Saturday, December 31, 2016

પત્રમૈત્રી-૨૨

સદીઓ પહેલાં લખાણનું મહત્વ ઈતિહાસ પુરતું સિમીત હતું. રાજા- મહારાજાઓ વંશાવલિ કે પોતે કરેલાં પરાક્રમોની નોંધ કરાવવા માટે શિલાલેખ, તામ્રપત્ર,ચામડું વગેરે માધ્યમોનો ઉપયોગ કરતા. સમય જતાં સામાન્ય નાગરિક પણ લખાપટ્ટી કરવા લાગ્યો. ધીરે ધીરે મનુષ્ય વિકાસ કરતો ગયો એમ એમ લખવાની પધ્ધતિઓ ,માધ્યમો પણ બદલાતાં ગયાં. પણ યુગોજુની લખાપટ્ટીએ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું એમાં બેમત નથી. કમ્પ્યુટર યુગની ગુલામી કરતા આપણે આપણાથી ય  ટેક્નોલોજીની વધુ ગુલામ એવી GEN -NEX ને થોડું આપણે જ હાથે  લખેલું આપીએ તો કેવું?  ઈસુના ૨૦૧૭માં વર્ષને  વધાવતાં આ વખતે પત્રલેખનની ભેટ કેવી રહેશે? 

#BYEBYE2016

#WELCOME2017
 

Read more..
Click on 
https://goo.gl/sXsa4O

Sunday, December 4, 2016

સ્મરણનોંધ - જી. એચ.માસ્ટર (02/12/2015)

સ્મરણનોંધ - જી. એચ.માસ્ટર (02/12/2015)

વર્ષો સુધી સંપર્કવિહીન રહ્યા પછી કદાચ ૧૯૯૯માં એ પહેલીવાર અમારા ઘરે આવેલા. વિવેકે એમને મારો પરિચય આપ્યો ને એમણે મને "કેમ છો ભાભી "કહેલું ને મેં જોરદાર વિરોધ નોંધાવેલો અને શંકરભાઈ ભટ્ટ યાદ છે એમ પુછેલું જેના જવાબમાં એ ચિરપરિચિત હસ્યા : "કેમ નહીં? અમે તો ઘણીવાર સાથે કામ કર્યું છે. એમના દીકરા તુષારભાઈની દીકરીનો મેં એક ફોટો પાડેલો . કદાચ સવા એક વરસની હતી એ. દૂધ પીવા એણે ગ્લાસ ઊંચક્યો. મને બહુ સારી લાગી એ મોમેન્ટ એટલે મેં કેમેરો ઊંચક્યો ને બેબીબેને ગ્લાસ બાજુ પર મુકીને રડવાનું શરુ કર્યું એ જ વખતે મેં ફોટો પાડ્યો. . બધું એકસાથે બની ગયું . ને એક મેગેઝિનની તસવીર સ્પર્ધામાં એ ફોટાને પહેલંુ ઈનામ મળેલું. પણ તમે કેમ પુછ્યુ આવું? " ને મેં કહેલું : તમે જેનો ફોટો પાડેલો તે હું જ.. " ને માસ્ટરકાકા સંભારણાનંુ પોટલું ખોલી હસતાં રહ્યા.. જ્યારે મળે ત્યારે હસતા જ મળે ..કોઈ દિવસ દર્દની ફરિયાદ નહીં. "પગ ચાલે ત્યાં સુધી ચાલવાનું.." કહે અને હસી મુકે . આ નિખાલસ હાસ્યમાં માસ્ટરકાકાના બાળસહજ સ્વભાવનું પ્રતિબિંબ સામી વ્યક્તિને ન દેખાય તો જ નવાઈ. 
પ્રભુ માસ્ટરકાકાના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના. 



હરિ: ૐ


(Shilpa Tushar Bhatt at the age of 1+ year.. the memorable moment  clciked by G. H. Master.. ) 

Wednesday, November 23, 2016

ગીત ગાયા પથ્થરોને ...

  પથ્થરને સૌંદર્ય હોય? આ પ્રશ્નનો ઉત્તર મારા માટે 'ના' માં જ હોત જ્યાં સુધી મારો નાતો સ્વ.અિશ્વન મહેતાની ' GIFT OF SOLITUDE' સાથે બંધાયો ન હતો. પણ મારી દ્રષ્ટિ બદલવામાં આ પુસ્તકે સિંહભાગ ભજવ્યો. એટલે જ્યારે પણ તક મળે ત્યારે આવી જગ્યાએ આપણે પણ જવું એવી ગાંઠ મજબુત થતી ગઈ. આવા પથ્થરો ગુજરાતમાં ઇડર ખાતે છે. એટલે ત્યાં જવાનું બે ત્રણ વાર શક્ય બન્યું. અચાનક જ હમ્પી, કર્ણાટક ખાતે જવાનો મોકો આવી મળ્યો. નજર પહોંચે ત્યાં સુધી નાનાં, મોટાં, આડાં, ઊભાં, ત્રાંસા, સીધાં, જુદાં જુદાં આકારનાં પથરાયેલાં પથ્થરોવાળું આ ઐતિહાસિક સ્થળ હમ્પી તેરમી ચૌદમી સદીમાં રાજા કૃષ્ણદેવના સામ્રાજ્યમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું. પથ્થરયુગથી થોડીક સદીઓ જ advance થયેલી પ્રજાએ આ અદ્ભુત સ્થાપત્યો કેવી રીતે ટાંક્યા હશે એ પ્રશ્ન જરા બાજુ પર મૂકીને મને ગમી ગયેલા હમ્પીની તસવીરી ઝલક: 

ચક્રતીર્થ - તુંગભદ્રા નદી પોતાનું વહેણ ઉત્તર તરફ બદલતી હોવાથી આ સ્થળને 'ચક્રતીર્થ ' નામ મળ્યું છે. પવિત્ર ગણાતા આ સ્થળ પર નાની ટનલ પસાર કરીને  જવાય. આવકાર આપતી આ પ્રતિમા એક જ શિલામાંથી બનેલી છે. એક જ શિલામાંથી કોતરેલી આવી અનેક બેનમૂન  પ્રતિમાઓ આક્રમણખોરોનાં સમય સમય પર થયેલાં આક્રમણોમાં બચી જવા પામી છે.



ચક્રતીર્થ નજીક 'કોટિલિંગ' - 


કોટિલિંગ જવા માટે તરાપો ( સ્થાનિક ભાષામાં 'ટપ્પા') જ એકમાત્ર સાધન છે. 


વિરુપાક્ષ મંદિર :  પ્રાચીનતમ મંદિર જ્યાં આજે પણ નિયમિત પૂજા થાય છે. 





Garden of architecture : સ્થાપત્યની અદ્ભુત કારીગરી માટે જગવિખ્યાત વિઠ્ઠલ મંદિર GARDEN OF ARCHITECTURE કહેવાય  છે. 


ગરુડનો રથ : વિષ્ણુ ભગવાનનું વાહન ગણાતા ગરુડને રથમાંથી સીધી ભગવાન પર દ્રષ્ટિ પડે એ રીતે વિષ્ણુની પ્રતિમાની ઊંચાઈને અનુરૂપ સ્થાન આપવામાં આવ્યું છે.



દારોજી સ્લોથ બેર સેન્ચુરી - હમ્પીથી ત્રીસેક કિલોમીટર દુર આવેલી બાબત એકમાત્ર સ્લોથ બેર સેન્ચુરીમાં હાલમાં સો (૧૦૦) જેટલા રીંછ છે. 



અનીઉંડી ગામ પાસે લોકો તુંગભદ્રા નદીના સામે પાર જવા માટે વાહન સહિત હોડીમાં મુસાફરી કરે છે. 


હેમકુટ હિલ પર રામમંદિર..

હેમકુટ હિલ પર સૂર્યાસ્ત ..



     પથ્થર પણ જીવતા લાગે એવા વિજયનગર સામ્રાજ્યના અંગ હમ્પીના સ્થાપત્યોમાં ઐતિહાસિક અને ધાર્મિક સમન્વય બેજોડ છે. લગભગ દરેક મંદિર કે સ્થાપત્યમાં આખેઆખી રામાયણ કોતરેલી છે તો કોઈ ઠેકાણે ગુફામાં ઊંચી છત પર હર્બલ કલર્સથી ભીંતચિત્રો પણ જોવા મળી જાય. પથ્થરમાં ય આકૃતિઓ, આકારો દેખાતા હોય એમના માટે હમ્પી Must visit place છે. 


Thursday, November 17, 2016

છોડ ગઠરિયાં..



દિવાળી વેકેશન પુરાં થવા પર છે. કોઈક હરખપદુડી શાળાઓ શરુ થઈ ગઈ હશે. ગામગામથી ટ્રેઈન, બસ , વિમાન વગેરે  ભરાઈ ભરાઈને  મુસાફરો પાછાં યથાસ્થાને ઠલવાઈ રહ્યાં છે.જતી વખતે જે આનંદ ઉલ્લાસ હોય એનો સદંતર અભાવ જોવા મળે  અને વિખરાયેલા વાળ ,મોંઢા પર થાક, કંટાળો , વ્ય્વસ્થિત ગોઠવેલી બેગોના બદલે માંડ માંડ ઠુંસી ઠુંસીને બંધ કરેલી બેગો લઈને હજુ તો ઘરનું બારણું ખોલો જ અને મનમાં શંકરીયો ગામ જતો રહ્યો હશે તો શું, પાણી આવતું હશે કે નહીં, વોશિંગ મશીનમાં કપડાં અત્યારે જ થોડાં નાંખી દઉં તો સારુ પડશે એવી ગણતરીઓ ચાલતી હોય  ત્યાં તો એક કાળો ઓળો બારણે ડોકાય અને પ્રશ્નોત્તરી ચાલુ કરે . આ એ જ કાળો ઓળો ઉર્ફે હિતેચ્છુ હોય જેણે તમે બહારગામ જતા હોવ ત્યારે પ્રશ્નો પુછી પુછીને દાટ વાળી દીધો હોય . જેમ કે, તમે બહારગામ જવા માટે સામાન બાંધતા હો એ જોવા છતાં પણ .." તમે બહારગામ જાવ છો ? " એવું પુછ્યું જ હોય.  તમારામાં હોશિયારી ભારોભાર ભરી હોય,  સામેવાળાને એ ખબર પણ હોય તેમ છતાય સામાન કેમ વ્યવસ્થિત  પેક કરવો એ વિષે માંગ્યા નહીં હોય તો ય સલાહ સૂચનો આપ્યાં જ હશે. .આવા હિતેચ્છુઓને જુદી જુદી કેટેગરી માં વહેંચી શકાય.  


૧.  ખણખોદીયા હિતેચ્છુ  :
       આ પ્રકારના હિતેચ્છુઓને તમારા બહારગામ જવા વિષે જ નહિ પણ તમારા બહારગામના A to Z કાર્યક્રમોની વિગતો જાણવામાં પણ બેહદ રસ હોય છે ને જોવાની ખૂબી એ છે કે તમે એને જે પણ details આપો એમાં લાલા અમરનાથની જેમ expert comment ફટકારે જ. " આ જગાએ જાવ છો એના કરતાં બોસ , અમને પુછ્યું હોત તો મસ્ત મસ્ત ડેસ્ટિનેશન દેખાડતે ને?'' આવું આવું કહીને  તમને તમારા બુદ્ધિ આંક વિષે સંદેહ જાગે એ હદ સુધી માનસિક ત્રાસ ગુજારે. તમે પાછા આવો એટલે તલવાર તાણીને ઊભાં જ હોય. મુસાફરી કેવી રહી એ જાણવા પાછળ મુળ આશય તકલીફ કેવી પડી એ જાણવાનો હોય . 
 ૨.જસ્ટ - ટુ -નો ટાઈપ   :
      આ પ્રકારના હિતેચ્છુ તમારી બહારગામની વિગતો , તારીખો, હોટેલો વગેરે વિષે શક્ય એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરે અને કહે કે ' જસ્ટ - ટુ -નો ". ઘણાને એવી ટેવ હોય છે કે તમારા ગંતવ્ય સ્થાનના હોટલના  ફોન નંબરે ય  લઈ રાખે અને કટોકટી સમયે ફોન કરવાને બદલે દિવસમાં એકાદવાર ' કેમ છો' પુછવા જ ફોન કરે. પરદેશ ગયા હોવ તો આ તકલીફ ઓછી પડે છે. જો કે હવે તો મફતના વોટસઅપ કે વાઈબર કે બીજા એવાં કોલ્સની સુવિધાએ પ્રાયવેસીનો ભોગ લઈ લીધો છે.  જસ્ટ - ટુ -નો જ ફોન કરે કે "ત્યાં" અત્યારે કેટલા વાગ્યા છે? 
 ૩. તારણહાર હિતેચ્છુ:
      તમે બહારગામ ક્યાં જવાનાં છો એ જાણ્યા  પછી ફટ્ટ કરતાંક ને એ સ્થળ પર રહેતા પોતાના સગા વહાલાંની ગણતરી કરાવી દે અને ઉમેરે .. " કઈ પણ જરૂર હોય તો બોસ્સ બિન્દાસ આમનો કોન્ટેક્ટ કરજો ....આપણું  નામ દેજો તમતમારે ...." આ તારણહાર હિતેચ્છુ મનમાં એ પણ જાણતા હોય છે કે આપણે કંઈ કોઈને ફોન બોન કરવાના નથી જ નથી . કદાચ એટલે જ કહ્યું હોય એમ પણ બને અથવા પોતાને કેટકેટલી ઓળખાણો છે એ માત્ર  ઈમ્પ્રેસ કરવા જ કહ્યું હોય એમ પણ બને. . એમ પણ બને કે જે તે સગા વહાલા સાથે એમને પણ કોઈ ખાસ સંબંધ ના હોય ને  માત્ર સંપર્ક પુરતી જ માહિતી હોય. પાછું પોતે તમને નંબર આપ્યા છે એવી ય બડાશ હાંકે બે જગ્યાએ.  
૪. આર્થિક હિતેચ્છુ: 
     મુસાફરીમાં ક્રેડિટ / ડેબિટ કાર્ડ સારુ પડશે કે રોકડાં, કેટલાં પૈસા હાથ પર રાખવાં , કેટલાં બેગમાં મુકવાં  એ વિષે તમારા મગજની ચીપ ક્રેશ થઈ જાય એ હદ સુધી માહિતી ભર ભર કરે. તમે કાર્ડ ન વાપરતા હોવ તો એ વિષે ય સમયની અનુકુળતા જોયા વિના ભાષણ ઠપકારી દે. હમણાં ૫૦૦ ને ૧૦૦૦ ની નોટવાળી કટોકટી સર્જાઈ ત્યારે આ આર્થિક હિતેચ્છુ સૌથી વધુ તાનમાં આવી જઈને ધડાધડ બહારગામ ગયેલાંઓને ફોનાફોની કરવા માંડયા કે ' સો સો ની છે ને ? અમે કંઈ નહીં કરી શકીએ આમાં . તમારે જ મેનેજ કરવું પડસે આ તો ."  
 ૫. MBA - મને બધું આવડે ટાઇપ હિતેચ્છુ :
     આ કેટેગરીના હિતેચ્છુઓ સૌથી વધારે ખતરનાક હોય છે . એમને તમે મર્યાદા લોપીને કશું કહી શકો એવી સ્થિતિમાં હોતા નથી. ને દરેકની કુંડળીમાં અનિવાર્ય અનિષ્ટ સમા આવા એક હિતેચ્છુ તો લખેલા જ હોય . એ તમારા ટીકીટ બુકિંગ , હોટેલ બુકિંગમાં કઈ કરાવી શકતા નથી પણ તમે મહા મહેનતે પેક કરેલી બેગો ધરાર ખાલી કરાવે જ .  " અમે US ગયેલા ત્યારે બધાની બેગો મેં જ પેક કરેલી ...' કે પછી ..... " મારે તો એના પપ્પાને વારે વારે બહારગામ જવાનું થાય અને બેગ પેક કરવાનું તો મારે માથે  જ આવે  એટલે આમાં આપણી ભયંકર માસ્ટરી આઈ ગઈ છે .પુછાઈ જોજો કોઈનેય .".. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી બધી જ મહેનત એમની માસ્ટરી આગળ પાણી ભરે ....ને બેગો ખોલાવ્યે  જ છૂટકો કરે ." આ સુ લઈ જાવ છો યાર? આ તો ત્યાં ગધેડે ગવાય છે. ખોટું વજન ના વધારો બેગમાં." કહીને પોતાની સર્વોપરિતા સાબિત કરવા એ વસ્તુ બેગમાંથી બહાર કઢાવડાવે ત્યારે જ એમને હાશ થાય. 
 ૬. હેલીકોપ્ટર હિતેચ્છુ :
    હેલીકોપ્ટર જોયું છે ને ? ...ઉપર પંખો ફર્યા કરતો હોય ....એક્ઝેટલી એ જ રીતે આ પ્રકારના હિતેચ્છુઓ તમારી ઉપર જ ફર્યા કરે ..જ્યાં સુધી બેગો બહાર રીક્ષા કે કારમાં મુકાઈ ના જાય ત્યાં સુધી એમની રેકર્ડ ચાલે . ક્યારેક તો બેગો મુકાઈ જાય પછી પણ એમની ક્વેશ્ચન બેંક ખુલેલી જ હોય 'information desk'  પણ સતત update થયા કરે ! " ટીકીટ લીધી ? પૈસા લીધા ? સાચવજો હો એ બાજુ ચોરીનો ઉપદ્રવ જરા વધારે છે . અમારે થયેલું એવું એકવાર .... "આપણા મનમાં ચોરભાઈ  માટે માન થઇ આવે કે આટલી ચોક્કસ વ્યક્તિને પણ લુટી  લીધી ? સામાન ફટાફટ વાહનમાં મૂકીને આપણે ડ્રાઈવર ને કહીએ કે  " ફટાફટ ભગાવ ભઈલા, બહુ મોડું થઇ ગયું .."  થોડીવાર રહીને પાછળ પણ જોઈ લઈએ કે પેલું હેલીકોપ્ટર પાછળ તો નથી ઉડતું ને ક્વેશ્ચનબેંક લઇને? 
     આ તો માત્ર મુખ્ય કક્ષામાં આવતા હિતેચ્છુઓ છે. બાકી પેટા હિતેચ્છુ, મિશ્ર હિતેચ્છુ ,છુપા હિતેચ્છુ, ઉપરછલ્લા હિતેચ્છુ, જેવા બીજાં ય છે જે દિવાળી વિના ય તમારી વાટ લગાડી શકે . સામાન ઊતારતા જુએ તો ય ' આવી ગયા ભાઈ?" પુછનારાં પાડોશી સૌથી મોટાં હિતેચ્છુ છે. 
ખોંખારો : ગમે એવા હોશિયાર, ચાલાક, ચતુર હિતેચ્છુઓ તમને મળ્યા હોય , પણ જરૂર પડ્યે તમને તમારી જ વિવેકબુદ્ધિ કામે લાગતી હોય છે . પછી વારેતહેવારે આપણે આપણો અનુભવ હિતેચ્છુ બનીને સત્યનારાયણના શીરાની જેમ બહુજનાય લાભાર્થે અન્યત્ર વહેંચીએ છીએ . વહેંચીએ છીએ ને ? સાચું બોલજો. 
 PUBLISHED IN MUMBAI SAMACHAR,17/11/2016 THURSDAY, લાડકી, ' મરક મરક' 

Thursday, November 10, 2016

આંજણી- શુકનની સોગઠી



   રોગના પ્રકાર પાડવામાં આવે તો દાક્તરી વિદ્યામાં જે હોય એ પણ કોમન મેન માટે એમ કહી શકાય કે રોગ બે પ્રકારના હોય છે. સ્થુળ- જે દેખાય એવા હોય અને સુક્ષ્મ- જે વર્ણવવા પડે. દા.ત. કોઈને ઉધરસ થઈ હોય તો એ સ્થુળ રોગ કહેવાય. એ ઉધરસ ખાય એટલે ખબર પડે જ કે એને ઉધરસ થઈ છે. અથવા તો તાવ આવ્યો હોય તો થર્મોમીટર પર માપી શકાય પણ કોઈ એમ કહે કે એને પેટ કે માથું  દુખે છે તો દુખાવાનું ઉધરસમાં હોય એવું સોલીડ લક્ષણ નથી હોતું કે જેથી એને ખરેખર  દુખે છે એવું એના સિવાય બીજું કોઈ પણ કહી શકે. આવા દુખાવાની જાણ માત્ર અને માત્ર દર્દીને જ હોય છે.  એટલે  પેટ કે માથાનો દુખાવો સુક્ષ્મ રોગની કક્ષામાં મુકી શકાય.પેટમાં દુખતું હોય અને કોઈને ત્યાં જમવા જવાનું નિમંત્રણ હોય તો યજમાનને તમે એમ કહો કે મને પેટમાં તકલીફ છે તો હું માત્ર ખીચડી કઢી જ લઈ શકીશ તો ઉત્સાહી અને આગ્રહપ્રેમી યજમાન ખીચડી ય એટલી ખવડાવે કે પેટમાં તકલીફ વધી જાય અને આપણાને એમ થઈ જાય કે આના કરતા તો બધું થોડું થોડું ખાઇ લેવા જેવું હતું. પણ, " તમતમારે ખીચડી ખાવ. પેટ માટે બહુ સારી, પચવામાં સાવ હલકી.." પુણ્યે પાપ ઠેલાય એ ન્યાયે અને થોડાં મનના મોળા હોવાને લીધે આપણે ખીચડી વધારે ખાઈ નાંખીએ પછી જ બધી રામાયણ . આ પચવામાં સાવ હલકી ચીજ પેટની થોડી તકલીફ  ભારે તકલીફ કરવા સક્ષમ નીવડે.

એક નિર્દોષ રોગ છે "આંજણી" . આ નામમાં જો સંધિ છુટી પાડો તો આંજ્ + અણી . આંખમાં કોઈ અણીદાર વસ્તુ આંજી હોય એવી વેદના કરાવનાર વ્યાધિ એટલે આંજણી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ રોગની ખાસિયત એવી છે કે જેને થાય એને એ આર્થિક લાભ કરાવે એવી માન્યતા પરાપુર્વ કાળથી ચાલી આવે છે. આંખ પર થતી નાની અમથી ફોડકી ચમરબંધીઓને રડાવી નાંખે એવી હોય. થાય એને જ ખબર પડે કે કેવી લાહ્ય બળે ..વારે વારે ખંજવાળવાની અસહ્ય ઈચ્છા થાય પણ કેટકેટલો સંયમ રાખવો પડે. આંજણીને એટલી જ ખબર હોય છે કે એણે આંખ પર જ થવાનું છે . એ અબુધને આંખના ઉપરના પોપચાં પર થવાનું છે કે નીચેની બાજુ થવાનું છે એ વિશે સ્થળભાન હોતું નથી એટલે એ ગમે ત્યાં ફુટી નીકળે. શરુઆતમાં જરા જરા લાહ્ય બળે છે કે કંઈક ખુંચે છે એવી લાગણી થાય એટલે આંજણીમાલિક વારેવારે આંખ પર હાથ લગાડે અથવા આંખ ધોઈને રાહત મેળવવાનો પ્રયત્ન કરે. ને આંજણીએ માલિકને પરેશાન કરવાની  હઠ સાથે જ અવતાર ધર્યો હોય એટલે થઈને જ રહે. આંજણીનું આયુષ્ય માંડ બે કે વધુમાં વધુ ત્રણ દિવસનું હોય છે પણ આટલા અલ્પાયુષ્યમાં ય ધારકને તોબા પોકરાવી દે.  જેવી આંજણી થાય કે જિતને મુંહ ઉતની બાત.. જે જુએ એ આંજણી નાથવાનો અમોઘ ઉપાય બતાવે. પહેલાં તો "આંજણી બહુ લાભદાયી કહેવાય. નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો ફાયદો થવાનો લખી રાખો. " જેવા સુકુનવાળા બે ચાર વાક્યો ફેંકે. જરા સારું ય લાગે પણ વળી પેલી આંજણી થકી ટાંકણી ભોંકાયા જેવી ફીલીંગ આવે.એટલે પાછા આંખ પર સરસ સફેદ ગડી કરેલો રુમાલમાં ફૂંક મારીને આંખ પર મુકીએ.વળી કોઈ હિતેચ્છુ આંજણીમાં રાહત થાય એ માટે ઉપાય કહે." સાચ્ચા ચંદનનો સહેજ લેપ કરો. એક જ દિવસમાં આંજણી થઈ હતી એ ય યાદ નહીં રહે એવું ચકાચક થઈ જસે. ચંદન આપડે ત્યાં જ હતું ય ખરું પણ સુ છે કે દિવાળીમાં ઘણી બધી ડબલીની સર્જિકલ સ્ટ્રાઈક થઈ ગઈ તો આ ચંદનવાળી ડબલી મળવી જરા મુશ્કેલ છે. " .. હવે સાચ્ચુ ચંદન ક્યાં મળે એની માહિતી ય ચંદન લગાડો કહેનારા પાસે હોય જ. કોઈ વળી ગરમ પાણીથી શેક કરવા કહે તો કોઈ વળી આંખની ગરમી છે કહીને આંખને ઠંડક કરવાના ઉપાયો દેખાડે. નો ડાઉટ , બધાની ભાવના સારી હોય પણ આંખ બીજાની હોય ! 
ગોચર અગોચરમાં માનનારા જેમ સ્વપ્નાઓનો અર્થ કાઢી આપે એમ આંજણી કોને , કઈ આંખે , ઉપલા પોપચે કે નીચલા પોપચે થઈ એનું વિસ્તારપુર્વક ફળકથન કરી આપતા હોય છે. મોટાભાગની આંજણીઓ લાભદાયક અને શુકનિયાળ હોય છે. પણ એ લાભનો લુત્ફ ઉઠાવતા પહેલાં તકલીફમાંથી પસાર થવું પડે છે. કવિને જો આંજણી સહન કરવાની આવી હોત તો આપણાને "હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે.... "જેવી પંક્તિને બદલે " આંજણીના દર્દની તમને જરા જો કલ્પના આવે..."  ટાઈપની પંક્તિ મળી શકી હોત. રામાયણ કે મહાભારતમાં કોઈને આંજણી થઈ હોય તો ય ક્યાંય નોંધાઈ નથી. પેલી જાણીતી કથા મુજબ કદાચ દશરથરાજા જ્યારે કૈકેયી સાથે યુધ્ધમાં ગયા ત્યારે  કૈકેયીએ પોતાની આંગળીના બલિદાનના બદલામાં માંગેલા બે વચનપુર્તિ સમયે ભરતને આંજણી થઈ જ હોવી જોઈએ. પણ ભરત હજી નાના હોવાથી એમને ટીવી પર  આખો દિવસ પોકેમોન ને છોટા ભીમ જોયા કરવાની આડઅસર માનીને બધાએ નજરઅંદાજ કર્યું હોય અને આવી મહત્વની ઘટના ચુકાઈ ગઈ હોય એમ બને. વિભીષણને ય આંજણી થયા પછી જ સોનાની લંકાના રાજપાટ મળ્યા હોય તો નવાઈ નહીં. સેઈમ કેસ મહાભારતમાં ય બન્યો હશે. જ્યારે ગુરુ દ્રોણની  ધનુષવિદ્યાની પ્રેક્ટિકલ એકઝામ હતી  ત્યારે અર્જુનને  ઓલરેડી આંજણી થયેલી હોવાથી એની એક આંખ બંધ જ હતી. અને એને બધું જ કટ સાઈઝમાં દેખાતું હતું. ઈવન પેલા પક્ષીની ય  એક જ આંખ એને દેખાતી હતી એના મૂળમાં આંજણી જહતી. અને એટલે જ એ વધુ ચોક્સાઈથી નિશાન તાકી શક્યો. પણ અર્જુન બધાનો ફેવરિટ રાજકુમાર હતો અને ત્યારે કૌરવ અને પાંડવ એમ બે જ પક્ષ  હોવાથી  આંજણીવાળી વાત બહાર આવતા પહેલાં જ દબાઈ ગઈ બાકી યાદવાસ્થળીના મંડાણ ત્યારથી જ થઈ જાત. અર્જુનને આંજણી છાશવારે થતી જ રહેતી હોવી જોઈએ.  કારણકે , લાભ ખાટવા માટે એકેય પગારપંચની રાહ જોવાની એને જરુર પડી નથી. 
ખોંખારો : જ્યારે શકુનિએ જુગારમાં પાસાં ફેંક્યા ત્યારે અેકસામટી કેટલા જણને આંજણી થઈ હશે એ ક્યાંય નોંધાયુ નથી બાકી મહાભારતમાં " આંજણીપર્વ" નામનો અધ્યાય ચોક્કસ સ્થાન પામ્યો હોત. 

PUBLISHED IN MUMBAI SAMACHAR, લાડકી...૧૦/૧૧/૨૦૧૬ ગુરુવાર, 'મરક મરક' 

Thursday, November 3, 2016

કાજુકતરી એટલે કાજુકતરી..



ડોક્ટરને ત્યાં માંડ માંડ બેસાય એવા નીચા સ્ટુલ પર અમે સ્થાન ગ્રહણ કર્યું. ડોક્ટરે એક હાથમાં ટોર્ચ પકડી ને અમને " જીભ કાઢો ને આઆઆ બોલો " કહ્યું. અમે એમ કર્યું પણ ડોક્ટરની ટોર્ચ દગો દઈ ગઈ. ચાલુ જ ન થઈ. એટલે ડોક્ટરે ટોર્ચની પછવાડે ટપલાં માર્યા. ગધેડું ડફણાં ખાય પછી સીધું ચાલે એવું જ ડોક્ટરોની ટોર્ચનું ય હોય છે. મોટાભાગે ટપલાટવી જ પડે. અમે ફરીથી ' આ આ આ ' રાગ આલાપ્યો. 
"હમમમ.. શું ખાધું દિવાળીમાં? "
"અં.. ખાસ કંઈ નહીં. રુટિંગ ..મઠિયા ફાફડા ને એવું બધું ઘરે તળ્યું 'તું ને  મિઠાઈમાં તો અમો કાજુકતરી જ લઈએ છીએ. "
 આટલું સાંભળતાં જ ડોક્ટરે એમના ટેબલનાં ખાનામાંથી ધારદાર ફણાવાળી છરી કાઢી. અમે બઘવાઈ ગયા."કાજુકતરીનું નામ બી બોલશો તો આ છરી મારી દઈશ. કાજુકતરીએ જ દાટ વાળ્યો છે બધો..મારે ત્યાં ય મિસીસ અને બંને બાળકોને કાજુકતરીના લીધે જ તકલીફ થઈ છે. "
"તો...ત્યાં કોઈને ના મારી છરી?"  પ્રશ્ન કરીને અમે એમની સામે જોઈ રહ્યા. ને ખલ્લાસ.. ડોક્ટરે પિત્તો ગુમાવ્યો. સાર એ હતો કે એમને ત્યાં એમના કુતરા સિવાય એમને કોઈ ગણકારતું નથી. લાખ પ્રયત્નો કરવા છતાં એ લોકો બદલાયા નહીં એટલે છેવટે ડોક્ટરે એ જેવા છે એવા સ્વીકારી તો લીધાં પણ મનનો  આક્રોશ ગમે ત્યારે ફાટી નીકળે છે. અમે ડોક્ટરના આક્રોશને બ્રેક મારવાના હેતુથી અમારી રજુઆત મોટે મોટેથી કરવા માંડી : " સાહેબ, સાંભળો . અાપડે આપડા  ઘરે જ સુકો મેવો ફ્રીજમાં રાખીએ છીએ. નાંખી દેતાં ય સહેજે એકાદ કિલો બદામ, ૫૦૦ ગ્રામ દ્રાક્ષ, કિલોએક જેવી 'ત્યાં'ની અખરોટ, બે એક કિલો કાજુ. શું છે કે કાજુમાં મેક્સિમમ પ્રોટીન આવે. બરોબર? તો આતી ફેરી થયું કે આપડે ઘેર જ કાજુ કતરી બનાઈએ. બહારના કરતા તો તાજી અને ચોક્ખી તો ખરી. આપડે સારામાંનું જ કાજુનું ફળ, ઘી, ખાંડ વાપરીએ . શું? તો વળી બાજુવાળાનાં મહારાજે કહ્યું કે થોડોક માવો મિક્શ કરો. ટેસ આવસે. તો અમે એ ય ઉમેર્યું. ને પછી વસ્તુ થઈ પણ ખરી સરસ. તે આતીફેરી અમે આ જ ખવડઈ બધાને બેસતા વરસે જે મળવા આવે એને. " 
ડોક્ટર કાજુકતરીની રેસિપી સાંભળીને જરા ઠર્યા હોય એમ લાગતા અમે પોરસાયા. અમારી ગાડી આગળ ચાલે એ પહેલાં ડોક્ટરે પુછ્યું : " કાજુકતરી તો બીજાંએ ખાધી.. તકલીફ તમને કેવી રીતે થઈ? " 
"અમે ય દર વખતે એક એક ચક્તું ખાધેલું. એક ચક્તામાં શું થાય ,હેં? "
" ભટ્ટજી... એક જ ચક્તામાં કંઈ ન થાય પણ દીઠું ભાળ્યું ન હોય એમ એક પછી એક ચક્તા લગાવો એમાં તકલીફ થાય. આ દવાઓ લખી આપું છું એ લેજો બરાબર અને કાજુકતરીની સામે ય ન જોતા હવે. એની સામે જોશો તો ય તમને ઈન્ફેક્શન વધી જશે એમ છે. "

પ્રિસ્ક્રીપ્શન લઈને અમે નીકળ્યા અને સ્કુટરની સાથે સાથે વિચારોએ પણ ગતિ પકડી. કાજુકતરીને ઘણા વહાલથી 'કતરી' પણ કહે છે. તો  મોટાં થઈ ગયા પછી ય બાળક જ રહી જતાં કેટલાક લોકો કાજુકતરીને તોતડી ભાષામાં ' કાજુકતલી' કહે છે. ઉમાશંકર જોશીએ ભલે સોના માટે લખ્યું હોય કે " નામરુપ જુજવાં અંતે તો હેમ નું હેમ.. " કાજુકતરીનેે ય એટલું જ લાગુ પડે છે. કાજુકતરીને દિવાળીના તહેવારો દરમ્યાન રાષ્ટ્રીય મિઠાઈનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ એવો એનો દબદબો છે. ઘૂઘરા , મગસ, સુંવાળી જેવી પાક્કી ગુજરાતી મિઠાઈઓ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતી જાય છે. સમય જતાં આવી મિઠાઈઓ જે બનાવી શકે એનું નગરપાલિકાઓ સન્માન કરશે .કાજુકતરીની સૌથી મોટી મઝા એ છે કે બધા ગિફ્ટમાં આવેલી કાજુકતરી જ ખાય છે. કોઈ પોતાના માટે તો ભાગ્યે જ ખરીદતું હોય છે. કોઈવાર આમ ગિફ્ટમાં આવેલી કાજુકતરીનો પરબાર્યો જ વહીવટ પણ થઈ જતો હોય છે. મૂળ ભાવના કાજુકતરી બગડે નહીં એવી ખરી પણ એ આપી દેતાં  જીવો ય બહુ બળે. સંઘર્યો સાપ પણ કામ લાગશે એવી માનસિકતા વાળા કાજુકતરીથી ફ્રીજ ભરી રાખે ને છેવટે એ સાવ નકામી થઈ ગઈ એમ લાગે ત્યારે ફેંકી દે. એમાં ' હું તો ન ખાઉં પણ તને ય ન ખાવા દઉં 'ની માનસિકતા સિંહફાળો ભજવે છે.હવેના ઈ-યુગમાં રુબરુમાં ' સાલમુબારક 'કહેવાનું ચલણ ઘટતું જાય છે એવામાં કાજુકતરીના કલાત્મક બોક્સ 

ગિફ્ટ  મોકલીને ' અમે તમને પ્રેમથી યાદ કરીએ છીએ ' એવું સ્થાપિત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવે છે. કાજુકતરી કેટલી આવી કે મોકલી એના પરથી સંબંધની  અને આપનારની આર્થિક મજબુતી મપાય. નાનું પેકેટ હોય તો એમ કહેવાય કે" મંદી છે" ને મોટું , મોંઘુ બોક્સ હોય તો ' પાર્ટી જોરમાં છે' એમ કહેવાય. દેખાવમાં સૌમ્ય, ચરકટ આકારની ,સફેદ નિર્દોષ કાજુકતરી સંબંધનો પાયો મજબુત કરે છે. સ્લીમ ટ્રીમ દેખાતી કાજુકતરી મન મોહી ન લો તો જ નવાઈ ! વળી, કાજુકતરી પર વરખની સ્થિતિ  પરથી એ કેટલી  વાસી છે એનો અંદાજ અઠંગ કાજુકતરીવીરો સફળતાપુર્વક બાંધી શકે છે.કાજુ કતરી અને ફાફડા સ્વનામધન્ય  છે. ગમે એટલા વાસી હોય ભાવે જ ભાવે. આ બેની સરખામણી અન્ય કોઈ ખાદ્ય પદાર્થ કે   એકબીજા સાથે ય અશક્ય છે. કારણકે ફાફડા ચટણીસહિત કે ચટણીરહિત પણ ખાઈ શકાય છે. કાજુકતરી હજુ સુધી કોઈએ ચટણી સાથે ખાધી હોય એવું કોઈ શાસ્ત્રમાં કે કોઈ રેકર્ડબુકમાં નોંધાયું નથી.કાજુકતરી ખાતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ફ્રીજમાં ન મુકવી. કારણકે ફ્રીજમાં મુકીએ એટલે કાજુકતરી એકબીજા સાથે ચોંટી જાય. ને એ ઉખડે એટલી ધીરજનો ગુણ કેળવાયો ન હોય તો કાજુકતરી સ્લીમટ્રીમ ને બદલે રોલીપોલી ફોર્મમાં ખવાઈ જાય તો ગળુ ખરાબ થવાના ચાન્સીસ ઉજળા થઈ જાય છે. ને દિવાળી દરમ્યાન ડોક્ટરો લગભગ વેકેશન મુડમાં હોય છે એટલે ન મળે તો હેરાન આપણે જ થવાનું આવે છે. દેવદિવાળી સુધી જ્યાં જશો ત્યાં  બધે જ પ્લેટમાં જુદી જુદી પ્રખ્યાત મિઠાઈવાળાની કાજુકતરી જ ધરવામાં આવશે. એટલે સાચવજો. ઇનકાર કરવાની નમ્ર રીતો શીખી લેજો. ને તેમ છતાં ય, કાજુ કતરી એટલે કાજુકતરી.. બહુ ના ના કર્યા વિના ખાઈ લેવાની . લો ચલો, આ કાજુકતરી.. ના ન કહેતા. સાલમુબારક . 

ખોંખારો: ઓ કાજુ કતરી તારા નામમાં આ શી મીઠાશ ભરી...

PUBLISHED IN MUMBAI SAMACHAR  ૦૩/૧૧/૨૦૧૬, ગુરુવાર, લાડકી ' મરક મરક ' 

Friday, October 28, 2016

ભાષણ -એક કળા



   ગુજરાતી સુગમ સંગીતના એક કાર્યક્રમમાં સંચાલક બહુ મુડમાં હતા. બે ગીતની વચ્ચે એ એટલું બોલ્યાં કે ગાયક કલાકારો અર્ધાં જ ગીતો ગાઈ શક્યા.કાર્યક્રમ પત્યા પછી કલાકારોએ સંચાલકને બોચીએથી પકડીને " ભાષણબાજ" નું બિરુદ આપેલું. ભાષણમાં સમયનું મહત્વ હોય છે એટલે જ hallમાં ગમે તે જગ્યાએથી દેખાય એવડાં મોટાં આંકડાવાળા ઘડિયાળ મુકાય છે. તમે છેલ્લે ભાષણ ક્યારે સાંભળેલું? મોટાંભાગનાં લોકોને ભાષણ સાંભળવાનો કંટાળો આવતો હોય છે. પણ ભાષણ આપવાનું આવે તો એ જ લોકો ખુશી ખુશી નિર્ધારિત કરતા વધુ સમય જ લેતા હોય છે. કેટલીકવાર માત્ર સંબંધ સાચવવા માટે ય ભાષણ સાંભળી લેવાતા હોય છે. સૌથી વધુ કફોડી હાલત જે hall માં વધુ ભાષણ અપાતા હોય એના માઈક  સિસ્ટમવાળાની થાય. એણે ફરજિયાતપણે દરેક ભાષણ સાંભળવા જ પડે. જો ચાલુ કાર્યક્રમમાં માઈકમાં તકલીફ સર્જાય તો એણે કાર્યક્રમ પતે પછી ય ભાષણ સાંભળવાની તૈયારી રાખવી પડે છે. 


    જુદાં જુદાં પ્રકારનાં ભાષણોમાં રાજકીય ભાષણો મોટેભાગે જુસ્સેદાર હોય. કહેવાય છે કે ગાંધીજી બહુ સારા વક્તા ન હતા પણ એમના ભાષણો મડદાંને ય ચાલતાં કરી શકે એવા જોમવાળા હતા. સચ્ચાઈવાળા ભાષણો જનતામાં જોશ ભરે જ ભરે. રાજીવ ગાંધી ભાષણ આપતાં ત્યારે લોકો એ  "નાની યાદ દિલા દેંગે" અને "હમેં દેખના હૈ .." ક્યારે બોલશે એના પર સટ્ટો રમતા. અટલ બિહારી બાજપાઈ ભાષણમાં લોકોને પ્રશ્નો પુછતાં. આજે આપણા વડાપ્રધાન પણ આ જ શૈલી અપનાવી ચુક્યા છે. કેટલાંકને ભાષણ વાંચે તો જ બોલી શકે એવી ટેવ હોય છે. ગુજરાતના અેક રાજકારણીએ  એકવાર ભાષણ વાંચવામાં નિર્ધારિત કરતા બમણો સમય લીધો. એમણે એમના સેક્રેટરીને ભાષણ પત્યું પછી કારણ પુછ્યું કે ઑફિસમાં તો આ જ ભાષણના રિહર્સલ વખતે ઓછો સમય થયેલો. સેક્રેટરીએ ગભરાતાં ગભરાતાં ફોડ પાડ્યો કે સાહેબ તમે ભાષણની ઝેરોક્સ કોપી પણ વાચી. એ પછી સેક્રેટરીનું આ ભુલ બદલ શું થયું એ ખબર નથી. તો બીજા એક રાજકારણીએ ભાષણની નીચે પોતાના હસ્તાક્ષર પણ વાંચેલા. ને ભાષણમાં મનોરંજન માત્ર રાજકીય ભાષણોમાંથી જ મળે એવું નથી. એકવાર એક શોકસભામાં એક જાણીતી સંસ્થાના ચેરમેને સંસ્થાના ભૂતપુર્વ સભ્યનાં મૃત્યુ પ્રસંગે એમના ખુબ વખાણ કર્યા. એમના અને પોતાનાં ગાઢ સંબંધો વિષે ય થોડું બોલ્યા. થોડીવાર પછી મંચ પર બેઠેલામાંથી કોઈ ચેરમેનને એક ચબરખી આપી ગયુ જેમાં લખ્યું હતું કે " સાહેબ શ્રી, અવસાન આપણી સંસ્થાના ભૂતપુર્વ સભ્યનું નહીં પરંતુ એમના ધર્મપત્નીનું થયું છે." ભોંઠા પડેલાં ચેરમેને પલટી મારતા કહ્યું કે .." એવા સેવાભાવી આપણા આ સભ્યના ધર્મપત્નીએ પતિના આ સમાજકાર્યમાં હારોહાર ફાળો આપ્યો છે.પ્રભુ દિવંગતના આત્માને શાંતિ આપે.." અને ગીતાના શ્લોક બોલવા માંડ્યા. 
  સાહિત્ય જગતમાં મોટું નામ ગણાતા એક લેખકના ભાષણ ત્રણ ચારવાર સાંભળ્યા પછી શ્રોતાઓને ય ખબર પડી ગઈ છે કે હવે લેખક ભાષણમાં શું બોલશે. કેટલીકવાર તો ઉત્સાહી શ્રોતાઓ જ યાદ કરાવે કે "પેલું બોલવાનું બાકી છે એ ક્યારે બોલશો?" એકવાર વાંચીને બોલવાવાળા એક લેખક પોતાના જ લખી લાવેલા ભાષણમાં કાગળ આડાં અવળા થઈ ગયા તો અર્ધા ભાષણે બેસી જવા મજબૂર થઈ ગયેલાં. ક્યારેક એમ પણ બને કે કાગળ વ્યવસ્થિત હોય, મુદ્દા  પણ બરાબર હોય પણ ભાષણ આપનારની ગાડી બીજે પાટે ચડી જાય તો યુ-ટર્ન  મરાવવો અઘરું થઈ પડે છે.વિનોદ ભટ્ટ પોતાની સાથે કાગળોમાં ટુકી નોંધ કરી લાવે છે અને શ્રોતાઓને કહે પણ ખરાં કે પોતાની ગાડી આડે પાટે ન જાય એટલા માટે પોતે આમ લખી લાવે છે. પણ એમની બોલવાની છટાના લીધે લોકોને એ કબુલાતનામું ય રમુજનો જ ભાગ લાગે છે એ વાત અલગ છે. શાહબુદ્દીન રાઠોડ એકની એક રમુજ કે વનેચંદનો વરઘોડો ગમે એટલી વાર સંભળાવે શ્રોતાઓ એ કાયમ મનભરીને માણે જ છે. બહુ ઓછાં  વક્તાઓ માહિતીસભર ,કાયમ  સાભળવું ગમે જ  એવું ભાષણ આપી શક્તા હોય છે.આવાં વક્તાઓને સાંભળવા પડાપડી ન થાય તો જ નવાઈ.
 હવે તો ભાષણબાજીના આમંત્રણ કાર્ડમાં  જ ભાષણ પછી ભોજનની વ્યવસ્થા રાખેલ છે જેવી લાંચ પણ આપવામાં આવે છે જેથી ભાષણમાં લોકો બેસી રહે. જો કે એકવાર એક અભિનંદન સમારંભમાં મંચ પર એટલા બધા વક્તાઓ બોલનાર હતા કે ભાષણ સમારંભ પછી ભોજનનો મોહ  પણ ઘણાં બધાંએ જતો કર્યો હતો. ભોજનની વ્યવસ્થાવાળા ભાષણના કાર્યક્રમમાં શાણો શ્રોતા વક્તાઓની ભાષણનો અપેક્ષિત સમય ધ્યાનમાં રાખીને જ સમારંભમાં આવે છે.જમણ પણ ન જાય અને સગું ય ન દૂભાય. તો ઘણીવાર એવું ય બને કે પોતાને જ શ્રેષ્ઠ ભાષણકર્તા માનતા વક્તા પોતાનું ભાષણ અપાઈ જાય એટલે જુદાં જુદાં બહાનાંસર ચાલતી પકડે જેથી બીજાના કંટાળાજનક ભાષણો પોતે સાંભળવા ન પડે. એટલે આયોજકો હવે hall ના દરવાજા બંધ કરી દે છે અને બહાર એક બાઉન્સર પણ ઊભો રાખે છે જેથી કોઈ અર્ધા કાર્યક્રમે છટકવાની હિંમત ન કરે.  
  પરદેશોમાં લગ્ન સમયે વર-વધુના  યાર દોસ્તો, સગાંસંબંધીઓ  સ્પીચ આપતા હોય છે. હિન્દી ફિલ્મોના પ્રતાપે આપણે ત્યાં પણ હવે આવી સ્પીચનું ચલણ વધ્યું છે. બંનેના ગુણગાન ગવાય ત્યારે સાંભળનારને સાક્ષાત વિષ્ણુ લક્ષ્મીની જોડી જ લાગે. ક્યારેક વિપરીત સંજોગોના કારણે આ જ આદર્શ જોડી એકબીજાની ખુબીને બદલે ખામીઓ શોધતી થઈ જાય છે.
      ભાષણમાં કેટલીકવાર વક્તાઓ શ્રોતાઓના નામોનો ઉલ્લેખ કરે છે. જાણીતા  વક્તા આટલા બધાં ઑડિયન્સમાં પોતાનું નામ બોલાયેલું સાંભળીને એવો તો પોરસાય કે જે-તે વક્તાના  હવે પછીના દરેક કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કરી લે છે.કેમ જાણે પેલા વક્તા દર વખતે એનું નામ બોલશે જ એવું સ્ટેમ્પ પેપર પર લખી ન આપ્યું હોય ! ને હવે તો પાછું વક્તા સાથે ફોટો પડાવીને સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરવાનો રિવાજ  જ થઈ ગયો છે. ફોટો તો મુકે જ મુકે પણ સાથે પાછા પોતાને એમની સાથે કેવો ઘરોબો છે એ પ્રકારનું લખાણ પણ મુકે થોડું. કદાચ એવું ય બને કે વક્તા આ ફોટો પડાવવા પુરતાં જ એમની સાથે ઊભા રહ્યા હોય. 
 ભાષણ થકી જ કેટલાંય સુવાક્યો આજે આપણે રોજ સવારે વોટ્સઅપ , ઇન્સ્ટા કે ફેસબુક જેવા  સોશ્યલ મિડીયા પર વહેતા મુકી શકીએ છીએ અને આપણા અગાધ જ્ઞાનનો હિમશીલા જેટલો હિસ્સો પ્રદર્શિત કરી શકીએ છીએ. ભાષણને વિષયના કોઈ સીમાડાં નડતાં નથી. 


ખોંખારો : ભાષણ પરપીડન વૃત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પીડિતથી કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. 

Published in Mumbai Samachar,27/10/2016 ,ગુરુવાર..લાડકી..' મરક મરક ' 

Tuesday, October 25, 2016

સ્મરણનોંધ - કે. કે. દાદા..

૨૦૧૩નો મે મહિનો . બપોરે લગભગ ૪.૧૫ ..કેકે દાદાનું ઘર, સુરત. 

'ગુઝરા હુઆ ઝમાના' પુસ્તક પ્રસિધ્ધ થયાને મહિનો ઉપર વીતી ચુકેલું.  એ વાંચ્યા પછી કૃષ્ણકાંત ભુખણવાલા... કે.કે ને  મળવાની ઈચ્છા થઈ. પુસ્તકનાં સંપાદક શ્રી બીરેનભાઈ સાથે વાત કરી. એમણે તરત જ દાદા સાથે વાત કરીને મુલાકાત ગોઠવી આપી અને અર્ધો એક કલાક બેસી શકાશે એમ પણ જણાવ્યું .એટલે 'ગુજરા હુઆ જમાના' ફરીથી વાંચી. કેટલાંક પ્રશ્ન થયા ત્યાં પેન્સિલથી નોંધ કરી. અને આખરે દાદાના ઘરે સુરતની મિત્ર અવનિ દલાલ સાથે જઈ પહોંચી. દાદાને બીરેનભાઈએ  મારો પરિચય આપી રાખેલો એટલે મારે મારા માટે કશું કહેવાનું ન હતું. થોડીવાર ઈધર ઉધરની વાત કર્યા પછી મેં એમને પુસ્તક વાંચીને મને થયેલા પ્રશ્નો પુછવા માંડ્યા. ઘડીભરમાં તો દાદા એવા ખીલ્યા કે  અર્ધો એક કલાકને બદલે સાડા છ વાગ્યા. મારે તો ક્યાંય જવાની ઉતાવળ ન હતી. દાદા ય એકદમ મોજમાં હતા. હજીય વાતો , અઢળક વાતો કરી શકાઈ હોત પણ દાદાની ઊંમરનો ખયાલ કરીને મેં આભાર માનીને રજા માંગી. ફરીવાર જેયારે સુરત આવું ત્યારે મળવા આવવાનું વચન આપ્યું.
  થોડાં દિવસ  પછી મેં અમસ્તો જ ફોન કર્યો. દાદાની બાળસહજ સરળતા અને ખુશી તમને ફોનમાં ય અનુભવાય. વિવેકને કાયમ 'વિકાસ' જ કહે. મેં બે ત્રણ વાર સુધાર્યું પણ પછી માંડી વાળ્યું. એમના ઉમળકાને બ્રેક મારવાની મારી જરાય મરજી નહીં. વિવેકને એમના ફોટા પાડવા હતા.  ત્રણવાર નક્કી કર્યા પછી છેક ૧૯ જૂન,૨૦૧૫ એ મેળ પડ્યો. પરિશી- એમની પ્રપૌત્રી બિમાર હતી. એટલે અમે જઈએ તો એને ખલેલ પહોંચે.વળી, એની સંભાળ લેવાની હોય એટલે ઘરમાં રેણુકાબહેન રોકાયેલા હોય ,થાકેલા પણ હોય તો અમારી આગતા સ્વાગતા પણ ન કરી શકે.. કેટલી દરકાર!  અમારું જમવાનું પાકું કરીને શું ભાવે એમ પણ પુછી લીધું. છેવટે અેમનું ફોટોશુટ થઈ શક્યું.  જતાવેંત જ સુરતની પ્રખ્યાત નાનખટાઈ અને બટર બિસ્કીટનાં બોક્સ આપી દીધાં . "આમાં ના નથી કહેવાની,લઈ જ જવાનું છે." આવા પ્રેમાગ્રહ સામે ક્યાં સુધી ટકી રહેવાય?  શુટ પુરું થયું એટલે સ્વાભાવિક પૃચ્છા કરી કે " વિકાસભાઈ , આ ફોટા મને ક્યારે  જોવા મળશે? " વિવેકે જેટલું જલદી મોકલાવાય એટલા જલદી મોકલવાનું વચન આપ્યું.
અમદાવાદ આવ્યા પછી મેં થોડાં દિવસ પછી ફોન કર્યો. એમણે મને ભાર ન વર્તાય એ રીતે ફોટા વિષે પુછ્યું. વિકાસભાઈ કામમાં હોય તો નિરાંતે મોકલજો એમ પણ કહ્યું. છેવટે, વિવેકે એમને એને ગમેલાં ફોટોગ્રાફ્સ મોકલ્યાં. ને ફરીથી ફોનમાં દાદાની ખુશી છલક છલક. 
  એ પછી દાદાને મળવાનું શક્ય ન બન્યું. ફોન પર વાતચીત થતી રહેતી. દર વખતે "સમય લઈને મળવા આવો" થી વાત પુરી થાય. આ વખતે એમની વરસગાંઠે અનેકવાર પ્રયત્ન કરવા છતાં ફોન પર પણ વાત ન થઈ. મારે આ વખતે સુરત જાઉં ત્યારે એમને મળવું જ છે ને એમ મન મનાવ્યું. જ્વલંત સાથે વાત થાય ત્યારે  દાદાને અચુક યાદ કરવાનો રિવાજ. ગઈકાલે જ્વલંતે દાદાના સમાચાર આપ્યા ત્યારે હું કશું બોલી જ ન શકી. વાત પણ ન થઈ શકી એનો વસવસો, રંજ હશે? કે પછી અપરાધભાવ? ભગવાન જાણે ... 


 દાદા, Return If Possible ..🙏🏻

Thursday, October 20, 2016

દિવાળી સ્ટ્રાઈક્સ..

     વ્રજેશે સવારમાં ઊઠીને આળસ મરડી. પથારીમાં પગ આઘાપાછાં કરીને માંડ પલાંઠી વાળી. "વજન ઉતારવું પડશે સાલું પલાંઠી ય નથી વળતી" એવું કંઈક બબડીને એણે ખુલ્લી બારીમાંથી બહાર જોયું અને સહેજ મલકાયો.ને પછી એકદમ સફાળા ઊભા થઈને બહાર દોટ મુકી. એને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. બગીચામાં ઝાડુવાળો નારણ પોતાનો ફેવરીટ કેસરી અને જાંબલી પટ્ટાવાળો શર્ટ ને ચોકડાવાળું બર્મુડા પહેરીને બગીચો વાળી રહ્યો હતો. લાગલા જ એના પર ધસી જઈને વ્રજેશે એને કોલરેથી પક્ડ્યો. " એ ગધેડા, કંઈ અક્કલ જેવું આપ્યું છે કે નહીં ભગવાને? આ મારું શર્ટ છે. ક્યાંથી લાયો? ચોરી કરે છે ને પાછો અહીં જ પહેરીને આયો? " અચાનક થયેલાં હુમલાથી નારણ હેબતાઈ ગયો ને  ત..ત..પ..પ.. અ..અં...જેવા વ્યર્થ ઉદ્ગારો કરવા માંડ્યો. "સું કક્કો બારાખડી બોલે છે? ક્યાંથી લાયો ?" જરા કળ વળતા નારણ બોલ્યો: "સાએબ, મુંને ભાભીએ કાલે જ આ બુસકોટ આપ્યું હે ને કહ્યુ હે કે અબ્બાર જ પેરવાનું હે. "  ભાભીનું નામ આવતા વ્રજેશ જરા કુણો પડ્યો. સફાઈ અભિયાન જાણે સર્જિકલ સ્ટ્રાઈકમાં ફેરવાઈ ગયું હોય એવો વ્રજેશને અહેસાસ થયો. ઘરમાંથી જ આટલા ભવ્ય દગાની એને કદી કલ્પના કરી નહતી. ત્રણ ફલાંગમાં તો એ પાછો ઘરમાં હતો ને રુમમાં જઈને જોયું તો સર્જિકલ સ્ટ્રાઈકનો શક ખાતરીમાં પલટાઈ ગયો. રુમમાં પથારીઓ ફરી ગઈ હતી. હજી હમણાં સુધી તો બધું બરાબર હતું ને એકદમ આ ધોળે દહાડે ચોરી થઈ હોય એવો સીન હતો. પલંગ પરથી ગાદલાં ,ઓશિકાં ,ચારસા બધું જ અદ્રશ્ય. બારીનાં પરદાની પાછળ ધૂળ જામેલી ખુલ્લી બારીઓ જાણે ગાઈ રહી હતી કે પરદે મેં રહેને દો , પરદા ન ઊઠાઓ.. બારીની બહાર ડોકું કાઢીને જોયું તો રુમના બધા અદ્રશ્ય દાગીના તડકે તપવા માંડેલાં.  ડઘાઈ ગયેલો વ્રજેશ કોઈને કંઈ પુછે એ પહેલાં જ રુમમાં વ્રજેશભાર્યા ગોપિકાની એન્ટ્રી પડી. " ચલો , ચા નાસ્તો મુક્યા છે ટેબલ પર . એનો પાર પાડીને કામે લાગો. આમ ઠોયાની જેમ વચ્ચે ન ઊભા રહેશો. દિવાળી તો આ આવી બારણે. અહીં કામના પાર નથી ને તમે કામ કરાવવાના ન હોવ તો બહાર જાવ. " સર્જિકલ સ્ટ્રાઈકની પોસ્ટ ઈફેક્ટ જેવો આ ડાયલોગ સાંભળતા જ વ્રજેશને મેન્ટોસ પીપરમિંટ ખાધા વિના જ દિમાગમાં બત્તી થઈ કે દિવાળી નજીક હોવાને લીધે આ સ્વચ્છતા અભિયાનનું રણશિંગુ ફુંકાયુ છે.


જવાબની રાહ જોયા વિના જ ગોપિકા નોનસ્ટોપ બોલ્યે જ જતી હતી. "ઘર કહેતા ય સરમ આવે એવું ઘર કરી મુકો છો તમે લોકો. અહીં આખો દિવસ આ બધામાંથી જ પાર નથી આવતો.જ્યારે ને ત્યારે મારે તમારા ત્રણની પાછળ પાછળ ફરવાનું કે કોણ  ક્યાં લાઈટ પંખો બંધ કરવાનું ભુલી ગયું?એક કામ એવું નહીં હોય કે તમે લોકોએ પાધરું કર્યું હોય. આ તો સારુ છે કે હું મળી બાકી બીજી કોઈ તો ક્યારની છૂટી થઈ ગઈ હોત..." હજુ આ પુણ્યપ્રકોપ ચાલુ જ રહેત પણ ભલું થજો કાળુ પસ્તીવાળાનું કે એણે આવીને પોતાના આગમનની છડી પોકારી ને મેથ્યુ કે કેટરીનાથી ય વધુ વિનાશકારી વ્યંગબાણનું જોર મંદ પડ્યું. વ્રજેશ હાશ કહીને એક ખુરશી પર ગોઠવાયો અને હમણા હુમલો થશેના અંદેશા વચ્ચે  છાપાંમાં નજર ફેરવી રહ્યો. કાળુ અને ગોપિકા, બંને માઈક ગળી ગયા હતા અને એમાં ભગવાન વોલ્યુમ કંટ્રોલર ચોક્કસપણે ભુલી ગયો છે એવું વિચારતા વ્રજેશને બંનેના સંવાદો બરાબર સંભળાતા હતા. ગોપિકા પોતાનું હિન્દી ભાષાનું જ્ઞાન પ્રદર્શિત કરી રહી હતી. '' અંગ્રેજી ઓર ગુજરાતી છાપા કા ભાવ સરખા થોડીના હે? મેગેઝિન ઓર સાદી ચોપડી કી થપ્પી અલગ રખના હેં કે.." સામે રાજસ્થાની  કાળુ પોતાનું ગુજરાતી જ્ઞાન ઠાલવી રહેલો. " બક્ષી કાઢી નાંખવાના છે? કાન્તિ ભટ્ટ પણ? ને આ વિનોદ ભટ્ટ? એમને તો રાખો.સાહેબને પુછી જુઓ. ગઈ વખતે તમે એમને પુછયા વિના કંઈ આપી દીધેલું તો કેટલી માથાકુટ કરેલી મારી સાથે. બબાલ નહીં ચાહિએ.અમે ગરીબ લોગ.." બસ હવે , સબ પુછ કે હી પસ્તી નિકાળી હે. તુમ તુમારે લે જાવ. " બક્ષી ને વિનોદ ભટ્ટના નામ સાંભળીને વ્રજેશ પસ્તી જોખાતી હતી ત્યાં આવ્યો. " કહુ છું, આ તો રહેવા દે. બહુ મુલ્યવાન છે આ પુસ્તકો તો. " ને ગોપિકા વળી વિફરી : " કંકોડા મુલ્યવાન? આ કાળુ એક ચોપડીનાં પાંચ રુપિયા ય આપવા તૈયાર નથી. હવે આયા જ છો તો આ છાપાંમાં જરા નજર નાંખી લો કે એકે ય કુપન બાકી નથી રહી ગઇને ? આ વખતે પ્લાસ્ટિકનું ટબ મફત આપવાના  છે આ ભરેલા ફોર્મ પર. એકાદી રહી જસે તો ગિફ્ટ જસે. કુપન પાંચ રુપિયાની વેચે છે ચોરકંપનીઓ.આ ય એક ધંધો જ થઈ ગયો છે ને હે? સું કહો છો તમે?ને તમારા બે ય નમુના આવે એટલે કહી દેજો કે મારી હડફેટે ના આવે . આજે આપણો પિત્તો ખસેલો છે. ખાવામાં તમને ચોખ્ખાઈ ને હાઈજીન જોઈએ છે તો જ્યાં રહો છો ત્યાં ચોખ્ખું નથી રખાતું? ક્યાં જાય છે તમારી હાઇજીનતા ? ...."
"હાઈજીનતા ખોટો શબ્દ  છે. એને.."
"ઈંગ્લિસમાં મારે તમારા કરતા વધારે માર્ક આવતા તા એટલે મને તો શીખવાડશો જ નહી કે સાચું સું ને ખોટું સું? "
 વ્રજેશ ચુપચાપ છાપાંની કુપનની કતરણ કલામાં જોતરાયો. બપોર થતાં જમી પરવારીને વળી ગાદલાઓને લાકડી વડે 
ટીપી નાંખીને જેવું ઉલટાવ્યું તો ખ્યાલ આવ્યો કે ગોપિકાને મદદરુપ થવાની હોંશમાં અને કંઈક રજાની બપોરની ઊંઘ ગઈ એવી દાઝમાં જરા જોરમાં ગાદલુ ટીપાઇ જતા ગાદલું ચીરાઈ ગયું હતું. અંદરથી રુ ખિખિયાટા  કરીને ચીડવતું હોય એવો ભાસ થયો. ને  ગોપિકા કાલિકા માતામાં પરિવર્તિત થઈ હોય એમ લાગતાં વ્રજેશને પરસેવો પરસેવો વળી ગયો. આ નુકસાન ભરપાઈ કરવામાં પોતાને કેટલું નુકસાન ખરેખર થશે એનો હિસાબ માંડવામાં વરસોના વરસ નીકળે. ગભરાતાં ગભરાતાં વ્રજેશે પાણી પહેલાં પાળ બાંધવી શરુ કરી. બધાં ગાદલાં ગોદડાં રુમભેગાં કર્યાં. ચાદર પાથરી. બપોરે ચકચકિત કરેલી બારીઓ પર નવાં પરદા લટકાવ્યાં. આખો દિવસ કામ કરીને થાકેલી પત્નીને રસોઈમાં પરાણે રજા પડાવીને હોટલમાં જમ્યાં. અચાનક જ ગોપિકા બોલી: "તે હું કહેતા ભુલી ગઈ કે એક ગાદલું ફાટેલું છે તો એ બહાર જ રહેવા દેવાનું હતું. ફરી ભરાવી લઈશું એટલે નવું નક્કોર. ૩૦૦-૪૦૦ આપીએ એટલે પુરું. "
વ્રજેશ પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ ને એ ગાદલું ખરેખર કેટલાંમાં પડ્યું એની મનોમન ગણતરી માંડી. 


ખોંખારો : દિવાળી પહેલાં તમારી કોઈ ચીજવસ્તુ ગુમ થાય તો દિવાળી  પછીના રવિવારે રવિવારી બજારમાંથી શોધી લેવી. 

PUBLISHED IN MUMBAI SAMACHAR,THURSDAY,20/10/2016, લાડકી.."મરક મરક " 

Thursday, October 13, 2016

મંદાબેનની મુલાકાત -



     રણમેદાનમાં લાલ જાજમવાળું સ્ટેજ અને એના પર  ૭ મખમલવાળી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે. ચાર-પાંચ ટીવી ચેનલોના ચિબાવલા ખબરપત્રીઓ હડકાયું કુતરું ચોક્કસ જગ્યાએ કરડી ગયું હોય એમ હાથમાં માઇક લઈને ઠર્યા વિના મેદાનમાં આ ખુણેથી પેલા ખુણે ને પેલા ખુણેથી આ ખુણે દોડાદોડ કરતા હતા અને એમની પાછળ પાછળ જે-તે  ચેનલના કેમેરામેન રીતસર વાયર ને કેમેરા લઇને ઘસડાતાં હતાં. જી હા, આપણે અત્યારે જ્યાં બે દિવસ પહેલાં રાવણનો  વધ થયો એ જ સ્થળ પર લટાર મારી રહ્યાં છીએ.અહીં દેશ-વિદેશના જુદાં જુદાં સંવાદદાતા પણ દ્રશ્યમાન થઈ રહ્યાં છે. મિત્રો , અાજે અહીં દેશભરનાં સંવાદદાતાઓ એક થઈને ઐતિહાસિક મુલાકાત લેવાનાં છે. મુલાકાત લેનાર મુખ્ય પત્રકારો છે પરબત  ગોસ્વામી, સુર્યદીપ સરદેસાઈ, શિખા દત્ત અને રંજન શર્મા . અને માનવંતા મહેમાનો છે મિસીસ રાવણ યાની કિ મંદોદરીબેન અને રાવણબંધુ વિભીષણભાઈ. 
  અચાનક જ મેદાનની એક તરફ બધાં "એ આવ્યાં, એ આવ્યાં" બોલતાં દોડ્યાં. મંદોદરીબેન ઉર્ફે મંદાબેન ક્રીમ કલરની ફુલપત્તાના બુટ્ટાવાળી  એકદમ કડક આર પાયેલી સાડી અને એનાથી થોડા ડાર્કર શેડના લાંબી બાંયના બંધ ગળાના બ્લાઉઝ, હીરાના ઝગમગ દાગીનામાં જાજરમાન દેખાતા હતા. પતિના મૃત્યુને માત્ર ૪૮ કલાક જ થયા હોવાં છતાં એમના ચહેરા પર એક પ્રકારની નિરાંત સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.પેનલનાં ચારેચાર માથાભારે પત્રકારો છેક સ્ટેજના પગથિયાં સુધી મંદાબેનને આવકાર આપવા દોડી આવ્યા.શિખાબેને મંદાબેનને જરા ટેકો આપવાના હેતુથી હાથ લંબાવ્યો પણ એ ગર્વિલી રાણીએ શિખાબેનનો હાથ તિરસ્કારથી હડસેલી દીધો. જિંદગીમાં પહેલીવાર શિખાબેનને સીતામાતાને આપેલો એમ ધરતી મારગ આપે તો સમાઈ જઉં જેવી  ફિલીંગ આવી. ટ્વીટર પર મંદાને troll ન કરું તો મારું નામ શિખા નહીં એવી મનોમન ગાંઠ વાળીને શિખાબેન પોતાની ખુરશી પર જઈને બેસી ગયા.  મંદાબેને પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. વિભીષણભાઈ મંદાબેનથી બે ડગલાં પાછળ ચાલ્યા આવતા હતા પણ એમનો કોઈએ અહીં પણ ભાવ ન પુછ્યો. વિભીષણભાઈએ પણ ચુપચાપ સ્થાન ગ્રહણ કર્યું. બાકીના પત્રકારો પણ ખુરશી પર ટપોટપ ગોઠવાઈ ગયા અને મુખ્ય વિડીયો રેકર્ડીંગ આર્ટિસ્ટે 
વિડીયો શુટીંગનો આદેશ આપ્યો. મુખ્ય પેનલિસ્ટ તરીકે કાયમ ઘાંટા પાડવા ટેવાયેલા પરબત ગોસ્વામીએ બોલવાનું ચાલુ કર્યું : " તો મંદોદરીજી, ફોર્માલિટીઝ મેં હમારા વક્ત બરબાદ ન કરતે હુએ મૈં આપ સે સીધે પ્રશ્ન હી કરુંગા . આપ કે પતિ કે દેહાંત કો પુરે ૪૮ ઘંટે બીત ચુકે હૈં તો  આપ કો કૈસા લગ રહા હૈ? " 
મંદોદરી : " અં ... મૈં શિખાજી સે પૂછના ચાહુંગી કિ ઉનકા દુપટ્ટા હમારી સાડી સે સફેદ કૈસે? "
અચાનક પોતાના પર આવી પડેલી સર્વિસથી બેબાકળી થઈ ગયેલી  શિખા ટ્વીટ કરવાનું પડતું મુકીને ઊભી થઈ અને ગાવા લાગી: "આયા નયા ઉજાલા.. ચાર બૂંદો વાલા ..." 
પરબત : હેલો .. મંદાબેન.. લેટ મી સ્પીક નાવ.. ધ નેશન વોન્ટસ ટુ નોવ... " 
મંદોદરી : " તે હેં પરબતભ'ઈ , તમે ક્યાંના? " 
સુર્યદીપ  સરદેસાઈ : "પરબત, મુઝે લગ રહા હૈ કિ રાવણજી કે દેહાંત સે મંદાજી કે દિમાગ પર કાફી ગહરા અસર હુઆ હૈ. મૈં ને ચેતન ભગત કી કિતાબ  મેં પઢા હૈ કિ ઐસે કિસ્સોં મેં મુલાકાત દેનેવાલે કો થોડે ઈધર ઉધર કે પ્રશ્ન પુછ કે મેઇન ટોપિક પે કૈસે લાયા જાતા હૈ. મંદાજી,  આપ હમેં યે બતાઈયે કે જબ આપ કી શાદી હોનેવાલી થી તબ રાવણજી કે દસ મેં સે કૌનસે વાલે સરને હાં કહા થા? "
મંદોદરી શરમથી લાલ થઈ ગઈ અને ઉત્તર આપ્યો. " એ તો ખબર નથી પણ હા કહેવામાં એમના છ મુગટ પડી ગયા હતા ખરાં. કયાં ચાર માથાં જડભરત રહ્યાં હતાં એ અમે જોઈ શક્યાં ન હતાં કારણકે શરમ સંકોચના લીધે અમે નજર નીચી રાખી હતી. "
રંજન શર્મા: મંદાજી , આપ કહે રહી હૈ કિ આપ ને કૌન સે વો ચાર સર હૈ વો દેખા નહીં તો ક્યા આપ કો કભી યે પ્રશ્ન નહીં હુઆ કે આપ કિન ચાર કે લિએ unwanted હો? "
મંદાેદરી : "બહુત અચ્છા પ્રશ્ન કિયા આપને શર્માજી.  હમને ઉનસે પુછા થા કિ ઉન્હોં ને વે ચાર કી બાત ક્યું નહીં માની. અબ ગૌર કિજીએગા ઉન્હોંને જો ઉત્તર દિયા. ઉસકે બાદ હમને યે બાત કભી નહીં છેડી. એમણે કહ્યું કે majority wins . 
શિખા દત્ત: "મંદાજી , આપ ટ્વીટર પર કયા નામથી છો? મારે અને આભા ડે એ તમને follow કરવા છે. ને આ સાડી કેટલામાં પડી? મારે એક આવ્વી જ લેવી છે. પણ બ્લાઉઝની ડિઝાઈન મને બહુ નથી ગમી. એ હું મારી રીતે મિક્સ એન્ડ મેચ કરી લઈશ. "
મંદોદરી: " અહીં આ બધું પતે પછી અમે દેરાણા- જેઠાણા બધાં સાડી લેવા જવાના જ છીએ અમે. આપ પણ ઈચ્છો તો અમારા રસાલામાં જોડાઈ શકો છો, શિખાજી."
પરબત : અરે હમ યહાં સાડી વાડી કે લિએ નહીં મિલે હૈં. હમેં મંદાજી સે ઉનકે ઔર રાવણજી કે પારિવારિક સંબંધ કે બારે મેં જાનના હૈ. સુર્યદીપ , આપ કુછ ઐસા પૂછો કિ મંદાજી કો નાની યાદ આ જાએ. "
સુર્યદીપ : " ક્યા બાત હૈ પરબત, આજ રાજીવજી કહાં સે યાદ આ ગયે?" 
રંજન : પરબત , અગર ૫૬ કી છાતી હૈ તો પુછો સુર્યદીપ સે કિ વો કલ કનાટ પ્લેસ પર  કિસ કે સાથ આઈસ્ક્રીમ ખા રહે થે?"
પરબત :  "સુર્યદીપ?? તુમ ભી ?? દેખ લો ,યહી હો વો દરિંદા જો મેરી ઓર્ડર કી હુઈ આઈસ્ક્રીમ ખા ગયા ઔર મુઝે મજબૂરન કોઈ ઔર ફ્લેવર કી આઈસ્ક્રીમ ખાની પડી."
મંદોદરી: " અગર આપ કી તુતુ મૈંમૈં ખતમ હુઈ હો ઔર હમ સે કુછ પુછના નહીં હૈ તો હમ જાએં? આજ ડિસ્કાઉન્ટ સેલ કા આખરી દિન હૈ."
શિખા :" એ મેરે કો ભી આના હૈ. કુછ દેર રુકો તો આભા ઈધર પહુંચ હી રહી હોગી. તીનોં સાથ ચલેંગે. ખુબ જમેગી બાતેં જબ મિલ બૈઠેંગે, હમ ,આપ ઔર આભા. "

પરબત : " મંદાજી, આપ અગલી બાર હમારે કાર્યક્રમ મેં કબ આએંગે? "
મંદોદરી: "અગલે સાલ.. રાવણજી કા દહન કરને કે બાદ. "
પરબતે  મંદોદરી અને વિભીષણભાઈનો આભાર માન્યો ને વિડીયો શુટીંગ પુરું થયું .મંદાબેન અને મૌનવ્રતધારી વિભીષણભાઈએ રથ ભણી પ્રયાણ કર્યું. ચારે ય પેનલિસ્ટ પત્રકારો એકબીજાંના વખાણ કરવા લાગ્યાં. ટેક્નિશ્યનો માઈક ને કેમેરાના વાયરના ગુંચળા વાળતા જ હતાં એટલામાં ડેકોરેટર્સનો ટેમ્પો આવી પહોંચ્યો અને એમાંથી ચાર જણે ઉતરીને ફટાફટ સ્ટેજ છોડવા માંડ્યું ને ખુરશીઓ ટેમ્પામાં ચડાવી દીધી. 


 ખોંખારો : સર્જિકલ સ્ટ્રાઇકના આદ્ય પ્રણેતા હનુમાનજી છે.

PUBLISHED IN MUMBAI SAMACHAR,૧૩/૧૦/૨૦૧૬ thursday, લાડકી, ' મરક મરક ' ..

Thursday, October 6, 2016

સમયપાલન



એક રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો ટ્રેઈનની રાહ જોતાં ઊભાં હતાં.  નિયત સમયે ટ્રેઈન આવી અને પુરતો સમય ટ્રેઈન ઊભી રહેવાની હતી તેમ છતાં બધાં સૌ પહેલાં અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યાં. જેમ લોટના ડબ્બામાં થોડું ઠમઠોરો એટલે લોટ વધારે દેખાતો હોય તો ય  બરાબર સેટ થઈ જાય એમ થોડીવાર પછી  બધાં ય સરખાં ગોઠવાઈ ગયાં. ટ્રેઈન ચાલુ થઈને સહેજ ઝડપ પકડી એટલામાં જ બે ત્રણ જુવાનિયાં દોડતાં આવીને ડબ્બામાં દાખલ થયાં. દોડી દોડીને હાંફી ગયેલાં બરાબરનાં. હાંફ ઓછી થઈ એટલે એક કાકાએ સહેજ વહેલા આવતા હોવ તો આમ દોડવું ન પડે ને અકસ્માતથી ય બચી શકાય એવી વણમાંગી સલાહ આપી.અેટલે એક વરણાગિયો બોલ્યો કે "કાકા, અમને અપડાઉનીયાઓને આમ જ ફાવે. ધીરેથી ટ્રેઈનમાં ચડીએ તો પડી જઈએ. " બોલો. કહેવું છે કંઈ? ઘણાંને એવી ટેવ જ હોય પણ કે કોઈ પણ કામ છેલ્લી ઘડીએ જ પુરું કરે. સમયસર કે સમય કરતા જરા વહેલું લીધેલું કામ પુરું કરવાનું એમને ફાવે જ નહીં. પાછું એમને એ વાતનું અભિમાન પણ હોય. આવાં લોકોનો આત્મવિશ્વાસ પ્રચંડ હોય. પોતાને સોંપવામાં આવેલું કામ સમયસર પૂર્ણ થશે જ એવો વિશ્વાસ એમને હોય એટલો કામ સોંપનારને ય હોય જ એ જરુરી નથી . એટલે કામ કેટલે પહોંચ્યુંની ઊઘરાણી કરી કરીને માણસને હેરાન કરી મુકે.
  છેલ્લી ઘડી સુધી કામ ન કરવાના ગેરફાયદા કરતા ફાયદાનું પલ્લું ભારે છે એવો અમારો નમ્ર અભિપ્રાય છે. છેલ્લે જ કામ કરવાને લીધે ઓફિસમાં તમારી ખ્યાતિ પ્રસરી જાય છે અને અન્ય સાથી કર્મચારીઓ પોતાની અણઆવડત કે કામચોરીને લીધે કામ ન કરી શક્યા હોય તો એ  તમને કામ સોંપતા પહેલાં હજારવાર વિચાર કરે છે.તમે વહેલાસર કામ કરી લીધું હોય તો સાથી કર્મચારી તમારી મદદ લેવા પ્રેરાય છે અને જો એને એવી ટેવ પડી જાય તો એ કામચોર થઈ જાય અને કામ ઓછું કરે. સરવાળે નુકસાન તમને જે પગાર આપે છે એનું જાય કારણકે તમે કાયમ તો કોઈનું કામ કરી નહીં જ શકો. 

  મોટાંભાગે દોડાદોડીમાં કરેલું કામ વધુ સારું થયાનાં દાખલાં ય છે. તમે જોજો કે મોટાં જમણવારોમાં રસોઈયા મોડાં જ આવવા પંકાયેલા હોય છે. પણ પછી એ જે ઝડપથી અને કુશળતાથી રસોઈ બનાવે એ અફલાતૂન જ હોય. ઘરે નિરાંતે રસોઈ બનાવવા છતાં આંગળા ય કરડી  ખાઈએ એવી એકધારી સરસ રસોઈ કેટલીવાર બને છે? 
  કામ શરુ મોડું કર્યું હોય એટલે નિયત સમયમર્યાદામાં પુરું કરવા માટે એડીચોટી કા જોર લગાના પડતા હૈ. એટલે કામમાં અનાયાસે જ ઝડપ આવી જાય. બિલ ગેટ્સે એકવાર એમ કહેલું કે કોઈ અઘરી સમસ્યા આળસુને સોંપી જોવી. એ એનું નિરાકરણ ખાતરીપૂર્વક શોર્ટકટમાં જ લાવશે. બિલભાઈને કદાચ ખબર નહીં હોય પણ છેલ્લી ઘડી સુધી કામ પુરુ નહીં કરનારા પણ એટલી જ કદાચ એથી ય વધુ કાર્યક્ષમતાથી સમસ્યા ઊકેલી બતાવે છે. કારણકે ઓછાં સમયમાં કામ પુરું કરવા માટે એમણે એમની સર્જનાત્મક્તાનો પુરો ઉપયોગ કર્યો હોય છે. આમ, છેલ્લી ઘડીવાળા સર્જનાત્મક વિચારધારા ધરાવતા હોય છે. 
  કેટલાંક પાસે પુરતો સમય હોય તો ય એમને નિરાંતે કરેલા કામમાં જોઈએ એવી મઝા નથી આવતી. કારણકે નિરાંત હોય એટલે એમનું ધ્યાન કામ ને બદલે ઈધરઊધર ભટકે છે.  મોબાઈલમાં ગેમ રમવી, કામ પડતું મુકીને ફોન પર કે પડોશમાં જઈને નાહકના ટોળટપ્પાં ,કૂથલી કરવામાં સમય વ્યતીત કરવાનું એમને વ્યસન થઈ જાય છે અને કામ પર પુરતું ફોકસ કરી શકતાં નથી. મોબાઇલ ફોન કે પડોશી કે ઓળખીતા પારખીતાની સાથે આમ વગર કામનો સમય જવાથી એમાં સંડોવાયેલા બન્ને પક્ષના કામના કુલ માનવકલાકો પર સીધી અસર પડે છે. આવાં બિનકાર્યક્ષમ લોકો સમયમર્યાદામાં કરવા ધારેલું કામ થઈ ન શકવાની ભીતિથી કામમાં છબરડાં કે વેઠ જ વાળે કે બીજું કંઈ?વળી, નિરાંતે કરેલા કામમાં કશું રોમાંચક કે ચમત્કારી બનવાની સંભાવનાઓ નહિવત્ હોય છે એટલે સાહસિકોને એ ધીમી ગતિના સમાચાર જેવું કંટાળાજનક લાગે છે.એમને ટેન્શનમાં હોય તો જ કામ કરવાની મઝા પડે છે. બધું પેપરવર્ક પ્રમાણે પરફેક્ટ જ થતું હોય તો પરિણામની જાણ લગભગ હોય જ છે. પણ જો  કામ પુરું થશે કે નહીંના ટેન્શનની સાથોસાથ એ સારું થશે કે નહીં એવી ય ફિકર હોય તો  એ બમણંુ ધ્યાન દઈને કામ કરે. પરિણામે , એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થાય . આપણે સૌ જાણીએ છીએ કે જેને પોતાની આવડત અને ક્ષમતા પર વિશ્વાસ હોય એ ક્યાંય પાછા પડતા નથી માટે એનું સમાજમાં પણ સારું એવું વજન પડે છે.
સમય પાલન કરી ને ય મંઝિલ તો એક જ છે તો કાર્યમાં આનંદ મળે અેવી રીતે કામ કરવામાં સમજદારી છે. વેળાસર કામ પુરું કરવામાં બચેલા સમયમાં 'ત્યારે કરીશું શું?'  વાળો  લાખ રુપિયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ફળસ્વરુપે સમયપાલક મનુષ્યના મનમાં કંટાળો ઘર કરી જાય છે જે મનુષ્યને આગળ જતાં નિરાશા ભણી ધકેલે છે. મોટાંભાગનાં ડિપ્રેશનના દર્દીઓમાં કંટાળાે જ મુખ્ય ઘટક હોય છે.મોંઘા ભાવની દવાઓ ખાઈને તંદુરસ્તી મેળવવા કરતા બહેતર છે કે દરદ આવે એવી પરિસ્થિતિ જ ઊભી ન થવા દેવી. છેલ્લી ઘડી સુધી કામમાં રોકાયેલા રહેવાને લીધે મગજને આડુંઅવળું વિચારવાનો સમય જ મળતો નથી માટે કાર્યનો આરંભ એવી રીતે કરો કે એ નિયત સમયમર્યાદા સુધી કરવું જ પડે. 
    " આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું " કે " ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર " જેવી કહેવતના જનકને વાંકુ જોવાની ટેવ પડેલી હોઈ એણે છેલ્લી ઘડીવાળાને ઉતારી પાડતી આ કહેવતો બનાવી હશે. એમ પણ બને કે આ કહેવતો    બનાવનાર ગુરુતાગ્રંથિથી પીડાતા હોય અને એ પોતાના સિવાય બીજા કોઈનું સારું બોલી જ ન શકતા  હોય એટલે એ છેલ્લી ઘડીવાળાની કાર્યક્ષમતાથી બળીને  આવી કહેવતો રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હોય. 

ખોંખારો: છેલ્લી ઘડીએ જ કામ પુરું કરનારાઓને લીધે જ સમયપાલનનું મહત્વ છે. 

PUBLISHED IN 'MUMBAI SAMACHAR' 06/10/2016 ,THURSDAY, લાડકી,' મરક મરક ' 

Monday, October 3, 2016

કહેવતો-રુઢિપ્રયોગો મણકો -૫


જાહેર જનતાના હિતમાં જારી:






૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.




૧.ઘર કી મુર્ગી દાલ બરાબર - The hen of house is equal to Daal . 




૨. સાપને ઘેર સાપ પરોણો -Snake guest at snake's house 




૩. ઘર ખાવા દોડવું - House runs to eat 



૪. ઘરભંગ થવું - House to be fractured 



૫.ધરતીનો છેડો ઘર - The earth"s end is house 




Thursday, September 29, 2016

ઑપરેશન મચ્છર ભગાવો ...


દ્રશ્ય ૧ :
ઓ બા, આ સોસાયટીમાં બધા ટોળે વળ્યા છે જો. હવન કરાવો . ચાર ચારનાં જુથમાં  લેંઘો-બુસકોટ પહેરેલા ભાઈમાણસ ને નાઈટ ગાઉન પહેરેલી  બાઈમાણસ ઊભીને સેનો ગણગણાટ કરે છે? ને વળી આ કેમેરા, બેટરી લઇને પેલાં માસ્કધારીઓ કોણ ઘુસ્યા છે ? એ લોકો એમની ખડખડપાંચમ જેવી કારનું બારણું ય વાસ્યા વિના કેમ સોસાયટીના કોમન પ્લોટ બાજુ દોડ્યા?  કેમ કોઈ સરખું કહેતા નથી મને? એ માસ્કધારીઓએ 'ખબરદાર કોઈએ પીછો કર્યો છે તો " એવી  રાડ પાડી એ તો મેં બરાબર સાંભળી. મીન્સ મને સંભળાય તો છે જ સરખું. ઓ બા.. આજે મારી વાતનો કેમ કોઈ જવાબ નથી આપતું? એ રોન્કા..અહીં આવ ને બધું કહે મને. શું ચાલી રહ્યું છે આ ?
 "કંઈ નહીં ભટ્ટજી,પેલા બધા માસ્કધારીઓ મેદાન બાજુ ગયા છે.કહે છે કે ત્યાં જ છે બધી મોંકાણ. એ લોકોનાં ધારવા પ્રમાણે મેદાનના ખુણે આખી સોસાયટીનો જે કાટમાળ પડ્યો રહે છે એ જ મેઈન સેન્ટર છે. હમણા જ નિકીનો વોટસપ મેસેજ આવ્યો  મને . પેલા માસ્કધારીઓમાં મેઈન છે એણે કહ્યું કે કોલોની છે અહીં . "
"નિકલીઈઈઈ.. એસીપી પ્રદ્યુમનને ફોન કર.. એ એનું લશ્કર લઈને આવશે તો જ બાત બનેગી. એ જો ભગવાન શંકર ડમરુ વગાડતા હોય  એમ હાથ હલાવીને  " દયા, કુછ તો ગરબડ હૈ ..."  બોલે તો જ માનવાનું કે ગરબડ છે. ને એ જો એમ કહે કે " કાતિલ યહીં કહીં હૈ,અભિજિત ઢુંઢો ઉસે .."  તો કાતિલ સો ટકા અહીં જ હોવાનો. ઓ બા.. હવે સહન નથી થતું. એ રોન્કા , કંઈ કર .. ઓ બા.. "
" ભટ્ટજી, થોડો આરામ કરો એટલે બધું બરાબર થઈ જશે. ને હવે પેલા માસ્કધારીઓએ આંખો પર ચસ્મા ચડાવીને સોસાયટીમાં ખુણેખાંચરે  પેલી સફેદ દવા છાંટી દીધી છે એટલે મચ્છર બચ્છર ગાયબ થયા જ સમજો. ઓપરેશન મચ્છર ભગાવો સક્સેસફુલ . હવે તમે એક કામ કરો. આ હમણાં તમે પાઉટ બનાવેલું ને 'ઓ બા ' બોલતા પહેલાં.. . એ ફરીથી કરોને પ્લીઝ. એક ફોટો પાડીને નિક્કીને મોકલી આપું કે લે આ મસ્ત પાઉટ.. માર્કેટ મેં નયા આયા હૈ. મોજ કર. " 
"રોન્કા , મારી ઊડાવે છે? કંપની સરકાર ગિન ગિન કે બદલા લેગી હોં , યાદ રાખ. ઓ બા.. તું હવે જા. કંઈ જણાવવા જેવું હોય તો જ આવજે.નહીં તો આજે મારો હાથ ઉપડી જશે તારા પર. ઓ બા.."
"ખીખીખી .. પહેલાં તમે  ખાટલામાંથી તો ઊભા થાવ ..એ સોરી સોરી.. જાઉં છું" 



 દ્રશ્ય :૨ 

રામ , સીતા અને લક્ષ્મણજી હાયલા જાય છે હોં જંગલ ભણી. રામ લક્ષ્મણજી તો ભગવા વસ્ત્રોમાં સોહી ઉઠ્યા છે બાપ. ગળામાં મોતીની માળાને બદલે મોગરાંનાં ફુલની માળા શોભી રહી છે ને સીતામાતા તો સફેદ બાસ્તા જેવા વસ્ત્રોમાં સાક્ષાત દેવી ઉતરી આવ્યા હોય એવા દેખાય છે. વાંહોવાંહ આખી અયોધ્યા નગરી હિબકા ભરતી શ્રીરામને વનમાં ન જવા વિનવી રહી છે પણ શ્રીરામ તો એ સમયે નેતા હોવા છતાં વચનનાં પાકા છે. માતા કૈકેયીને આપેલું વચન પુરું કરવા એ બંધાયેલા છે. તમે જુઓ કે રામ અને સીતા તો પતિ પત્ની છે. એકબીજાંની સાથે રહેવા અગ્નિની સાક્ષીએ કોલ દીધાં છે.પણ લક્ષ્મણજીનું બલિદાન જુઓ તમે. એ તો એનો ભાઈ છે. હાર્યે નોં આયવા હોત તો ય હુ થાવાનું હતું પણ લક્ષ્મણજી ધરાર નોં જ માયના ને હારોહાર થઈ જ ગયા. ભાઈ હો તો ઐસા ! બિચારાઓને ખબર પણ નથી કે કાલે હવારે હુ થાવાનું છે. વનમાં એમને કેવાં કેવાં અનુભવો થાવાના ઈ તો ખુદ જાનકીનાથને ય ખબર નથી મારા વહાલા. પણ ત્યારે આ ડેંગ્યુ કે ચિકનગુનીયા કે મલેરિયા કે એવા બધા તાવના વાવર આજના જેવા નહીં જ હોય ,ઓ બા. દાટ વાળ્યો છે મછરાંઓએ તો.આખા દેશમાં બધે વગર ટિકીટે પહોંચીને આતંક ફૈલા રખ્ખા  હૈ કમીનોંને. એકબાર હાથ લગ જાએ તો આમ ચપટીમાં મસળી નાંખીશ. જોવું હોય તો જોજો. ઈટ્સ અ ચેલેન્જ ટુ ઓલ . ડેન્ગ્યુનાં મચ્છર છે કે ચિકનગુનીયાના એ તો કોમનમેનને કેવી રીતે ખબર પડે? આપણા કાન પાસે  આવીને પોતાની જાતિ વિષે બોલતા હોય તો ય આપણાને તો એ ગુનગુનગુન જ સંભળાવાનું છે.ઓ બા.ભલભલા શક્તિમાન ને સુપરમેનોની હવા નીકળી જાય એવું છે આ તાવનું કામ તો બાપા. આંટા લાવી દીધાં. શ્રીકૃષ્ણ જે કર્મનો સિધ્ધાંત કહેતા હતા એ આજે છેક મને સમજાયો. મચ્છર માટે શ્રેષ્ઠ કહેવાય એવું વાતાવરણ આપણે જ  પુરું પાડીએ છીએ. સ્વચ્છતાનાં નામે સોસાયટીમાં કચરો વાળતા હોઈએ એવા ફોટા પડાવીને સોશિયલ મિડીયા પર શેઅર કરી દઈએ એટલે કામ તમામ. પછી એ સાવરણો કે સાવરણી ક્યાં ઉકરડામાં પડી છે એ જોવાની ય આપણે તસદી લેતાં નથી. શેની સ્વચ્છતા વળી? આપણે કરેલાં કર્મોનો હિસાબ  આ મચ્છર લે છે બોલો. ઓ બા.. ને પેલો રોન્કો મારી મશ્કરી કરે છે .પાઉટ કરો તો પ્લીઝવાળો.. એક જમણા હાથની પડશે ને તો ભોંયભેગો થઈ જઈશ. મહાભારતનાં યુધ્ધ વખતે એ લોકોને મચ્છર કરડ્યાં હશે? ક્યાંથી કરડે? બખ્તર પહેરેલાં હોય એટલે મચ્છર પહોંચી જ નહીં શક્તા હોય યોધ્ધાના શરીર સુધી.એવું જ હશે. નહીં તો શ્રીકૃષ્ણે એક આખો અધ્યાય તો નહીં પણ બે-ચાર શ્લોક તો કહ્યાં જ હોત અર્જુનને મચ્છરોના માનમાં.ઓ બા.. કોણ બુમો પાડે છે?  ને મને કોણ હચમચાવે છે આટલું બધું? ત્રાસ કરી દીધો. માંડ આંખ ખોલીને જોયું તો સામે રોન્કો હાથમાં દવા અને પાણી લઈને ઊભેલો દેખાયો.
ભટ્ટજી.. ઓ ભટ્ટજીઈઈ.. ઉઠો . તમારી દવા લેવાનો વખત થઈ ગયો છે. સું બબડતા હતા પણ તમે? કોઈ સપનું બપનું આયેલું? કેટરીના કેફ આઈ 'તી કે એન્જેલિના જોલી? ને આ "ઓ બા " બોલો છો ત્યારે ભલે તમે છો નહીં પણ સોલ્લિડ ઈનોસન્ટ લાગો છો હોં ."
" પેલાં મચ્છર મારવાવાળા ગયા? હોય તો બોલાવી લાવ." 
"કેમ ભટ્ટજી? ઘરમાં ય છાંટી ગયા છે. તમે તો કંઈ રામ, સીતા ને સુપરમેન ને ઓ બા એવું બધું જાતજાતનું બોલતા હતા ઊંઘમાં. એટલે તમને ક્યાંથી ખબર હોય? "
" ઘરમાં નહીં, મારે તારા પર  છંટાવવી છે . બહુ બોલે છે તું આજકાલ.. ઓ બા.."
ને રોન્કાએ ભટ્ટજીને ફટાફટ  દવા પીવડાવી અને ભટ્ટજીના ગુસ્સાથી બચવા રીતસર દોટ મુકી.

ખોંખારો :  નાના પાટેકરવાળી  અમર ઉક્તિ  ' એક મચ્છર સાલા આદમી કો હીજડા બના દેતા હૈ  "  મચ્છરોનો રાષ્ટ્રીય  સંવાદ બની ગયો છે

-એક સમાચાર

PUBLISHED IN MUMBAI SAMACHAR ,૨૯/૦૯૨૦૧૬  thursday લાડકી," મરક મરક" 

Sunday, September 25, 2016

khabarchhe.com weekly column




કોઈ બહુ જૂની ઈમારત અચાનક ધરાશયી થાય કે કોઈ સંસ્થાને કાયમી તાળા વાગે ત્યારે એમાં ઘણું બધું ક્યારેય જાણ ન થવા પામવાનું હોય એ પણ ધરબાઈ જતું હોય છે. કેટલીય સ્મરણયાત્રાઓ એકસાથે નીકળતી હોય છે જાણે અને કેટલાંય સંભારણાંઓ ઢબુરાઈ જતા હોય છે... પત્રો લખવાનું એક મસમોટું સુખ એ હોય છે કે ઘણું બધું સચવાઈ જતું હોય છે. લખી તો જુઓ.. 



(પ્રાણલાલદાદા અને તુષાર ભટ્ટ( હવે બન્ને સ્વર્ગસ્થ) ફોટો સૌજન્ય:  Tushar Bhatt's personal album ) 






Thursday, September 22, 2016

પિતૃસભા અને વડીલોનો કકળાટ

અમારા ખાસ  સંવાદદાતા અને ફોટોગ્રાફરે  જ્યારે સિનીયર્સ ક્લબ એસોસિએશનની મુલાકાત લીધી ત્યારે   સિનિયર સિટીઝન્સ બગીચામાં બેસીને સુખદુ:ખની વાતો વહેંચી રહ્યા હતા. ચોરસ કે ગોળ ,એકેય મેજ વિનાની આ પરિષદમાં સિનીયર સીટી' જનો 'ને  બગીચાનાં ખૂણે કોઈએ કાગવાસ માટે દૂધપાક,પુરી, પાતરાં ને બટાકાની સુકી ભાજી પીરસેલી ડિસ્પોઝેબલ ડીશ પર મંડરાતા 'પિતૃઓ'ની છાની ઈર્ષા  આવી રહી હોય એમ જણાતું હતું. હારતોરા ,માઈક કે સભાસંચાલકની ગેરહાજરીવાળી આ સભામાં ગણ્યા ગાંઠ્યા ધોળા વાળ અને બાકી ચળકતી ટાલવાળા મિસ્ટર પટેલ પોતાની આપવીતી જણાવી રહ્યા હતા: "મારે તૈણ છોકરાં. તૈણે પયણ્યા ત્યોં હંુદી તો શીધા શોટા જેવા હતા.જેવી એક પશી એક વીશનખાળીઓ આઈ પશી જ ખરી મોંકાણ મંડઈ. જ્યોં હુંદી મું નોકરી કરીને પૈશા આલતો હતો  ત્યોં હુંદી તૈણે ય થોડી શીધીઓ રહી પણ મું રિટાર્ડેડ થયો પશી વોંદરીઓએ પોત પ્રકાશ્યું . હરખું કરીને ખાવા ના આલે, ગમે ઈમ બોલઅ.. છોકરાં નોકરીએથીન ઘેર આવે એટલે એક પશી એક ફરિયાદપોથી ઊઘાડે.ને મારા છોકરાં ય વહુઓની કઠપુતળી થઈ ગયેલા બોલો. તમારી કાકી તો ક્યારનાય કૈલાશધામ પોંકી ગયેલા તે આ બધું વેઠવાનું આયુ નઈ. શુખી થઈ જઈ વહેલી જઈ એમોં .એને તો બચારીને ખાવાના ય બહુ ભભડા નહોતા. એ હતી તારઅ મારા બધા ય ચસકા વેઠતી તી. મનઅ બુધ્ધિના લઠ્ઠને જ ઈની કિમત નોતી. એ જઈ પશી વઉઓએ રંગ દેખાડ્યો. હશે હેંડો..મું ય શુ રોમાયણ મોંડીન બેઠો.  "  વડીલની વાતથી વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું અને બધાં ચુપ રહ્યાં. થોડીવાર પછી મિસીસ શાહ બોલ્યા : " મારે તો સારું જ હતું. દીકરો ય રામ જેવો ને વહુ ય સાક્ષાત સીતા. બહુ સાચવી છે મને તો. પણ હવે વહુ જરા બદલાઈ ગઈ છે.રસોઈના ક્લાસ કરે છે તે નિતનવું બનાવે. જુવાનીયાવને તો પથરા ય પચે પણ આપણાને આ ઉંમરે કેવી રીતે પચે? વચ્ચે કંઈ મેક્સિકન બનાયુ તો કોઈને ય ભાવ્યું નહીં. પણ જિદ્દી બહુ છે તે એ આઈટમ સારી થઈ છે એવું બધાંએ ના કહ્યું ત્યાં સુધી સવાર સાંજ એ જ બનાઈને ખવડાઈ. મેં કીંધું કે બાપા ,આ અખતરા પડતા મુક અને આપણું દેસી જ બનાય, તો મારો રામ અચાનક જ રાવણ થઈ ગયો વહુના બચાવમાં. તે આપણે મેક્સિકન રાઇસ ભેગાં ગમ ખાઈને ચુપ રહ્યાં."ત્યાં એક  જરા કડક વકીલ જેવા  દેખાતા  મિસીસ મહેતા  ટહુક્યા: " તે ચલાઈ શેનું લેવાનું? આપણો હક્ક છે સારુ અને પચે એવું ખાવાનો. આપણે મા-બાપ મુઆ એનો અર્થ એ નહીં કે એ જે કરે છે એ બધું બરાબર છે. છણકાઈ કાઢીએ ને એ જ વખતે? હવેની પ્રજા વડીલોને તો ફર્નિચર ને ડસ્ટબીન સમજે છે. " એમનાં સમર્થનમાં સ્ત્રીસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી અને જાતજાતની ચળવળોનાં પ્રણેતા મિસ મુખરજીએ ગર્જના કરી:" આ બધાં પુરુષોનાં જ કારસ્તાન છે. એ જ આવી  બાબતોમાં  બિનજરુરી ચંચુપાત કરી સ્ત્રીઓને ઝગડાવે છે. ને પછી સાસુ-વહુ જેવા સુંદર સંબંધોને લૂણો લગાડે છે.મિત્રો, હવે સમય આવી ગયો છે આ બધાને યોગ્ય પાઠ ભણાવવાનો. પરશુરામે જેમ ધરતીને નક્ષત્રી કરેલી એ રીતે આપણે ધરતીને 'નમર્દી' તો ન કરી શકીએ પણ કમ સે કમ આ નગુણી પુરુષજાતને એટલું તો સમજાવી જ શકાય કે હમ કિસી સે કમ નહીં.પેલું કોઈ મહાત્માએ કહ્યું છે ને ' દુનિયાભરના ગુલામો, એક થાવ, તમારે તમારી સાંકળો સિવાય કંઈ ગુમાવવાનું નથી.આપણે કંઈ પુરુષનાં ગુલામ નથી,રમકડું નથી કે મનફાવે એમ નચાવી જાય.હવે નાચવાનો વારો એમનો છે..." ત્યાં જ મિસ્ટર કાવસજી ઊભા થયા અને કહ્યું: "બાનુ, તમો હુ બોલે તે હમોને જીરીક હો હમ્મજમાં નથી આવતું. આવી બધી પંચાતી કરવામાં જ  તુને કોઈ સોજ્જો પોયરો ની મઇલો ને તુ રેહી ગેઈ હારી. આપને આંય મીઠ્ઠી મીઠ્ઠી ચીટચાટ કરવા ભેગાં થયલા છે. આવી ગઢેરા જેવી બાબતમાં ટાઈમ વેસ્ટ ની કરીએ તો સારુ એવી મેં બધા વતી તમુને રિકવેસ્ત કરું છું.મેં તમુને એક મજેનો કિસ્સો સંભલાવું તે સાંભલો. મિસ્તર ત્રિવેદીનાં ઘરે મેં જમ્મા ગયલો. દુધપાક પુરી ને પાતરાં મારી બો મોટ્ટી કમજોરી છે. આ વખતે દૂધપાક બો મસ્ત બનાવેલો એને તાંના મહારાજે. આપને તો ત્રન વાટકી ભરીને પી લાયખો. ને પછી કમાલ થેઈ. એટલી તો ઊંઘ આવે મને . માંડમાંડ ઘરે આઈવો ને ઘોટાઈ મુયકુ તે ત્રન કલ્લાકે પરાને આંખ ખુલી.મિસ્તર ત્રિવેદીને ફોન કરીને પુઈછું  કે આજે તારી બૈરીએ હુ ખવડાઈવું ,જો ની કેટલી ઊંઘ આવી ગઈ ,હારા ગઢેરા.મિસ્તર ત્રિવેદી કેહ કે એ તો જાયફલ ઊતું દૂધપાકમાં. જીરીક વધારે પડી ગયલું એટલે ઊંઘ આવે .મેં કેહ્યુ હુ હારા આમ ને આમ કોઈને મારી લાખહો તમે. " મિસ્ટર પટેલનાં પુણ્યપ્રકોપથી ડઘાયેલા અને મિસ બોસના પ્રકોપથી દાઝેલા શ્રોતાઓ મિસ્ટર કાવસજીની વાતથી જરા ટાઢાં પડ્યાં. હવે બોલવાનો વારો આવ્યો ઓછાંબોલાં  મિસીસ દવેનો. આડી અવળી કોઈ જ વાત કર્યા વિના એમણે મિસીસ શાહને એમની સીતા રસોઈ શીખવા જાય છે એ ક્લાસની માહિતી માંગી." લગ્નને કેટલાં વર્ષ થયાં તો ય હજુ રસોઈમાં રોજ કેટલી હળદર ને કેટલું મીઠું નાંખુ એમ પુછે છે બોલો. પ્રેમથી ન શીખી શકે તો પારકી મા જ કાન વીંધે એ જ સૌના હિતમાં રહેશે. માણસ બે ટાઈમ ખાય તો ખરું કે નહીં સરખું? "
હજુ ય સભામાં ત્રણ જણને બોલવાનો વારો બાકી હતો. પણ જેવા અમારાં સંવાદદાતા અને ફોટોગ્રાફરને જોયાં કે દરેક  પોતપોતાનાં દેખાવ પ્રત્યે સભાન થઈ ગયાં. અને કુંડાળુ સીધી હરોળમાં તબદિલ થઈ ગયું.ફોટો પડી ગયો એટલે દરેક જણે પોતપોતાનાં વોટ્સઅપ નંબર પર અખબારમાં આવે એ ઈમેજ મોકલવા પ્રેમાગ્રહ કર્યો અને બધા ' આવજો, આવજો ,મઝા આવી' જેવા શિષ્ટાચારનાં વાક્યો બોલી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. આ તરફ પેલા કાગવાસ પર મંડરાતા 'પિતૃઓ'એ પણ '' આ માણસો તો સહેજે ઠરતા નથી. ઘોંઘાટ કરી મુક્યો એટલામાં તો . પાછાં વગોવે આપણાને 'કાગારોળ'  કરીએ છીએ એમ કહીને " જેવું કંઈક બબડીને બધાએ નીલા ગગન ભણી ઉડાન ભરી. 
ખોંખારો: શ્રાધ્ધ નિમિત્તે હવે પારંપારિક દૂધપાક-પુરી ને બદલે જમાના પ્રમાણે પંજાબી. ચાયનીઝ, મેક્સિકન, થાઈ ફુડ જેવો કાગવાસ મુકાતાં  પિતૃઓ આંદોલનના માર્ગે. - એક સમાચાર.        

Published in Mumbai Samachar, 22/09/2016, thursday , laadki ,  મરક મરક        

Thursday, September 15, 2016

ચલ ચલ ચલ મેરી રામપિયારી..


  ગણપતિજીનું વિસર્જન થાય પછી શ્રાધ્ધપક્ષ બેસે. આપણે ભારતીયો તહેવાર વહેવાર તો ઠીક છે પણ ખાણીપીણીના નિતનવા કારણ ચોક્કસ શોધી પાડીએ છીએ. શ્રાવણ, પર્યુષણમાં ઉપવાસની કઠોર તપસ્યા કરીએ ને પછી ભાદરવામાં પૂર્વજોને શ્રાધ્ધના બહાને આપણે જ દૂધપાક પુરી અને પાતરાં ખાઈએ ને વળી પાછાં નવરાત્રીમાં ઉપવાસ. નવરાત્રીમાં શક્તિ ઉપાસનાની સાથે સાથે વાહનખરીદીનું જબરું મહત્વ છે.કારણો તો ભગવાન જાણે પણ દશેરાના દિવસ પુરતા લગભગ બધાં વાહનો હારતોરાંથી શોભે છે. આ હારતોરાં બીજા દિવસે ગાય બકરી માટે જ્યાફત બને છે.કેટલો  પ્રાણીપ્રેમ!  ઘરમાં નવું વાહન  આવે એટલે 'નવું નવ દહાડા'ના ન્યાયે થોડાં દિવસ બરાબર ધ્યાન રખાય પણ પછી હરિ: ૐ.જરાક સાવધાની મોટી મોટી દુર્ઘટનાઓ ટાળી શકે છે. વાહનને જો આપણે આપણા બાળકની માફક સાચવીએ તો બાળકો તો કદાચેય આગળ જતાં ક-છોરું થાય પણ વાહન ક-વાહન થતું નથી. વાહન સાચવણી શ્રેણી અંતર્ગત અહીં કાર અને પ્લેન સાચવવાની નિવડેલી ચાવીઓ જનહિતમાં જારી કરવામાં આવેલી છે.

 કાર કેવી રીતે સાચવશો? 







૧. સૌપ્રથમ તો પરવડે એવી કાર લેવી. રંગની પસંદગી આપણા near ones dear ones ને સોંપી આપણે ચોક્કસ રંગ માટે વધારાનાં કેટલાં ફદિયાં ચુકવવા પડશે એ ફિકર કરવી . 
૨. કાર લઈ આવ્યા પછી એના પાર્કિંંગ માટે વ્યવસ્થિત જગ્યા નકકી કરો. બંગલામાં પાર્કિગની સમસ્યા ઓછી થાય છે. ફ્લેટમાં આ સમસ્યા ભયંકર વકરેલી જોવા મળે છે. 
૩. પાર્કિંંગ પતે એટલે કારને કવર કરવા વિષે વિચારવું . ઘરમાં જૂની ચાદર ચારસા કે રજાઈ કવરમાંથી સરખંુ માપ લઈ કાર કવર સીવડાવી બચતનો ઉત્તમ દાખલો બેસાડો.ખાસ નોંધ : કારને કવર કરવાથી ધૂળ તડકા વરસાદથી કારનું રક્ષણ થાય છે અને કદાચ ધૂળ લાગેલી પણ હોય તો ય આવતા-જતાં માનવબાળ કારનાં કાચ ઉપર પોતાનાં પ્રેમપ્રકરણોની મફત જાહેરખબર  કરતાં અને કપિ-બાળ કે શ્વાન-બાળ અટકચાળા કરતા અટકે છે. 
૪. કારનું કવર સીવડાવતા વધેલા ચાદર ચારસાના કટકા ચીંદરડા કાર સાફ કરવા ઉપયોગમાં લઈ શકાય. 
૫. કારની ચાવી માટે સરસ મઝાની કિચેન લાવો. દેવીદેવતાના ચિત્રોવાળી, કાર્ટુન, હાર્ટ , શુ,સ્લીપર, એકાક્ષરી ..જે ગમે એ કિચેન લો. ડુપ્લીકેટ ચાવી માટે ઓછી કિંમતની કિચેન પર પસંદગી ઉતારી  શકાય.આ ડુપ્લીકેટ ચાવી ક્યાં મુકી છે એ ઘરના બધા સભ્યોને બરાબર ખબર હોય એ ખાસ ધ્યાન રાખવું. ( ઓરિજિનલ ચાવી ખોવાય એ પહેલાં ડુપ્લીકેટ ચાવી       ખોવાઈ હોય એવો એક દાખલો ઇતિહાસે નોંધ્યો નથી પણ છે ખરો. )
૬. કાર લાંબા સમય સુધી વપરાશમાં ન લેવાની હોય તો દર બે દિવસે કારને સેલ મારો . (સેલ શબ્દને  વેચવાના અર્થમાં ન લેવા વિનંતી) રોજ રાત્રે કારમાંથી સ્ટીરીયોની ચેનલ કાઢીને ઘરમાં બીજા દિવસે મળી જાય એમ નજરવગી રાખો.
૭. કાર લીધા વિના એક દિવસ માટે બહારગામ જતા હોવ તો કારમાંથી ગવંડર કહેતા ગવર્નર કહેતા સ્ટીયરીંંગ છુટુ પાડીને ઘરમાં મુકો.કાર લીધા વિના એકથી વધુ દિવસ માટે સપરિવાર જતા હોવ તો કારના બધા પૈડાં ય છુટાં પાડીને ઘરમાં મુકો.આથી કોઈની મતિ ફરવાની શક્યતા નહીંવત્ થઈ જાય અને કારના નુકસાન કે  કાર-ચોરીનો ભય રાખ્યા વિના નચિંતપણે બહારગામ જઈ શકાય. 
૮. આટલી કાળજી રાખવાથી તમારી કાર શો-રુમમાં હોય એવી જ રહેશે . 
૯.હવે સૌથી અગત્યની વાત . ઘરમાં હાજર હોય એ બધા એ કાર છોડાવીએ કે તરત જ જુદા જુદા એંગલથી  ભૂલ્યા  વિના સેલ્ફી પાડી લેવા. 
૧૦. આટલું ધ્યાન રાખવા છતાં ય કાર વાપરવાથી આજે નહીં તો કાલે,  'રામપ્યારી' તો થવાની જ છે.જો એ પરિસ્થિતિ માન્ય ન હોય તો બધી પળોજણ મુકીને ટોયશોપમાં જઈને એક ટોયકાર ખરીદવામાં સમજદારી છે.



અહીં દર્શાવેલાં એરોપ્લેન- વિમાન સાચવણીના સુચનો  જેનો ભારતીય પાસપોર્ટ રદ થયેલો છે તે  રા.રા. શ્રી શ્રી વિજય માલ્યાને સમર્પિત છે. એમના અભૂતપુર્વ કારનામાંઓ  વિના આ સૂચનો કદી સુઝી શક્યા હોત કે કેમ એ લાખ રુપિયાનો પ્રશ્ન છે. 

#સૌ પ્રથમ એરોપ્લેનને બીયરથી બરાબર ધોઈને લુછી લો. 
#હવે એરોપ્લેનના બારી બારણાં ખુલ્લાં કરી દો. પાયલટ કેબીનમાં ફ્રન્ટ વિન્ડો પણ ખોલી નાખો. જેથી બીયર વ્હીસ્કીની વાસ આવતી બંધ થઇ જાય.
 #બની શકે તો બધી સીટ્સ પણ છૂટી કરી ને એકવાર તડકે મૂકી દો. 
 #બે દિવસ પછી બધી સીટ્સ પાછી યથાસ્થાને મૂકી બારી બારણાં બંધ કરી દેવાં. 
 #હવે એરોપ્લેનને કવર કરી દો. કવર ડેકોરેટિવ બનાવવું હોય તો પ્લેનના લાઈફ જેકેટ્સ ઉપયોગમાં લઇ લેવાય. 
#બારી બારણાં બંધ કરતાં પહેલા પ્લેનમાં સારી કંપનીનું એર ફ્રેશનર છાંટવાનું ભૂલશો નહી. 
#દર ત્રીજા દિવસે પ્લેનની બેટરીને સેલ મારવો જેથી બેટરી ન ઉતરી જાય. 
#પ્લેન સ્ટાર્ટ ન થાય તો આપણે જે દેવીદેવતામાં માનતા હોઈએ તેનું ત્રણવાર જોર થી સ્મરણ કરવું દા. ત. જય માતા દી..કે પછી હર હર મહાદેવ...વગેરે વગેરે અને પછી બજાજના સ્કૂટરને જેમ આડું પાડીને સ્ટાર્ટ કરતા એમ આડું પાડી જોવું.
#દર પંદર દિવસે એરોપ્લેન બીયરથી ધોવું જેથી પ્લેનની ચમક જળવાઈ રહે. 
   બસ,  અત્યારે તો આટલું ધ્યાન રાખશો તો ય તમારા સફેદ હાથી સચવાઈ જશે. તેમ છતાંય, જો તમને પ્લેન સાચવવા ની તકલીફ પડે તો એક એક પાર્ટ છૂટો કરીને અમારા અમદાવાદમાં ગુજરી બજારમાં વેચી મારજો. આ ગુજરીબજાર રીવર ફ્રન્ટ પાસે જ ભરાય છે. અમારા નિષ્ણાતો આ પાર્ટ્સનો ભંગાર " વિજયી આકર્ષણ " ના નામે રાઈડ તરીકે  મૂકી દેશે અને ધુમ કમાણી કરશે . 

ખોંખારો : જ્યોતિન્દ્ર દવે કહેતા એમ સલાહ આપવી સૌને ગમે છે પણ સલાહ લેવી કોઈને ગમતી નથી. કોઈ સલાહ માને કે ન માને , આપણે આપણી ફરજમાંથી પાછા ન પડવું જોઈએ. અમે પણ અમારી ફરજ પુરી કરી છે. કોઈ માનશે કે નહીં માને એની લેશમાત્ર ચિંતા કે દરકાર અમને નથી. માટે જ પડી રહેલા ને ઠાંચરા થઈ ગયેલા વિમાનો માટે ય કથીરમાંથી કંચન ટાઈપ્સ સલાહ પણ તદ્દન નિ:સ્વાર્થભાવે આપી છે.ભવિષ્યમાં કોઈને અન્ય વાહનની સાચવણી અંગે માર્ગદર્શન આપવાની આ સાથે અમે ઉત્સાહભેર ખાતરી આપીએ છીએ.


Published in MUMBAI SAMACHAR ,15/09/2016 Thursday લાડકી, "મરક મરક" 

Cartoons© Desai Shilpa 

Thursday, September 8, 2016

કાકાએ કાકીને કહ્યું કે...

     સામાન્ય રીતે ગુજરાતી ,ખાસ કરીને  સંયુક્ત કુટુંબની પરંપરા છે કે કોઈ મહેમાનને જમવા નિમંત્રે તો ફુલ ભાણું જ હોય. જેમાં મીઠાઈ(સીઝનાનુસાર) ,ફરસાણ, પુરી /રોટલી/રોટલા/ભાખરી ,એક કે બે શાક, દાળ/ કઢી ભાત, કચુંબર-અથાણું-ચટણી /રાયતુ અને પાપડ હોય જ. ઘણાં બિનગુજરાતીઓને એક જ ટંકમાં આટલું બધું ખાવાનું જોઈને આશ્ચર્ય અને આઘાત લાગે છે.એમને એમ જ લાગે છે કે ગુજરાતી ગૃહિણી રસોડામાંથી જ પરવારતી નહીં હોય.હે ભગવાન ,એમને માફ કરી દેજે ,એમને ખબર નથી કે એ કોને અંડરએસ્ટીમેટ કરી રહ્યા છે! 
"તારી કચુંબર ને ચટણી બનાવી નાંખીશ .." આવો સંવાદ જુની ગુજરાતી ફિલ્મોમાં ખલનાયક પુરી કરડાકીથી બોલીને ફિલ્મની  ફ્રેમમાં હાજર અન્ય પાત્રો પર પ્રભાવ પાડવા મથતો અને ફિલ્મી પાત્રો એનાથી ગભરાતા હોય એવો  દેખાવ ઊભો કરાતો પણ પ્રેક્ષકોમાં એ સંવાદથી ભયને બદલે રમૂજ જ ફેલાતી. હકીકતમાં કોઈની કચુંબર કે ચટણી કરવાનું કહેવા પાછળનો ગૂઢાર્થ એમ છે કે બોલનાર એના સાંભળનારની કચુંબરમાં હોય એવા ઝીણા ઝીણા ટુકડા કે ચીરી  કરી શકે એટલો શક્તિમાન છે પણ આજ દિન સુધી કોઈએ કોઈની કચુંબર કરી હોય એવા પ્રમાણ મળ્યા નથી. એટલે થાળીમાં ભલે જરા જેટલી જ જગ્યા રોકાતી હોય પણ અધિકૃતતાની રીતે આ વિષય સંશોધન માંગી લે એવો દળદાર ને દમદાર છે. 



       કચુંબરમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી કાચાં ય ખાઈ શકાય એવા હોય છે.કચુંબર બોલતાવેંત જ ભાવકના મનપ્રદેશમાં લીલા શાકભાજીની વાડીનું અનેરું દ્રશ્ય રચાય છે.લાલલીલા રંગોનંુ સંયોજન ધરાવતી કચુંબર થાળીની શોભામાં વૃધ્ધિ કરે છે.વીસમી સદીના અંતમાં  વિશ્વમાં ,ખાસ કરીને ભારતમાં સ્વાસ્થ્ય અંગેના દાયકાઓથી ચાલી આવતા ખયાલોમાં ધરમૂળ પરિવર્તન આવ્યું અને જાતજાતના ફીટનેસ ટ્રેનર્સની આખી પ્રજાતિનો જન્મ થયો. જુદા જુદા ખાદ્ય પદાર્થોની પૌષ્ટિક્તા અંગે જાગૃતિની એક પ્રચંડ લહેર ઊઠી અને આ લહેરમાં કાચાં , તાજાં  શાકભાજીની કચુંબર શિરમોર થઈ પડી. એમાં ય કોબીજ,ટામેટાં, ડુંગળી, રંગબેરંગી કેપ્સિકમ મરચાંના ભાવ રાતોરાત વધી ગયાં. ડિઝલ પેટ્રોલના ભાવ થોડાં થોડાં સમયે  વધઘટ થાય ,જનતા થોડો ગણગણાટ કરે ને પછી  એ ફેરફારને જીવન જરુરી ગણીને સ્વીકારી લે એમ જ આ શાકભાજીના ભાવોમાં ફેરફાર થાય ત્યારે મોટાભાગે જનતા મુંગે મોંઢે સ્વીકારી લે છે. આખિર અપની સેહત કા ખયાલ ભી રખના પડતા હૈ! બાર ગાઉએ બોલી બદલાય એમ બાર ગાઉએ કચુંબરમાં ય ફરક હોય છે.પરદેશમાં તો ઓલિવ ઓઈલ, મધ, લીંબુ પણ કચુંબરનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે પણ ઉમાશંકર જોષીએ કહ્યું છે એમાં નજીવો ફેરફાર કરીને કહી શકાય કે નામરુપ જુજવાં , અંતે તો કચુંબર ની કચુંબર. થાળીની અધુરપને કચુંબર પૂર્ણતા બક્ષે છે. ખુબ ભૂખ લાગી હોય ત્યારે ત્વરિત ક્ષુધાશમનનો ગુણધર્મ ધરાવતી આ જીવનોપયોગી જડીબૂટ્ટીને વાનગી  કે ફરસાણ મિષ્ટાન્નમાં સ્થાન મળી શક્યું નથી એ એનું કમભાગ્ય નહીં તો બીજું શું? તેમ છતાં ય આ જાલિમ જમાનો પોતાને કઈ કેટગરીમાં સમાવાશે એની ચિંતા કર્યા વિના कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन  અનુસાર પોતાનું કામ કર્યે જાય છે એ એની મહાનતા છે. કચુંબરનો મહિમા અપરંપાર છે.
        થાળીમાં બીજું અગત્યનું સ્થાન રાયતાનું છે. કચુંબરમાં છુટથી વપરાતી  કાકડી, ડંુગળી,કોબીજ જેવી સામગ્રી દહીં સાથે મિશ્રણ કર્યા બાદ  સ્વાદાનુસાર મીઠું, મરચું, ગળપણ નાંખીને  બનાવાતું સ્વાદિષ્ટ વ્યંજન એટલે ' રાયતુ.'  રાઈનો ઉપયોગ ન થતો હોવા છતાં એને 'રાયતુ' કેમ કહેવાય છે એ પણ સંશોધનનો વિષય ખરો. દહીંનો ગુણધર્મ ખટાશ છે અને રાયતાની મઝા મોળા દહીંનું હોય ત્યારે જ વધુ આવતી હોવાથી સવારનું બનાવેલુ રાયતુ સાંજે ઉપયોગમાં લઈ શકાય એવું ભાગ્યે જ રહ્યું હોય છે.વળી, હેલ્થકોન્શિયસ-તાના પરિણામે આયુર્વેદ તરફ ઝુકેલી પ્રજા ' મુળો ,મોગરી ને દહીં..બપોર પછી નહીં ' વાળી આયુર્વેદની પ્રચલિત  ઉક્તિમાં માનવા લાગી એટલે  લીધે કેટલાય દહીંપ્રેમીઓની રાતની થાળીમાંથી દહીં દેખાતું બંધ થઈ ગયું છે. એનો સીધો માર રાયતાને સૌથી વધુ પડ્યો છે પણ રાયતાએ આ અન્યાયના વિરોધમાં 'અનામત આપો ' કહીને કદી મોરચો નથી કાઢ્યો.તેમ છતાં ય શાકની ઘટ પડે એમ લાગે ત્યારે ચતુર ગૃહિણી રાયતુ બનાવીને પરિવારને ઓછા શાકને લીધે પડનારી મુશ્કેલીમાથી બચાવી લે છે .ઘણાં સુંવાળી પ્રકૃતિના હોય છે જેમને દહીં માફક આવતું નથી એ લોકો આ વ્યંજનને થાળીમાં લેવાનો મોહ ટાળે છે અને દુરથી જ નમસ્કાર કરવામાં સલામતી સમજે છે.દહીં સાથે કેળા, સફરજન જેવા ફળના નાના ટુકડા મિક્સ કરીને ખાવામાં અનેરી લિજ્જત આવે છે જે સ્વાનુભવે જ સમજાય. 
       એક સમય હતો કે જ્યારે અથાણુ  એટલે કેરીનું જ હોય એવી માન્યતા વ્યાપક હતી. કાળચક્ર ફરવાની સાથે આ માન્યતા બદલાઈ અને અથાણા સંસ્કૃિતમાં નવો પ્રાણ ફુંકાયો. ' ચા બગડી એનો સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો ને અથાણુ  બગડ્યું એનું વરસ બગડ્યું ' કહેવત પરથી અથાણાનું મહત્વ ખ્યાલ આવે છે.જો કે આગળ પડતા મરચા, તેલ, મીઠાને લીધે અથાણુ થાળીમાં માંડ એક કે બે નાની ચમચી જેટલું જ પીરસવામાં આવે છે. પૌષ્ટિક મૂલ્ય તદ્દન નજીવું તથા શરીરને નુકસાન મૂલ્ય કદાચ સૌથી વધુ હોવા છતાં  કેટલાંક જીભના રસિયાઓ શાક અથાણા જેટલું અને અથાણુ શાક જેટલું લેતા હોય છે. અથાણા જ્યારે શાકભાજી ઓછા મળતા હોય ત્યારે થાળીમાં સહેજ જ  જગ્યા રોકીને ય ભરેલી હોવાનો આભાસ આપે છે . હવેની ગૃહિણીઓ ઘરે વિવિધ અથાણા બનાવવાને બદલે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવા ઉમદા આશયથી તૈયાર અથાણા લેવાનું પસંદ કરે છે એટલે ભલે ઘરે બનાવેલા અથાણા વિસરાતા સુર જેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય પણ  અથાણા માટે હોટલો અને ગૃહઉદ્યોગો માટે ઈશ્વરીય અવતાર છે .
જયાં સુધી કચુંબર, રાયતા, અથાણા થાળીમાં દેખાતા રહેશે ત્યાં સુધી આપણે ભાષા કે સંસ્કૃિતની ફિકર કરવાની જરાય જરુર નથી.

ખોંખારો : કચુંબર , રાયતા અને અથાણાની  કસોટી 'સમય'  છે.કચુંબર વાસી, રાયતુ ખાટું અને અથાણુ કાળુ થઈ જાય છે .




PUBLISHED IN MUMBAI SAMACHAR, 08/09/2016,લાડકી પુર્તિ, "મરક મરક " 
 તસવીક સૌજન્ય : ગુગલ . 

Thursday, September 1, 2016

યે જિંદગી કે મેલે ...

         ચોમાસાની જેમ મેળાઓ પણ ફૂલ ફોર્મમાં છે.ભારતીય તહેવારોની ખાસિયત છે કે તહેવાર સાથે મેળા આંગળિયાતની માફક સાથે જ આવે. ઘણીવાર ક્રિકેટમાં આપણા બેટ્સમેન ' તું જા હું આવું છું' ની નીતિને ચુસ્તપણે વળગી રહીને ફટાફટ તંબુભેગા થતા હોય છે બિલકુલ એમ જ  ચોમાસામાં આવતા તહેવારો ય હજુ તો એક જાય જાય ત્યાં બીજો તૈયાર જ હોય ! ભલે આપણે સ્કુલમાં  નિબંધોમાં એમ લખ્યું હોય કે મેળા અને તહેવારો જીવનની એકવિધતા તોડવા જરુરી છે પણ હકીકતમાં આપણા પુર્વજોએ દુરંદેશી વાપરીને તહેવાર અને મેળાને  એકબીજા માટે મસ્ટ થિંગ કરી દીધા જેથી ભવિષ્યમાં જાહેર જનતા તહેવાર સમયે  મળતી રજાઓમાં  મેક્સ ટીવી પર ' સુર્યવંશમ્ " ફિલ્મના ત્રાસથી બચી રહે. 

    વરસો પહેલા મેળો એટલે મનનાં માણીગરને ખુલ્લેઆમ બિનદાસ્તપણે એક ઝલક જોવાનો અવસર. ' મેળો ' શબ્દનું ઉદ્ભવ સ્થાન  'મિલન'  છે. અવિનાશ વ્યાસ રચિત  ' ચરર ચરર મારું ચકડોળ ચાલે....' ગુજરાતના મેળાઓનું રાષ્ટ્રીય ગીત રહ્યું છે. લગભગ દર ત્રીજા સ્ટોલ પર આ ગીત વગાડવું અનિવાર્ય ..રંગબેરંગી પારંપરિક વસ્ત્રોથી મેળો દીપી ઉઠતો.સ્ટોલના નામે નાની નાની હાટડી જોવા મળતી. જેમાં ગ્રામ્ય વિસ્તારના રહીશોને પરવડે એવી કિંમતની વસ્તુઓ મળતી. આ વસ્તુઓમાં જીવન જરુરિયાતની વસ્તુઓ મોખરે રહેતી. મેળા મોટાભાગે નદીકિનારે યોજાતા એટલે પાણીની સમસ્યા ન નડે. હજુ ય ઘણાં મેળા નદીકિનારે યોજાય છે પણ નદીમાં પાણીના નામે નાનો વહેળો હોય તો એવા સંજોગોમાં પાણી ભરેલાં ટેન્કર  પણ મેળામાં દેખાતા થયા છે. સમય બદલાતા મેળાનું સ્વરુપ પણ બદલાયું અને મેળાો આધુનિક બન્યો. ને હાટડીઓ પર જીવન જરુરિયાતની વસ્તુઓ હાંસિયામાં ધકેલાઈ ને મોજશોખના સાધનોનું વર્ચસ્વ વધ્યુ. ને મેળામાં ઝમકુડીઓ પરંપરાગત વસ્ત્રોને બદલે 'સુધરેલા' કહેવાય એવા કપડાં,  મેક અપ ઠઠાડીને કેડીયું ચોયણીને  બદલે ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જાય એવું  જીન્સ ને સલમાન ખાનના ચિત્રવાળું  ' બીઈંગ હ્યુમન ' નું ટી-શર્ટ પહેરેલા રઘલા સાથે મોબાઈલ પર નૈનમટક્કા કરવા લાગી.જે મેળાઓ વિષે કોઈને ખબર સુધ્ધાં ન હતી એ મેળાઓ મેળાના  મુલાકાતીઓને બદલે ફોટોગ્રાફર્સથી છલક છલક થવા લાગ્યા છે.ફોટોગ્રાફરોને આખા વરસના મેળાઓનું ટાઈમ ટેબલ લગભગ મોંઢે જ હોય.   

     જ્યારે જમાનો આજના જેટલો અાધુનિક ન હતો ત્યારે પરણવા લાયક છોકરો છોકરી ઘરમાંથી લગ્ન ગોઠવાયેલા હોય તેમ છતાં  એકબીજાને છૂટથી મળી શકે એવી કલ્પના ય કરવી ય અઘરી હતી ત્યારે ઘરના વડીલોએ પોતાને વીતી હોય એ બાળકોને ન વીતવી જોઈએ એવી  વાત્સલ્યસહજ ભાવનાથી દીકરી હોય તો બેનપણીઓ અને દીકરો હોય તો ભાઈબંધો સાથે મેળામાં જવા દેવાનું ઉદાર વલણ રાખતાં. કોઈવાર આવા મેળાઓના પ્રતાપે જ ચોક્ઠા ગોઠવાતા. ' હું તો ગઈ તી મેળે.. મન મળી ગયું એની મેળે મેળામાં...' અનુસાર એવી માન્યતા આગુ સે ચલી આ રહી હૈ કે મેળાને લીધે ઝાઝી લપ્પન છપ્પન વિના એની મેળે જ મન મળી જાય છે આથી  જીવનસાથી પસંદ કરવા માટે જે સંમેલનો થાય એને  જીવનસાથી પસંદગી' મેળા' નું નામ આપવાથી બધું સમુસુતરુ પાર પડી જશે . એ ય ને કોઈ માથાકુટ જ નહીં . બધું એની મેળે જ ગોઠવાઈ જાય.
મેળા માત્ર તહેવારો સમયે જ થાય એવું જરુરી હવે રહ્યું નથી.  વિદ્યાર્થીઓ માટે વેકેશન તહેવાર જ છે . કારણકે ભાર વિનાના ભણતરની ભારે  ભારે જાહેરખબરો કાગળ પર જ રહી જવા પામી છે . ભણતરનો ભાર તો એટલો ને એટલો જ કદાચ વધારે ય થયો હશે. એટલે જેવું વેકેશન પડે કે જુદા જુદા આનંદમેળાઓ યોજાવા માંડે. બકરીને હલાલ કરતા પહેલા તાજીમાજી કરવામાં આવે અેમ કેટલાંક મેળાઓ તો શાળા ખુલે ત્યાં સુધી ચાલે. વિદ્યાર્થીઓ નવું ભણવાનું શરુ કરે ત્યારે તો આનંદમાં રહેવા જ જોઈએ. અત્યંત ઉદ્દાત ભાવના! મેળો શહેરી હોય કે ગામડાંનો, રાઈડ્ઝ બધે એકસરખી જ હોય.એ રીતે કમ સે કમ રાઈડ્ઝ પુરતી એકતા ખરી!  
    લોકસભા -વિધાનસભાની ચુંટણીઓ આવે એટલે જે સભા સરઘસ થાય એ મેળાનું રાજકારણીય સ્વરુપ છે. રાજકારણીઓ માટે ચુંટણી તહેવાર સમાન જ છે. સામાન્ય રીતે મેળામાં હોય એવી રાઈડ્ઝ કે ચકડોળ આ મેળાઓમાં નથી હોતી. આ મેળાઓમાં એ  દેખાતું ન હોવા છતાં ય વગર ચકડોળે જનતાને ઉપર નીચે ઘુમાવવાની નેતાલોકને જબરી ફાવટો હોય છે ને એની એ લોકો મઝા ય સારી પેઠે માણતા હોય છે. અવિનાશ વ્યાસને કલ્પના ય નહીં હોય કે એમનું " ચરર ચરર મારું ચકડોળ ચાલે..." ભવિષ્યમાં  કેટકેટલી રીતે અવિનાશી બની રહેવા સર્જાયું છે! આ આભાસી ચકડોળમાં ફરક એટલો હોય છે કે એમાં બેસનાર કરતા ઘુમાવનારને વધુ મઝા આવે છે. 
       વીસમી સદીના અંત સુધી જે ગુજરાતી ફિલ્મો આવી એમાં મેળાનો  આઈટમ સોંગ જેવો ઉપયોગ થતો. ફિલ્મમાં મેળો હશે તો લોકો મેળાના બહાને ય ફિલ્મ જોવા આવશે એવી ગણતરી હોય એમ પણ બને. જુની  હિન્દી ફિલ્મોમાં ય મેળાઓનો રોલ સારો એવો રહેતો. એમાં ય 'ઝુમકા ગિરા રે બરેલી કે બજાર મેં..' ગીતે તો જબ્બર ધુમ મચાવેલી. સ્વ. ઈંદિરા ગાંધી ૧૯૭૭માં બરેલી મતવિસ્તારમાં લોકસભાની ચુંટણી હાર્યા ત્યારે આ ગીત લોકપ્રિયતામાં અવ્વલ આવેલું. 
       'મેળો' શબ્દ હવે સંકુચિત ન રહેતા વ્યાપક બન્યો છે. વિવિધ ટ્રેડ ફેર, વૌઠાનો ગધેડાઓનો મેળો , પુષ્કરનો ઊંટનો મેળો એના દાખલા છે.વચ્ચે એક ઊંટનું સ્ટેટસ અપડેટ ફોટોગ્રાફરોમાં વાઇરલ થયેલું. : ' ફિલીંગ એક્સાઈટેડ.. પુષ્કર ફોટોગ્રાફર્સ ફેર, હીઅર આઈ કમ' કોઈ  એક જ વસ્તુનું વેચાણ એક જ સ્થળ પર થતું હોય  એને ય હવે જે-તે વસ્તુનો મેળો નામ અપાય છે. તો વળી ઓટલા પરિષદોનું વર્ચયુઅલ સ્વરુપ સમુ ફેસબુક કે અન્ય સોશિયલ સાઈટ્સ સામાજિક મેળા જ છે.સો વાતની એક વાત. મેળો એટલે મઝા. 
.
ખોંખારો: આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
(- રમેશ પારેખ)


-DESAI SHILPA 

( Published in Mumbai Samachar,01/09/2016 thursday લાડકી, "મરક મરક " )