધે જ નિરાશ રહે એ રીતે પ્રેમમાં પડેલો માણસ અને પ્રેમમાં ખરેખર પડી ગયેલામાણસના મનનો કારોબાર બીજાના હાથમાં જ હોય છે. 


ખોંખારો : પ્રેમભંગ થવાનું મુખ્ય કારણ પ્રેમ છે.


http://bombaysamachar.com/epaper/e25-2-2016/LADKI-THU-25-02-2016-Page-4.pdf

 

 

 

Monday, February 22, 2016

મુંબઈ સમાચાર-૧૮/૦૨/૨૦૧૬ લાડકી section "મરક મરક" વાટકી વ્યવહાર


— શિલ્પા દેસાઈ

“ઢબુ.... એ ઢબુડી.... સાંભળ તો બેટા, જરા બાજુમાં જસુબાનાં ઘરેથી થોડું મેળવણ લઈ આવ તો... કાલે ઢોકળાં બનાવવાનાં છે પણ હું મુઈ દૂધ મેળવવાનું ભૂલી ગઈને દહીં બધુ વાપરી નાખ્યું છે, જો તો મારી દીકરી...”
ઢબુ દોડતીકને જસુમાસીને ત્યાંથી બે ચમચી મેળવણ લઈ આવી ને બીજા દિવસે પાછી ઢબુડીની મમ્મી ઢબુને જસુમાસીને ત્યાં મોકલે : “જા તો બેટા, આ ઢોકળાંની પહેલી થાળી જસુમાસીને ત્યાં આપી આવ”ને એમ ગઈકાલે જસુમાસીને ત્યાંથી લાવેલી બે ચમચી મેળવણનું ઢોકળા થકી સાટુ વળી જાય. સાદા શબ્દોમાં આ થયો વાટકી વ્યવહાર. હજુય આ “વાટકી વ્યવહાર” નામ વપરાશમાં છે ખરું પણ “વાટકી” વ્યવહાર વાટકી ઠેકીને થાળી ને તપેલી સુધીં પહોંચી ગયો છે.
અમારી ગોકુલધામ જેવી સોસાયટીમાં હજુ સંયુક્ત કુટુંબપ્રથા સચવાઈ રહી છે. સવારની પહોરમાં પાણી બાબતે પાણીપત યુદ્ધમાં ઉતરનારા સાંજે એકબીજાનાં ઘરમાં ચા-નાસ્તા કરતાં નજરે પડે. કમમાસી મૂળ સુરતી હોવાથી સિઝનમાં એકવાર તો ઊંધિયું બને જ બને. ને સોસાયટીમાં બધાંય પોતપોતાની તપેલી લઈને લાઇનમાં આવી જાય. દરેકને પાછી ચોઈસ હોય એ પ્રમાણે મસમોટાં તપેલાંઓમાંથી ઊંધિયું કાઢીને આપવાની કમમાસીને ભયંકર ચીડ ચડે. “પછી અમે હું ખાહું એમ કેહમ? તપેલામાંનો તેલ ને મસાલો તો ની ચાલે.” આવા બિનઅસરકારક સંવાદોની વચ્ચે ઉંધિયાનાં તપેલામાંથી ઊંધિયું ઉલેચાતું રહે. ખાય સોસાયટીવાળા અને ઓડકાર કમમાસીને આવે જેવો પ્રેમ. કોઈ વળી તપેલી કમમાસીને ત્યાંથી જ લઈ જાય અને બીજા દિવસે ખાલી તપેલી આપવાને બદલે છેવટે વાટકી ખાંડ ભરીને પાછી વાળે. હવેની વિભક્ત કુટુંબની સોસાયટીમાં આવા દૃશ્યો દુર્લભ થતાં જાય છે. એક-બે-ત્રણ વાર કશું મોકલ્યું હોય અને દરેક વખતે વાસણ ખાલી જ પાછું આવ્યું હોય તો ચોથી વખતથી વાટકી-તપેલી વ્યવહાર બંધ કરવામાં આવે. અંગત સંબંધોમાં BreaK-up થાય એમ હવે વાટકી વ્યવહારમાંય બ્રેક-અપ થવા માંડ્યાં છે. જ્યાં જૂઓ ત્યાં વાટકી વ્યવહાર અપ્રત્યક્ષ રીતે વર્તાય જ છે. રાજકારણમાં એને કટકી કહે તો ક્રિકેટમાં સટ્ટો. ટુંકમાં નામરૂપ જૂજ્વાં, અંતે તો... થોડાં વર્ષો પહેલાં એક રાજકારણીની દીકરીનાં અપહરણનાં બદલામાં પાંચ આતંકવાદીઓને અને વિમાની અપહરણ કેસમાં ત્રણ આતંકવાદીઓને છોડવાનો વ્યવહાર થયેલો. આ બંને વાટકી વ્યવહાર જેવા સોદા ભારતને હજીય ભારે પડી રહ્યાં છે!
 
આવા વાટકી વહેવારો થકી જ સમાજ ઉજળો હતો. સેંકડો વર્ષો પહેલા ‘નાણાં’ જેવા વજનદાર માધ્યમની શોધ થવાને વાર હતી ત્યારે સમાજમાં વિનિમય પદ્ધતિ અમલમાં હતી. લોકો એકબીજા પાસેથી વસ્તુના બદલામાં નાણાંને બદલે અન્ય કોઈ વસ્તુ કે એ જ વસ્તુ સામે આપતા અને વ્યવહાર ત્યાં જ પૂરો થઇ જતો. સમજોને, હું તમારી પાસેથી કશુક ખરીદું-સામે તે જ વખતે તમને એ વસ્તુ કે સર્વિસના મુલ્ય જેટલી વસ્તુ કે સર્વિસ આપી કે વાત પૂરી. તમે તમારા રસ્તે ને હું મારા.  આજના જેવી હપ્તા પદ્ધતિને પણ ચલણી થવાને સમય હતો. ધીમે ધીમે મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો અને રીતિરિવાજોમાં ધીમા પણ મક્કમ ફેરફારો આવ્યા. નાણાંની શોધ થઈ અને બાર્ટર સિસ્ટમ કહેતા વિનિમય પદ્ધતિ લગભગ વિસારે પડી પણ ૧૯૮૪ના 14મી મેએ ડેંટીસ્ટ પિતા અને સાઈકિયાટ્રિસ્ટ માતાને ત્યાં જન્મેલા માર્ક ઝુકરબર્ગે એકવીસમી સદીના પહેલા દાયકામાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ગજુ કાઢ્યું અને હાલમાં ટંકશાળ સમી ફેસબુક નામની સોશિયલ સાઇટની ભાગીદારીમાં સ્થાપના કરી અને આજુબાજુમાં કોણ રહે છે એ ખબર ન હોય પણ જોજનો દુર મિત્ર કહેતા સંપર્ક બનાવવાનું એક માધ્યમ મળ્યું.
જુના સમયમાં બધા ઓટલે બેસીને કે પાનના ગલ્લે ભેગા થઈને ટોળટપ્પા કરતા એવી રીતે આ ફેસબુક જેવી સોશિયલ સાઇટના લીધે નેટ-ટપ્પાનો ઉદ્ભવ થયો. ધીરે ધીરે સોશિયલ નેટવર્કિંગ વળગણ બની ગયું. લોકો પોસ્ટ/સ્ટેટ્સ મુકે-એમના સંપર્કમાં રહેનારા લોકો કોમેન્ટ આપે, લાઇક આપે ...કઈ પોસ્ટને કેટલી લાઇક, કોમેન્ટ મળે એના પર વ્યક્તિની લોકપ્રિયતા મપાવા લાગી ને ધીમા તાપે દૂધ ઉકળતું હોય ને ઉભરો આવે એમ ધીરે ધીરે ફેસ્બુકીયાઓમાં કોમેન્ટ- લાઇક કરાવવાનો ઉભરો આવવા માંડ્યો. લોકો એકબીજા પાસે અપેક્ષા રાખવા માંડ્યા. ‘મેં તમારા ફલાણા સ્ટેટ્સમાં લાઇક કર્યું ને તમે મારી પોસ્ટ વાંચતા પણ નથી. વાંચો અને લાઇક કરો ચાલો ‘...અને જાણે વાટકી વ્યવહારે નવો અવતાર ધર્યો. લુપ્ત થવાના આરે આવેલા વાટકી વ્યવહારને પુ. ઝુકરબર્ગે નવજીવન બક્ષ્યું. વાટકી વ્યવહારની પ્રથાએ એટલું તો જોર પકડ્યું કે અહો રૂપમ અહો ધ્વનિ કરી એકબીજાના થાબડભાણા ન કરો તો ભલભલા બેસ્ટીઝ જાની દુશ્મન બની બેસે. છેલ્લે ક્યારે કોને લાઇક કે કોમેન્ટ કરેલી એનુંય આવા વાટકીવીરો રજીસ્ટર રાખતા હોય તો નવાઈ નહિ. ભટ્ટજીના કમનસીબે એમનેય  આવા કટ્ટર વાટકીવીરો ભટકાઈ ગયેલા. એક વાટકીવીરને એવી આદત કે સવારના પહોરમાં જાતજાતનું ને ભાતભાતનું લખી નાખે ને ફેસબુક પર પોસ્ટ કરે ને પછી બરાબર ધ્યાન રાખે કે કોણ આવ્યું ને લાઈક/કોમેન્ટ કરી. જેવી કોઈની હાજરી વર્તાઈ કે એ મહાશય પણ જઈને એમની પોસ્ટ પર હાજરી પુરાવી આવે. ટિપિકલ બાર્ટર સિસ્ટમ. આંખ કે બદલે આંખ જેવું જ કંઈક. લાઇકના બદલામાં લાઇક ને કોમેન્ટના બદલામાં કોમેન્ટ. નિર્ભેળ વાટકી વ્યવહાર. જો કોઈ ઘણા દિવસે પોસ્ટમાં જોવા મળ્યું હોય તો મીઠી મધુર ટકોર પણ કરે કે બહુ વખતે આજે તો દર્શન આપ્યા.  આવી વર્તણૂક પાછળની શુદ્ધને શુભભાવના એક જ કે કોઈને એમના થકી ખોટું ન લાગવું જોઈએ બસ. 
બીજા કિસ્સામાં ભટ્ટજી રોજની જેમ તે દિવસે સાંજે ચાલવા નીકળેલા, રસ્તામાં એક જુના મિત્ર મળ્યા. ભટ્ટજી તો લાપસી લાપસી થતા ચાલ્યા મિત્ર તરફ. પણ આ શું? મિત્ર તો રસ્તો ચાતરી ગયા. ભટ્ટજીએતો તરત જ મોબાઈલ કાઢ્યો અને ફોન ઘુમાવ્યો તો સાહેબે ફોન કાપી નાખ્યો. ત્રણ ચાર વાર એમ થયું. ખલાસ.. ભટ્ટજીનો ઈગો હર્ટ થયો. હર્ટેલા ઇગા સાથે એમણે ફોન પાછો ખભે ભરાવેલી તોબરીમાં સરકાવ્યો. દસ-પંદર દિવસ પછી વાયા વાયા સમાચાર મળ્યાં કે એ મિત્રની ફેસબુકની કોઈ પોસ્ટ પર ભટ્ટજીએ લાઇક કે કોમેન્ટ નહોતી કરી એટલે ભટ્ટજી તોછડા, અભિમાની, મેનરલેસ, કાયમ ઇન્સલ્ટ જ કરનારા પ્રાણીઓના લીસ્ટમાં સ્થાન પામી ચુક્યા હતા અને મિત્રની ગુડબુકમાંથી ચુપચાપ તડીપાર થઈ ગયેલા. તો અન્ય એક મહાનુભાવ તો એમની પોસ્ટનો TRP વધારવા કોઈ કોમેન્ટ મુકે કે તરત જ એમનો વ્યક્તિગત આભાર માની લે. પુ. ઝુકરબર્ગે ફેસબુક જેવી સોશિયલ સાઈટ શરુ કરીને લોકોમાં વાટકી વ્યવહારની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે એ માટે નોબેલ પ્રાઈઝ કમિટી તરફથી એમને ભાઈચારાની ભાવના વધારવા માટેનું નોબેલ પ્રાઇઝ જાહેર કરવું જોઈએ.
 
ખોંખારો: 
આથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી પ્રિય ઝુકરબર્ગ ટ્વીટર અને ફેસબુક પર અમને follow નહીં કરે ત્યાં સુધી અમે પણ એમને follow નહીં કરીએ. 
 
 
 
 http://bombaysamachar.com/epaper/e18-2-2016/LADKI-THU-18-02-2016-Page-4.pdf

Tuesday, February 9, 2016

સમજણ કે ગેરસમજણ?

કેમ છો કાકા? કેમ આમ મરક-મરક થાવ છો?

અરે ભટ્ટજી, શું વાત કરું તમને? આજે તો જોરદાર થયું.

શું? વાતમાં મોણ નાખ્યા વિના જે થયું એ કહી દો. એટલે તમનેય શાંતિ અને અમનેય શાંતિ.

અરે, હું મારા મોબાઇલનું બિલ ભરવા ગયેલો. બિલ ભરીને આવતો હતો ત્યાં જ ફોન રણક્યો એટલે મેં ગાડી જરા બાજુમાં લીધી અને ઊભી રાખી.

કાકા, ગાડી લાવ્યા? કહ્યુંય નહીં? અભિનંદન.

ભટ્ટજી, ગાડી એટલે સ્કૂટર. શું તમેય હમજ્યા મૂક્યાં વિના ઝૂડ ઝૂડ કરો છો!વચ્ચે ડબડબ કર્યા વિના વાત સાંભળો.” હા તો. હું ઊભો રહ્યો અને ફોન પર વાત કરતો હતો. લગભગ દસેક મિનિટમાં એટલા બધા લોકો આવતાજતા મને પગે લાગ્યા. પહેલાં તો મને એમ કે એ મારો વ્હેમ છે પણ મારી આજુબાજુ કોઈ ન હતુંએટલે મને ખાતરી થઈ ગઈ કે એ બધા મને જ પગે લાગતા હતા. નિયમિત યોગનાલીધે હું ઋષિમુનિ જેવો લાગું છું એટલે હશે. શું કહેવું તમારે?

એમ કે, તમે કઈ જગ્યાએ ઊભા રહેલા? આજુબાજુમાં કોઈ ન હતું. બરાબર પણ ક્યાંક ગલીખુંચીમાં મંદિર કે દેરી હશે. આવતાંજતાં માથું નમાવતા હશે અને તમે ભોળા એમ સમજી બેઠા કે એ તમને પગે લાગે છે.

ઓહ... જબરું થયું આ તો...

તો શું કાકા, ગેરસમજ થઈ તમને બરાબરની.

આપણાને સમજણ પડે છે એનાથી મોટી ગેરસમજણ કોઈ નથી. બાળક જન્મે પછી માતા-પિતા એને સમજણ આવે એની રાહ જુએ છે. કેટલાંક માતા-પિતા બાળકની ગેરસમજણભરી હરકતોથી પરેશાન થવા કરતાં પોતે ગુસ્સે ન થવાની સમજણ કેળવે છે. એ જ બાળક મોટું થાય એટલે છોકરી હોય તો અનેક પુરુષો અને છોકરો હોય તો અનેક સ્ત્રીઓ એના પ્રેમમાં છે એવી મધુર ગેરસમજણ મનમાં જ પંપાળ્યા કરે છે તો કોઈ વાર પ્રગટ પણ કરી દે છે અને એમ જીવવાની મઝા લૂંટે છે તો બીજી બાજુ માતા-પિતાને પણ દીકરો/દીકરી કૉલેજમાં ભણવા” જાય છે એવી ગેરસમજ પોષીને ખુશ થયા કરે છે. તો વળી પરણ્યા પછી રોજ સવારે પત્ની ગરમ-ગરમ ચ્હા બનાવીને વ્હાલથી માથે હાથ ફેરવીને ઉઠાડીને ટહુકો કરશે કે ઉઠો, ચા બની ગઈ છે આદુ-ફૂદીનાવાળી” એવી ગેરસમજમાં મહિનાઓ વીત્યે જાતે જ ચ્હા મૂકીને પત્નીને ઠાડતા થઈ જાય એવા પતિ પરમેશ્વરોય છે.

વાત માત્ર ઘરથી જ અટકતી નથી સમાજમાં સરકારી ઑફિસ, કોર્પોરેટ ઑફિસ, પ્રાઇવેટ, પબ્લિક ગમ્મે તે સ્થળ હોય, પટાવાળાથી લઈને માલિક સુધીનાને એવી જ ગેરસમજણ હોય કે સંસ્થા એમનાં થકી જ ચાલે છે. શકટનો ભાર જ્યમ શ્વાન તાણે” વાળા શ્વાનની જેમ ગેરસમજણ ધરાવતા લોકોનો Attitude કહેતાં ટણીનો પારોય ઊંચો હોય છે. એક વાર અમારે બૅન્કમાં લોકરમાં જવાનો પ્રસંગ પડ્યો. ઘણા સમયથી લોકરમાં જવાની જરૂર પડેલી નહીં. એમાં ને એમાં લોકરનું ભાડું ભરવાનું રહી ગયેલું. બૅન્કમાંથી રિમાઇન્ડર્સ આવ્યા હશે પણ કોઈ કારણોસર ધ્યાનમાં નહીં આવેલા. અમે તો બૅન્કમાં પહોંચ્ અને સંબંધિત અધિકારી પાસે જઈને ઊભા રહ્યાં. અધિકારી સેલફોન પર વ્યસ્ત હતા. થોડી વાર પછી અમે એમને યાદ અપાવ્યું કે અમારેય કામ છે. ભાઈઓ ડોકું હલાવ્યું અને હાથથી એક મિનિટ એમ ઇશારો કર્યો. અમે વધુ ધીરજવાન બનીને એમની ટેલિફોનિક સંવાદના સાક્ષી બની રહ્યાં. વળી થોડી વાર પછી અમે અમારી હાજરીનું યાદ દેવડાવ્યું. મ્હોં પર અત્યંત કંટાળાના ભાવ સાથે ભાઈએ ફોન મૂક્યો અને બોલ્યા : વડીલ, હું કંઈ ટોળટપ્પા ન હતો કરતો. કામની જ વાતો થતી હતી.” “અલા ’ઈ અમે અમારા સગ્ગા કાને સાંભળી તારી વાતો કે તું લગ્નમાં કયા કપડાં પહેરવાનો છે, કલરથીમ શું છે? વગેરે વગેરે... એને તું કામની વાત કહે છે?” “તમને નો હમજાય વડીલ” કહીને એમણે અમારી લોકરની વિગતો માંગી. બધું ચેક કર્યા પછી એમણે અમને લોકર ઓપરેટ કરવાની ના કહી, જ્યાં સુધી તમારું બાકી ભાડું નહીં ભરો ત્યાં સુધી નહીં થાય.” કેટલીય માથાકૂટ પછી અમારી ગેરસમજણ દૂર થઈ કે જ્યાં સુધી એના કમ્પ્યૂટરમાં ભાડું ભરાયાની અપડેટ નહીં થાય ત્યાં સુધી રિઝર્વ બૅન્કના ગવર્નર આવી જશે તોય લોકર નહીં ખૂલે. અમે એમ સમજેલાં કે પેલા ભાઈને ફોન પર વાત ન કરવા દીધી એટલે એ અમને લોકર વાપરવા નહીં દઈને દાઝ કાઢે છે. બીજા દિવસે આવીને અમે ભાડું ભર્યું ને અને પેલા અધિકારીએ અને કહ્યું, થઈ ગયું ને કામ તમારું વડીલ? અમે કહીએ એ પ્રમાણે કરો તો થઈ જ જાય. બૅન્કમાં અમે છીએ. તમે નહીં સમજ્યાં? અમે સમજીને ડોકું હલાવી મૂક્યું અને એમ અમારા લોકર પ્રકરણનો અંત આવ્યો.

જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ વાત કરે કે મને એમ કે અથવા મને એમ લાગ્યું કે...” ત્યારે હંમેશાં એની ગેરસમજને લીધે એ ખોટો જ પડ્યો હોય એવું બને. ખાસ કરીને ટ્રાફિકજામમાં ફસાયા હોઈએ ત્યારે આપણે ટ્રાફિકથી બચવા જે-જે તરકીબો અપનાવીએ એ ખોટી પડે તો સાથેવાળાને ઠપકો ખાવો જ પડે. મેં તો કહેલું જ કે આ ટાઇમે હીંથી ન જવાય. હવે જો આ મારી વાત ન માનવાનું પરિણામ... આપણે લગ્નમાં સમયસર પહોંચી નહીં રહીએ. આમાં લગ્નમાં સમયસર પહોંચી નહીં રહેવાય એ મુખ્ય દુઃખ ન હોય પણ જમવામાં રહી તો નહીં જઈએ ને! એવો વિચાર મુખ્ય હોય છે. ઘણી વાર સહિષ્ણુતાના અભાવને લીધે નાની નાની ગેરસમજના લીધે હર્યાભર્યા પરિવાર છૂટા પડી ગયાના દાખલાય આપણે જાણીએ જ છીએ. કોઈ વાર જે થઈ ગયું એ માત્ર ગેરસમજણ હતી એવી સમજણ આવે ત્યારે અત્યંત મોડું થઈ ગયું હોય છે.

ગાંધીજી વિશે જેટલી ગેરસમજ સમજણ તરીકે પ્રવર્તમાન છે એટલી કદાચ કોઈના માટે નહીં હોય. બાપુ માટે એમના પોતાના પુત્રથી માંડીને પોતાના જ દેશબાંધવોએ ગેરસમજ કરીને અન્યાય જ કર્યો છે. બાપુ જીવતા હતાં ત્યારે દેશમાં પથરાયેલી ગેરસમજો દૂર કરવા જ્યાં જાય ત્યાં ઉપવાસ પર તરવું પડતું. સદ્ભાગ્યે એમનું આ ઉપવાસ શસ્ત્ર ગેરસમજ દૂર કરવા કારગત નીવડતું. આજે નેતાઓ ઉપવાસ કરે ત્યારે ગેરસમજને બદલે કંઈક ગરબડ હોવાની સમજને વધારે બળ મળે છે.

મોટા ભાગનાને પોતે જે નથી એ હોવાની બહુ મોટી ગેરસમજણ હોય છે વળી આ ગેરસમજણને પંપાળનારાઓ નોય તોટો નથી હોતો. સોશ્યલ મિડિયા પર આ બંને પ્રકારનાં મનુષ્યો અચૂક મળી જાય. ને કોઈ મનાં ઇગોને હર્ટ કરે તો લાગીય બહુ આવે. એક ભાઈને ફેસબુક પર જાતજાતનું ને ભાતભાતનું લખવાની ટેવ. એમનાથી પરિચિત ન હોવાને લીધે અથવા તો પોતાના અજ્ઞાનના લીધે એમનાથી અંજાઈ જનારાઓનો ઢગલો એમના ફ્રૅન્ડલિસ્ટમાં એક વાર એમણે કોઈ લેખકના લેખનો નાનકડો અંશ પોતાના નામે ઠપકાર્યો. એમના કમનસીબે અને અન્યોના સદ્નસીબે એક સજ્જ વાચકે મૂળલેખકનો આખો લેખ જ ચિપકાવ્યો. ધીમે ધીમે ભાઈના બધાઉઠાંતરી કિસ્સા બહાર આવવા માંડ્યા. લોકોની ગેરસમજણ દૂર થઈ ગઈ છે એ જોઈને ભાઈએ ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું. એ જ રીતે મોટા મોટા સાધુ મહાત્માઓ અંગેની લોકોમાં ગેરસમજ દૂર થઈ જાય. પછી લોકો તેને પૂજવાનું બંધ કરી દે છે અને સામેનાં ગુસ્સાથી બચવા અંતર્ધ્યાન થઈ જાય છે.

ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં આવી જ એક ગેરસમજના લીધે આખી ફિલ્મ સુપરહીટ થઈ ગયેલી. હીરોનની બહેનનાં અકસ્માતે મૃત્યુ પછી લગ્નની વાત આવતાં આનંદિત થાય છે કે મનના માણીગર સાથે લગ્ન થશે. હકીકતમાં લગ્નની વાત બહેનના વિધુર પતિ અર્થાત્ હીરોઇનનાં બનેવી સાથે લગ્નની વાત થતી હોય છે. મોડી મોડી આ ગેરસમજ ઉકેલવામાં ફિલ્મમાં કૂતરું મદદરૂપ સાબિત થાય છે અને ફિલ્મનો સુખાંત આવે છે. વાસ્તવિક જીવનમાં કોઈ કૂતરું ગેરસમજ દૂર કરવા કામ લાગતું નથી.

પ્રાણીઓમાંય ગેરસમજ થતી હોય છે વચ્ચે એક રાજકારણીનાં પત્નીને એમનું પાળેલું કૂતરું કરડ્યુંના સમાચાર હતા. નરી ગેરસમજ જ હશે. વળી કૂતરાને કોને કરડાય વી સમજ ન હોવાથી એ આ બહેનને કરડ્યું હશે એમ બને.

સો વાતની એક વાત એ કે બહુ બધી ગેરસમજણોનો સરવાળો એટલે સમજણ. સમજણ સાથે સલાહોને સીધો સંબંધ છે. કોહલીને કયા ક્રમે રમાડવો એ સમજણ ધોનીને આપનારા દેશના દરેક ચારરસ્તે, પાનના ગલ્લે કે કીટલીઓ પર મળી આવે તો દેશ કે સરકાર કેવી રીતે ચલાવવી એ વિશે મોદીને સમજણ આપવા માટે કેટલાંય તત્પર હોય છે જ. વળી આઝાદી કાળમાં નેહરુના બદલે સરદારને વડા પ્રધાન બનાવ્યા હોત તો દેશનો નકશો જુદો હોત એવો અભિપ્રાય ઉછાળીને એમનું ચાલે તો ગાંધીજીને એ ખમીસ પહેરતા હોત તો ખમીસના કોલરેથી પકડીને કહી દે કે બાપુ તમને આટલી સાદી વાત પણ સમજ ન પડી?

ગેરસમજણ થતી અટકાવવા માટે ધીરજ નામનો ગુણ અતિઆવશ્યક છે. જગતમાં મોટા ભાગનાં યુદ્ધો ધીરજના અભાવે અને એના લીધે થયેલી ગેરસમજણથી જ થયાં છે. જો રાવણે વનવાસમાં સીતાને હરી લેવાને બદલે એ રામની પત્ની છે આજે નહીં તો કાલે એમનો વનવાસ પૂરો થવાનો જ છે એવી સમજણ કેળવી જરા ધીરજ રાખીને વિચાર્યું હોત તો યુદ્ધ ન થયું હોત. એ નાની અમથી ગેરસમજણથી આખા રાવણ કુળનો નાશ ન થયો હોત ! 


ખોંખારો : એકની સમજણ અન્ય માટે ગેરસમજણ જ હોય છે.

 


http://bombaysamachar.com/epaper/e04-2-2016/LADKI-THU-04-02-2016-Page-4.pdf