દ્રશ્ય ૧ :
ઓ બા, આ સોસાયટીમાં બધા ટોળે વળ્યા છે જો. હવન કરાવો . ચાર ચારનાં જુથમાં લેંઘો-બુસકોટ પહેરેલા ભાઈમાણસ ને નાઈટ ગાઉન પહેરેલી બાઈમાણસ ઊભીને સેનો ગણગણાટ કરે છે? ને વળી આ કેમેરા, બેટરી લઇને પેલાં માસ્કધારીઓ કોણ ઘુસ્યા છે ? એ લોકો એમની ખડખડપાંચમ જેવી કારનું બારણું ય વાસ્યા વિના કેમ સોસાયટીના કોમન પ્લોટ બાજુ દોડ્યા? કેમ કોઈ સરખું કહેતા નથી મને? એ માસ્કધારીઓએ 'ખબરદાર કોઈએ પીછો કર્યો છે તો " એવી રાડ પાડી એ તો મેં બરાબર સાંભળી. મીન્સ મને સંભળાય તો છે જ સરખું. ઓ બા.. આજે મારી વાતનો કેમ કોઈ જવાબ નથી આપતું? એ રોન્કા..અહીં આવ ને બધું કહે મને. શું ચાલી રહ્યું છે આ ?
"કંઈ નહીં ભટ્ટજી,પેલા બધા માસ્કધારીઓ મેદાન બાજુ ગયા છે.કહે છે કે ત્યાં જ છે બધી મોંકાણ. એ લોકોનાં ધારવા પ્રમાણે મેદાનના ખુણે આખી સોસાયટીનો જે કાટમાળ પડ્યો રહે છે એ જ મેઈન સેન્ટર છે. હમણા જ નિકીનો વોટસપ મેસેજ આવ્યો મને . પેલા માસ્કધારીઓમાં મેઈન છે એણે કહ્યું કે કોલોની છે અહીં . "
"નિકલીઈઈઈ.. એસીપી પ્રદ્યુમનને ફોન કર.. એ એનું લશ્કર લઈને આવશે તો જ બાત બનેગી. એ જો ભગવાન શંકર ડમરુ વગાડતા હોય એમ હાથ હલાવીને " દયા, કુછ તો ગરબડ હૈ ..." બોલે તો જ માનવાનું કે ગરબડ છે. ને એ જો એમ કહે કે " કાતિલ યહીં કહીં હૈ,અભિજિત ઢુંઢો ઉસે .." તો કાતિલ સો ટકા અહીં જ હોવાનો. ઓ બા.. હવે સહન નથી થતું. એ રોન્કા , કંઈ કર .. ઓ બા.. "
" ભટ્ટજી, થોડો આરામ કરો એટલે બધું બરાબર થઈ જશે. ને હવે પેલા માસ્કધારીઓએ આંખો પર ચસ્મા ચડાવીને સોસાયટીમાં ખુણેખાંચરે પેલી સફેદ દવા છાંટી દીધી છે એટલે મચ્છર બચ્છર ગાયબ થયા જ સમજો. ઓપરેશન મચ્છર ભગાવો સક્સેસફુલ . હવે તમે એક કામ કરો. આ હમણાં તમે પાઉટ બનાવેલું ને 'ઓ બા ' બોલતા પહેલાં.. . એ ફરીથી કરોને પ્લીઝ. એક ફોટો પાડીને નિક્કીને મોકલી આપું કે લે આ મસ્ત પાઉટ.. માર્કેટ મેં નયા આયા હૈ. મોજ કર. "
"રોન્કા , મારી ઊડાવે છે? કંપની સરકાર ગિન ગિન કે બદલા લેગી હોં , યાદ રાખ. ઓ બા.. તું હવે જા. કંઈ જણાવવા જેવું હોય તો જ આવજે.નહીં તો આજે મારો હાથ ઉપડી જશે તારા પર. ઓ બા.."
"ખીખીખી .. પહેલાં તમે ખાટલામાંથી તો ઊભા થાવ ..એ સોરી સોરી.. જાઉં છું"
દ્રશ્ય :૨
રામ , સીતા અને લક્ષ્મણજી હાયલા જાય છે હોં જંગલ ભણી. રામ લક્ષ્મણજી તો ભગવા વસ્ત્રોમાં સોહી ઉઠ્યા છે બાપ. ગળામાં મોતીની માળાને બદલે મોગરાંનાં ફુલની માળા શોભી રહી છે ને સીતામાતા તો સફેદ બાસ્તા જેવા વસ્ત્રોમાં સાક્ષાત દેવી ઉતરી આવ્યા હોય એવા દેખાય છે. વાંહોવાંહ આખી અયોધ્યા નગરી હિબકા ભરતી શ્રીરામને વનમાં ન જવા વિનવી રહી છે પણ શ્રીરામ તો એ સમયે નેતા હોવા છતાં વચનનાં પાકા છે. માતા કૈકેયીને આપેલું વચન પુરું કરવા એ બંધાયેલા છે. તમે જુઓ કે રામ અને સીતા તો પતિ પત્ની છે. એકબીજાંની સાથે રહેવા અગ્નિની સાક્ષીએ કોલ દીધાં છે.પણ લક્ષ્મણજીનું બલિદાન જુઓ તમે. એ તો એનો ભાઈ છે. હાર્યે નોં આયવા હોત તો ય હુ થાવાનું હતું પણ લક્ષ્મણજી ધરાર નોં જ માયના ને હારોહાર થઈ જ ગયા. ભાઈ હો તો ઐસા ! બિચારાઓને ખબર પણ નથી કે કાલે હવારે હુ થાવાનું છે. વનમાં એમને કેવાં કેવાં અનુભવો થાવાના ઈ તો ખુદ જાનકીનાથને ય ખબર નથી મારા વહાલા. પણ ત્યારે આ ડેંગ્યુ કે ચિકનગુનીયા કે મલેરિયા કે એવા બધા તાવના વાવર આજના જેવા નહીં જ હોય ,ઓ બા. દાટ વાળ્યો છે મછરાંઓએ તો.આખા દેશમાં બધે વગર ટિકીટે પહોંચીને આતંક ફૈલા રખ્ખા હૈ કમીનોંને. એકબાર હાથ લગ જાએ તો આમ ચપટીમાં મસળી નાંખીશ. જોવું હોય તો જોજો. ઈટ્સ અ ચેલેન્જ ટુ ઓલ . ડેન્ગ્યુનાં મચ્છર છે કે ચિકનગુનીયાના એ તો કોમનમેનને કેવી રીતે ખબર પડે? આપણા કાન પાસે આવીને પોતાની જાતિ વિષે બોલતા હોય તો ય આપણાને તો એ ગુનગુનગુન જ સંભળાવાનું છે.ઓ બા.ભલભલા શક્તિમાન ને સુપરમેનોની હવા નીકળી જાય એવું છે આ તાવનું કામ તો બાપા. આંટા લાવી દીધાં. શ્રીકૃષ્ણ જે કર્મનો સિધ્ધાંત કહેતા હતા એ આજે છેક મને સમજાયો. મચ્છર માટે શ્રેષ્ઠ કહેવાય એવું વાતાવરણ આપણે જ પુરું પાડીએ છીએ. સ્વચ્છતાનાં નામે સોસાયટીમાં કચરો વાળતા હોઈએ એવા ફોટા પડાવીને સોશિયલ મિડીયા પર શેઅર કરી દઈએ એટલે કામ તમામ. પછી એ સાવરણો કે સાવરણી ક્યાં ઉકરડામાં પડી છે એ જોવાની ય આપણે તસદી લેતાં નથી. શેની સ્વચ્છતા વળી? આપણે કરેલાં કર્મોનો હિસાબ આ મચ્છર લે છે બોલો. ઓ બા.. ને પેલો રોન્કો મારી મશ્કરી કરે છે .પાઉટ કરો તો પ્લીઝવાળો.. એક જમણા હાથની પડશે ને તો ભોંયભેગો થઈ જઈશ. મહાભારતનાં યુધ્ધ વખતે એ લોકોને મચ્છર કરડ્યાં હશે? ક્યાંથી કરડે? બખ્તર પહેરેલાં હોય એટલે મચ્છર પહોંચી જ નહીં શક્તા હોય યોધ્ધાના શરીર સુધી.એવું જ હશે. નહીં તો શ્રીકૃષ્ણે એક આખો અધ્યાય તો નહીં પણ બે-ચાર શ્લોક તો કહ્યાં જ હોત અર્જુનને મચ્છરોના માનમાં.ઓ બા.. કોણ બુમો પાડે છે? ને મને કોણ હચમચાવે છે આટલું બધું? ત્રાસ કરી દીધો. માંડ આંખ ખોલીને જોયું તો સામે રોન્કો હાથમાં દવા અને પાણી લઈને ઊભેલો દેખાયો.
ભટ્ટજી.. ઓ ભટ્ટજીઈઈ.. ઉઠો . તમારી દવા લેવાનો વખત થઈ ગયો છે. સું બબડતા હતા પણ તમે? કોઈ સપનું બપનું આયેલું? કેટરીના કેફ આઈ 'તી કે એન્જેલિના જોલી? ને આ "ઓ બા " બોલો છો ત્યારે ભલે તમે છો નહીં પણ સોલ્લિડ ઈનોસન્ટ લાગો છો હોં ."
" પેલાં મચ્છર મારવાવાળા ગયા? હોય તો બોલાવી લાવ."
"કેમ ભટ્ટજી? ઘરમાં ય છાંટી ગયા છે. તમે તો કંઈ રામ, સીતા ને સુપરમેન ને ઓ બા એવું બધું જાતજાતનું બોલતા હતા ઊંઘમાં. એટલે તમને ક્યાંથી ખબર હોય? "
" ઘરમાં નહીં, મારે તારા પર છંટાવવી છે . બહુ બોલે છે તું આજકાલ.. ઓ બા.."
ને રોન્કાએ ભટ્ટજીને ફટાફટ દવા પીવડાવી અને ભટ્ટજીના ગુસ્સાથી બચવા રીતસર દોટ મુકી.
ખોંખારો : નાના પાટેકરવાળી અમર ઉક્તિ ' એક મચ્છર સાલા આદમી કો હીજડા બના દેતા હૈ " મચ્છરોનો રાષ્ટ્રીય સંવાદ બની ગયો છે
-એક સમાચાર.
PUBLISHED IN MUMBAI SAMACHAR ,૨૯/૦૯૨૦૧૬ thursday લાડકી," મરક મરક"