Sunday, December 20, 2015

“લાયસન છે?” મુંબઈ સમાચાર- ગુરુવાર ૧૦/૧૨/૧૫ લાડકી section



“લાયસન છે?” 

— શિલ્પા દેસાઈ

“ભટ્ટજી, ચાલો મંદિરે આવવું છે? ગુરુવાર છે તો સાંઇબાબાના મંદિરે જતા આવીએ જરા.” હસમુખકાકાએ અમને પૂછ્યું. ચાલો, આવું કહીને અમે સ્કૂટરની ચાવી લીધી અને ઘરમાં બારી-બારણાં બંધ કરીને ઘરને તાળું માર્યુ. નીચે આવીને જોયું તો હસમુખકાકા ઉર્ફે હસુકાકા એમના નવા નક્કોર બાઇકને આડું પાડીને કંઈ ગડમથલ કરતાં હતાં. અમને જોઈને કાકા હસ્યા અને બોલ્યા : “પહેલાં બજાજ હતું ને. એને આમ જ આડુંઊભું કરવામાં એ ફસ્ક્લાસ ચાલુ થઈ જતું, આમાં હારું નહીં થતું.” આટલું બોલીને કાકાએ ફરીથી બાઇક વાંકુચૂંકું કરી જોયું અને પછી સ્ટાર્ટ કરવા કીક મારી. ભરરરર... કરતું ચાલુ થઈ ગયું. બાઇક એટલે કાકાએ બૂમ પાડી ‘જસુઉઉઉ... હેંડ લી... આ ચાલુ થઈ ગયું છે.’ અમેય સ્કૂટરની ચાવી ઝુલાવતાં ઝુલાવતાં સ્કૂટર ભણી પ્રયાણ કર્યું. સ્કૂટર લઈને કાકા ઊભેલા ત્યાં આવ્યાં. કાકા બાઇક પર સવાર થઈને બાઇકને પગે લાગ્યા અને પ્રાર્થના કરતા હોય એમ લાગ્યું. આ એમનો રોજનો ક્રમ આખી સોસાયટીમાં પ્રખ્યાત હતો. અમે સ્કૂટર કાકાની બાઇક પાસે લાવીને ઊભું રાખ્યું અને રાહ જોવા લાગ્યાં. એટલામાં જસુકાકી હાથમાં નાનુંઅમથું ડોલચું (જેને એ ડોલકુ કહેતાં) ફીટોફીટ પકડીને આવતાં દેખાયાં. બાઇક પાસે આવીને જસુકાકી બોલ્યા : “લો આ ડોલકુ, ગવંડર પર લટકાઈ દો. “કાકાએ ડોલચું લઈને ગવંડર એટલે બાઇકનાં હૅન્ડલબાર પર લટકાવી દીધું. જસુકાકી ઓછી હાઇટના લીધે એક નાનો ઠેકડો લઈને બાઇક પર ગોઠવાયાં. “હેંડો ચલાઇ દો....” કાકાએ હેલ્મેટની વિન્ડો બરાબર સરકાવી અને બાઇક ચલાવવા માંડ્યું “કહું છું, લાયસન છે ને? બ્રેક સરખી વાગે છે? પાડસો નહીં ને રસ્તે? એં, ડોલકુ ખીચોખીચ ભરેલું છે, જો જો હોં સોટ બ્રેક ના મારતા ભઇસાબ. કહું છું સંભળાતું નથી? જવાબેય નહીં આલતા. “અમે સાથે સાથે જ બાઇક અને સ્કૂટર ચલાવતાં હતાં. અમેય માથે હેલ્મેટ પહેરેલી હતી. બે વાહન વચ્ચે અંતર હોવા છતાં જસુકાકીનો માઇક ગળી ગયેલો અવાજ ચોખ્ખો સાંભળી શકતાં હતાં એટલે હસુકાકાને નહીં સંભળાતું હોય એવી શક્યતાઓ જ ન હતી તેમ છતાંય હસુકાકાએ હેલ્મેટ કાઢી અને પેટ્રોલના ટાંકા પર મૂકી અને જવાબ આપ્યો. “તોબા તારાથી તો સતત પ્રશ્નો જ પૂછ્યાં કરે છે.” ને એટલામાં જ ક્યાંકથી ટ્રાફિક પોલીસ સીટી મારતો ફૂટી નીકળ્યો. કાકાની બાઇક સાઇડ પર લેવડાવી. હસુકાકા જસુકાકી પર તાડૂકી રહ્યા. જસુકાકી જરા ઓઝપાઈ ગયાં. ટ્રાફિક પોલીસે કાકા પાસે લાઇસન્સ માંગ્યું, “એક મિનિટ સાહેબ,” ને પછી કાકાએ કાકી સામે જોઈને ત્રાડ પાડી : જસુ... સાંભળ... લાયસન છે મારા પાકીટમાં જ. ને એનીય બે ઝેરોક્સ છે. બ્રેક હાઇક્લાસ વાગે છે. આજ સુધી ક્યારેય પાડી નાંખી છે તને રસ્તે તેં બકબક કરતી હતી. હેં? તારી પળોજણમાં જ આપણે સોટબ્રેક મરાઈ ને આ ડોલકા ફોલકા મારી ગાડીમાં નહીં ભરાવવાનાં હવેથી કહી દીધું. પોલીસ અને જસુકાકી બેય આ બ્રેથલેસ જવાબમારાથી ડઘાઈ ગયેલાં. જરાવાર પછી ટ્રાફિક પોલીસને કળ વળી ને એ બોલ્યો : “આતી ફેરી  જવા દઉં છું પણ હવેથી હેલ્મેટ પહેરજો કાકા. તમારી જ સેફટી માટે હોય છે આ બધા રૂલ્સો.” કાકાએ ધૂધવાતા ધૂંધવાતા હેલ્મેટ પહેરીને મૂંડી હલાવી મૂકી ને બાઇક ચાલુ કર્યું. મુખ્ય રસ્તા પર આવ્યાં. અમે એટલી વારમાં તો કાકા અમે સાથે સ્કૂટર પર કે એમની સાથે કાકી બાઇક પર બેઠાં છે એવું ભૂલી ગયાં અને જાત સાથે વાત કરવા માંડ્યા. બાઇક પર કાકી અને બાઇકની સાથોસાથ અમારા સ્કૂટર પર અમે અમારા સગ્ગા કાને “રનિંગ કોમેન્ટ્રી”નો ખરો અર્થ જાણ્યો. “સૌથી પહેલાં તો કાચાં લાયસનો કઢાવો. એના માટે આખો દા’ડો લાઇનમાં ઊભા રહો. નંબર આવે ત્યાં જ વિન્ડો પર ફૉમ ખલાસ થઈ જાય, રિસેસનો ટાઇમ  થઈ જાય. કાઉન્ટર પર બેઠેલો હોય એને ત્યારે જ બાથરૂમ જવું હોય, અથવા તો જરૂરી ફોન આઇ જાય. આ બધાં વિઘ્નો પાર પડે પછી આપડા હાથમાં ફૉમ આવે. મહિના હુધી રાહો જોવાની પછી પાક્કું લાયસન. એમાં જાત-જાતની પરીક્ષાઓ આલવાની. બધી ટ્રાફિક સાઇન્સો આપડે મોઢે કરી જવાની. અલા ભઈ બધીય ખબર છે. આ તમારાવાળા “બમ્પ છે” એવું પાટિયું બમ્પની પાસે લગાડે છે એ જો ને! એ વાંચવા જઈએ ત્યાં સુધીમાં તો બમ્પ પરથી કૂદીય જઈએ. નીકળી પડ્યા છે. પણ, પાછા અંગ્રેજીમાં આઠડો પડાવે. અંગ્રેજી ના આવડતું હોય એને ય લાયસન લેવા આવે ત્યારે આઠડાનું અંગ્રેજી તો આવડવા જ માંડે...” કાકાની આ નોનસ્ટોપ કોમેન્ટ્રીમાં અમે ય એક મોટો બમ્પ કુદાવ્યો અને બેલેન્સ હચમચી ગયું. એમાં ને એમાં અમારી ATQ (All Time Questionnaire)માંથી ધડાધડ પ્રશ્નો ઊભરાવા માંડ્યા. ટુ વ્હીલર હોય તો અંગ્રેજી આઠડો પાડવાનો અને ફૉર વ્હીલર હોય તો ઝાડ ફરતે ને બે ઝાડની વચ્ચે ગાડી લઈ જવાની ને વળી પાછી રિવર્સમાં લો, બ્રેક મારો ને કંઈ કેટલુંય. એક તો બાજુમાં જ ઇન્સ્પેક્ટર બેઠા હોય. અડધી ફડ તો એની જ બીક લાગતી હોય. લાયસન્સ લેવા આયા હોય તો ય અકસ્માત કર્યો હોય અને આ ભાઈ આપણને જેલભેગાં કરતાં હોય એવી લાગણી અનુભવાતી હોય એમાં એ જુદા જુદા ઑર્ડર છોડે. માંડ માંડ એ વિધિ પતે. પછી યે જો એનો મિજાજ ઠેકાણે હોય તો આપણાને લાયસન્સ મળે નહીં તો ના ય મળે. જેવો એનો મિજાજ અને આપણા નસીબ! હવે તો લાયસન્સમાં ફોટાય ત્યાં જ પડાવવાનાં હોય છે. ફેસબુક પર આપણે મૂક્યો હોય એનાથી સાવ વિપરીત જ ફોટા આવે.  “ચાલ્યા ગયેલ છે” એવા કેપ્શન નીચે છાપામાં આપી દેવાય એવો ફોટો આવે. ખબર નહીં શું કરે છે એ લોકો એક ફોટો પાડવામાં? આપણાને આપણા માટે પ્રેમ ઘટી જાય એવો ઘટિયા ફોટો પાડે. એ લાયસન્સના ફોટોગ્રાફરો માટે ખાસ ટ્રેનિંગ ક્લાસ ચાલુ કરવા જેવા છે. સેલ્ફી ફોટોગ્રાફ માટે તો આવા કોર્સ ચાલુ થયા જ છે...” આ ATQ હજી ચાલુ જ હતું ત્યાં તો અમે બીજો બમ્પ કુદાવ્યો અને વાસ્તવિક જગતમાં પરત ફર્યાં. આજુબાજુ નજર કરીએ તો હસુકાકા હજીય એમના તાનમાં જ સ્વગતોક્તિ ફટકાર્યે જતા હતા. તે જસુકાકી એમના સ્વભાવથી વિરુદ્ધ સાવ મૂંગામંતર થઈને કાકાને ખભે સ્ટૅન્ડ હોય અને થેલો લટકાવ્યો હોય એમ હાથ ટેકવીને આજુબાજુ ડાફોળિયાં મારતાં હતાં. વળી અમારા વિચારોને વેગ મળ્યો. “મા-બાપો ય ખરા છે હોં. નાનાં નાનાં છોકરાંના હાથમાં વાહન આપી દેતા જીવેય કેમ ચાલતો હશે? એવા તે શું કામમાં હોતા હશે કે છોકરાંઓને લેવામૂકવાની વ્યવસ્થાય ન થઈ શકે? કાયમ મજબૂરી હોય? અપત્ય-પ્રેમ હોય તો બધાનેય હોય. છોકરાં માંગે એટલે વાહન આપીને છોકરાંનાં પોતાનાં તો ખરાં જ પણ બીજાના જીવોય શું કામ જોખમમાં મૂકતાં હશે? સરકારે લાયસન્સ આપતી વખતે જ બધા પાસે સોગંદનામું કરાવવું જોઈએ કે આથી હું અહીં સહી કરનાર ફલાણા ફલાણા પ્રતિજ્ઞા લઉં છું કે મારા બાળકને જ્યાં સુધી એ 18 વર્ષનું ન થાય અને ટ્રાફિક સેન્સ ન આવે ત્યાં સુધી વાહન આપીશ નહીં. જો તેમ કરવામાં નિષ્ફળ જાઉં તો સરકારશ્રીને મારું લાયસન્સ અને વાહન જપ્ત કરવાનો અબાધિત અધિકાર છે.” ટેણિયાં મેણીયાંઓને જલદી જલદી મોટા થઈને શું કરવું છે, ખબર નહીં અલા મોટી ઉંમર થશે એટલે આવશે જ ને તમારા હાથમાં વાહન. ખમી જાવને બાપલા? આમેય નાના રહેવામાં જ અનેરી મજા છે. પણ સાલી એ વાત મોટા થઈ જઈએ પછી સમજાય છે.
હજીય આ વિચાર મણકા ફરતાં જ રહેત પણ અમારું ગંતવ્યસ્થાન આવી ગયું અને અમે સ્કૂટર ધીરું પાડ્યું. ટ્રાફિકના નિયમો યાદ રાખીને સાઇડ-ઇન્ડીકેટર પણ ચાલુ કર્યું. અમે સ્કૂટર ધીમે ધીમે બાજુ પર લાવ્યાં, હસુકાકા આણિમંડળીએ પણ બાઇક બાજુ પર લીધું. એમનો પુણ્યપ્રકોપ હજી કન્ટિન્યુઅસ મોડમાં જ હતો. અમે બંનેએ વાહન સ્ટૅન્ડ પર પાર્ક કર્યાં.
કાકી ઠેકડો મારીને ડોલકુ જોવા ઝડપથી આગળ આવ્યાં. હસુકાકાએ હેલ્મેટ ઉતારીને હૅન્ડલબાર પર લટકાવી અને અમારી સામે જોયું : “ઓ હો ભટ્ટજી... તમે? મંદિરે આવ્યાં છો?” અમે નિઃશબ્દ. એટલામાં જ ક્યાંકથી પોલીસ આવી ચડ્યો અને સ્કૂટર પર ડંડો પછાડ્યો ને બોલ્યા : “લાવો 50 રૂ.” અમે ભાનમાં આવ્યાં અને પૂછ્યું : “શેના?” જવાબમાં પોલીસે “No Parking”નું પાટિયું વંચાવ્યું. અમે ફરીથી નિઃશબ્દ અને 50 રૂ. આપ્યાં ને પાવતી લીધી.

ખોંખારો :
બાઇકચાલક શાંતિલાલને મોબાઇલ પર વાત કરતાં જોઈને ટ્રાફિક પોલીસે પકડ્યા. ઊભા રાખીને લાયસન્સ માગ્યું. પણ, શાંતિલાલ વાત કરતા જ રહ્યા. પોલીસે બેત્રણ વાર હાથ પછાડ્યો એટલે હોલ્ડ કરીને કહ્યું, “ગુનો તો પૂરો થવા દો. ચાલુ ખૂનની ક્રિયાએ કોઈ દિવસ પકડ્યા છે કોઈને? ગુનો પૂરો થાય પછી જ લાઇસન્સ બતાડીસ!!”

http://bombaysamachar.com/epaper/e10-12-2015/LADKI-THU-10-12-2015-Page-4.pdf

શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool..મુંબઈ સમાચાર- 03/12/2015 THURSDAY -Laadki section

 

શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool
— શિલ્પા દેસાઈ
કાશીકાચી ઉર્ફે કાશીકાકીએ ચાની ચૂસકી મારતાં મારતાં છાપાની ગડી ખોલી ને અચાનક જ એમની ચૂસકી ભરવાની ઝડપમાં વધારો થઈ ગયો. ધોબી ઇસ્ત્રી કર્યા પછી સાડીની છેલ્લી ગડીને ડાબા હાથથી ઘસી ઘસીને Final Fold મારે એમ એમણે છાપું વાળીને ફાઇનલ ફોલ્ડ કર્યું. ફટાફટ ઘડિયાળમાં જોઈને રાડ પાડી: એ ચકલા, ઢબલી ઊઠોઓઓઓ... બંને છોકરાં સફાળા બેઠાં થઈ ગયાં ને “શું થયુંઉઉઉ...”ની સામી રાડ પાડી. કાશીકાચીએ ઉત્તર આપ્યો, “જલદી પેટીપલંગ ખોલો આળસુડાઓ. એમાંથી રજાઈ ને ગોદડાં, સ્વેટર બહાર કાઢો ને તડકે તપાવવા નાંખી આવો. કાસ્મીરમાં બરફ પડ્યો છે ભયંકર એવું છાપામાં આયું છે આજે.” ચકલો ને ઢબલી હસી પડ્યાં. ઢબલી કહે : “અલી મમ્મી, એ તો કાશ્મીરમાં પડ્યો છે. અહીં આવતાં તો હજુ વાર થસે અને એ ય તે બરફ તો નહીં જ. સુ યાર તું પાછળ પડી જાય છે.” કાશીકાચીએ ચકલાને પલંગમાંથી ખેંચી કાઢ્યો. “અલી એ મમલીઈઈઈ...” ચકલો બૂમાબૂમ કરી રહ્યો. પણ એમ કાશીકાચી માને તો કાશીકાચી શેના? આ ઠંડી કંઈ અંબાજીનો પગ પાળા સંઘ છે તે તમે કહો એ દિવસે અહીં આવસે? ઊઠ હેડ, આ પેટી ખોલ ને બધું કાઢવા માંડ, બંને છોકરાં ઊઠ્યાં અને પેટીપલંગમાંથી બધુ કાઢવા માંડ્યા. કાશીકાચીએ ફટાફટ બે જાડી રજાઈઓ ખેંચી કાઢી અને ઢબલીનાં હાથમાં પકડાવી. “લે, તારા બાપા પરોઢિયાનાં સપનાં જ જોતા હસે હજીય એમને ઓઢાડી આય. ગામથી વધારે એમને જ ટાઢ વાય છે તે.” ઢબુએ બેડરૂમ ભણી ગતિ કરી ત્યાં જ રૂમમાંથી ચુનીકાકા—કાશીકાચીનાં હસબન્ડ બગાસાં ખાતાં ખાતાં બહાર આવ્યા. ને ઢબુએ ત્યાં જ એમના હાથમાં પેટી, રજાઈઓ પકડાવી દીધી. “પપ્પા... લો, આ રાખો. મમ્મીએ તમને ગિફ્ટ આપી. “કહીને તાળી આપવા માટે ચકલા તરફ હાથ લંબાવ્યો.” આ તારી મમ્મીને ગામથી પહેલો શિયાળો આઈ ગયો એમ ને?” ચુનીકાકા ઉવાચ.
આવી... કાશીકાચીઓ ઘેર ઘેર હોતી હશે. હેં ને? “છાપામાં આવતાં સમાચારોની અસર કેટલી?” જો એવો સર્વે કરવાનો આવે તો આવા હવામાનના સમાચાર છાપ્યા પછી કરવો જોઈએ. ઇન્ટરનેટ અને ગૂગલનાં આ આધુનિક જમાનામાં છાપાની અસરકારકતા આવા સમાચારોથી ખબર પડે.
કહેવાય છે કે શિયાળામાં એકબે ડિગ્રીની ચઢઉતર પણ લોકોનાં શરીરના તાપમાન પર બહુ અસર કરતી હોય છે. પણ શિયાળો સિઝન એકદમ મઝાની. એમાં ના નહીં. શિયાળાની અસરો મુખ્યત્વે ખોરાક અને કપડાં પર પડે છે. કેટલાંક લોકોની અમુક પ્રકારની વર્તણૂક પણ શિયાળો હળવોફૂલ બનાવી દે છે. જેમ કે, અમારા એક પડોશી છે. હસમુખકાકા. આ હસમુખકાકા વર્ષોથી ઠંડી વધારે છે કે ઓછી એ માપવા વહેલી સવારમાં ઘરની બહાર નીકળે તે જોરથી શ્વાસ બહાર કાઢે. જો ધુમાડો જેવું દેખાય તો અતિશય ઠંડી અને જો કશું ન દેખાય એવું તો સામાન્ય ઠંડી. શિયાળા દરમિયાન હસમુખકાકાની આ ફેવરિટ એક્ટિવિટી છે. કોઈ વાર એમને જો ઠંડીની માત્રા અંગે મૂંઝવણ થાય તો બેચાર વાર શ્વાસ લઈને બહાર કાઢે ને જોનારને એમ લાગે કે એ કપાલભારતી કે એવો કોઈ યોગ અજમાવી રહ્યા છે. તો જશોદાકાકી વળી દૂધ માટે જે થેલી મૂકે એમાં ઉનની ન પહેરાય એવી બંડી ય મૂકે કે જેથી સવારે દૂધવાળો જે દૂધની જે થેલીઓ મૂકે એ ઠંડીને લીધે બરફ ન થઈ જાય!! તો વળી કોઈ પણ સિઝનને સિરીયસલી ન લેનારા કનુકાકા એ જે દિવસે નેપાળી સ્વેટર બજાર જુએ એ જ દિવસે શિયાળો બરાબર બેઠો છે એમ જાહેરાત કરે. ભલે પછી એ દિવસ નવેમ્બરમાં હોય કે ડિસેમ્બરમાં. ગયા વર્ષે એમનો શિયાળો બહુ મોડો બેઠો. કારણ કે નેપાળી સ્વેટર બજાર કાયમ જ્યાં ભરાય છે તે સ્થળ બદલાઈ ગયેલું. એટલે સોસાયટીની એક જનરલ મિટિંગમાં એ સદરો અને લેંઘામાં પ્રગટ થયા ત્યારે બધાએ પૂછયું : “કાકા, ઠંડી નથી લાગતી? તો એમણે ફિલસૂફની અદામાં જવાબ આપેલો : “ઠંડી તો માનસિક અવસ્થા છે.” સોસાયટીની ટપુસેનાએ એમને નેપાળી સ્વેટર બજારનાં બદલાયેલાં સ્થળની માહિતી આપી એ સાથે જ એમની માનસિક અવસ્થા અને સ્વસ્થતા બંને બદલાઈ ગયા અને એમણે ઠંડી ભયંકર વધી ગઈ છે તેની  વિધિવત્ જાહેરાત પણ એ જ મિટિંગમાં કરી દીધી.
શિયાળો આવે એટલે શાકમાર્કેટમાં વિવિધ રંગનાં શાકભાજી દેખાય. પબ્લિક પાર્કમાં તંદુરસ્તીવાંચ્છુઓની સંખ્યામાં વધારો જોવા મળે. પાર્કના વૉક-વે કે વૉક-ટ્રેક પર જાત જાતનાં વૂલન કપડાં પહેરેલાં વીરલા વીરલીઓ આમતેમ લયબદ્ધ-શિસ્તબદ્ધ ચાલતાં-દોડતાં દેખાય. તો લોન પર કોઈ ઠેકાણે યોગાસન કરનારાય નજરે ચડે તો વળી કાકા-માજીઓના એક અલગ જ મિજાજ દેખાય. ઘણાં ઉંમરલાયકોથી ઠંડી સહન ન થતી હોવાથી એમનાં રૂટિનમાં થોડું પરિવર્તન પણ આવી જાય. બગીચામાં આવવાનો સમય બદલાય અથવા તો આવવાનું જ બંધ થઈ જાય. પાર્કની બહાર જાત જાતનાં સૂપ, કરિયાતા, જ્યૂસ, નાસ્તાવાળાઓનો રીતસર રાફડો ફાટે ને આ લારીવાળાઓ એકબીજાની હરીફાઈમાં જરાય અસહિષ્ણુ થયા વિના સંપીને ઊભા રહે. દરેક જણ સારું જ કમાય. સાંધા જકડાઈ જવા, શરદી-ખાંસી થવા એ શિયાળાના માનીતા રોગો છે, એટલે એને નાથવા માટે જાત જાતનાં ઘરગથ્થુ ઉપાયો, શિયાળામાં ખાવ તો ગરમ ન પડે એવાં વસાણા-શિયાળુપાકની વાનગીઓની રીતથી વર્તમાનપત્રોથી માંડીને સોશિયલ નેટવર્ક ઊભરાતાં રહે. જે-તે ફળફળાદિ, શાકભાજીના ગુણ વર્ણવતા ફરફરિયાં જ્યાં ત્યાં ઊડાઊડ કરતાં દેખાય.
સરકાર માન્ય “નીરા કેન્દ્ર” એ શિયાળાની અદ્ભુત ભેટ છે. તમને સરકાર માન્ય હોય કે ન હોય પણ નીરો તો અહીં જ પીવો પડે. વળી નીરો ડ્યૂઅલ પર્સનાલિટી ધરાવતું એકમાત્ર સરકાર માન્ય પીણું છે. સવારે નવેક વાગ્યા સુધી એ એકદમ ગુણકારી પીણું ગણાય છે. પછી ધીમે ધીમે એનામાં અસહિષ્ણુતા ઉત્પન્ન થવા લાગે છે અને એ છેવટે “તાડી” નામના સરકાર-અમાન્ય પીણામાં પરિવર્તિત થઈ જાય છે. આમ તો નીરો એ વહેલી સવારે નરણા કોઠે પીવાનું પીણું છે. પણ જો નવ પછી પીઓ અને સ્કૂટર પર જતાં પવન લાગે અને તમે જો તાનમાં આવી જાવ તો ચોક્કસ માનજો કે તમે નીરો નહીં પણ તાડી પી ગયા છો! એવા આ ચમત્કારિક પીણાને પૅકિંગમાં ઘરે (કે બીજે કશેય) લઈ જવાની મનાઈ છે. પણ કેટલાંક ઉત્સાહીજનો ઘરમાં વડીલોને માટે લઈ જવાનું છે એમ જૂઠું બોલીને કોથળીમાં ભરીને લઈ જાય છે. પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો નીરો દૂરથી દેશી દારૂની પોટલી જેવો દેખાતો હોવાથી નીરો માટે લાઈનમાં ઊભેલાં કે લાઈનની બહાર ઊભેલાં જુદી નજરે જુએ છે. કાયમ ઊંધું જ વિચારતા લોકોની જગતમાં ખોટ નથી એટલે મોટા ભાગના લોકો મનમાં એમ જ વિચારે કે સાલો ઘેર જઈને નીરો બપોરે “તાડી” બને પછી જ ઢીંચશે. વળી, નીરોનું મુખ્ય વિતરણ નશાબંધી મંડળ દ્વારા થતું હોય છે!!! આ તો થઈ શિયાળાના અમૃત “નીરો”ની વાત. શિયાળામાં બીજો ક્રેઝ હોય તો એ “કચરિયું” ખાવાનો. તલમાંથી બનાવાતું કચરિયું એશિયન એટલે કે કાળાતલનું—અને અમેરિકન એટલે કે સફેદ તલનું. એમ બે પ્રકારનું મળે. જૂના સમયમાં ઘાણીમાં તલ નાંખીને બળદિયા ગોળ ગોળ ફરે. તેલ નીકળ્યા પછી જે બચે એમાં ગોળ-સૂંઠ વગેરે ઉમેરીને ખાવાથી શિયાળામાં તંદુરસ્ત રહેવાય એવું કહેવાતું. મૂળ તો આ ગામડાની “સ્વીટ” છે. પણ, હવે શહેરોમાં ય નાના-નાના કરિયાણાવાળાની દુકાનોમાંય કાળું-ધોળું કચરિયું રંગીન ખોખાઓમાં મળતું થઈ ગયું છે. શહેરમાં રસ્તાના ડિવાઇડર પર સૂનમૂન ઊભેલાં સાંઢિયા જોઈને એમ થાય કે આખો શિયાળો ગોળ ગોળ ફરીને બિચારો એટલો તો સૂન મારી ગયો છે કે એ ચક્કર ઉતારવા જ આમ ડિવાઇડર પર સ્થિર ઊભો હશે!! અમે તો દૃઢપણે એમ પણ માનીએ છીએ કે શહેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં બળદોની સંખ્યા વધવાનું મૂળ કારણ આ “કચરિયું” જ છે. અમુક લોકો ભાર દઈને બોલવાના શોખીન હોય છે એ લોકો કચરિયાને “લો આ કચ્ચરિયું ચાખો” એમ કહીને નાની ડિશમાં આપણને કચરિયું ધરે ત્યારે આપણો કચ્ચરઘાણ નીકળી જશે એવી લાગણી થાય. શિયાળાની સાથે સાથે લગ્નસરા પણ શરૂ થઈ જાય. શિયાળામાં ભૂખ ઊઘડે... ઘણાને પારકા જમણવારોમાં ભૂખ ઊઘડે. એક સાથે પાંચસોસાતસો જણની ભૂખ ઊઘડે તો યજમાનનાં રસોડે યુદ્ધ જેવી સ્થિતિ ન સર્જાય તો જ નવાઈ. દાળ-શાકમાં પાણીનો પુરવઠો વધતો દેખાય તો જાણવું કે લોકોની ભૂખે ભયંકર ઉઘાડ કાઢ્યો છે.
આપણે ત્યાં ઠંડીનો પારો દિવસેય ગગડેલો રહે એવા માંડ આઠદસ દિવસ જ હોય. એ સિવાય શિયાળો અત્યંત ખુશનુમા હોય છે. સવારમાં ચ્હા પીતાં પીતાં ભૂતકાળમાં સરી જવાની મઝા અલગ જ આવે, તો ઠંડીને લીધે રાત્રે મોડે સુધી રખડતાં નિશાચરોની રખડપટ્ટી પર શિયાળા પૂરતી બ્રેક વાગે છે અને એમના કુટુંબને પણ સાથે સમય ગુજારવાનો લહાવો મળે છે. તો ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલાં લોકોને ધાબળા ઓઢાડીને પુણ્ય કમાતા કર્ણોનીય ખોટ નથી.

ખોંખારો : શિયાળા દરમિયાન પ્રયત્નપૂર્વક મેળવેલી તંદુરસ્તી આખું વરસ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ...

"Suffer-જન તો તેને રે કહીએ...”..26/12/15 mumbai samachar

"Suffer-જન તો તેને રે કહીએ...”

— દેસાઈ શિલ્પા
“હુરરર...હટ્ટટ....હુરરરરર... સુહાના સફર ઔર યે મૌસમ હંસીઈ... હમેં ડર હૈ હમ ખો ન જાયે કહીંઈઈ...” યાદ આયોને દિલીપકુમાર?ઓલિમ્પિક્સમાં ગોળાફેંકમાં જીત્યા પછી ખેલાડી હવામાં મૅડલ ગોળ ગોળ ફેરવીને જે રીતે ખુશી વ્યક્ત કરે એવી જ ખુશી દિ. કુ. જી.એ ફિલ્મ “મધુમતી”નાં આ ગીતમાં વ્યક્ત કરેલી. આ ગીત અમે જ્યારે જોઈએ અથવા સાંભળીએ ત્યારે થાય કે ગમે એટલી સુહાની મોસમ હોય ને ગમે એટલો ફૉર લૅન હાઇ-વે હોય તોય આવી રીતે આપણાથી બીજું ક્યાં ગવાય છે? વાત મૂળ તો સુહાના સફરની છે. આખું વર્ષ નોકરી-ધંધામાં ગમે એટલું “Suffer” કર્યું હોય પણ હવે આ સિઝન શરૂ થઈ છે “સફર” કરવાની. દિવાળી આવતાં જ બધાં “સફરજનો” નીકળી પડે છે. પણ ખરેખર સફરનો લૂત્ફ ઉઠાવે છે ખરા?
ફરવા જવું એ ‘પેશન — Passion” હોવું જોઈએ કે “Fashion —ફેશન?” ટ્રાવેલ કંપનીવાળાઓએ “સફરજનોની નાડ (છાલ) બરાબર પારખી છે ને એટલે જ ઠેરઠેર તમે દુનિયાનું કોઈ પણ સ્થળ ફરવા જવા માટે નક્કી કરો પણ એનું અંતર તમારા ઘરથી હોય માત્ર “ ‘0’ — Zero” કિ.મી. ટ્રાવેલ એજન્સીવાળા એમની ઑફિસમાં તમારું સ્વાગત વૅલકમ ડ્રિંકથી કરતા થઈ ગયા છે જે ઍરહોસ્ટેસથીય રૂપાળું સ્માઇલ આ ટ્રાવેલ એજન્ટોની કંપનીનો સ્ટાફ તમને આપે છે. જેમ ડૉક્ટર પાસે જાવ તો એ બધા જ જરૂરી-બિનજરૂરી ટેસ્ટ કરાવી લે એમ જ આ ટ્રાવેલિયાઓ પણ બધા ટેસ્ટ ત્યાં જ કરી લે છે. આ વખતે અમને બી એમ થયું કે દરવખતે ફરવા જઈએ ત્યારે જાતે લમણાં લઈએ છીએ એનાં કરતાં બધું ટ્રાવેલ એજન્ટને જ સોંપીએ. આવો શુભ નિર્ધાર કરીને અમે નજીકની એક ટ્રાવેલ ઑફિસમાં ઘૂસ્યાં. પૅરિસનાં ઍફિલ ટાવરથી લઈને નડિયાદનાં સંતરામ મંદિર સુધીનાં ફોટા ચારે બાજુ ટીંગાડેલા હતા. જોકે, પછી ખબર પડી કે ટ્રાવેલ એજન્ટશ્રી નડિયાદનાહતા અને સંતરામ મંદિરમાં અખૂટ આસ્થા ધરાવતા હોવાથી એ ફોટો પણ ત્યાં હતો. બાકી નડિયાદ જવા માટે કંઈ કોઈ થોડું અહીં પૂછવા આવે? વીમા એજન્ટ મેડિક્લેઇમ ઉતરાવવાની સમજણ આપે એમાં અને ટ્રાવેલ એજન્ટ જુદાં જુદાં સ્થળોની માહિતી-સમજણ આપે. એમાં ઝાઝો ફેર હોતો નથી. ખેર, અમને એક નાની ચોરસ કોટડી જેને એ લોકો “હેલ્પ-ક્યુબ” કહેતા હતા એમાં બેસાડવામાં આવ્યા. તરત જ વૅલકમ ડ્રિંક પણ આવી ગયું. પાછળને પાછળ જ એક હીરો ટાઇપ હેન્ડસમ બૉય પ્રગટ થયો. અમે જાણે કે કોન બનેગા કરોડપતિની હૉટ સીટ પર હોઈએ અને એ પોતે બચ્ચનસાહેબ હોય એવી લાગણીથી અમારી સામે જોયું અને બેઠક પર ગોઠવાયો. ટેબલ પર સહેજ ખસેડખૂસડ કર્યું. ટેબલના ખૂણામાં કંઈ દેવી-દેવતાના ફોટા હશે એને પગે લાગ્યો. અમે ભાવવિભોર અને પ્રભાવિત પણ થયાં. આટલી વિધિપૂરી થતાં લગભગ દસેક મિનિટ થઈ. અમે એનું નિરીક્ષણ કરતાં રહ્યાં. “ફિલમમાં ચાલે એવો છે એટલિસ્ટ... ઍડ ફિલ્મમાં તો ચાલે જ.”
હવે એણે અમારી સામે જોયું અને હસ્યો.
“યસ મેમ, હાઉ મે આઈ હૅલ્પ યુ?”
“બહારગામ જવું છે.”
“કેટલાં જણાં છો?” આ પ્રશ્નથી અમે મુંઝાયા અને અમારી આજુબાજુ જોયું “હેં?” એકલી જ આવી છું તપાસ કરવા તો...”
એ હસી પડ્યો. “અરે, એમ નહીં. બહારગામ કેટલાં જણા જવા માગો છો?” પછી ઉત્તરની રાહ જોયા વિના ટેબલનું ખાનું ખેંચીને એણે એક કાગળ કાઢ્યો ને ટેબલ પર ચાદર પાથરતા હોઈએ એમ પાથર્યો. ગ્લોસી પેપરમાં જુદી જુદી જગ્યાઓમાં આકર્ષક ફોટોગ્રાફ્સ હતા અને થોડી થોડી વિગતો લખેલી હતી.
“તમે થોડાં મોડાં છો, મેમ...” અમે આશ્ચર્યથી ઘડિયાળ ભણી જોયું. હજી તો સવારના અગિયાર માંડ થયા છે ને આ હીરો એમ કહે છે કે તમે મોડાં છો? મીન્સ... ઑફિસ સવારમાં વહેલી જ ખૂલી જતી હશે? એવું વિચારવામાં અમે આ પ્રશ્નનો ઉત્તર પણ ખાઈ ગયાં. “યુ. સી., હવે તો દિવાળીની રજાઓ પછીનું જ બુકિંગ મળે તો મળે. એય નોટ સ્યોર હોં કે. દિવાળીનાં તો ઑલ પેકેજિસ પૅક થઈ ગયા છે.”
“અમારે દિવાળી પછી જ જવું છે મિત્ર. શું છે કે દિવાળીમાં તો બધે ભયંકર ભીડ હોય છે અને કોઈ વાર તો અહીંવાળા જ તંઈ પણ ભટકાય અને પાછાં આપણને પૂછે કે લો, તમે ય અહીં જ આયા છો? તે અમારાથી ના જવાય? કહો જોય? એની વેઝ, જગ્યાઓ બોલો જોય તમે.”
હીરો ફરજનાં ભાગરૂપે અમારી વાત ધ્યાનથી સાંભળી રહ્યો અને ફરીથી જરા હસ્યો અને અમને કેટલાં દિવસ ફરવા જવું છે એમ પૂછયું. અમે ચારપાંચ દિવસ કહ્યું એટલે એણે પેલી પાથરેલી ચાદર ગડી કરી દીધી અને ખાનામાંથી બીજી ચાદર કાઢી એમાંય રંગબેરંગી ફોટોગ્રાફસ અને માહિતી આકર્ષક રીતે સજાવેલા હતા.
“તમારી કોઈ પર્સનલ ચૉઈસ છે કે એક્ઝેટ. તમારે કઈ જગ્યાએ જવું છે?” અમે હેં? પૂછીએ એ પહેલાં જ એણે કહ્યું, “આઈ મીન, દરિયાકિનારે, પર્વત, જંગલ વગેરે વગેરે... તંઈ જઈને ખાલી પડ્યા જ રહેવાનું હોય તો એવાંય સ્થળોનીય આપણી એજન્સી પાસે વ્યવસ્થા છે જ.”
અમે ફરી વિચારમાં પડ્યાં. સાલું આવું તો ક્યારેય વિચાર્યું જ નથી. હીરોની ગાડી હવે રમરમાટ સ્પીડમાં દોડતી હતી. અમને પૂછેલાં પ્રશ્નોના ઉત્તરનીય રાહ જોયા વિના એ નૉનસ્ટોપ બોલ્યે જ જતો હતો. વચ્ચે...વચ્ચે પેલી ચાદર પર કંઈ કુંડાળાઓય કરતો રહેતો હતો. અમે થોડુંક ધ્યાનથી બેધ્યાનપણે સાંભળતા હતા.”
“તમારી સાથે ચિલ્ડ્રન્સ કેટલાં છે?” ભાષાનો આવો ભયંકર ઉપયોગ અમે સાંભળીને વ્યાકરણદોષ સુધારવાના મિજાજમાં આવ્યાં પણ એની વાણી તો અવિરત ચાલુ જ હતી એટલે “ચિલ્ડ્રન્સ” તો ક્યારનાંય આગળ જતાં રહ્યાં. યુ. સી., તો હું તમને એ પ્રમાણે પેકેજિસ સજેસ્ટ કરી શકું. ઘણીવાર ચિલ્ડ્રન્સોના લીધે સારી ડિલ્સ મળી જતી હોય છે.” અમે એક બાળક અંગે માહિતી આપી એટલે એણે કુંડાળું કર્યું અને એમાં લખ્યું ‘1 ચિલ્ડ્રન.’ અમે વળી વ્યાકરણદોષ નિવારવા આતુર થઈ ઊઠ્યાં, પણ હીરો બીજા કુંડાળા તરફ ગતિ કરી ગયેલો.
“વેજ કે નૉનવેજ? યુ. સી, હવે બધા સી-ફૂડને વેજ ફૂજ જ ગણે છે.”
“ના હોં, જો જો ભંઈ... પક્કા વેજ હોં... ને રસપૂરી ને પાતરાં ને એવું બધું. ફોરેન ટીપમાં જ ઑફર કરો કે અહીં પણ ખરું એવું બધું?” હીરો એ અમારો પ્રશ્ન તો સાંભળ્યો જ નહીં... અને કુંડાળા પર ચોકડી મારી અને બીજું કુંડાળુ અર્થાત્ પ્રશ્ન ઝીંક્યો.
“અમે અમુક સ્થળોએ ક્લાયન્ટને ફૂલ્લી ઈક્વિપ્ડ અપાર્ટમેન્ટ જ એકોમૉડેશન માટે આપીએ છીએ. યુસી, એમાં બધું જ હોય. ફ્રીજ, એસી, વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન વગેરે... સગડીવાળો ગૅસ ન હોય બસ. બધું તમારે માઇક્રોવેવમાં જ રાંધવાનું. ઇવન માઇક્રોવેવનાં વાસણો ને થાળી વાટકાય ખરા અપાર્ટમેન્ટમાં. જો તમને માઇક્રોવેવ ઓવન ઓપરેટ કરતાં આવડતું હોય તો તમારે માટે કામનું, બાકી તો એ સ્થળ નકામાં.”
અમે ના કહી. એ અચરજથી અમારી સામે તાકી રહ્યો. “અલ્યા ભંઈ માઇક્રોવેવ ચલાવતાં તો આવડે છે પણ ત્યાં જઈનેય જો અમારે જ રસોઈની માથાકૂટ કરવાની હોય તો એ તો અહીં પણ કરીએ જ છીએ ને હેં?” હીરો અમારી વાત સાથે સંમત થયો અને યે કુંડાળા પર પણ ચોકડી મારી. હવે મુખ્ય પ્રશ્ન આવ્યો, તમે બજેટ કેટલું રાખ્યું છે બાય ધ વે? યુ સી, એ પ્રમાણે તમને પેકેજ દેખાડું.”
અમે બજેટ જણાવ્યું એટલે એણે વળી નવું કાગળ કાઢ્યું ને કુંડાળાય નવેસરથી કરવા માંડ્યાં. “તમે અમારા ગ્રૂપ પેકેજમાં જોડાવા માંગશો કે તમારું ફૅમિલી જ એકલું હોય એવા પેકેજમાં?”
યુ સી... ગ્રૂપ પેકેજમાં તમને ડીલ થોડી સારી મળશે. ટ્રાન્સપૉર્ટનો ખર્ચો એકલાએ નહીં ઉઠાવવાનો આવે જે તમે એ બચેલી રાશિ ખરીદીમાં યુઝ કરી શકશો. ને બીજો ફાયદો એય થશે કે તમે નવા મિત્રો બનાવી શકશો. જે તમને ભવિષ્યમાં સાથે જવા કામ લાગશે. આ લૉજિક અમને સમજાયું નહીં. પણ પ્રશ્ન શું પૂછવો એ ન સમજાવાથી અમે ચૂપ રહીને કુંડાળાની રાહ જોઈ.. સદ્નસીબે હીરો પાસે બધા કુંડાળા ખલાસ થઈ ગયેલાં એટલે એણે અમને 1 કરોડનો છેલ્લો પ્રશ્ન પૂછ્યો. તમારે અત્યારે જ બધું નક્કી કરીને જવું છે કે ફરીથી મુલાકાત લેશો? યુ સી., અમારી એજન્સી હવે એક સપ્તાહ ચાલુ રહેશે પછી દિવાળીને લીધે પાંચમ સુધી બધું બંધ છે.
“તે હેં, તમે ટૂર પર જાવ તો અહીંના પેકેજમાં જાવ કે બીજે કંઈથી પેકેજમાં જાવ?” અમારી આ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાને બદલે ઉત્તરમાં હીરોમાત્ર જરાથી થોડું વધારે મલકાયો, મારા બેટા એ મગનું નામ મરી તો ન જ પાડ્યું. બઉ સ્માર્ટ. અમે એનો આભાર માન્યો અને ઊભા થયા. એણે અમને, “થૅંક્યુ મેમ... પ્લીઝડ ટુ મીટ યુ ..ડુ વિઝિટ અસ અગેઇન...” જેવા શિષ્ટાચારનાં વાક્યો ઝીંક્યાં અને એજન્સીની પ્રવાસ વિગતોનું એક કેટલોગ અમને પકડાવ્યું. રજાની મજાની સફરના ઘોડા દોડાવતાં અમે ઘર ભણી સફર આદરી અને મનોમન નક્કીય કર્યું કે હવે જવું તો મંગળ જ એટલે કે મંગળ ગ્રહ પર જ જવું.. ત્યાંય હવે જનજીવન છે. અમેય જરા રેકી કરતાં આવીએ તો ટ્રાવેલ-રિસર્ચનો આનંદ લઈ શકાય ને?
ખોંખારો : બહારગામ જઈનેય જો તાજગી અનુભવવાને બદલે મુશ્કેલીઓનો જ વિચાર કરતાં હોય એ લોકો ખરા અર્થમાં “Suffer-જન” છે.

http://bombaysamachar.com/epaper/e26-11-2015/LADKI-THU-26-11-2015-Page-4.pdf

Thursday, October 22, 2015

કહાની ઘર ઘર કી...



તારા વિના શ્યામ મને એકલડું લાગે એએ.... અહાહા.... શું શબ્દો છે... મોટા પાર્ટીપ્લોટમાં પાર્ટી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમી રહી છે, બૉ. એક એકથી ચડિયાતાં સ્ટેપ્સ તાલબદ્ધ રીતે રમાઈ રહ્યાં છે. નવાં નવાં સ્ટેપ્સ શીખવા માટે ઉત્સુક ગોપીઓ અને ગોપાલકો તલપાપડ છે અને અમે બિલકુલ અભિમાન રાખ્યા વિના સૌને અવનવા સ્ટેપ્સશીખવાડી રહ્યાં છે. માઝમ રાત ઝમઝમ કરતી આગળ વધી રહી છે એમ ગરબામાં ય રમઝટ જામતી જાય છે...”

અચાનક જ પોલીસની સાયરન જેવો મોબાઈલ એટલામાં ધણધણી ઠ્યો અને ભટ્ટજી પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા. ઓહ, આ એલાર્મની શોધ જેણે પણ કરી એને અમારા જેવા કેટલાંય શાળાનાદિવસોથી શોધે છે, કોઈને મળે તો કહેજો. એલાર્મ સ્નૂઝ પર મૂકીને પાછું જરા વાર લંબાવ્યું અને પેલું “તારા વિના શ્યામ આગળ ચાલ્યું.રંગરંગીલી ગોપીઓ અને રાધા સદેહે ધરતી પર તરી આવ્યા હોય એવો ભાસ થતો હતો. એક બાજુ ગરબાની રમઝટ ને બીજી બાજુ ખાણીપીણીના સ્ટોલ લાગેલા હતા. જાત જાતના ને ભાત ભાતના નાસ્તાથી સ્ટો અને એની આગળ મૂકેલાં ખુરશી-ટેબલ નવરાં બેસીહેલાં પ્રેક્ષકોથી ઊભરાતાં હતાં. સૌ ખેલૈયાઓ તો ગરબાના તાનમાં હતાએટલે એમને ખાવાપીવાની ખાસ પડી નહોતી. ગરબા પતે અને ઇનામો ય વહેંચાઈ જાય પછી ‘ખેલૈયાઓ આ સ્ટોલ્સ પર નજર નાંખે. મોટેભાગે તો કશું બચ્યું હોય એમ શક્યતાઓ ઓછી જ હોય છે. ખેલૈયાઓ વાત સારી રીતે જાણતાં જ હોય એટલે એ સાથે આવેલાં પ્રેક્ષકોને નાસ્તા લઈ રાખવાનું સોંપી રાખે. આ એક જાણે વણલખ્યો ધારો જ પડી ગયો છે.” ત્યાં વળી પાછી મોબાઈલમાં પેલી સાયરન ધણધણી. ભટ્ટજી હવે થોડા જાગ્રત થઈને પડ્યાં પડ્યાં કાલ રાતની ઘટના-દુર્ઘટનાઓ વાગોળવા લાગ્યા. પેલું એકસરખા ચણિયાચોળી અને કેડિયા-ધોતીવળું ગ્રૂપ અફલાતૂન હતું. મારા બેટા લોકો જાણે એકલાં જ હોય એમ એમને અહીં કોઈની પરવા નહતી. આમ પણ હવે ક્યાં કોઈની પરવા જ કરે છે! એ ય ને મસ્તીમાં એકસરખા સ્ટેપ્સ લેતાં હતાં. કોઈ ક્લાસીસમાં જ શીખ્યા હશે. સો ટકા એ વિના આટલું પરફેક્શન આવે જ નહીં. પેલી ટેણકી ય મસ્ત ઊછળી ઊછળીને ગરબા કરતી હતી. પેલી સૌથી સુંદર દેખાતી હતી એ જ સૌથી સરસ ગરબા કરતી હતી. પણ એક વાત ન ગમી આપણાંને એની સાથે પેલો ભોટ જેવો ગરબા કરતો હતો એ ભોટ જોડે ગરબા રમતી હતી, તે ભટ્ટજી શું ખોટા હતા?જીવ તો બહુ ય બળ્યા હશે કેટલાંયના... એની સામે જોવામાં ને જોવામાં નાસ્તો લઈને આવતાં આવતાં પેલા બબૂચક જોડે અથડાઈ જવાયું ને ચાલુ નવરાત્રિમાં લવિંગિયાં ફૂટવા માંડ્યા, ભાઈ તો ગુસ્સે થઈ ગયેલા બરાબરના. જો કે એમના 1000 રૂના ઝભ્ભાની ચટણી કરી નાંખી.ઢોકળાની ચટણી એ તો ગુસ્સે થવાનો એમનો હક્ક છે. એમની જોડેવાળા ભાભીએ એમને શાંત પાડ્યા. બાકી તો રાસ રમતા રમતાં યાદવાસ્થળી થઈ ગઈ હોત. અરે યાર, કાલે છેલ્લું નોરતુ હતું. આજથી પાછુ બધું સૂમસામ થઈ જશે. ફાફડા જલેબી ઝાપટવા પાર્ટીપ્લોટવાળાએ દરેક જણને એક પ્લેટ ફાફડા-જલેબી મફત આપેલાં, પછી ખાવા હોય તો પૈસા આપીને લેવાનાં. એક સે મેરા ક્યા હોગા? એમ વિચારીને બીજી પ્લેટ પણ લઈ જ લીધેલી. હજી દાઢમાં સ્વાદ રહી ગયો છે. ઓ હો આજે દશેરા છે. શસ્ત્રપૂજા અને વાહનપૂજા કરવાની છે. ચાલ જીવ.. ઊભો થા.

નવરાત્રી પૂરી થાય એટલે ઘણાંની માનસિક હાલત જરા અસંતુલિત થઈ જતી હોય છે. નવ નવ રાતોના સળંગ ઉજાગરા, દિવસના ભાગની સમયની ઊંઘ, બંને સમયનું જમવાનું વગેરે બધું જ અસ્તવ્યસ્ત. પગરબા ગાતા હોય, આંખો ઢળી પડતી હોય ને દર ત્રીજા ઘરમાં મમ્મીઓની બૂમો સંભળાતી હોય. “કુંભકર્ણની જેમ ઘોર્યા કરો છો. પણહવે ઘરમાં દિવાળી કામ ક્યારે કરશો? ને એમાંય જો મમ્મીઓએ હાથમાં મોબાઈલ જોઈ લીધો તો તો ખલાસ. સ્કૂલમાં સાતમાં ધોરણમા રિઝલ્ટ બહુ જ ખરાબ આવેલું ત્યાં સુધી વાત પહોંચી જાય. દિવાળી પહેલાં ઘર સાફ કરવાનો અજબગજબ રિવાજ છે. ગાદલાં-ગોદડાં તડકે તપાવવા મૂક્યાં હોય એ દિવસે જ ઘરમાં પાટપલંગ પણ બહાર મૂકવાનાં, રૂમોમાં ભીંત સરસ મજાની ઝાપટી કાઢવાની, જરૂર લાગે તો રૂમો ય ધોઈ કાઢવાની, બારીબારણાં ચકચક્તિ કરી નાંખવાનાં, વગેરે જોરદાર શિડ્યુલ્ડ કામો હોય. નવરાત્રિથી દિવાળીની વચ્ચે ચોમાસા દરમિયાન ઘરમાં ભેજ લાગેલો હોય, તેનાં લીધે ગાદલાં- ગોદડામાં ય ભેજની વાસ ઘૂસી ગઈ હોય તે કાઢવા માટે એને તડકે તપાવવા. એ બધું બહાર હોય એટલે ઘરમાં સાફસફાઈ કરવામા સુગમતા રહે. સાલુ, આવું માણસનામનમા કેમ સાફસફાઈ નહીં થતી હોય? રોજ ભેજ ઘૂસી જાય છે એમાં તો.

ઘરની સફાઈમાં કામ લાગે એવી દરેક વસ્તુની એકદમ માંગ વધી જાય. એમાં ય બાંબુવાળી સાવરણી. જેનાથી બાવા-જાળા પડે એનામાનપાન એકદમ વધી જાય. એકાદ જણ તો એ બાંબુ લઈને લાગેલું જ હોય. વરસ આખુ ડામરની ગોળી કહેતા નેપ્થાલિન બૉક્સને કોઈ પૂછતું ન હોય... પણ નવરાત્રી પછી એની ય માંગમાં ઉછાળો આવે. આ બધુહોય પણ જો ઘરઘાટી A.K.A. રામલો જો ન હોય તો ગૃહિણીઓ રીતસરની ભાંગી પડે. “ગમે એટલું સાચવો આ જાતને તો ય કદર નહીં. ઘરણ ટાણે જ સાપ કાઢે. કોઈ દિવસ આપણે કહીએ એ ટાઈમે હાજર હોય એમ બને તો આપણું નામ બદલાઈ જાય...” આખા ઘરમાં રામલોનથી એ વાતે બધાનાં ટાઇમટેબલ ખરી પડે ને માતમ છવાઈ જાય. ઘરમાં જે ખાવાનું બને એ નખરાં કર્યા વિના દરેક જણ ખાઈ લે. જય રામજી કી. રામાવિહીન ઘરમાં જો એકાદ સભ્ય દૂરથી ય રામા ને ક્યાંક જોઈ જાય તો ઇન્ડિયા-પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં ઇન્ડિયા જીત્યું હોય એવો આનંદ થાય અને ગલીના નાકેથી ચિચિયારી પડે મમ્મી ઈઈઈ.... કર આયો.....”ને મમ્મીઓ હાથમાં ઝાપટિયુ પકડયું એ મૂક પડતું ને બહાર દોડે. “આવી ગયો ભાઈ? ઘરે બધાં મજામાં ને? ચા-નાસ્તો કરશે?શંકરિયો નાસ્તાને બદલે  ભાવ ખાય. “અંહ ... એકલી ચા જ આપો”તમારા નાસ્તામાં કંઈ ખાવા જેવું હોતું નથીનાસ્તો સામે ખઈ લઈ.”નવરાત્રીથી દિવાળી સુધીના દિવસોમાં રામલા કહેતા ઘાટીઓનો સુવર્ણકાળ ચાલતો હોય છે. આમે ય હવે આ રામાઓ અન્યત્ર સારુવળતર મળવાથી આજીવિકા માટે શેઠ-શેઠાણીના ખાસ મોહતાજ રહ્યાનથી. એટલે જેવો હોય એવો રામો ટકાવી રાખવા દરેક ગૃહિણી અને ઘરમાં સુખાકારી જળવાઈ રહે એ માટે કુટુંબના અન્ય સભ્યો રામાઓને ટકાવી રાખવામાં યથાયોગ્ય ફાળો આપે છે.

ખોંખારોઃ જે રામલાઓ સવારના પહોરમાં વહેલાં કચરા-પોતાં કરે ત્યારે કાળ જેવા લાગતા હોય છે એ જ રામલાઓ નવરાત્રીથી દિવાળી દરમિયાન “રામઅવતાર” જેવા લાગે છે.


-દેસાઈ શિલ્પા

http://bombaysamachar.com/epaper/e22-10-2015/LADKI-THU-22-10-2015-Page-4.pdf


 

Saturday, October 17, 2015

"જ જ્યોતિષનો જ”

http://bombaysamachar.com/epaper/e01-10-2015/LADKI-THU-01-10-2015-Page-4.pdf

શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક બહુમાળી ઍપાર્ટમૅન્ટમાં પાંચમા માળે એક ફ્લેટમાં કાકભટ્ટ પ્રવેશ્યા. પ્રવેશતા વેંત જ ધૂપ-અગરબત્તીની તીવ્ર સુગંધથી કાકભટ્ટનું નાક તરબતર થઈ ગયું. ચારેય દીવાલો અનેક દેવી-દેવતાઓના ફોટાથી ભરચક હતી. ઓરડો પ્રમાણમાં નાનો હોવાથી કદાચ 33 કરોડ સમાવી નહીં શકાયા હોય એવું લાગ્યું. શહેરના સુવિખ્યાત જ્યોતિષીની આ ઑફિસ હતી. પોતાની જિંદગીની સંકડાશો દૂર કરવા અહીં આવતો જણ કદાચ અહીં ભગવાનોની સંકડાશ જોઈને ડઘાઈ જતો હશે એમ માનવા કાકભટ્ટ પ્રેરાયા. દીવાલને અડોઅડ ગોઠવેલા સોફાઓમાં ડઝનેક જિજ્ઞાસુઓ ઉચાટમાં ફ્લેટમાં બાજુના ઓરડાનાં બંધ બારણાને થોડી થોડી વારે જોઈ લેતા હતા. એક પછી એક નામ બોલાય એમ જિજ્ઞાસુ સ્પ્રિંગની જેમ ઊછળીને પેલા બંધ બારણા ભણી રીતસર દોટ મૂકતાં. ખાસ્સા કલાકેકની તપસ્યા પછી “કાકભટ્ટ... કાકભટ્ટ કોણ છે? અંદર ગુરુજી બોલાવે છે” રૂમમાં લાગેલાં સ્પીકરમાં ઉદ્ઘોષણા સંભળાઈ. કાકભટ્ટને ટીવી પર જોયેલી “બિગબૉસ” સિરિયલ યાદ આવી ગઈ. સાથે જ કોર્ટમાં “મુજરિમ હાજિર હો.” વાળી બૂમ પણ સંભળાઈ હોય એવો ભાસ થયો. ભટ્ટજી ઊભા થયા. પેલા રહસ્યમય રૂમનું બારણું ખોલ્યું, “ચીંઇઇઇ” ટિપીકલ ભૂતિયા ફિલ્મમાં દરવાજો ખૂલતાં આવે એવો અવાજ આવતાં જ કાકભટ્ટ મનમાં મલકી ઊઠ્યા. “આમાં તેલ પૂરવાનું મુહૂર્ત નથી આવ્યું લાગતું હજી”નો વિચાર પૂરો કરીને કાકભટ્ટે ટેબલની પાછળ દેખાતા કપાળે ટીલાં ટપકાં કરેલાં, પીરોજી રંગનાં કપડાં પહેરેલાં સુવિખ્યાત જ્યોતિષાચાર્યજીને નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા. “આવો” ટેબલ પર એક બાજુ કમ્પ્યૂટર મૂકેલું હતું જેમાં ગુરુજી ફેસબુક પર એમને પુછાયેલી સમસ્યાનું ઑનલાઇન નિરાકરણ લાવતા હતા તો વચ્ચે જી-મેઇલ એકાઉન્ટનું ચેટબૉક્સ તપાસતા રહેતા હતાં. ભટ્ટજી આ ટેક્નો સાધી જ્યોતિષાચાર્યજીથી પ્રભાવિત થયાં. ટેબલ પર બે-ત્રણ કુંડળીઓ પડેલી હતી. તો એક નાનું અને એક મોટું એમ બે પંચાંગ પણ દ્રશ્યમાન થયા. બંને હાથમાં જાત જાતનાં નંગોવાળી વીંટી, ગળામાં બપ્પી લહિરીની જેમ સોનાનાં નેકલેસ ઝૂલતાં હતાં. તો જમણા હાથનાં કાડાં પર સલમાન ખાન જેવું પીરોજી રંગનું બ્રેસલેટ પણ ઝગમગ ઝગમગ થતું હતું.
“કુંડળી લાવ્યા છો કે અહીંથી બનાવવાની છે?” “જી, કુંડળી છે.” કહી ભટ્ટજીએ એમના થેલામાંથી કુંડળી કાઢીને ગુરુજીને આપી. ગુરુજી કુંડળીનું નિરીક્ષણ કરવા લાગ્યા અને ભટ્ટજી ફરીથી ઓરડાનું નિરીક્ષણ કરવા લાગ્યા.
રૂમમાં પીરોજી રંગનું પ્રભુત્વ જણાયું. ગુરુજીની પાછળની દીવાલ પર ગુરુજી જુદી જુદી હસ્તીઓ સાથે હાથ મિલાવતા હોય, ખભે હાથ મૂકેલો હોય એવી મોટી કરેલી તસવીરો ટીંગાડેલી હતી. બીજી દીવાલ જુદી જુદી સંસ્થાઓનાં પ્રશસ્તિપત્રોથી શોભાયમાન હતી. એની સામેની દીવાલ પર લાકડાના કલાત્મક ઘોડામાં જ્યોતિષને લગતાં પુસ્તકો ગોઠવેલાં હતાં. આટલું જોયા પછી ભટ્ટજીએ પાછું ગુરુજી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુરુજી હાથમાં કુંડળી લઈને જાણે ધ્યાનાવસ્થામાં સરી પડ્યા હોય એમ લાગ્યું. થોડીવાર સુધી ગુરુજી તરફથી કંઈ હલનચલન ન થવાથી ભટ્ટજી ફરી નિરીક્ષણમાં પરોવાયા. “ઓહો... ગળામાં બપ્પી લહિરીની જેમ સોનાની ઢગલો માળાઓ... ટંકશાળ લાગે છે બૉસ... લક્કી હોં...” ફરતી ફરતી નજર ગુરુજીના ટેબલની બાજુમાં પડેલા બીજા નાના ટેબલ પર પડી. એક સ્કેનર મૂકેલું હતું જે પાછું કમ્પ્યૂટર સાથે જોડેલું હતું. “આ સ્કેનરનું શું કામ હશે અહીં?” એવો વિચાર વિસ્તાર પામે એ પહેલાં જ ભટ્ટજીનું ધ્યાન કુંડળીમાં જોતાં જોતાં માથું ધુણાવતાં ગુરુજી પર ગયું.
“તમારા ગ્રહો તો જબરા છો હોં, ભટ્ટજી.”
“એટલે? ગ્રહો ય જબરા હોય?”
ગુરુજી ભડક્યા. “ભટ્ટજી, તમારી કુંડળી સડસઠ-તેત્રીસ છે.”
ઢાલગરવાડના કાપડના વેપારી જેવી ભાષા સાંભળીને કાકભટ્ટથી જરા હસી પડાયું.
“એટલે?”
“એટલે એમ કે કુંડળી થોડી ભારે ગણાય.”
“પણ આ તો પાંચ પાનાની જ છે.”
ગુરુજી થોડા વિચલિત થયા અને નારાજગીથી બોલ્યા : “તમે મોં માથા વિનાની વાતો ન કરો તો સારુ” ભટ્ટજી શાંત થઈ ગયા. આંખો સહિત સમગ્ર ચહેરા પર એમણે પ્રશ્નાર્થ ચિહ્ન લીપી દીધું. “તમારે હાલમાં શનિની પનોતી ચાલે છે. અઢી વર્ષની. છ મહિના પછી પૂરી થશે. ત્યાં સુધી તમને બધી જાતની તકલીફો રહેશે. વળી, કુંડળીમાં અંગારક યોગ પણ છે. દુર્વાસા જેવો સ્વભાવ છે તમારો” વળી, કાકભટ્ટના અળવીતરા મનમાં વિચારોએ તરફડિયાં માર્યાં.” “દુર્વાસા મુનિની કુંડળી કોણે જોઈ હશે? ગૂગલ પર હશે ક્યાંય?” આ ખતરનાક વિચારોને પરાણે ટાઢા પાડીને ભટ્ટજીએ ગુરુજીને પૂછ્યું : “હવે?”
ગુરુજી : “એક સારી બાબત એવી છે કે તમારે ગજકેસરી યોગ પણ છે. એકદમ પાવરફુલ. એ ય ને જલસા.” હવે કાકભટ્ટ બોલી જ પડ્યા “હમણાં તો આપ કહેતા હતા કે શનિની અઢી વર્ષની પનોતી છ મહિના પછી પૂરી થશે અને હવે કહો છો કે જલસા? તે છ મહિના પૂરા ય થઈ ગયા?”
ગુરુજી ગુસ્સાથી લાલઘૂમ. ભટ્ટજી જરા ઓઝપાઈ ગયા ને “ગુરુજી ને ય અંગારક યોગ લાગે છે” એવું મનમાં જ વિચારીને ગુરુજીને પ્રશ્ન કર્યો, “ગુરુજી નોકરીનાં ફાંફાં છે કોઈ યોગ રચાય છે?” “જુઓ, આજથી ત્રણ મહિના પછી એક યોગ રચાય છે ખરો. જો તમે હું આપું એ મંત્રજાપ કરશો તો કામ થઈ જશે, નહીં તો બીજા ત્રણ મહિના પછી તો પાક્કી જ છે. પેલી શનિની પનોતી જવા પર હશે ને એ તમને લાભકર્તા છે. તમારો અંગારક યોગ તમારો દુશ્મન છે અને તમને ભાન ભુલાવે છે. એટલે બોલવામાં લગામ રાખવી સારી નહીં તો તમારે બધાની સાથે છત્રીસનો આંકડો જ રહેશે. મંગળ તમારા માટે નામનો જ મંગળ છે. બાકી એ તમારું ખાસ ભલું કરી શકે એમ નથી. ચંદ્ર ખાડામાં બિરાજમાન છે એટલે તમે ભયંકર તરંગી હોવ... ચંદ્ર ચંચળતા બક્ષે છે. સ્થિર ન થવા દે એ નિયમ મુજબ તમારા વિચારો સ્થિર ન હોય.” આટલું લાંબું પહેલીવાર બોલીને ગુરુજી બોલ્યા, “ડાબો હાથ લાવો.” અને સાથે જ ટેબલના ખાનામાંથી લાઇટવાળો બિલોરી કાચ કાઢ્યો. ભટ્ટજીએ હાથ ટેબલ પર મૂક્યો. એટલે રેખાઓ જોતાં જોતાં ગુરુજીની ફળકથનીની સ્પીડમાં ડબલ વધારો થઈ ગયો : “તમારા હાથની રેખાઓ ઠીક ઠીક છે. હથેળીમાં એકેય અશુભ ચિહ્ન ન હોય, રેખાઓ ઊંડી અને જાડી સુરેખ હોય, હાથનાં પર્વતો ઊંચા ઊઠેલાં હોય એવો હાથ અમારા શાસ્ત્રમાં ઉત્તમ અને ભાગ્યશાળી મનાય છે.” થોડીવાર પછી એમણે પેલો બિલોરી કાચ પાછો ખાનામાં સરકાવ્યો અને ભટ્ટજીને હાથ સ્કેનર પર મૂકવા કહ્યું. હથેળી સ્કેન કરાવતી વખતે વળી કાકભટ્ટનું અળવીતરું મનમાં “વિઝા લેવા જતી વખતે ય હાથ સ્કેન કરે છે તો એ લોકો ય જ્યોતિષી હશે? ભવિષ્યકથન કરતા હશે? જેવા વિચારો વિસ્તરતા રહ્યા. હથેળી સ્કેન થતી હતી એ દરમિયાન ગુરુજીએ કમ્પ્યૂટર પર ફટાફટ કાકભટ્ટની કુંડળીમાંથી જન્મસમય, જન્મતારીખ અને જન્મસ્થળ નોંધી લીધાં અને કહ્યું : “હવે આવો ત્યારે કુંડળી નહીં લાવો તો ચાલશે. તમારી માહિતી આમાં સ્ટોર થઈ ગઈ છે અને તમે ય ન આવી શકો એમ હોય તો કશેથી તમારી હથેળી સ્કેન કરીને મને ઇ-મેઇલ કે વૉટ્સઅપ કરી દેજો. એટલે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં અવરોધ નહીં આવે.” બોલો, હવે છે કોઈ મૂંઝવણ?” હવે કાકભટ્ટે પૂછી જ પાડ્યું, “પણ ધારો કે ...ધારો કે તમારા કમ્પ્યૂટરમાંથી બધો ડેટા કોઈ કારણોસર ક્રેશ થઈ જાય તો?” હવે ગુરુજીએ પિત્તો ગુમાવ્યો ને ટેબલ પર પડેલું પેપરવેઇટ છૂટું કાકભટ્ટ પર ફેંક્યું. ભટ્ટજીના યોગ સારા હશે તે એ વેળાસર નમી ગયા અને પેપરવેઇટ ધડામ દઈને બંધ બારણા પર અથડાઈને નીચે પડ્યું અને અણુ અણુમાં પરિવર્તન થઈ ગયું. “ગુરુજીનો અંગારક યોગ હાલમાં કેન્દ્રસ્થાને આવી ગયો લાગે છે એવું વિચારતા વિચારતા ભટ્ટજીએ ચહેરા પર ક્ષમાભાવ લાવવાનો સફળ પ્રયત્ન કર્યો ને બે હાથ જોડીને કહ્યું : “ઇન્ટરનેટ યુગની આ સૌથી મોટી અસલામતી છે એટલે જ મેં આ પ્રશ્ન કરેલો. બાકી આપણે તો તમે કહો એ જ પૂર્વ દિશા. ગુરુજી ક્ષમા કરો. ગુરુજીએ પણ મોટું મન રાખીને ક્ષમા બક્ષી અને આશીર્વાદ મુદ્રામાં જમણો હાથ ઊંચો કર્યો ને કહ્યું : બહારથી કનુલાલ તમને ટાઇપ કરેલો મંત્ર આપે એ ગમે ત્યારે પણ નિયમિત કરજો અને 21 દિવસ પછી ફોલો-અપ માટે પુનઃ મુલાકાત લેજો. “ભટ્ટજીએ હકારમાં માથું ધુણાવી ગુરુજીને પ્રણામ કર્યા. ગણેશજીની મૂર્તિને પગે લાવ્યા અને ત્યાં 500/- રૂ.ની નોટ મૂકી. ગુરુજી એ જોઈને મલકાયા અને ફરીથી આશીર્વાદની મુદ્રામાં હાથ અધ્ધર કર્યો. ભટ્ટજીએ પૈસા આપવા પાકીટમાં હાથ મૂક્યો એ વખતે ગુરુજીએ પ્રશ્ન કુંડળી માંડી હશે એવું ભટ્ટજીને લાગેલું. અહીં આવતા પહેલાં ભટ્ટજી 500 રૂ.ના છૂટા કરાવવાનું ભૂલી ગયેલાં એટલે ગુરુજીની પ્રશ્નકુંડળી પૉઝિટિવ થઈ ગઈ એમ માનીને કાકભટ્ટે ફરીથી પ્રણામ કરી ગુરુજીની વિદાય લીધી. બહાર કનુલાલ પેલો મંત્ર લઈને રાહ જ જોતાં હતાં. એ લીધો ને થેલામાં જાળવીને મૂક્યો. ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો હતો. બહાર આવીને સ્કૂટર ચાલુ કર્યું પણ થયું નહીં. થોડીવારની મથામણ પછી સામે જ ગેરેજ હતું ત્યાંથી મિકેનિકને બૂમ પાડીને બોલાવ્યો. “જો ને ભાઈ, સ્કૂટરને ય મારી જેમ શનિ નડતો હોય એમ લાગે છે.” ગેરેજવાળાએ સ્કૂટરમાં પાનાપક્કડથી શી ખબર શું ય કર્યું તે સ્કૂટર ચાલુ થઈ ગયું. “લાવો, 50 રૂપિયા. ગુરુજીના ક્લાયન્ટ એટલે આપણા ક્લાયન્ટ. વધારે લેવાય જ નહીં. હવે સ્કૂટર રમરમાટ દોડશે તમારે.”. પૈસા આપીને કાકભટ્ટે ફરી શનિ મહારાજ નડી ન જાય એ બીકે સ્કૂટર દોડાવી મૂક્યું.
ખોંખારો : જ્યોતિષ ડૂબેલાઓનું આશ્વાસન છે.

Friday, October 16, 2015

બોનસ—બઉ નસ ખેંચાય ભૈ..

નોરતાં કહેતાં નવરાતરાં કહેતાં નવરાત્રિનો ઉત્સવ રંગેચંગે શરૂ થઈ ગયો છે ને લોકો ઊછળી રહ્યા છે. શૅરબજારમાં સેન્સેક્સ ઉપરનીચે જાય એનાથીય વધારે સ્પીડમાં લોકો છળે અને નીચે પછડાય છે. તફાવત માત્ર રિધમનો છે. સેન્સેક્સ ઉપરનીચે થાય એની કોઈ રિધમ નથી. ક્યારેક એમાં ક્લાસિકલ સંગીતની પેટર્ન આવે તો ક્યારેક રૉક-બૅન્ડની. પણ ગરબાની રમઝટની એક અલગ જ પેટર્ન છે. જેની પત્નીઓ ગરબામાં દોઢિયા, પોપટિયા, હીંચ, તીન તાળી ને ચલતી ને એવું બધું રમતી હોય ત્યારે એ ઘટનાના ભાગીદાર થવાને બદલે સાક્ષીભાવે પ્રેક્ષક બની રહેતા પતિની માનસિકતા કેવી હશે એ વિશે હજુ સુધી કોઈ સંશોધન થયાનું જાણમાં નથી. જોકે, કાકભટ્ટે અનધિકૃત રીતે કરેલા સર્વેમાં જાણવા મળ્યું છે જેની પત્ની ગરબામાં મહાલવા જાય છે એ પતિ નવરાબેઠા આઝાદીનો આનંદ લેતાં લેતાં આંગળીના વેઢે દિવાળીના દિવસો ગણવાનું શરૂ કરી દે છે. એક એક વેઢો ઘટતો જાય એમ એમ એના ચહેરા પર મલકાટ અને ભય સરખા ભાગે છવાયેલાદેખાય છે. મલકાટ દિવાળી નજીકમાં છે એટલે બોનસ આવશે... એનો અને ભય એ બોનસનો ઉપયોગ કેવી રીતે થશે એનો. હવે તો સ્ત્રીઓ પણ નોકરી કરતી થઈ છે એટલે ગરબાનાં કૂંડાળામાંય બોનસનાં ઉપયોગ વિશે તાલબદ્ધ ચર્ચાઓ સંભળાઈ જાય છે.

બોનસ એ આગોતરી જાણથી લાગેલી શ્યોર-લૉટરી છે. બૅન્કમાં વ્યાજે મૂકેલા નાણાં પર 8%થી 9% વ્યાજ કેટલું થાય એનો અંદાજ કાઢવામાંય દસ મિનિટથી વધુ સમય લગાડતાં ગણિતમાં સાવ “ઢ” હોય એનેય પગારના 8.33% કેટલાં થાય એ ગણતાં બે મિનિટ પણ નથી થતી! આ બોનસનો કરિશ્મા છે. આ 8.33%વાળું લૉજિક અમને આજ પર્યંત સમજાયું નથી. કેટલીક કંપનીઓમાં બોનસની ટકાવારી કંપનીના વાર્ષિક નફા અને ખાસ તો બૉસના મિજાજ પ્રમાણે નક્કી થાય છે. પૂરા પગાર પર ચૂકવાતું બોનસ એટલે કે એક આખા પગાર સાથે એક પગાર ફ્રીવાળું બોનસ સૌથી લાડકું ગણાય છે. કારણ કે કામ કરવા/કરાવવા માટે તેરમો મહિનો તો લાવી શકાવાનો નથી એટલે એક પગાર એક્સ્ટ્રા આવે તો.... નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી... હર્ષદ મહેતાની તેજી વખતે અમુક કંપનીઓએ તેમનાં કર્મચારીઓને બે બે વધારાના પગાર આપીને બખ્ખા કરાવેલાં. પણ પછી મંદી આવી તો... એ જ કંપની ધારકો, કર્મચારીઓના આખેઆખા પગાર ચાંઉ કરી ગયેલાં. જોકે કાયદા પ્રમાણે 8.33% બોનસ ફરજિયાત ચૂકવવાપાત્ર હોવાથી કંપનીઓ ટ્રસ્ટો, પ્રાઇવેટ બિઝનેસ કરનારાઓ એટલી જોગવાઈ અલગથી રાખે જ છે.

અમદાવાદમાં મિલો બંધ થઈ કે થાઉં કરતી હતી ત્યારે ખાસ દિવાળી ટાણે મિલકામદારોના જીવ અધ્ધરતાલ રહેતા. વાઘબારસ પસાર થઈ જાય અને ધનતેરસે બોનસ અપાય ત્યારે એમના ચહેરા પર ઊંચકાતા ભાવો જોઈએ તો એ પોતે જ મિલમાલિક હોય એવા ભાવો વંચાતા. બોનસ સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીના વચ્ચેના સમયગાળામાં અપાતું હોય છે. પરદેશોમાં જાતજાતની ગિફ્ટ-કૂપનો દ્વારા બોનસઅપાય. આમ જોવા જઈએ તો બોનસ દિવાળીએ મારેલો “મિસ કૉલ” છે. જેમ “મિસ કૉલ” આવે અને આપણે સામો કૉલ કરીએ તો કોઈ વાર ભારે પડી જાય, બિલકુલ એમ જ જો પતિ-પત્નીના બોનસની તારીખ એકબીજાંને અને ઘરના અન્ય સદસ્યોને ખબર હોય તો એ આવે પહેલાં જ વપરાઈ જાય છે.

• બોનસનો ઘટનાક્રમ : સારું કામ શરૂ કરતાં પહેલાં મોં મીઠું કરવામાં આવે એ ન્યાયે ઘરમાં શીરો, લાપસી કે કંસાર બને.જેથી બોનસ પૂરેપૂરું સારી રીતે વપરાઈ જ જાય.
• બોનસ હાથમાં આવે એટલે તીનપત્તીમાં પાનાં વહેંચાય એમ જુદાં જુદાં ખર્ચા ખાતે પૈસા વહેંચાય.
• બોનસનું કામ કેવી રીતે તમામ કરવાનું છે એ નક્કી જ હોય એટલે આ ફાળવણીનો ખેલ પાંચ-સાત મિનિટમાં જ ફીંડલું વળી જાય.
• તોય કોઈ ને કોઈ ચીજવસ્તુ તો આ વખતના બોનસમાંથી બાદબાકી કરવી જ પડે એવી નોબત અત્ર-તત્ર-સર્વત્ર આવે જ આવે.
• બોનસ ટાણે મોટા ભાગનાં ઘરોમાં હાસ્યોલ્લાસ અને સુમેળભર્યું વાતાવરણ રહે. જેને જેને બોનસ મળવાનું એને અપાતા સામાન્ય માનમર્યાદામાં તાત્કાલિક ઉછાળો આવે.
• કપડાં-જૂતામાં સામાન્ય સંજોગોમાં ટાંકા-ટેભા કરીને ચલાવી લેવાતું હોય પણ બોનસ નામની જાદુઈ છડી આવે કે ઘરમાં બ્રાન્ડેડ કપડાં અને જૂતા કંપનીનાં નામ બધાં બોલતાં થઈ જાય. બાળકોને મમ્મી-પપ્પાનું બોનસ આવે ત્યારે એમને ગમતી ચીજવસ્તુઓ અપાવવાની લૉલીપૉપ પકડાવી દેવામાં આવે.
• કોઈ વાર વળી પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાના મોહમાં બોનસની જીવાદોરી પર ટકેલી બીજી એકાદબે ચીજવસ્તુને ઘરમાં આવતાં પહેલાં જ બલિ ચઢાવાઈ જાય એમ પણ બને.
• ગામમાં ઠેર ઠેર તહેવારો નિમિત્તે ચાઇનીઝ લાઇટિંગ સિરીઝ ભેગાં સેલ-ડિસ્કાઉન્ટનાં તોરણિયાં લટકવા માંડે.છાપાંઓમાં પણ આવી જા. x ખ.નો હલ્લો જોવા મળે.

અમારા પડોશીને ત્યાં કાયમ બોનસ વખતે યાદવાસ્થળી થાય. કોની ચીજવસ્તુઓ વધારે જરૂરિયાતવાળી છે એ નક્કી કરવામાં કાયમ અન્ય પડોશીઓને મફતનું મનોરંજન મળે. સરવાળે તો એ બોનસહપતે લીધેલી વસ્તુના આગોતરા હપતા કે બાકી હપતા સેટલ કરવામાં વપરાઈ જાય.

જોકે, મલ્ટિનૅશનલ કંપનીઓના આગમન પછી આ બોનસ-ઘટના હલબલી ગઈ છે. પરદેશોમાં આપણી દિવાળીનું ખાસ કંઈ પજે નહીં. વળી, એમનામાં બોનસના બદલે જાતજાતની ગિફ્ટ કૂપન આપવાનો રિવાજ વધારે પ્રચલિત છે. હવે આ કંપનીઓ અહીં પણ વર્ષમાં ત્રીજ-તહેવાર જોયા વિના ગમે ત્યારે બોનસ આપી દે છે. એમનું જોઈ જોઈને કેટલીક સ્વદેશી કંપનીઓમાં પણ બોનસતહેવારોની શરમ ભરતું નથી. એટલે એમને તહેવારો-ઉત્સવો સાથે ખાસ લાગતું વળગતું નથી અને એટલે ઘણાં ઘરોમાં તહેવારો ટાણે સળગતુ રહેવાની શક્યતાઓ રહેલી છે. બોનસ જેટલું કપડાં અને જૂતાં ખરીદવા પાછળ વપરાતું હશે એટલું કદાચ બીજે કશે નહીં વપરાતું હોય. કર્મચારીમાંથી સ્વબળે સફળ ઉદ્યોગપતિ બનેલા એક યુનિયન લીડર હજી બોનસના યુગમાં જ હતા. દિવાળી સમયે મળતા બોનસની અસર એમનાં માનસપટ પર એટલી તો દૃઢ હતી કે ખુદ માલિક હોવા છતાં એ બોનસની રાહ જોતાં.

“બોનસ” શબ્દને સામાન્યતઃ લાભ સાથે સાંકળવામાં આવે છે પણ કોઈ વાર વક્ર અર્થમાંય પ્રયોજાય છે. કોઈ વાર કોઈનું સારું કરવા જતાં સરવાળે ટપલા જ ખાધા હોય તો એમ કહેવાય કે “બધું કરવા છતાં બોનસમાં તો ટપલા જ આવ્યા.”

• એક પ્રસૂતિગૃહમાં ઑપરેશન થિયેટરમાંથી ડૉક્ટરે બહાર આવીને નવાસવા બનેલા પપ્પાના હાથમાં બે બાળકો મૂક્યાં: “તમને ત્રણ ગણા અભિનંદન.” પપ્પા ખુશી અને આશ્ચર્યના લીધે “હેં?” સિવાય કંઈ બોલી જ ન શક્યા.એટલામાં પાછળથી નર્સે પ્રગટ થઈને ત્રીજું બાળક દાદીમાનાં હાથમાં મૂક્યું : “લો બા, બોનસ.”
• શાકવાળા સવારમાં શાક ખરીદતા દરેક ગ્રાહકને “તમારાથી જ બોણી થાય છે, શુકનમાં તમારે સમજીને જે આપવું હોય એ આપી દો” કહેતા હોય છે. આપણા હાથે કોઈનું સારું થવાનું છે એ વિચારમાત્ર જ દરેક જણ પોતાને ઉદ્ધારક સમજવા માંડેફાયદો—બોનસ—શાકવાળાને થાય.
• કંપનીઓમાં હવે પરદેશનાં રવાડે ચડીને “બોનસ” રોકડમાં આપવાના બદલે સારી ગિફ્ટ આપવાનો રિવાજ વધતો જાય છે. દરેક કર્મચારીને એક જ લાકડીએ હાંકવાનો આ અનેરો ઉકેલ છે. સાપ પણ મરે અને લાકડીય ન ભાંગે. દરેકને પોતાને “એ” લેવલનાં ગણાવાનું અભિમાન થાય. કોઈ કોઈને મનમાં ચચરતું હોય કે દરેકની પસંદગી/જરૂરિયાત એકસરખાં તો ન જ હોય. પણ ધરમની ગાયના દાંત ન ગણવાના હોય એ ન્યાયે બધા જે ગિફ્ટ મળે એ હસતાં મોંઢે લઈ લે.

ખોંખારો : બોનસ ભલે દિવાળીએ મારેલો મિસ કૉલ હોય પણ રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની ક્ષમાયાચના સાથે એમનાગીતમાં થોડો ફેરફાર કરીએ તો...

“ઓ બોનસ, તારા નામમાં આ શી મીઠાશ ભરી...”


http://bombaysamachar.com/epaper/e15-10-2015/LADKI-THU-15-10-2015-Page-4.pdf

Thursday, October 8, 2015

ચલો બુલાવા આયા હૈ..


“ચારભુજા ગરબા ક્લાસીસમાં આપનું સ્વાગત છે. માય સેલ્ફ ઇઝ રાગેશ. જય માતાજી. છેલ્લાં બાવન વર્ષથી અમારો પરિવાર ભાદરવી પૂનમે અંબાજી માતાએ બાવન ગજની ધજા ચઢાવે છે. અને દર મહિને પૂનમ તો ભરવાની જ. જય માતાજી. ભાદરવા સુદ પાંચમે અમદાવાદથી પગપાળા સંઘ નીકળે ને ડોટ ચૌદસની રાત્રે અંબાજીની ધરમશાળાએ ટચ થઈએ. બીજે દિવસે શુભમુહૂર્તમાં અમે સૌ ધજા ચઢાવીએ. જય માતાજી. આ ધજા ચઢાવીએ પછી બધા અમદાવાદ જવાની બસમાં બેસવા જે દોટ મૂકે એની ઝડપ ધજાની ફરફરવાની ઝડપ કરતાં ય વધુ હોય ને દસ દિવસની પગપાળા મુસાફરી પછી જે રીતે બધાં બસમાં ફેલાઈને બેઠાં હોય, એ જોઈને યુદ્ધમેદાનથી પાછા ફરતાં સૈનિકો યાદ આવે. જય માતાજી. ‘પગ ગરબા ગાય છે’ એ વાક્યપ્રયોગ કદાચ અંબાજીના પગપાળા સંઘોની જ દેન છે. બસ, એના પરથી જ વિચાર આવ્યો કે બધાં દસ દિવસ પછી શરીરને કેવી રીતે વાળે છે. શરીરનું આ જ વળવાપણું જો ગરબાનાં સ્ટેપ સ્વરૂપે લઈએ તો. જય માતાજી. ને એ વિચારધારામાંથી જ આ સાતથી સિત્તેર વર્ષના ક્લાસીસના ઉત્સાહી ગરબાપ્રેમીઓને ગરબા શીખવતી સંસ્થાનો જન્મ થયો જ્યારે વિચારો આવે ત્યારે જ સમજાય છે માત્ર ફોટો કે વીડીયો જ વાઇરલ નથી થતા. વિચારો ય વાઈરલ થાય છે. ગરબા ક્લાસીસ કરવાના વિચારો ઘણાને આવ્યા હશે. પણ આપણે આવા ક્લાસીસ શરૂ કરવામાં સૌ પહેલા છીએ. જય માતાજી. માતાજી સાથે હંમેશાં નવરાત્રી પહેલાં મનથી જોડાયા હોઈએ તો માતાજી હંમેશાં સારું જ કરે. અહીં ગરબાનાં સ્ટેપ્સ શીખ્યાં પછી તમે એવાં એવાં સ્ટેપ્સ કરશો કે સર્કલમાં કોઈને કોઈની સાથે કનેક્ટ થઈ જાવ એમ બને. જય માતાજી.

તમે સૌ અંદર આવ્યા ત્યારે તમને એક પૅમ્ફ્લેટ આપવામાં આવ્યું છે. એમાં વાંચીને જો સમજ ન પડે તો તમે મને પૂછી શકો છે! અને હા, આ રાગિણી છે. મારા આસિસ્ટન્ટ-કમ-ધર્મપત્ની જ્યાદા છે. તમે એમને પણ પૂછી શકો છો. આપણે હવે ચારભુજા ક્લાસીસના ઇતિહાસમાંથી બહાર આવીએ. જય માતાજી. ઈ ઈ રાગેશ આટલું એક શ્વાસે બોલી ગયો. પરિચય આપતાં આપતાં વચ્ચે વચ્ચે એ એકબે ફુદરડી ફરી લેતો ને તાળી પાડી લેતો. અમારી પ્રશ્નબેંકમાં એક પછી એક પ્રશ્નો થવા લાગ્યા. “આ પોતે આટલો દુબળો-પાતળો છે. અંબાજી સુધી ચાલવાનો એ કોન્ટ્રાક્ટ આપી દેતો હશે કે શું? દર પૂનમે આટલું બધું ચાલનાર માણસનું હોય એવું કસાયેલું શરીર તો એકેય ઍન્ગલથી લાગતું નથી.” થોડી થોડી વારે ઉપર જોઈ હાથ જોડીને જય માતાજીનો નારો લગાવી રાગેશ પાછો જમીન પર આવી જતો પણ તો ય, માતાજીનો ભક્ત તો લાગતો જ હતો. કપાળ પર ભ્રૂકુટીની વચ્ચે જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં કંકુનું લાલ તિલક શોભાયમાન હતું. આ તિલક એની ભક્તિનું જાણે પ્રમાણપત્ર હતું. આ વિચાર પત્યો કે, બીજો વિચાર આવ્યો કે ચારભુજા સેન્ડવીચ અને ગરબા ક્લાસીસમાં કોઈ કનેક્શન હશે ખરું? જો ન હોય તો ઠીક પણ હોય તો શું એ અહીં સેન્ડવીચ ડિસ્કાઉન્ટ રેટથી આપશે? પ્રયત્નપૂર્વક આ વિચારોને દબાવીને અમે રાગેશ-રાગિણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બે મિનિટ આંખો બંધ રાખીને રાગેશે જોરથી બૂમ પાડી. “ઓલ ઑફ યુ રેડી?” સૌ એ એટલાં જ ઉત્સાહથી “હાઆઆઆ...”માં જવાબ આપ્યો “હવે બધા ગબ્બર સુધી અવાજ પહોંચે એટલા જોરથી ત્રણવાર “જય માતાજી” બોલીશું ને કોઈને કંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકે છે.”

એક ઉત્સાહી ગરબાપ્રેમીએ પૂછ્યુઃ “તમે અમને દોઢિયું પોપટિયુ શીખવશો?”

“હા, અમે તમને હીંચ, દોઢિયું, પોપટિયુ, રાસ, એક તાળી બે તાળી, ત્રણ તાળી, બધું જ શિખવાડીશું.” રાગિણીદેવી ઉવાચ.

વળી, બીજા એક જુવાનિયાએ પૂછ્યું: “સર, કેડિયું, તૈયાર સીવેલું સારું કે આપણે ડિઝાઈન આપીને સિવડાવીએ? સારો દરજી હોય તો કહેજો. મોબાઈલ મૂકવા માટે યાદ રાખીને કેડિયામાં ખીસું મુકાવીશ. પછી સેલ્ફી લેવાય ને! “મિત્ર, પેમ્ફ્લેટમાં દરજીનું નામ-સરનામું લખેલાં જ છે. બરાબર વાંચો. આમને આમ તો ગરબા ક્લાસમાં જ જિંદગી વિતાવવાનો વારો આવશે.” રૂમમાં હસાહસ થઈ ગઈ. પેલો વરણાગિયો જરા છોભીલો પડી ગયો. વળી, અમારી પ્રશ્નબેંકમાં ઉછાળો આવ્યો ને અમે પૂછ્યું. પાર્ટીપ્લોટના પાસની વ્યવસ્થા વિશે પૅમ્ફ્લેટમાં કશી ચોખવટ નથી.

“સંસ્થા માત્ર ગરબા ક્લાસ ચલાવે છે. પાસ વહેંચણી કેન્દ્ર નથી.”

અમારો ઇગો હર્ટ થયો. પણ મન મોટું રાખીને અમે એને ક્ષમા આપી. “પણ અહીં આટલા ફાઈન સ્ટેપ્સ લર્ન કરીએ પછી આપણી સોસાયટીમાં જ ગરબા પરફોર્મ કરવાના? સો રિડિક્યુલસ “અમારી તરફેણમાં એક તીણો અવાજ આવ્યો. આ વખતે રાગિણીદેવી બોલ્યાં: “તે તમે અમારી સોસાયટીમાં આવજો ત્યાં પાસ સિસ્ટમ નથી.”

હવે મહેરબાની કરીને કોઈ પ્રશ્નો નહીં પૂછે. આપણે આમે ય ગરબા ક્લાસીસ માટે લેટ છીએ. પ્લીઝ, કૉ-ઑપરેટ. રાગેશના ચહેરા પર કંઈ ન સમજાય એવા ભાવો જોઈને બધા ગરબા માટે કુંડાળામાં ઊભાં રહી ગયાં. ફરીથી જય માતાજીનો ગગનભેદી નાદ કરીને રાગેશ આણિ મંડળીએ ગરબો શરૂ કર્યો. ધીરે ધીરે બધા રાગેશે શિખવાડેલાં સ્ટેપ્સ પર તાલ અને લયબદ્ધ રીતે ગરબો ગાવા લાગ્યા. કોઈ કોઈ વચ્ચે સ્ટેપ ચૂકી જતું તો આજુબાજુના બીજા બે જણ પણ હડબડી જતાં. પણ ટૂંકમાં, બધા સેટ થઈ ગયાં. અચાનક જ બાવીસેક વર્ષનો જોન અબ્રાહ્મ્ હોવાનો વહેમ ધરાવતો યુવાન મોબાઈલ ફોન લઈને એકદમ જ કુંડાળું છોડીને વચ્ચોવચ આવી ઊભો. એને આમ મોબાઈલ સાથે ઊભેલો જોઈને બીજા ત્રણચાર ને ય ચાનક ચડી સેલ્ફી લેવાની. “ચાલો ચાલો જલદી આ કાર્યક્રમ પતાવો” બસ ઊપડતી હોય ને કંડક્ટર બૂમ પાડે એવી બૂમ રાગેશે પાડી. સેલ્ફી વીરો જલદી જલદી ક્લીક કરવા માંડ્યા. તો પેલો જોન અબ્રાહમ વળી સૂચના આપવા માંડ્યો. તમે બધા ચાલુ રહો એક્શન ફોટા લઈએ.” એક ઝીરો ફિગર કન્યા જુદા જુદા પૉઝ આપતી જાય ને ક્લીક કરતી જતી હતી. એ જોઈને અમને થયું કે આ કન્યાએ સેલ્ફી ફોટોગ્રાફી કોર્સ શરૂ કરવો જોઈએ. સેલ્ફીક્વીને વળી કોઈને ફોન પણ કર્યો. “જસ્ટ ચેક માય ક્લીક્સ ઓન એફ. બી. એન્ડ ટ્વીટર... પોસ્ટિંગ ઓન ઇન્સ્ટાગ્રામ ટુ.” અન્ય એક ગોળમટોળ સેલ્ફીવીરને જોઈને “આ ગોળનું દડબું કેડિયું ને ચોયણીમાં કેવું લાગશે”ના વિચારો માત્રથી અમે હસુ હસુ થઈ રહ્યાં. આ બધી સેલ્ફી પારાયાણમાં પંદરવીસ મિનિટનું પડીકું વળી ગયું. હવે બસ કંડક્ટર બનવાનો વારો રાગિણીદેવીનો હતો. કર્કશ ઘંટડી જેવા અવાજે એમણે ઘાંટો પાડ્યો અને અમે સૌ પાછા કુંડાળા ભેગાં થઈ ગયાં. થોડીવાર ગરબા ચાલ્યા અને સીડી પ્લેયરમાં આરતીનું મ્યુઝિક શરૂ થયું. બધાં માતાજીના ફોટા સમક્ષ જઈને હાથ જોડીને ઊભાં રહ્યાં. આરતી પૂરી થઈ એટલે રાગેશ-રાગિણીદેવીએ જય માતાજીનો ઘોષ કર્યો અને રાગિણીદેવીએ સ્પેશિયલ પ્રસાદિયા પેંડા વહેંચ્યા.

રાગેશે પાછી સૂચના આપીઃ “આજનાં સ્ટેપ્સ સૌને મુબારક. હવે કાલે મળીશું. જય માતાજી.”

ખોંખારોઃ
“માઝમ રાત ને ગરબે ઘૂમે ચણિયાચોળી ને આભલાં પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.”
કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત મારા થાંભલા પર તો ઘૂમે માણસ છે કમજાત”

(સૌમ્ય જોષીની કવિતા “કૂતરું”માંથી)