Friday, April 15, 2016

"મરક મરક" ,"લાડકી" section,મુંબઈ સમાચાર,૧૪/૦૩/૨૦૧૬ ગુરુવાર, અમર દંત-કથા


 

— શિલ્પા દેસાઈ
જેમ જેમ સોસાયટીમાં સમાચાર પ્રસરતા ગયા એમ એમ બધાં વારાફરતી ભટ્ટજીના ઘર તરફ જવા લાગ્યાં. નાની અમથી સોસાયટીમાં કોઈ પણ ખબર પવન કરતાંય પહેલા પહોંચી જાય. ધીમે ધીમે બધાંય ઘરોમાંથી એકાદ-બે જણ ભટ્ટજીને ઘરે પહોંચી ગયાં. ઘરમાં સોપો પડેલો હતો અને ભટ્ટજી એક સોફા પર ગાલ પર હાથ દબાવીને બધાંને આંખથી આવકારો આપતા હતા. કરુણામાસીની ડૉલી વહુ અને દીકરી નિકી બધાંને પાણી આપવા રસોડામાં આવજા કરતાં હતાં. ધીમે રહીને ચીનુકાકાએ ભટ્ટજીને પૂછ્યું :“કેમ કરતાં થયું? કાલે બપોરે તો આપણે મળ્યા ત્યારે તો કશુંય કહ્યું નહીં તમે?“ભટ્ટજીએ ધીમે રહીને ગાલ પરથી હાથ ખસેડ્યો ને બોલ્યા : સવાર સુધી તો બધું ઑલરાઇટ જ હતું. ચ્હાય પીધી ને પછી એકદમ જ દુઃખાવો ઉપડ્યો. કશું બોલાય નહીં. જેમ-તેમ કરુણામાસીને ખબર આપ્યા. મારાથી વાત નહીં થાય. હવે.. માસી તમે જ કહો...” ને વાતનો દોર કરુણામાસીએ લઈ લીધો. “ભટ્ટજી તો જોયા હોય તો આપણને એમ થાય કે હાય હાય... આ ભટ્ટજી? તરત જ બીજું કંઈ તો સૂઝ્યું નહીં એટલે ઘરમાંથી એક પેઇનકિલરની ટીકડી ગળાવી દીધી ને એક લવિંગ આપ્યું. એને એમણે જે દાંત દુઃખતો હતો એ દાંત પાસે દબાવી રાખ્યું ને ધીમે ધીમે ચાવતા રહ્યા. હવે પેઇનકિલરની અસર કહો કે લવિંગની પણ કલાકેકમાં જરા સારું થયું. એટલામાં એમણે કહ્યું એ ડેન્ટિસ્ટને એમના મોબાઇલમાંથી નંબર લઈને મારી ડૉલીએ ફોન કરીને ઍપોઇન્ટમેન્ટ લઈ લીધી. રૂમમાં નીરવ શાંતિ હતી એટલે પંખાનો અવાજેય ચોખ્ખો સંભળાતો હતો. કરુણામાસીએ પાણી પીધું અને વળી કોમેન્ટરી ચાલુ કરી. “હં તો, ડૉલીએ ટાઇમ લઈ રાખેલો અને બપોરે મેં ભટ્ટજીને શીરો બનાઇ આલેલો, બિચારાએ પરાણે ખાધેલો. શું કે જરી ટેકો રહે. બીજું તો કંઈ ખવાય એમ હતું નહીં. બપોરે ડૉક્ટરે બે વાગ્યે ટાઇમ આપેલો તે મારી નિક્કી એમને ગાડીમાં લઈ ગઈ. આપણે કામ ના આઇએ તો કોણ આવે? હેં, ચીનુકાકા... શું કો છો?” ચીનુકાકાએ દસશેરીયું હલાવી મૂક્યું અને બીજા પ્રશ્નનો ઘા કર્યો :“ પણ કહ્યું શું ડૉક્ટરે?” હવે જવાબ આપવાનો નિક્કીનો વારો હતો. એટલે એ બોલી :“આજે તો કંઈ નથી કર્યું કાકા. એક્સ-રે પાડ્યો ને જરાતરા ક્લીનઅપ કર્યું. ભટ્ટજીને દાંતમાં સ્વેલીંગ છે તો આજે બીજું કશું નહીં થાય જે કરશે એ કાલે, ટાઇમ આપ્યો છે. કાલે જ થશે. જમીને જવાનું છે. મમ્મી, કાલે શીરો થોડો વધારે બનાવજે. મહાદેવ ભેગાં પોઠિયા પૂજાઈ જાય. ભટ્ટજીની સાથે સાથે અમેય ખઈશું. હેં ને ડૉલીભાભી?”
ડૉલીએ મીઠું મરકીને હા કહી. વળી, રમેશભાઈ બોલ્યા : પણ, આજે તો કંઈ કર્યું નથી તોય ભટ્ટજી કેમ ગાલ પર હાથ દબાવીને બેઠા છે? પાછો દુઃખાવો શરૂ થયો કે શું?” ભટ્ટજીએ ગાયથીય વધુ દયામણા થઈને હા કહી. થોડું થોડું દુઃખવાનું શરૂ થયું છે. પણ અસહ્ય ન હોય તો કોઈ પેઇનકિલર લેવાની ડૉક્ટરે ના કહી છે. રાત્રે લઈ લઈશ બહુ એવું લાગશે તો.” દાંત દુખે તો કેવી વીતે એ તો દાંત દુખે એ જ જાણે. ચીનુકાકાએ પોતાનું ચોકઠું સરખું મોઢામાં સેટ કર્યું અને પોતાના દાંતના અનુભવો વહેંચવાની શરૂઆત કરી. એકવાર એટલે કે જ્યારે મારા પોતાના દાંત હતા ત્યારે મને દાંતમાં અર્ધી રાત્રે દુઃખાવો ઉપડેલો. તલનું તેલ મોંમાં ભરી રાખ્યું. થોડી વાર... પછી ના મજા આઈ એટલે એનો કોગળો કરી નાંખ્યો અને તમારા કાકીએ લવિંગ આપ્યાં તે બધાંય મોંમાં દબાવી રાખ્યાં. પણ લવિંગ સવાર સુધી મૂકી રાખ્યાં તે જીભ આઈ ગઈ બરોબરની. અગિયાર તો જેમ-તેમ વગાડ્યા બીજા દિવસે ને બંદા ઉપડ્યાં દાંતનાં ડૉક્ટર પાસે... ડૉક્ટરને ત્યાં ભયંકર ભીડ. ને ભટ્ટજી તમને કહું? તમારો દુઃખાવો તો કંઈ નથી મારા એ દુઃખાવા આગળ. મારી હાલત પર પેલી રિસેપ્શનિસ્ટ અને બીજા દર્દીઓને જરા દયા આવી હશે. તે એમનાં મનમાં રામ વસ્યા અને મને પહેલો જવા દીધો. અંદર ફૂલ એ.સી. ચાલે તોય આપણને પરસેવો પરસેવો થઈ ગયેલો. આ કાકાને ત્રણ નંબર પર બેસાડીને એક્સ-રે લઈ લો. જે પ્રાથમિક તપાસ કરવાની હોય એ કરી લો. ત્યાં સુધીમાં હું એક નંબર ને પતાવી દઉં. એવી સૂચના આપીને ડૉક્ટર તો એમનાં કામે લાગી ગયાં ને આ બાજુ મને ત્રણ નંબરની ચૅર પર બેસાડીને માથે પેલી લાઇટ આવે ને એ ચાલુ કરી ને મને મોઢું ખોલાવ્યું. એક તો આપણે તમાકુ ચાવવાની ટેવ તે મોઢુંય મારું બેટું સરખું ખૂલે નહીં ને પેલો આસિસ્ટન્ટ ડૉક્ટર હજી વધારે મોઢું ખોલોની વારે વારે રેકર્ડ વગાડે... તે હું એમ પૂછું અલ્યા તને અંદર બ્રહ્માંડ દેખાવાનું છે? કે પછી આખો અંદર બેસીને ટ્રીટમેન્ટ કરવાનો છે? એવી તો દાઝો ચઢેલીને એ 6 ફૂટિયા પર તો.. મોઢુ ખોલાવીને અંદર પાવલી જેવડો સ્ટૅન્ડ વાળો અરીસો મૂક્યો ને માંડ્યોં બધા દાંત દબાવવા. થોડી વાર થઈ મને કહે કાકા આ બાજુમાં ગ્લાસમાં પાણી છે ગાર્ગલ કરી લો. હવે આ ગાર્ગલ એટલે શું તે મને હમજ પડે નહીં એટલે હું એની સામે જોઈ રહ્યો. એટલે ડૉક્ટરે ફરી કહ્યું, કોગળા...કોગળા... તે મેં કોગળા કર્યા. વળી મોંઢું લૂછીને ખુરશીમાં ગોઠવાયો ને પેલાએ તો ફરી મોઢું ખોલાવીને અંદર કંઈક ઇંજેક્શન જેવી પિચકારીઓથી દાંત પર કશુંક રેડવા માંડ્યું. પછી મેં તો આંખો ફીટોફીટ મીંચી દીધી. એટલામાં પેલાએ મોંઢામાં કંઈ મિક્સર જેવા અવાજવાળું મશીન ચાલુ કર્યું. ચૂંઉંઉંઉં.. માથું ભમી ગયેલું ભટ્ટજી... તમારાથી તો સહન નહીં જ થાય. જરા વાર આ ચૂંઉંઉંઉં... ચાલ્યું તે પછી એકદમ જ બધો અવાજ બંધ થઈ ગયો. તો હાઈશ... ને એમ વિચારીને આંખો ખોલી તો પેલો મારી સામે મરકતો ઊભેલો . હવે સાહેબ જોઈ લે એટલે તમને નેકસ્ટ સીટિંગનો ટાઇમ આપી દઈએ. “મેં તો મનમાં ને મનમાં હનુમાન ચાલીસા ગાવા માંડી. મુખ્ય ડૉક્ટરે આવીને જોયું ને માથું ધુણાવ્યું બધાં દાંત ગયેલા છે લાંબો સમય ચાલશે ટ્રીટમેન્ટ. પરમદિવસથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ. રેગ્યુલર આવશો તો જલદી પાર આવશે. જેશ્રીક્રષ્ણ.” આટલું એકશ્વાસે બોલીને એમણે મને રવાના કર્યો. પણ ભટ્ટજી, ટ્રીટમેન્ટ પછી આપણને કોઈ તકલીફ નથી. બધું હવે સરસ છે. હવે ચોકઠુંય બરાબર ફાવી ગયું છે.. હું શું કહું છું ભટ્ટજી તમેય બધાં દાંત પડાવી જ નાંખો.” આટલું બોલીને ચીનુકાકાએ ઑડિયન્સ પર નજર ફેરવી. હવે જ એમને ખ્યાલ આવ્યો કે એક એક કરતાં બધાંય સરકી ગયેલાં રૂમમાંથી અને શ્રોતા માત્ર ભટ્ટજી જ રહ્યા હતા.
ભટ્ટજીને તો સાંભળ્યા સિવાય છૂટકો ન હતો. એટલે એ બિચારા ક્યાં જાય? એટલામાં નિક્કી આવીને ભટ્ટજીને ઢીલી ખીચડી ને દહીં આપી ગઈ. જતાં જતાં બીજા દિવસની 11 વાગ્યાની દાંતની ઍપોઈન્ટમેન્ટનું યાદ કરાવતી ગઈ. ભટ્ટજી આભારવશ નિક્કી અને ખીચડી સામે જોઈ રહ્યાં. ને ચીનુકાકા સામે હાથ જોડ્યા. બીજા દિવસે ભટ્ટજીને દાંતના દુઃખાવામાં ખાસ્સી રાહત હતી. પણ ટાઇમ લીધેલો અને દાંતમાં સડો વધુ પડતો ન થઈ જાય એટલેય જઈ આવવું જરૂરી હતું. નિત્યકર્મથી પરવારીને તૈયાર થઈને બેઠા ત્યાં વળી ડૉલી શીરો લઈને આવી પહોંચી. થોડો શીરો ખાઈને ભટ્ટજી દવાખાને પહોંચ્યા. નસીબજોગે ક્લિનિક પર બીજા કોઈ પેશન્ટ ન હોવાથી ભટ્ટજીનો તરત જ નંબર આવી ગયો. પ્રાથમિક પૂછપરછ ને તપાસ પછી ડૉક્ટરે ફટાફટ આસિસ્ટન્ટને સૂચનાઓ આપી દીધી. ને એ પ્રમાણે પેલા આસિસ્ટન્ટ બધી સામગ્રીઓ ભટ્ટજીની ખુરશી પાસેનાં ટેબલ પર મૂકવા માંડી. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેમાં જાતજાતનાં પ્લાયર, રૂનાં પૂમડાં, ઇંજેક્શન ને ચીપિયા, હાથમોજાં સહિત મૂકાઈ ગયાં. એટલામાં એક હેલ્પર જાતજાતની ટોપકાંવાળી ખીલીઓ ટ્રેમાં લઈ આવ્યો. ભટ્ટજીની આંખોમાં ડોકાતાં આશ્ચર્ય અને પ્રશ્નાર્થને કળી જઈને ડૉક્ટરે વગર પૂછ્યે જણાવી જ દીધું :આને “ફાઇલ” કહેવાય આ સ્પેચ્યુલા છ, આ ટીસ્યુ પ્લાયર છે. આ બૉટલમાં તમારાં દાંતમાં ઇંજેક્શન આપવાનું છે એ લિક્વિડ છે. ઇંજેક્શન આપ્યા પછી તમે કંઈ ન બોલશો. નહીં તો એની આજુબાજુમાં બધું બહેરું થઈ ગયું હોય અને દાંતમાં ચવાઈ જશે તો તમને ખ્યાલ પણ નહીં આવે.
ભટ્ટજી ગભરાયા. “એક મિનિટ.” આ બૅગમાં મારો સેલફોન છે એમાં બેથી આઠ નંબર પર સ્પીડ ડાયલ સેટ કરેલું છે. મને કંઈ થઈ જાય તો બધા નંબર પર જાણ કરી દેજો. આ એ.સી.નું કુલિંગ ફાસ્ટ કરો. મને લો બી.પી. થયું લાગે છે. તમારા આ ઇંજેક્શનમાં થોડું લીંબુ નીચોવી આપો તો મને ચક્કર નહીં આવે... મારે દાંત અખરોટ તોડી શકું એવા મજબૂત નહીં હોય તોય ચાલશે પણ કામ બરાબર થવું જોઈએ.” એટલામાં ડૉક્ટર આવ્યા. કંઈ પણ પ્રતિભાવ આપ્યા વિના એમણે ભટ્ટજીને દાંતમાં ઇંજેક્શન લગાવ્યું. થોડીવાર દાંતમાં કંઈક ગડમથલ કરી. પંદરવીસ મિનિટ પછી “ચાલો , આજનું પૂરું હવે આવતાં અઠવાડિયે.” કહીને એમણે હાથ ધોઈ નાખ્યાં. ફાઈનલ સીટીંગમાં રુટ કેનાલની પ્રોસીજર કરીને ડોકટરે ભટ્ટજીને દાંતમાં ગોલ્ડન કેપ ફીટ કરી અને બોલ્યા “ પરફેક્ટ “. એટલું સાંભળતા જ એમના આસી.ડોકટરે ભટ્ટજીના હાથમાં બિલ પકડાવ્યું. ત્યારે ભટ્ટજીથી ફરીથી ગાલ પર હાથ મુકાઈ ગયો . દાંત કે દાઢ દુઃખે તો જ ગાલ પર હાથ મુકાય એવું કોણે કહ્યું ?

ખોંખારો : જેણે દાંત આપ્યા છે એ દુઃખાવોય આપશે.

http://bombaysamachar.com/epaper/e14-4-2016/LADKI-THU-14-04-2016-Page-4.pdf

" કન્યા જોઈએ છે ? " મુંબઇ સમાચાર,૦૭/૦૪/૨૦૧૬ ગુરુવાર,લાડકી section

ડ્રોઈંગરૂમમાં સાસુ વહુ વટાણા ફોલતાં બેઠા હતા વચ્ચે પાછા વટાણા વેરાઈ પણ જતા હતા . ડોલી વહુએ વટાણા વેર્યા અને સાસુને ફરિયાદ કરી : “ મમ્મીજી તમારા સુપુત્રને સમજાવી દેજો હમણાનો બહુ મોડો આવે છે ઓફિસેથી . એના બોસની બૈરી ફોરીન ગઈ છે એટલે બોસ નવરા છે તો પોતે રોકાય અને તમારા લાડકાને પણ રોકે છે . તમારો લાડકો અહી મારી સામે ચપ ચપ જીભડી ચલાવે છે પણ ત્યાં બોસ સામે કઈ બોલાતું નથી તમારો વાઘ બકરી થઇ જાય છે ત્યાં વડચકાં નથી ભરાતા અને નીચી મુંડી કરીને હા સાહેબ હા સાહેબ કરીને રોકાયઆપણે કહીએ કશું કામ તો દાંતિયા ચીડિયા કરે ....” હજુયે લાંબુ ચાલ્યું હોત ડોલીનું પણ વચમાં જ સાસુ કરુણાબેને ટોકી :” પહેલા આ વેંગણ – વટાણાબટાકા નું શાક વઘાર ને બીજું કે લગન કરવાનું મેં કહેલું અને ત્રીજું કે હજુયે તારો ને મારો વહાલેશ્રી એકદમ હેન્ડસમ છે ઉમરવાળું ફેક્ટર માઈનસ કરી નાખ તો  મેટ્રોમોનીયલની કોઈ પણ જાહેરાતમાં ચાલે એવો હેન્ડસમ સારું કમાતો ફેમીલી લવિંગ મેન છે છે કે નહિ સાચું કહેજે. “ ડોલી પણ હસી પડી અને ફરી સાસુ વહુ રસોડામાં કામે લાગ્યા ભટ્ટજીય આ એકતા કપૂરની સીરીયલથી તદ્દન વિપરીત સંવાદ – દ્રશ્ય જોઇને હરખાયા અને પાછું છાપામાં માથું પોરવ્યુ ને નજર પડી લગ્ન વિષયક જાહેરાતો પર . 

 

કન્યા જોઈએ છે ૩૦ વર્ષ ના યુવક માટે ગોરી ઉંચી પાતળી ફેમીલી લવિંગ કન્યાની જરૂર છે નોકરી કરતી કન્યાને પ્રથમ પસંદગી ." આ પ્રકારની લગ્ન વિષયક જાહેરખબર આપણે સૌએ વાંચી જ છે વર્ષોથી આવી જા x ખ વાંચતા હોઈએ એટલે આપણને ખાસ નવાઈ ન લાગે પણ આ પ્રકારની જા x ખમાં ધ્યાનાકર્ષક બાબત એ છે કે 'કન્યા રૂપરૂપનો અંબાર જોઈતી હોય પણ વર અંગે ખાસ વર્ણન ન હોય વર્ણન હોય તો પણ હેન્ડસમ ગોરા સારું કમાતા એવું જ હોય આમાં હેન્ડસમ ની વ્યાખ્યા વરપક્ષ માટે ખરેખર શું છે એ તો વર ને પ્રત્યક્ષ નિહાળ્યા પછી જ ખબર પડે."વર જોઇએ છે " , "કન્યા જોઇએ છે "મા લગભગ તો એકસરખુ લખાણ જ જોવા મળેવર માટે સારૂ કમાતો પોતાનુ ઘર હોયસમજુ , સંસ્કારી જેવા ગુણો હોવા મસ્ટ .જ્યારે કન્યા માટે સ્લીમટ્રીમ ગોરી ઘરરખ્ખુ,જરુર પડે નોકરી કરી શકેમળતાવડીહસમુખી જેવા અધધધ ગુણો હોવા મસ્ટવર ગમે તેવો દેખાતો હોય પણ કન્યા તો ગોરી જ જોઇએ.

 

ઘણીવાર આ કાળા ગોરા ને લીધે જ ઘણી ગુણવાન છોકરીઓ બીચારી પરણવામા મોડી પડતી હોય છે અથવા રહી જતી હોય છેહિન્દી ફિલ્મો મા ભલે ગીતો.લખાય કે ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર ગોરા રંગ દો દીન મે ઢલ જાયેગા . . .' કે એમ બોલાય કે ધોળા તો ગધેડા ય હોય છે પણ એ બધી બોલવાની વાતો હોય છેનહી તો ફેરનેસ ક્રીમના ધંધા આટલા ફુલેફાલે ખરા હમણા એક વડીલ સાથે સંવાદ થયેલો તે યાદ આવી.ગયોવડીલ એમના સુપુત્ર માટે કન્યા શોધે એ અમને ખબર એટલે અમે સાવ સ્વાભાવીક જ પુછ્યુ કે . ." પછી કાકા. . સુકેતૂનુ ગોઠવાયુ કશે ? " તરત જ વડીલે પુણ્ય પ્રકોપ ઠાલવ્યો :" એક જોઇ છે ,બધી રીતે સારૂ છે નોકરી પણ સારી છે બોલાવે ચલાવે પણ સારી છેપણ કાળી છે બાબાને ય બહુ ગમી ગઇ છેએની સાથે વોટસઅપમા ચેટીંગમા પણ વ્યવસ્થિત છે એમ કહેતો હતો પણ એનેય એક જ તકલીફ છે કાળી છેએ પોતે સારો એવો ગોરો ને હેન્ડસમ છે એટલે આ તો એનીપાસે સારી એવી...કાળી જ લાગે બાકી ,બેબીને જુઓ તો આમ લાગે હોं !!!" આવુ તો કઇ કેટલુય કહી નાખ્યુ.

 

"કાલે હૈ તો કયા હુએ દીલવાલે હૈ. . . ગોરો કી ના કાલો કી દુનીયા હૈ દીલવાલોકી .."એ જયા સુધી પોતાના પગ નીચે રેલો ના આવે ત્યા સુધી જ સાંભળવુ ગમે છે.જ્યા છોકરી કન્યાની વાત આવે કે આખેઆખા માપદંડ જ બદલાઇ જાયછોકરીને રસોઇ ન આવડતી હોય તો એક સમયે તे ચાલી જાય પણ જો સહેજ શ્યામસુંદરી હોય તો મનમા તરત જ નકાર ઉઠેખરી જોવા જેવી તો ફોરેનર્સ અહી આવે ત્યારે થાયએ લોકો તો એમના ભૌગોલિક કારણો ને લીધે ધોળીયા ભુરીયા જ હોય.એ આવે તો જાહેરસ્થળોએ એમની સાથે ફોટા પડાવવા જાણે કે હોડ લાગી જાય ને પેલા ફોરેનર્સને કઇ સમજણ ન પડે એટલે એય ઓ યા સ્યોર જેવા ઉદગારો કાઢતા કાઢતા ખુશી ખુશી જે તે વ્યકતીનાખભે ..કમરે હાથ રાખીને ફોટા પડાવે એમના માટે ખભે કે કમરે હાથ રાખવાનુ કે વળગવાનુ આપણે હાથ ધોઇને આપણા જ કપડા પર લુછી નાખીયે એટલુ સામાન્ય હોય પણ આપણાવાળા ધોળી કે ધોળીયાએ આપણા ખભે હાથ મુકેલો એ વિચારથી જ એટલા ઉત્સાહમા વી જાય કે એ ક્ષણને ગાયની માફક કલાકો સુધી વાગોળ્યા કરે.

 

જે હોય તે બીજે બધે સફેદ ગોરા ધોળા રંગનુ આધિપત્ય સ્વીકારતા લોકો જ્યારે માથે સફેદ વાળ ચમકે તો એ સહન કરી શકતા નથી અને એને કાળા અથવા અન્યરંગમા રંગવાની.પળોજણ સમયાંતરે કરતા જ રહેતા હોય છે કારણકે વાળની સફેદીને ઉંમર સાથે ઉમર ને વૃધ્ધત્વ સાથે ને વૃધ્ધત્વ ને મૃત્યુ સાથે સીધો સંબંધ છે ને જગતમાं દરેક ને અજરામર રહેવુ છે.

 

બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે પોતાની બહેન શ્યામ રંગની હોય પોતાને કોઈ શરમ નથી જે છે એ કુદરતી છે એટલે એ ફેરનેસ કંપનીની પ્રોડક્ટ માટે મોડેલીંગ કરીનેપોતાની બહેન જેવી અસંખ્ય શ્યામ સ્ત્રીઓનું અપમાન નહિ કરે એમ કારણ આપીને ફેરનેસ ક્રીમ માટે મોડેલીંગ કરવાની ના કહી દીધેલી તો સામે છોકરાઓ માટેનાફેરનેસ ક્રીમમાં શાહરૂખ ખાને છોકરાઓની ડાર્ક ઈઝ હેન્ડસમ વાળી જડબેસલાક માન્યતામાં નાની અમથી તિરાડ ચોક્કસ પાડી છે .એટલામાં વળી પક્ષીઓ માટે મુકેલા માટીના વાસણમાંથી પાણી પીતા કાગડાએ કા.....કા....કર્યું અને ભટ્ટજીની વિચારધારાએ નવો ટ્રેક પકડ્યો હમણાંસમાજમાં જરા જુદા પ્રકારનો વાયરો ચાલી રહ્યો છે હમણાં થોડા સમય પહેલા  ટીવી પર મીસીસ તેન્ડુલકર નામની સીરીયલ આવતી જેમાં નાયકને બદલે નાયિકા ઓફીસવર્ક અને નાયક ઘરકામ કરતો દેખાડેલો વળી અત્યારે ‘ કીએન્ડ કા ‘ નામની ફિલ્મ આવી છે જેમાં નાયિકા ઓફિસે જાય બહારના કામ કરે અને નાયક ઘરકામ કરે ટૂંકમાં સમાજે સ્વીકારેલા સ્ત્રી પુરુષના કામના વર્ગીકરણથી વિપરીત કાર્ય કરવું એ હાલમાં નવી ફેશન છે .એટલે થોડા સમયમાં લગ્નવિષયક જા ખ માં ‘ વર જોઈએ છે ‘ માં સારું કમાતા ને બદલે ઘરરખ્ખું કુટુંબપ્રિય જેવા વિશેષણો આસ્તે આસ્તે આવી જશે .

 

ખોંખારો :

ભવિષ્યવાણી : લગ્ન માટેની જાહેરખબર જોઈએ છે ૩૦ વર્ષની યુવતી માટે ઉંચો ગોરો કુટુંબવત્સલ ઘરરખ્ખું ,જરૂર પડે તો નોકરી કરી શકે એવો યુવક જોઈએ છે મળોયા લખો  xxxx

પાતળા ....... સુક્ક્લકડી ....સાઠેકડી .....પવનપાવડી ......પેન્સિલ .....etc ....etc ..!!!!મુંબઈસમાચાર ૩૧/૦૩/૨૦૧૬ ગુરુવાર , લાડકી section ..

 
 
ગુજરાતી હાસ્યજગતના પિતામહ સ્વ . જ્યોતીન્દ્ર દવે ખુબ જ પાતળા હતા . એવું કહેવાય છે કે એકવાર એ માંદા પડ્યા અને એમના કોઈ સબંધી ખબર જોવા આવ્યા તો જ્યોતીન્દ્ર્ભાઈએ પથારીમાંથી ઉભા થઈને કોટ પહેરી લીધો . પેલા સંબંધીએ કારણ પૂછ્યું તો જ્યોતીન્દ્ર્ભાઈએ એ જ આપી શકે એવો જવાબ આપેલો : " તમે મને બરાબર જોઈ શકો એટલે માટે "
 
હમણાં હમણાં બધે ઝીરો ફિગર , સાઈઝ ઝીરો કે સિક્સ એબ્સ નો જબરદસ્ત વાયરો વાયો છે . આ વાયરાની શગ સંકેરી હોય તો The કરીના કપૂર અને The શાહરુખ ખાને . બને કલાકારોએ પરફેક્ટ ફિગર અંગેના ખ્યાલોમાં ધરખમ ફેરફારો આણી મેલ્યાં .એ પછી ગલીકુચીઓમાં ઉકરડા કરતાયે વધુ જીમ અને ડાયેટીશીય્ન કલીનીક દેખાવા માંડ્યા . દરેક જીમ કે કલીનીક વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન ઉતારવાનો દાવો કરે . અચાનક જ પબ્લિક હેલ્થ કોન્શિયસ થઇ ગઈ .તો છાપામાં છપાતી મહિલાપુર્તિઓમાં વાનગીઓમાંથી મસાલા તેલ ઓછાં થઇ ગયા . લગ્નસરામાં જ્યાં છૂટથી તેલ મસાલાથી લથબથ ફરસાણો અને શાકભાજી બનતા હતા ત્યાં અચાનક જ લો-કેલ ફૂડ અને જાતજાતના સલાડ અવિભાજ્ય અંગ બની ગયા . ઘંટીવાળાઓએ બાપજન્મારા માં પણ ના સાંભળ્યા હોય એવા લોટ સાવ નાનકડી પણ ઘંટીવાળો રાખતો થઇ ગયો . ફળફળાદી માં તો વળી એવી માન્યતા હતી કે જો તમારા હાથ માં ફ્રુટની થેલી કોઈ જુવે તો અચૂક પૂછે કે " ઘેર કોઈ માંદુ છે ?" અથવા તો ફળફળાદી તો પૈસાવાળાના નખરા કહેવાય એ ફળફળાદી હવે દરેક ઘર માં માનભેર સ્થાન પામતા થઇ ગયા .
 
જે હોય તે પણ પાતળા થવા માટે લોકો તનતોડ મહેનત કરે છે કારણ કે જાડા રહેવાના ફાયદા કરતા નુકશાન વધારે છે જયારે પાતળા હોવાના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે એ હવે જનતા ને સુપેરે સમજાઈ ગયું છે .મનુષ્યને જાડા હોવાથી જેટલી વ્યાધી ઉપાધિઓ પજવે છે
એટલી પાતળા હોવાથી નથી પજવતી . ઉદાહરણ તરીકે બસ ,ટ્રેન માં મુસાફરી કરતી વખતે પાતળી વ્યક્તિ જરા અમથી જગ્યામાં પણ આરામથી ગોઠવાઈ શકે છે . ટ્રેનમાં બે સીટ વચ્ચે કે પેસેજ માં બેગો મૂકી હોય એના પર " એ તૂટી જશે તો ? " એવો ભય રાખ્યા વગર આરામથી બેસી શકે છે . જાહેર વાહનોમાં બેસવામાં પાતળી વ્યક્તિઓને " કેટલી જગ્યા રોકે છે ?" એવા મૌન કે છાના ઘૂરકિયા નો સામનો કરવો પડતો નથી . ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે ભીડ હોય ત્યાં પંચાતીયા હોય જ . આ પંચાતીયાઓ જાડી વ્યક્તિને જોઇને અંદરો અંદર ઘુસુરપુસુર કરે કે " ખબર નહિ કઈ ઘંટી નો લોટ ખાય છે " પણ પાતળીયાઓને જોઇને એમને આ નિંદારસમાંથી મુક્તિ મળી જાય છે
 
બીજો મહત્વનો ફાયદો કપડામાં થાય . જાડી ન હોય એવી વ્યક્તિના માપના કપડા અચૂક મળી રહે જ . પુખ્તો માટેના સેકશનમાંથી નહિ તો ચિલ્ડ્રન સેકશનમાંથી - મળી તો રહે જ . જો કે કેટલાક તો પાતળા થવાની લાહ્યમાં એટલે પાતળા થઇ જાય ( અથવા રહી જાય ) કે ભર વરસાદમાં છત્રી કે રૈનકોટ વગર નીકળે તો પણ કોરેકોરા પાછા આવે . રૂમ માં બેઠા હોય તો આપણને પંખો ફાસ્ટ કરતા પણ બીક લાગે કે પહેલા મિત્ર પર કશુક વજનીયું મુકવું પડશે નહિતર એ ઉડી ને ભીતમાં ભટકાશે કે શું ?
 
પાતળા હોય એનો ખોરાક ઓછો જ હોય એવી માન્યતા ભ્રામક છે . શૈક્ષણિક શિબિરો દરમ્યાન આવા સાઠેકડા જેવા છોકરાઓને 30-35 રોટલી , 10-15 મોહન થાળના ચકતા કે 3 ડઝન ગુલાબજાંબુ ઝાપટતા - I repeat ઝાપટતાં નજરે નિહાળ્યા છે . એવું નહિ કે આટલું ખાઈને એ ધરાઈ ગયા હોય સાથે , શાક , ભાત ... છાશ કે દૂધ તો ભૂલ્યા વિના પિવે જ . છાશ દૂધ પીવા માટે તાંસળું જ ઉચકે
 
ઘરમાં નાનું બાળક હોય તેના અસંખ્ય નામ હોય એ જ રીતે પાતળીયા ઓ માટે પણ નામાવલી હાજર છે , દુનિયાભરની પાતળી વસ્તુઓના નામ આ સ્લીમ - ટ્રીમ ને વણમાગ્યે ભેટ મળી જાય . અગરબત્તી , ફૂટ્ટપટ્ટી , સોટી , સાઠેકડી , પાતળી પરમાર , પવન પાવડી , ખડમાકડી , હાડપિંજર , હાડકાનો માળો , સ્કીની વગેરે વગેરે . મારા એક મિત્રના ભાઈ એકદમ સુક્ક્લકડી એકવાર એ સ્ટુડિયો માં ફોટો પડાવવા ગયા તો ફોટોગ્રાફરે એમને પ્રશ્ન પૂછીને ભોઠા પાડી દીધા કે : " એક્સરે પાડવાનો છે કે ફોટો ?" શરમ ના માર્યા એ ભાઈએ તો પછી અખાડા , જીમ વગેરે વગેરે માં બોડી બનાવાવાના ભરપુર પ્રયત્નો આદરેલા અને જરાતરા અંશે સફળ બી થયેલા .
 
શાદી બ્યાહના મામલામાં પણ પાતળીયાઓનું પલ્લું પાતળા હોવા છતાં પણ ભારે હોય છે . મોટાભાગની લગ્ન વિષયક જાહેરાતોમાં મુરતિયો / કન્યા સ્લીમ - ટ્રીમ જ જોઈતા હોય છે . તો ઘરમેળે કે સગા-સંબંધીઓ દ્વારા શોધવામાં આવતા પાત્રોમાં પણ પાતળા હોવા પર વધુ ભાર મુકાય છે . " જો જો હો છોકરો / છોકરી જાડો / જાડી હોય એ નહિ ચાલે આપણે " જો કે એકવાર એક બહેન નું ઠેકાણું બહુ પાતળા હોવાથી ક્યાય નહોતું પડેલું એવું જાણ માં છે . આ બહેન ડાયીટીશિય્ન પાસે ભરાઈ પડેલા . ડાયીટીશિય્ને જાતજાતની પૂછપરછ કરી ફોર્મ ભરેલું પછી ડાયેટ ચાર્ટ લખી આપેલો એ પ્રમાણે વર્તવા જતા બહેન ચોથા જ દિવસે પથારીવશ . એમની નાજુક હોજરી ડાયેટ નો ભાર સહન નાં કરી શકી . સરવાળે બહેન પથારીમાં થી ઉભા થયા ત્યારે હતા એના કરતાય વધારે કૃશકાય .
 
નટરાજ પેન્સિલના બ્રાંડ એમ્બેસેડર બની શકે એવા પાતળીયા / પાતળી ઓને વા-વંટોળ માં બહાર જવા દેવામાં જોખમ કારણ કે વંટોળ / વાવાઝોડામાં ઉડતા ઉડતા એ ક્યાં વિસ્તારમાં જઈ પડશે એ નક્કી નહિ . વળી શરીરમાં હાડકાઓ જ હોવાને લીધે આવા લોકો ને અસ્થિભંગ / ફ્રેકચર થવાના ચાન્સીસ ખુબ જ વધારે રહે છે .
 
પાતળા હોવાના ફાયદાઓનું લીસ્ટ હજુ લંબાવી શકાય પણ last but not least - પાતળી વ્યક્તિ ગુજરી જાય ત્યારે એમને ઉચકનારા ડાઘુઓને ખભાની તકલીફો સહન કરવાની આવતી નથી . વળી એમને બળવામાં લાકડું કે ઈલેક્ટ્રીસીટી પણ ઓછી વપરાય છે અને એ રીતે પર્યાવરણ નું પણ જતન થાય છે.

ખોંખારો :

ટુંકમાં કહેવું હોય તો વજનદાર થવા કરતાં વજનહીન થવામાં વધારે દમ છે .
બાકી , ' તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે ..મને ગમતું રે ..હું તો કહું છું પાતળીયા તને અમથું રે ......." આવું રોમેન્ટિક ગીત જાડિયા સાંવરિયા પર લખાયું છે કોઈ દિવસ ?????

http://bombaysamachar.com/epaper/e31-3-2016/LADKI-THU-31-03-2016-Page-4.pdf

"નાનાં બાળક કરતાંય શ્વાનની સંભાળ વધુ લેવી પડે.."મુંબઈ સમાચાર,૧૭/૦૩/૨૦૧૬ ગુરુવાર,મરક મરક, લાડકી section

“રાજુ હવે અહીં નહીં રહી શકે...”
“એ અહીં જ રહેશે...”
સોસાયટીનો કમિટી રૂમ સભ્યોથી ખચાખચ ભરેલો હતો. દલીલો-પ્રતિદલીલો જોરશોરથી સંભળાઈ રહી હતી. રાજુ હવે સોસાયટીમાં રહેશે કે નહીં એની નાનાં-મોટાં સહુને ઇંતેજારી હતી પણ જેના માટે આ બધી દલીલો ઝઘડાનું રૂપ ધારણ કરી લે એવી શક્યતાઓ હતી એને એટલે કે ખુદ “રાજુ”ને જ ખબર ન હતી કે આ બધું શું ચાલી રહ્યું છે! ચૂપચાપ ખૂણામાં બધાની સામે વારાફરતી જોઈ રહેલો રાજુ આ બધા ટોળાં અવાજ ઘોંઘાટથી અલિપ્ત હતો. “જ્યારે આપણાં વડાં પ્રધાન પણ ઘેરઘેર અને ઠેરઠેર સ્વચ્છતા માટે કેસરી સાફામાં “ક્યા હમ તય કરેએએએ...” કરીને ટી.વી. રેડિયો પર જોરશોરથી મન કી બાતમાં વારંવાર સ્વચ્છતાની અપીલો કરી રહ્યાં છે એવે ટાંકણે શું રાજુનું આપણી સોસાયટીમાં રહેવું વ્યાજબી છે?” બળવંતકાકા ઉવાચ... ને પછી દે ધનાધન... “એ કાકા... તમારા ત્રીજા માળની બાલ્કનીમાંથી સવારની પહોરમાં સંતરાનાં, કેળાનાં, મોસંબીનાં છોતરાંભિષેક થાય છે એ બધાય ને ખબર છે. કોઈ બોલતું નથી એનો અર્થ એ નહીં કે તમારાં સમાજ વિરોધી કૃત્યથી બધાં અજાણ છે.” સજડબમ દલીલથી બળવંતકાકાના મ્હોં પર ટેપ લાગી ગઈ ને એ ચૂપ. જાતજાતની ભાતભાતની દાખલા દલીલો પછી બધા સભ્યો સર્વાનુમતે એવા નિર્ણય પર આવ્યાં કે રૂ. 15,000 સોસાયટીનાં ફંડમાં જમા કરાવવા પડશે પછી જ “રાજુ” અહીં રહેવાને પાત્ર ગણાશે. જો “રાજુ” કોઈનાં પર હુમલો કરશે કે કરડશે તો પીડિતની સારવારનો તમામ ખર્ચ “રાજુ”ના વાલી અર્થાત્ ભટ્ટજીએ ભરવો પડશે. “રાજુ”નાં પટ્ટામાં રેડિયમ નંખાવવું પડશે જેથી રાત્રે અંધારામાંય “રાજુ”ની હયાતીનો આંગતૂકને અણસાર રહે અને એ જાગૃત રહે. “રાજુ” ઓછામાં ઓછું ભસે એ માટે ભટ્ટજીએ ખાસ નિષ્ણાતની વ્યવસ્થા કરીને રાજુને ટ્રેઇનિંગ અપાવવી પડશે. “રાજુ”એ એની દેહધાર્મિક ક્રિયાઓ બાજુની સોસાયટીનાં પાછલાં ગેઇટ પાસે પતાવવાની રહેશે. “રાજુ” માટે આટલા “ડુ ઝ” અને “ડોન્ટસ” નિર્ધારિત થયા પછી “રાજુ” ને ઓછું ન આવે એટલા માટે ત્રણ ઠરાવ એની તરફેણમાંય કરવામાં આવ્યાં. રાજુને કોઈએ “કુકુ...કુકુ... લે... કુકુકુકુ...” જેવા હોકારા પડકારાથી બોલાવવો નહીં અને એનું માન જળવાય એ રીતે એને “રાજુ” નામથી જ બોલાવવો. આવતાં-જતાં કોઈએ એને વરંડામાં કે બહાર ઓટલાં પર બેઠો હોય તો સળીઓ કરવી નહીં કે વધેલાં હાંડવા-ઢોકળાનાં ટુકડાં, બિસ્કિટ કે રોટલી ધરવા નહીં. ને લાસ્ટ બટનોટ લિસ્ટ – “રાજુ” જ્યારે સુંઘવા આવે ત્યારે ખોટી દોડાદોડી કે ચીસાચીસ ન કરવી અને શાંતિથી એને સહકાર આપવો તેમ જ એને “હટ્ટ હટ્ટ...” જેવા માનહાનિવાચક શબ્દો વાપરવા નહીં કારણ કે આખરે “રાજુ” પરિવારનો જ સભ્ય છે. બધાંએ ઠરાવ પર હસ્તાક્ષર કર્યા અને પછી ગાંઠિયા જલેબી ખાધાં. થોડાં “રાજુ”ને પણ ધરવામાં આવ્યાં પણ “રાજુ”ને આ બધો બખેડો પોતાનાં લીધે છે એવી ગંધ આવતાં એણે પોતાના પ્રિય ગાંઠિયા સૂંઘ્યાય નહીં અને ભટ્ટજીને ઘર ભણી તાણવા લાગ્યો.
જેને ત્યાં “રાજુ”ઓ હશે એમને ખબર હશે કે કુટુંબમાં કેટલી હદે એ ભળી જાય છે. ઘણાં ઘરો તો એવાંય હશે કે સૌથી વધારે સમજુ “રાજુ” જ હોય. જેમ બાવાઓમાં તાંત્રિક, કાપાલિક, અઘોરી હોય એમ શ્વાનોમાં લાબ્રાડોર, બૉક્સર, પોમેરિયન વગેરે વગેરે હોય છે. આ બધીય જાતિ-પ્રજાતિ એક સાથે જોવી હોય તો હવે લગભગ દરેક શહેરમાં “ડૉગ-શૉ” – “શ્વાનમેળા” દર શિયાળે યોજાય જ છે. શ્વાનની લે-વેચ થી માંડીને શ્વાન-સ્પર્ધા. શ્વાન માટે જાતજાતનાં પ્રસાધનો, રમકડાં, કપડાં જોવા મળે. હવે તો ફોટોગ્રાફી બૂથની સુવિધાય જોવા મળે છે. અહીં શ્વાનની જુદી જુદી અદાઓમાં ફોટોગ્રાફી કરી આપવામાં આવે જેથી શ્વાન અને શ્વાન ધારકો માટે યાદગીરી સચવાય. મોટાભાગે તો શ્વાન જ્યારે સાવ નાનું હોય ત્યારે જ એને માલિક ખરીદી લે અથવા પોતાનાં ઘરે લઈ આવે જેથી શ્વાન જલદી સેટ થઈ જાય.
પહેલાનાં જમાનામાં રાજાઓ હાથીઘોડાં પાળતા. કારણ? જગ્યા... બૉસ.... જગ્યા. આજે 1 કે 2 BHKના ફ્લેટમાં હાથીઘોડા રાખે તોય ક્યાં રાખે? એ સંજોગોમાં શ્વાન બરાબરનાં ફાવી ગયા છે. ભટ્ટજી આવા જ એક શ્વાનમેળામાંથી અતિઉત્સાહથી એક શ્વાનબાળ કાયદેસર રીતે ઘરે લઈ આવ્યાં. ને ફોઈએ પાડ્યું “રાજુ” નામ. થોડો સમય સોસાયટીવાળાને વાંધો ન આવ્યો પણ પછી કોઈ વિઘ્નસંતોષીઓથી “રાજુ”નું સુખ જોવાયું કે જિરવાયું નહીં અને એણે સોસાયટીનાં ચૅરમૅન પાસે લેખિત ફરિયાદ કરી અને પરિણામે આ બધું ઊભું થયું. ખેર, ભટ્ટજી એ ઠરાવાનુસાર સૌ પહેલા તો ટ્રેઇનરને બોલાવ્યા. ટ્રેઇનર આવ્યો અને ભટ્ટજીનાં ઘરે બેલ વગાડી. ભટ્ટજીએ દરવાજો ખોલ્યો તો સામે દરવાજાની બહારની જાળી ફીટોફીટ બંધ રાખીને ટ્રેઇનર મહાશય ઊભેલાં.” સર, આ તમારું ડૉગ કરડે છે?” એટલે ભટ્ટજી એ જવાબ આપ્યો, “આમ તો કંઈ નથી કરતું આઈ જાવ તમતમારે. આજે ખબર પડી જશે.” પેલો વીર ટ્રેઇનિંગવાળો પરાણે હિંમત રાખીને ઘરમાં પ્રવેશ્યો અને થોડી વાર પછી એને ભરોસો બેઠો કે રાજુ નહીં જ કરડે. ભટ્ટજીએ એને એ શું શીખવાડશે એમ પૂછ્યું જેનાં ઉત્તરમાં ટ્રેઇનરે કહ્યું. હું એને ઉઠતાં બેસતાં શીખવાડીશ. બહારથી છાપું/ટપાલ લઈ આવતા શીખવાડીશ.” ભટ્ટજીને આમેય “રાજુ”ને કોઈ ફરજ પાડે એ સામે ભયંકર વાંધો હતો એટલે એમણે ટ્રેઇનરને પૂછ્યું : “રાજુને ઉઠતાં-બેસતાં તો આવડે જ છે ને મારે ત્યાં છાપાં/ટપાલ એટલા બધાં આવે કે એ બિચારો વહન કે સહન નહીં કરી શકે. હા, પણ એ ટ્વિકંલ ટ્વિકંલ ગાશે? તો તમે આવવા માંડો.” ટ્રેઇનર ડઘાઈ ગયો. ને ચા પાણી પીને ચાલતી પકડી.
તમે જોજો જ્યારે શ્વાન માલિક – શ્વાનને ચલાવવા નીકળે ત્યારે મોટાભાગના કેસમાં શ્વાન માલિકને ફેરવવા નીકળ્યો હોય એમ માલિકને ખેંચતો હશે. શ્વાનનાં ગયા ભવમાં પુણ્ય હશે તે આ ભવમાં એને બેઠાં બેઠાં ખાવા, હરવા-ફરવા મળે. જાતજાતનાં ડૉગ ફૂડથી ડૉગ બિચારું ઓચાઈ જાય એ હદ સુધી એના પર અખતરાં કરવામાં આવે. અમુક જાતિના શ્વાન અમુક જ ફૂડ ખાય અથવા એને અમુક જ ફૂડ આપી શકાય. નાનાં બાળક કરતાંય વધારે સાર-સંભાળ ઘરનાં શ્વાનની લેવી પડે. દાંત આવતા હોય ત્યારે જેમ નાનું બાળક ગમે તે વસ્તુ મોંમાં નાંખે એમ શ્વાનબાળ પણ જે નજરે પડે એ મોંમાં ઓરી દે. રાજુને દાંત આવતાં હતા ત્યારે એણે ઘરનાં સોફાનાં દરેક હાથામાં દાંત મારેલાં. ને હાથા પર ઝીણાં ઝીણાં છિદ્રોની ડિઝાઇન બનાવી દીધેલી. એકવાર મોંઘા જિન્સ પર દાંત અજમાવી જોયાં તો બીજી એક વાર લેધર બેગનો લિજ્જતથી ખાતમો બોલાવી દીધો. અંદરથી 100ની નોટ પડી તો એ ય ફટાફટ ચાવી નાંખી. ભટ્ટજીએ રાજુની આ પરાક્રમ ગાથાઓ સોસાયટીમાં કહેવા માંડી અને એમ કરીને સોસાયટીનાં બાળકોનો પ્રેમ રાજુ માટે રિઝર્વ કરાવી લીધો.
આપણી ફિલ્મોમાંય કુતરાં ઘણી વાર ખૂબ સારું પર્ફોર્મન્સ આપી ચૂક્યાં છે. “તેરી મહેરબાનીયા” નામની ફિલ્મમાં ખુદ જેકી શ્રોફ પણ કબૂલે છે. “હમ આપકે હૈ કૌન”માં જો પેલું પોમેરિયન ના હોત તો ફિલ્મનો સુખાંત આવવા વિશે જરા શંકા છે.
શ્વાન અને મનુષ્યની જોડીદાર મહાભારતકાળથી પ્રચલિત છે. યુધિષ્ઠિરે પાંડવો અને દ્રૌપદી સાથે જ્યારે હિમાલય તરફ પ્રયાણ આદરેલું ત્યારે માર્ગમાં એક પછી એક પાંડવોએ યુધિષ્ઠિરનો સાથ છોડી દીધેલો. માત્ર એક શ્વાને જ અંત સુધી સાથ નિભાવેલો. શ્વાનપ્રેમ હિન્દી ફિલ્મોમાં અભિનેતા-અભિનેત્રીઓમાંય એટલો છલકે છે અને વારે તહેવારે સોશિયલ મિડિયા પર ફોટોગ્રાફ્સ, બ્લોગ સ્વરૂપે ટપકતો રહે છે. તો સાહિત્યમાંય કહેવતોમાં શ્વાનની હાજરી નોંધનીય છે. સમાજમાં બે જણા ઝઘડતાં હોય તો ય સાંભળવાનું બિચારાં કૂતરાંને ભાગે આવે છે. “શું કૂતરાંની જેમ બાઝે છે?” આ ઉક્તિ દરેકે ક્યારેક તો કોઈ ને કોઈ રીતે સાંભળી જ હશે.
 
શેરીનાં કૂતરાં સૌથી વફાદાર હોય છે. શેરીમાં એક એક જણને ઓળખે. આવે ત્યારે ખૂબ જ હરખથી સ્વાગત કરે અને વ્યક્તિ જાય ત્યારે ય એની ઇચ્છા થાય ત્યાં સુધી વળાવવા જાય. કૂતરાંઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. એને તમે ગમે તેટલાં દૂર મૂકી આવો પણ પાછાં પોતાની અસલ જગ્યાએ આવી જ જાય. બહુ ભાગ્યે જ એવું બને કે પાળેલું કૂતરું એનાં માલિકને કરડે સિવાય કે માલિક રાજકારણી હોય! શ્વાનધારકને જો ઘર બંધ રાખવાનું આવે તો હવે તો Dog-hostels પણ શરૂ થઈ છે. અમુક ચાર્જ લઈને તમારું કૂતરું સાચવે. ઘણીવાર આવી હોસ્ટેલમાં પોતાના જીવથી વ્હાલા આ નાનકડાં અબોલ જીવને મૂકતાં જીવ પણ ન ચાલે પણ તો ય ભારે હૃદયે અને ભરેલી આંખે કન્યાવિદાય આપતાં હોય એમ શ્વાનને હોસ્ટેલમાં મૂકતાં શ્વાનપ્રેમીઓની સંખ્યા ય નાની નહીં જ હોય! વોડાફોનની કૂતરાવાળી જાહેરખબર પછી એકદમ જ ઘરમાં એવા ટોય-ડૉગ રાખવાની ફેશન થઈ પડી અને પાળતું શ્વાન જુદી જુદી જાતિઓની તો જૈસે નિકલ પડી. જો કે ખરાં શ્વાનપ્રેમી માટે તો શેરીનાં કૂતરાં પર પણ એટલું જ વહાલ વરસાવે છે. એમાં બેમત નથી.
 
ખોંખારો : મનુષ્ય જો કૂતરાં  પાસેથી “વફાદારી” ય શીખે તો જગતનાં મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય.

http://bombaysamachar.com/epaper/e17-3-2016/LADKI-THU-17-03-2016-Page-4.pdf